અલી અકબર-વાટે…ઘાટે

અલી અકબર: અખબારો વેચનાર યુરોપનો છેલ્લો ફેરિયો:

                                   અખબાર વેચતા એક ફેરિયાનું જીવનના પાછલા તબક્કામાં સન્માન ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કરવામાં આવે તે અસાધારણ ઘટના છે. આવા અહેવાલો જોઈએ તેટલા પ્રસિદ્ધિને પામતા નથી તે આપણી વ્યવસ્થાની ખામી છે. ફ્રાન્સમાં બની તેવી ઘટનાઓ ભાગ્યે જ બને છે. અખબારની સફળતા કે નિષ્ફળતામાં તેનું સમયસર તથા નિયમિત વિતરણ કરનારનો મહત્વનો રોલ છે. આથી આ છાપાઓ વહેંચવા નીકળતા ફેરિયાઓ આપણી શાબાશીને પાત્ર છે. Digital યુગમાં અખબાર વેચતા આ ફેરિયાઓનું કેવું અને કેટલું મહત્વ રહેશે તે કહેવું મુશ્કેલ છે. આ ભૂમિકામાં ફ્રાન્સના પ્રમુખ તરફથી છાપાના ફેરિયાને દેશના ઉચ્ચ સન્માનથી નવાજવામાં આવે તે વિસ્મયકારક છતાં ગૌરવશાળી લાગે છે. પાકિસ્તાનમાં જન્મ લઈને લાંબા વર્ષોથી ફ્રાન્સમાં રહીને કામ કરનાર અલી અકબરની આ કથા છે. ૭૩ વર્ષના અલીનું જીવનના અનેક વર્ષો સુધી અખબારના ફેરિયા તરીકે કાર્ય કરવા માટે સન્માન થાય છે. આ એક રસપ્રદ ઘટના છે. જે રાષ્ટ્રીય સન્માન અલીને મળે છે તે સામાન્ય રીતે મોટા પાયા ઉપર સમાજસેવા કરનાર કે નિવૃત્ત સેના-નાયકોને મળતું હોય છે. ફેરિયાઓની સમગ્ર વ્યવસ્થા આજે હવે પુરી થઇ છે અથવા ઝડપથી ઓછી થઇ રહી છે. આ સંજોગોમાં એક ફેરિયાને આવું સન્માન મળે તે નોંધપાત્ર ઘટના છે. એક લુપ્ત થતી વ્યવસાયિક વ્યવસ્થાનો અલી છેલ્લો મશાલચી છે. યુરોપ-અમેરિકામાં છાપ વેચનારા ફેરિયા જોવા મળતા નથી. આપણાં દેશમાં જો કે આ પ્રથા હજુ પણ ચાલુ છે. જો કે અખબારો વાંચવાની રૂઢિથી બંધાયેલી પેઢી ક્રમશઃ ઓછી થતી જાય છે. આથી એક સ્મૃતિ શેષ બની રહેનારા વ્યવસાયના છેલ્લા મશાલચીનું સન્માન કરવાનો ફ્રાન્સની સરકારનો નિર્ણય પ્રશંસાને પાત્ર છે. આવો નવતર વિચાર કરનાર દેશના લોકો તરફ આપણું સન્માન વધે તો તેમ થવું સ્વાભાવિક છે. સન્માન મેળવનાર માટે તો આ સન્માનની ઓફર જીવતરને હર્યું ભર્યું કરે તેવી છે. આપણે આવા સામાન્ય ગણાતા કામો કરનાર ‘અદના આદમી’ને શાબાશ કહીએ તો તેમાં સમાજની સ્વસ્થતાનું દર્શન થાય છે. ફ્રાન્સની સરકાર દ્વારા અધિકૃત રાજ્ય ફરમાનમાં જણાવવામાં આવ્યું છે કે “અકબરને તેના સમર્પિત અને સ્થિર કામ માટે national merit of order “થી સન્માનવામાં આવશે. અલીએ છાપાની ફેરી કરવાનું કામ ૧૯૭૩માં શરુ કર્યું હતું. હવે આજે તેની ગણના ફ્રાન્સના કે યુરોપના છેલ્લા ફેરિયા તરીકે થાય છે. કારણ સ્પષ્ટ છે: વિકસિત તથા વિકસતા દેશોમાં પણ અખબારો વાંચનારો યુવાન વર્ગ ઓછો છે. જે યુવાનો અખબારો વાંચે છે તેઓ પણ online વાંચે છે. અલી પાકિસ્તાનના રાવલપિંડી શહેરનો છે. ૧૯૭૩થી એ ફ્રાન્સમાં રહે છે. આટલા વર્ષો પછી પણ તેને ફ્રાન્સનું નાગરિકત્વ મળ્યું