પ્રવીણભાઈ લહેરી-સંસ્કૃતિ

:લોકાભિમુખ વહીવટનું સામર્થ્ય: પ્રવીણભાઈ લહેરી:

         સરકારનું સમગ્ર તંત્ર એક વ્યવસ્થા ઉપર ચાલે છે. વ્યવસ્થાનું આ માળખું જેટલું મજબૂત હોય તેટલું વિશેષ અસરકારક બને છે. સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિને કારણે બ્રિટિશ અમલદારો સાથે આ વહીવટનું માળખું સ્વીકારવાનું નક્કી થયું. સરદાર સાહેબ બરાબર સમજતા હતા કે લગભગ બે સદીથી ચાલ્યું આવતું બ્રિટિશ અધિકારીઓએ ઉભું કરેલું માળખું પંદરમી ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે ફેંકી દઈએ તો લાભ કરતા નુકશાન વિશેષ થાય. આથી તે સમયે કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓની અસંમતિ છતાં સરદાર સાહેબ આ still frame  structure ને આઝાદ હિન્દુસ્તાનમાં કાયમ રાખવા માટે લોકસભાની સંમતિ મેળવી શક્યા.  પરિણામે દેશ આઝાદ થયો ત્યાર બાદ કોઈ વહીવટી શૂન્યાવકાશ ઉભો થયો નહિ. All India Service  ના અધિકારીઓને કામ કરવાની સ્વતંત્રતા તેમજ બંધારણીય રક્ષણ બંને મળ્યા. કેટલીક ક્ષતિઓ હતી તો પણ આ વહીવટી માળખાને પોતાની એક આંતરિક શક્તિ હતી. આથી તેને અપનાવીને ચાલુ રાખવાનો સરદાર સાહેબનો નિર્ણય દીર્ઘદ્રષ્ટિયુક્ત અને સમયસરનો હતો. લહેરીસાહેબનું અનુસંધાન જયારે આ વહીવટી માળખાની ઐતિહાસિક પૂર્વભૂમિકા સાથે જોડીએ તો સમજાય છે કે તેમણે આ સમૃદ્ધ પરંપરાને પોતાની નિષ્ઠા તથા સૂઝથી વિશેષ ગૌરવાન્વિત કરી છે.

               દેશના કેટલાક રાજ્યો તેના સુચારુ વહીવટ માટે જાણીતા છે. ગુજરાતનો સમાવેશ હંમેશા તેના અગ્રભાગે થાય છે. અનેક કારણોસર આમ થયું હશે તે સ્વાભાવિક છે. અન્ય તમામ કારણો સાથે ગુજરાતને મળેલું મજબૂત તથા લોકહિતના ધ્યેયને નજર સમક્ષ રાખીને પાંગરેલું રાજકીય નેતૃત્વ ગુજરાતના સાર્વત્રિક વિકાસ માટે દિશાદર્શક બન્યું છે. આ સાથે જ ગુજરાતને મળેલા અનેક નાના કે મોટા અધિકારીઓએ નિષ્ઠા તથા ownership ની ભાવનાથી નિભાવેલી ફરજોને કારણે ગુજરાત એક growth engine તરીકે ઓળખાય છે. લહેરી સાહેબ જેવા અધિકારોએ જાત નીચોવીને ગુજરાતના ઉત્થાનની ઉડાનને દિશા અને ગતિ આપ્યા છે. લહેરી સાહેબ જેવો અને જેટલો સમાજનો અને શાસકોનો સ્નેહ તથા આદર મેળવનારા ઓછા લોકો આપણે જોયા છે. આઠ દાયકાનું તેમનું જીવન પરિણામલક્ષી કર્મઠતાનું જ્વલંત ઉદાહરણ છે.

