ઈન્દુકુમાર જાની: એક અખંડ સંવેદનશીલ જીવન:
ઘણાં વર્ષો પહેલા રાજ્ય સરકારની કામગીરીના ભાગ રૂપે સુરતમાં કાર્ય કરવાનું થયું. તે વખતે સુરત જિલ્લો અવિભાજિત હતો. આજે આ જિલ્લો બે જિલ્લામાં વિભાજીત થયો છે. નવા જિલ્લામાં (તાપી જિલ્લો) વ્યારા મુખ્ય મથક છે. સુરતના પ્રમાણમાં વિકાસની દ્રષ્ટિએ પાછળ ગણાતાં હતા તેવા ઉચ્છલ-નિઝર-સોનગઢ વગેરે તાલુકાઓનો વિસ્તાર હવે નવા જિલ્લા સાથે જોડાયેલો છે. બૃહદ સુરત જિલ્લાના છેવાડાના તાલુકાઓમાં જિલ્લા કલેક્ટર તરીકેની કામગીરીના સંદર્ભમાં જવાનું ગમતું હતું. તે સમયે સુરતની ઝાકઝમાળ જોઈને અનેક લોકો ‘આ જિલ્લો સમૃદ્ધ છે’ તેવા વાક્યો સ્વાભાવિક રીતે જ ઉચ્ચારતા હતા. આવું તારણ કાઢીને કોઈ સમૃદ્ધ જિલ્લો હોવાની વાત કરે ત્યારે મનમાં એ વાતની સતત પ્રતીતિ થતી હતી કે આ વિધાન વાસ્તવિક નથી. આમ થવાનું ખાસ કારણ હતું. ઉચ્છલ કે નિઝરના કોઈ ગામમાં તે સમયે (ત્રણ દાયકા પહેલા) જવાનું થતું ત્યારે હંમેશા ત્યાંના મોટા ભાગના લોકોની આર્થિક સ્થિતિ જોઈને તેમ જ શિક્ષણ તથા આરોગ્યની પ્રાથમિક સુવિધાઓનો મહદંશે અભાવ જોઈને અફસોસ થતો હતો. જિલ્લાના હેડક્વાટરની સમૃદ્ધિનો એક નાનો ટુકડો પણ આ આદિવાસી ક્ષેત્રમાં પહોંચ્યો હોય તેમ લાગતું ન હતું. રાજ્ય સરકારના આરોગ્ય કેન્દ્રમાં તબીબો અને આરોગ્ય કર્મચારીઓની અછત ઉડીને આંખે વળગે તેવી હતી. રસ્તાઓ ઉબડખાબડ હતા. કોઈ પ્રસૂતા બહેન-દીકરીને ઝોળીમાં નાખીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવતા હતા. શાળાઓમાં મોટાભાગે શિક્ષકોની અછત હતી. શાળાના મકાનોની સ્થિતિ દયનિય હતી. જિલ્લાની મૂળભૂત સુવિધાઓ પુરી પાડવાની જવાબદારી સરકારના તંત્ર પર હતી. એ તંત્રના જ એક મહત્વના મણકા તરીકે મનમાં દોષભાવ પણ ઘૂંટાતો હતો. આ બધી વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ જીવન પરત્વેનો આ આદિવાસી ભાઈ-બહેનોનો અભિગમ અચરજ પમાડે તેવો હતો. ગામમાં બેસીને લોકોને મળવાનું થતું હતું. કોઈક સમયે રાત્રી રોકાણ કરીને ડેમના વિશાળ જળરાશીની સાક્ષીએ લોકો સાથે વાતચીતનો દોર ચાલતો રહેતો હતો. લોકો ધીમા તથા વિવેકના લહેકા અને થોડા શબ્દોમાં પોતાની વાત કરતા રહેતા હતા. તેમને પડતી નાનીનાની અગવડોનો ઉપાય પણ તંત્ર માટે અઘરો ન હતો. આવી વિષમ સ્થિતિમાં પણ લોકોને પૂછતા કે શું તકલીફ છે તે જણાવો. તેમનો જવાબ સાંભળીને તેમના તરફનો આદર વધતો હતો. તેઓ લગભગ આ મતલબનું કહેતા: “સાહેબ, તકલીફ ની મલે. આ થોડું ઘણું શાળા-દવાખાનાનું કામ ઠીક થાય તો ઘણું છે.” કોઈ અસાધારણ આત્મસંતોષનો ભાવ તેમના ઉચ્ચારણોમાં દેખાતો હતો. તેમને સંપૂર્ણપણે જાણ હતી કે તેમને મેળવી જોઈતી સુવિધાઓ અપૂરતી છે. છતાં રજૂઆતની આ સ્વસ્થતામાં નાના લોકોની મોટાઈ જોવા મળતી હતી. મેઘાણી જેમને પ્રકાશમાં લાવ્યા તે સામાન્ય જનની અસામાન્યતાનું નજરોનજર દર્શન થતું હતું. સુરતની સમૃદ્ધિનો પ્રવાહ અહીં પહોંચ્યો ન હતો. રાજ્ય કે દેશમાં કોઈ જગાએ સમૃદ્ધિનું નિર્માણ થશે તો ‘પરકોલેશન