નથી. અલીને ઊંડે ઊંડે પણ આશા છે કે આ એવોર્ડ મળ્યો તેથી પણ તેને ફ્રાન્સનું નાગરિકત્વ મળી જશે. યોગાનુયોગ ફ્રાન્સના હાલના રાષ્ટ્રપતિ મેક્રોન પણ યુનિવર્સીટીમાં ભણતા હતા ત્યારે અલી પાસેથી અખબાર ખરીદતા હતા. આ પણ એક અસામાન્ય યોગાનુયોગ છે. ડિજિટલ યુગનો પડકાર ઝીલીને અલીએ આ પરંપરા ટકાવી રાખી તે તેની સિદ્ધિ છે. ફ્રાન્સમાં ૨૦૧૫માં જયારે ‘charlie hebdo ‘ સામાયિક પર હુમલો થયો ત્યારે આ સનસનીખેજ જેવી ઘટના વિદ્યાર્થીઓ સુધી ઝડપથી પહોંચે તે માટે અલીએ થાક્યા વગર અખબારોની નકલો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી. પાકિસ્તાનથી ૧૯૭૪માં તે પેરિસ આવ્યો ત્યારે શરૂઆતમાં તે રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે કામ કરતો હતો. અલી કહે છે: મને લાગે છે કે લોકો હજુ પણ પેપર વાંચવાનું પસંદ કરે છે. કારણ કે તેનો સ્પર્શ અને સુગંધ એક અલગ અનુભૂતિ આપે છે. અલી રોજ સવારે ૪:૩૦ કલાકે જાગીને પોતાની સાઇકલ પર અખબારોને વિતરણ કરવાનું શરુ કરે છે. કેટલાક ગ્રાહકો તેની આ નિયમિતતા પર આફરીન છે. શહેરમાં રહેનારા એક ભાઈ કહે છે: અલી આપણો પાડોશી નથી પરંતુ તે દરેકના ઘરની દીવાલ બહાર ઉભો હોય તેમ લાગ્યા કરે છે.” ૫૦ વર્ષથી પેરિસ નગરની પ્રભાત ફેરી કરતો આ ફેરિયો હવે વિશ્વના અનેક ભાગોમાં જાણીતો થયો છે. આપણાં સમાજ જીવનમાં મહત્વની સેવાઓ આપીને સામાન્ય વેતન મેળવનાર આવા અનેક સેવકોનું મહત્વ સમજવામાં તેમજ તેમની પ્રસંગોપાત પ્રશંસા કરવાનું સામાન્ય રીતે આપણને યાદ આવતું નથી. પરંતુ આ નાની સેવાઓ આપનાર વ્યક્તિઓનું એક મોટું યોગદાન આપણી સુવિધામાં વધારો કરવાનું છે. આપણે ત્યાં પોસ્ટકાર્ડ વગેરે Postal Services નો દબદબો ઘણાં વર્ષો સુધી રહ્યો. ગાંધીજીના સમગ્ર જીવનમાં તેમનો પત્રવ્યહાર ચાલ્યો. આ પત્રોના વિતરણનું કાર્ય  કરતા Postman નું એક મહત્વ હતું. Post નું વિતરણ કરનાર Postman કે ફેરિયાનું એક આગવું સ્થાન આપણાં સામાજિક જીવનમાં છે. મરિયમના કાગળની રાહ જોતો અલીડોસો સતત તેની રાહ જોતા જોતા જીવનના છેલ્લા શ્વાસ લે છે. આજે postal service નબળી પડતાં આપણે સૌએ કુરિયરની મોંઘી સેવાનો ઉપયોગ કરવો પડે છે. ફ્રાન્સના સન્માનિત ફેરિયો અલી આ ઉજળી પરંપરાના એક મહત્વના અંગ સમાન હતો. ફેરિયાઓને આપવામાં આવતું વળતર તેમના માટે શોષણરૂપ બનવું જોઈએ નહિ. તેમનું પોષણ કરીને આ વ્યવસ્થાને ટકાવી રાખીએ. આપણાં કાળઝાળ ઉનાળાની બપોરે ચીજ વસ્તુ કે post પહોંચાડનાર શ્રમજીવીને ઠંડા પાણીની પણ ઓફર કરી શકીએ તો જીવતરની સુષ્કતા ઓછી થશે. આ પ્રયોગ કરવા જેવો છે.

“માણસ ભાળીને અમથું અમથું

આપણું છલકે વહાલ એ મકરંદી

મિઝાઝના શબ્દો જીવતરને શણગારે તેવા છે.

વસંત ગઢવી

તા. ૫ જાન્યુઆરી ૨૦૨૬

Leave a comment

Blog at WordPress.com.

Up ↑