            દેશ આઝાદ થયો ત્યારબાદ વહીવટનો ઢાંચો આપણને મોટાભાગના બ્રિટિશ અધિકારીઓ તરફથી મળ્યો. કાયદાઓ પણ સ્વાભાવિક રીતે જ અગાઉથી જ ચાલતા હતા તેનો અમલ શરુ થયો. કલેક્ટરની મજબૂત સ્થિતિના કેન્દ્ર સાથે જિલ્લાઓનો વહીવટ ગોઠવાયો. એ વાત અલગ છે કે ભાવનગર-ગોંડલ તથા વડોદરા રાજ્યની કેટલીક શાસન પ્રથાઓ બ્રિટિશ સરકાર કરતા પણ વધારે પ્રગતિશીલ તેમજ લોકાભિમુખ હતી. રાજ્યોની રચના થયા પછી મહદંશે રાજ્યને મળેલા નેતાઓ કે રાજ્યને હિસ્સે આવેલા અધિકારીઓ વહીવટને કેટલો લોકાભિમુખ બનાવીને વહીવટ કરી શક્યા તે દરેક રાજ્ય માટે અલગ અલગ સ્થિતિ હતી. ગુજરાત તેમજ જુના સૌરાષ્ટ્ર રાજ્યની વાત કરીએ તો અહીં નેતાઓની દ્રષ્ટિએ કેટલાક ઉત્તમ આગેવાનો મળ્યા અને વહીવટ પારદર્શક રીતે કર્યો. ઢેબરભાઈથી માંડીને બા. જ. પટેલ સુધીના અનેક નેતાઓ સ્મૃતિમાં આવે છે. નેતાઓની આ ઉજળી પરંપરા આજે પણ સદ્ભાગ્યે બરકરાર રહી છે. આ બાબત અધિકારીઓને પણ લાગુ પડે છે. સૌરાષ્ટ્ર સરકારે કરેલા જમીનોના સુધારાત્મક કાયદાઓ અભ્યાસુ તેમજ પ્રભાવશાળી અધિકારીઓ સિવાય થઇ શક્યા ન હોત તે સ્પષ્ટ છે. આવા ભવિષ્યને અસરકર્તા એવા દીર્ઘદ્રષ્ટિયુક્ત કાર્યોમાં જ લહેરી સાહેબે સરદાર સરોવર યોજનાના કામો પુરા કરવા માટે કરેલો અથાક પરિશ્રમ સ્મૃતિમાંથી ખસે તેવો નથી. નર્મદા પ્રોજેક્ટે અનેક ઉતરાવ-ચઢાવ જોયા છે. શરૂઆતના તબક્કે જયારે વર્લ્ડ બેંકે પ્રોજેક્ટને નાણાકીય મદદ કરવામાંથી હટી જવાનો નિર્ણય કર્યો ત્યારે એ મોટો પડકાર હતો. સામાન્ય રીતે ભારત જેવા હરણફાળ ભરતા દેશ સામે શીંગડા ભરાવવા માટે અનેક દેશ-વિદેશના પરિબળો એકઠા થાય તે અવગણી શકાય તેવી હકીકત નથી. આવી ખંડનાત્મક પ્રવુત્તિને વેગ આપનારા ઘણાં લોકોને ગુજરાતે જોયા છે. પુનઃવસનના પ્રશ્નને પણ કેટલીક વખત વિકૃત સ્વરૂપ આપી દેશ-વિદેશના બૌદ્ધિકોને ભ્રમિત કરવાનો પણ પ્રયાસ થયો હતો. આ બાબતમાં મારો અંગત અનુભવ પણ છે જે આ સંદર્ભમાં સ્મૃતિમાં આવે છે. મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલની સૂચનાથી તત્કાલીન મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ હરિભાઈ પટેલ સાથે ચર્ચા કરીને કચ્છના ધરતીકંપ તેમજ સરકારની કામગીરી બાબતે એક ઉત્તમ કક્ષાની ફિલ્મ બનાવવાની વિચારણા થઇ હતી. આ માટે ગુલઝારનો સમય લઈને મુંબઈ તેમને મળવા જવાનું થયું હતું. ફિલ્મ વિશે વાતચીત કર્યા બાદ ગુલઝાર સાહેબે સહજ રીતે જ કહ્યું કે નર્મદા પ્રોજેક્ટના વિસ્થાપિતો માટે પૂરતી સવલત થઇ નથી તેવી તેમની છાપ છે. આ બાબતમાં થોડી સમજાવટ કર્યા પછી તેમને થોડો સંતોષ થયો હોય તેમ લાગ્યું. પરંતુ આ બતાવે છે કે એક નોંધપાત્ર વર્ગ તરફથી હકીકતોને તોડી-મરોડીને દેશભરમાં રજુ કરવાનો આયોજિત પ્રયાસ થયો હતો. દરેક મુખ્યમંત્રીશ્રીઓ તથા રાજ્યપાલશ્રીની પણ અંગત વગ કે સંપર્કોની મદદ લઈને લહેરી સાહેબે નર્મદા યોજનાને સતત ગતિશીલ રાખી. ગુજરાતની lifeline સમાન યોજનાના અમલીકરણમાં લહેરી સાહેબે જીવનનું જોમ સીંચીને કામ કર્યું તેમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

           અધિકારીઓના મોટા વર્ગમાંથી કેટલાક લોકો નાગરિક સમાજ-civil society થી અતડા રહેતા હોય છે. આવા કારણસર તેઓ લોકવિશ્વાસ ઉભો કરી શકતા નથી. લોકસંપર્કની કુશળતા માટે કદાચ લહેરીસાહેબ જેવા ઉદાહરણો ભાગ્યે જ મળે તેમ કહી શકાય. વહીવટ પ્રક્રિયાને અવગણ્યા સિવાય લોકોનું onboarding કરવામાં લહેરી સાહેબ પાસેથી સૌએ શીખવા જેવું છે. સરકારી અધિકારીઓ પોતાના જ મર્યાદિત વર્તુળમાં રહીને કામ કરે તો લોકકલ્યાણના કાર્યોમાં ગતિ નહિ આવે. આથી લહેરી સાહેબ જેવા અભિગમને અપનાવીને સરકારી કામમાં સંતોષ તથા સફળતા બંને મળી શકવાની પુરી શક્યતા છે. નિવૃત્તિ બાદ અનેક પ્રવૃત્તિઓમાં સક્રિય પ્રવીણભાઈ લહેરીને સ્વસ્થતા માટેની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવી ગમે છે.

 વસંત ગઢવી

તા. ૨૬ ડિસેમ્બર ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