દેશના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર-સંસ્કૃતિ

:દેશના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર:

                        વડોદરાનું વટવૃક્ષ તેની અનેક વડવાઈઓથી સમૃદ્ધ લાગે છે. રાજ્યનું આ સાંસ્કૃતિક નગર છે. પોતાના જમાનાથી આગળ એવા મહારાજા સયાજીરાવ ગાયકવાડ(ત્રીજા)નો શાસનકાળ એ વડોદરા રાજ્યની યશકલગી સમાન છે. વડોદરાના આ પ્રતિભાશાળી શાસકે વડોદરાના ગૌરવને વધાર્યું હતું. આ ઉપરાંત વડોદરા સાથે સંકળાયેલા અનેક પ્રતિભવન્તં વ્યક્તિઓમાં અરવિંદ ઘોષ, ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. જીવરાજ મહેતા, ઉસ્તાદ ફૈયાઝખાન તેમજ હમણાં સુધી આપણી વચ્ચે રહેલા સનત મહેતા તેમજ મકરંદ દેસાઈ જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે. હંસાબેન મહેતા પણ આ ઉજળી કડીનો એક મહત્વનો ભાગ છે. ગાયકવાડ રાજ્યના તમામ વિસ્તારમાં પ્રાથમિક કેળવણી મફત તેમ જ ફરજીયાત કરીને મહારાજે પોતાની દીર્ઘદ્રષ્ટિનું દર્શન કરાવ્યું હતું. માત્ર આવો કાયદો બનાવીને તેમાં ઇતિશ્રી માને તેવા આ શાસક ન હતા. આવા પ્રગતિશીલ પગલાંના ચુસ્ત તથા અસરકારક અમલીકરણ માટે પણ રાજ્યના તંત્ર મારફત વ્યવસ્થા ગોઠવી હતી. ‘ગામ ત્યાં ગ્રંથાલય’ જેવા મહત્વાકાંક્ષી વિચારને ભૂમિગત કરવા તેમણે દરેક ગામમાં લાઈબ્રેરીની સવલત ઉભી કરી હતી. રાજ્યમાં નમૂનેદાર યુનિવર્સિટીનું નિર્માણ તે આ સમગ્ર શૈક્ષણિક વિકાસનો એક મહત્વનો ભાગ હતો. ૧૯૪૯માં મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની સ્થાપના થઇ તેના સર્વ પ્રથમ વાઇસ ચાન્સેલર હંસાબહેન મહેતા હતા. ૧૯૪૯થી ૧૯૫૮ સુધી તેમણે યુનિવર્સીટીનો મજબૂત પાયો નાખવાનું કાર્ય કર્યું. ડો. આઈ. જી. પટેલ જેવા વિદ્વાન પણ કેમ્બ્રિજ યુનિવર્સીટીમાંથી ડોક્ટરેટ કરીને મ.સ. યુનિવર્સીટીમાં જોડાયા.

             હંસાબેન મહેતા (૧૮૯૭-૧૯૯૫)ને યાદ કરીએ ત્યારે તેઓ નારીશક્તિના એક ઉત્તમ ઉદાહરણ જેવા લાગે છે. ગુજરાતી ભાષાની સૌ પ્રથમ નવલકથા ‘કરણઘેલો’ કહેવાય છે. આ નવલકથા હંસાબેનના દાદા નર્મદાશંકર તુળજાશંકરે લખી હતી. હંસાબહેનના પિતા મનુભાઈ મહેતા પણ વડોદરા રાજ્યના દીવાન હતા. તેમની કાર્યદક્ષતા માટે જાણીતા હતા. હંસાબહેનના પતિ ડો. જીવરાજ મહેતાનો પરિચય તો ગુજરાતને આપવાનો હોય નહિ. જીવરાજભાઈ આપણા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા તે તો તેમની એક ઓળખ છે. તેઓ મહાત્મા ગાંધીના તબીબ હતા. ગુજરાત રાજ્યની સ્થાપના થઇ તે પહેલા બૃહદ મુંબઈ રાજ્યના તેઓ દીર્ઘકાલીન નાણામંત્રી હતા. હંસાબહેન પોતાની એક અલગ પ્રતિભા ધરાવનારા નેતા હતા. વડોદરા કોલેજમાં ભણીને તેઓએ ઈંગ્લેન્ડમાં પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો.