થિયરી’ મુજબ તેનો લાભ ગ્રામ્યસ્તરે પહોંચશે તેવો અગાઉના આયોજન પંચનો ખ્યાલ વાસ્તવિકતાથી દૂર હતો. ગાંધી-વિનોબાના પ્રયોગોની અસરકારકતા આપણાં વહીવટકર્તાઓ કદાચ સમજી શક્યા ન હતા. આ વાત ત્યારે અને આજે પણ કેટલાક કિસ્સાઓમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આવી સ્થિતિના સંદર્ભમાં જ ખેતીબેંકના ચળવળીયા નેતા ઇન્દુભાઇને એક વખત વંચિતોના બેલી ઝીણાભાઈ દરજી કહે છે: “તમે વ્હાઇટ કોલરવાળા કર્મચારીઓને લાભો અપાવવા ચિંતા કરો છો, આંદોલનો કરો છો તો મારી સાથે તમે ચાલો. તમને ખ્યાલ આવે કે ખરી ચિંતા કોના માટે કરવાની જરૂર છે.” ઝીણાભાઈનું કમિટમેન્ટ અને વ્યારા વિસ્તારના આદિવાસીઓની સ્થિતિ નજરોનજર નિહાળીને ચળવળીયા નેતા ‘જાનીભાઈ’ એક વિશાળ વર્ગની વેદનાની અંતરના ઊંડાણથી અનુભૂતિ કરી શક્યા. રસ્કિનને વાંચીને બેરિસ્ટર ગાંધી ફિનિક્સ વસાહતમાં ઐતિહાસિક પ્રવેશ કરે છે અને દુભાયેલા-કચડાયેલા વર્ગના કામ તરફ સભાન બને છે. આવી જ ઘટનાનું પુનરાવર્તન અહીં ઇન્દુભાઇના જીવનના અણધાર્યા વળાંકમાં જોવા મળે છે.
જીવનનો છેલ્લો શ્વાસ લીધો(૧૮-૦૪-૨૦૨૧) ત્યાં સુધી ઈન્દુભાઈ વંચિતોના વાણોતર થઈને જીવ્યા. સતત ઝઝૂમતા રહ્યા.
જાહેર જીવનની જેમ વ્યક્તિગત જીવનમાં પણ ઈન્દુભાઈ પોતાને સાચી લાગે તે વાત પર હંમેશા મક્કમ રહ્યા. તેમના રંજનબહેન સાથેના લગ્ન તે પણ આ વાતનો પુરાવો છે. એ સમય હતો કે જયારે પરજ્ઞાતિમાં થયેલા લગ્નને કુટુંબ કે સમાજ તરફથી આવકાર મળતો ન હતો. ઘણીવાર આવા લગ્નોનો તીવ્ર વિરોધ પણ થતો હતો. ઇન્દુભાઇના રંજનબહેન સાથેના લગ્ન આ વાતના એક ઉદાહરણ સમાન છે. ઇન્દુભાઇના ઘેરથી જ્ઞાતિ વિશેના એક રૂઢિચુસ્ત ખ્યાલને કારણે આ લગ્ન સામે વિશેષ વિરોધ હતો. જો કે ઈન્દુભાઈ તથા રંજનબહેનના વ્યવહારથી આ લાગણી ક્રમશઃ ઓછી થઇ. સરવાળે ઇન્દુભાઇનો આ નિર્ણય ઉચિત હતો. તેનો સ્વીકાર થયો. કહેવાતા સામાજિક મૂલ્યો સામે પોતાના સ્વાતંત્ર્ય માટે લડવું તે અઘરી બાબત છે. ઇન્દુભાઇએ આ કરી બતાવ્યું. કડવાશ પણ ન રહી. જીવનના મહત્વના પડાવે વિવેકપૂર્ણ નિર્ણયને દ્રઢતાથી વળગી રહેવાની એક આંતરિક શક્તિ ઇન્દુભાઇમાં જોવા મળે છે. ‘નયામાર્ગ’નું પ્રકાશન થાય અને તેમાં સામાજિક બાબતોથી વિશેષ નિસ્બત ધરાવતા હોય તેવા વિચારકોના લેખો તેમાં છપાતા હતા. જેને આપણે main stream media કહીએ છીએ તેમાં આવી સામાજિક નિસ્બતની વિગત સંદર્ભ સાથે ભાગ્યે જ છપાય છે. આ સ્થિતિમાં ‘નયામાર્ગ ભૂમિપુત્ર’ કે ‘નિરીક્ષક’ જેવા સામાયિકની એક જરૂરિયાત રહે છે. વિચારભેદને પાંગરતો જોવો અને તેના પર ધ્યાન આપવું તે લોકશાહીની એક સ્વસ્થ પ્રણાલી છે. ‘મિલાપ’ પણ બંધ થયું તે ગમે તેવી વાત નથી. ‘નયામાર્ગ’ને ચાલુ રાખી શકાયું હોત તો તેનાથી સામાજિક વિચારવલોણાનું એક સબળ સાધન સમાજને ઉપલબ્ધ થઇ શક્યું હોત. ‘નયામાર્ગ’નું પ્રકાશન ગમે તે કારણોસર બંધ થવું તે આપણી સામુહિક ખોટ હતી. ઇન્દુભાઇની સ્મૃતિ હંમેશા દિલમાં રહેશે.
વસંત ગઢવી
તા. ૧૭ ડિસેમ્બર ૨૦૨૫
Leave a comment