            મહિલાઓના પ્રશ્નોમાં આંતરરાષ્ટ્રીય યોગદાન આપનારા હંસાબહેન ઈંગ્લેન્ડમાં ભણતા હતા ત્યારે નારી આંદોલનમાં જોડાયા. તેઓ ફેબિયન સમાજવાદીઓના સંપર્કમાં હતા. જ્યોર્જ બર્નાર્ડ શો એક ફેબિયન સમાજવાદી હતા. ૧૯મી સદીમાં બ્રિટનમાં શરુ થયેલા આ ફેબિયન સમાજવાદી વિચારમાં ક્રમશઃ સમાજવાદી વિચારધારા ફેલાવવાનો ધ્યેય હતો. તેમાં રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રની પ્રક્રિયાઓને અનુસરીને સમાજવાદ લાવવાનું ધયેય હતું. અમેરિકામાં પણ હંસાબહેન મહિલાઓના મતાધિકાર માટે લડ્યા હતા. મહિલાઓના અધિકાર બાબત તેમની વિચારધારા સ્પષ્ટ હતી. તેઓ માનતા હતા કે શિક્ષણ પ્રાપ્ત કરીને મહિલાઓ નોકરી કે સ્વતંત્ર વ્યવસાય નહિ કરે ત્યાં સુધી તેમનો કૌટુંબિક તેમજ સામાજિક દરજ્જો સુધરવાનો નથી. હંસાબહેન આપણાં દેશની બંધારણ સભાના પણ સભ્ય હતા જે તેમની તેજસ્વી પ્રતિભાનું દર્શન કરાવે છે. બંધારણસભાના સભ્ય તરીકે તેમણે પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, ડો. આંબેડકર તેમજ ક. મા. મુનશી સાથે કાર્ય કર્યું. મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી સાથે તેમનું નામ અભિન્ન રીતે જોડાયેલું છે. તેઓ ખરા અર્થમાં અધ્યાપક હતા. ‘ગૂલીવર્સ ટ્રાવેલ્સ’નું તેમણે બાળકો માટે ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. તેમણે નાના મોટા વીસ પુસ્તકો લખ્યા છે. આ રીતે તેઓ જીવનભર અધ્યાપકીય કાર્ય કરતા રહ્યા હતા.

                     દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમણે અગ્રીમ ભૂમિકા ભજવી હતી. ઈ.સ. ૧૯૩૦માં દાંડીકૂચ શરુ થઇ તેમાં તેઓ સક્રિય હતા. દાંડીકૂચમાં ગાંધીજીએ મહિલાઓને કૂચમાં સામેલ કરી ન હતી. આશ્રમની કેટલીક બહેનોએ આ સંબંધમાં ગાંધીજીને ફરિયાદ પણ કરી. બાપુ કહે કે બહેનોને મારે દાંડીકૂચ કરતા પણ વધારે પડકારભર્યા કાર્યમાં જોડાવી છે. આ બાબતમાં વિશેષ સ્પષ્ટ કરતા તેમણે બહેનોને દારૂની દુકાનો પર પિકેટિંગ કરવાનું અઘરું કામ સોંપ્યું. દુકાનના માલિકો ગમે તેવું તોછડું વર્તન કરે તો પણ સ્વસ્થતા ગુમાવ્યા સિવાય બહેનો પોતાનું કામ કરતી રહે તેવી સમજ પણ આપી. હંસાબહેન જેવા શિક્ષિત મહિલા પણ આ કાર્યમાં જોડાયા. હંસાબહેનનું ઉદાહરણ અનેક પિકેટિંગ કરતી મહિલાઓ માટે પ્રેરણા સમાન બન્યું. લગભગ સો વર્ષ પહેલા દેશની બહેનોને ઘરમાંથી બહાર લાવીને આવા મુશ્કેલ કાર્યમાં જોડવાનું આ પગલું અસાધારણ હતું. હંસાબહેન મેહતા જેવા મહિલાઓ માટે કાર્ય કરતા બહેનો માટે ગાંધી વિચાર પ્રોત્સાહક હતો. મહિલાઓને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડીને બાપુએ દેશની આઝાદીની લડતમાં અનોખું બળ પૂરું પાડ્યું હતું.

                            હંસાબહેન કે ડો. જીવરાજભાઈ કટોકટીના સમયે પણ કેવી સ્વસ્થતા જાળવી શકતા હતા તે સંબંધમાં વહીવટી અધિકારી લલિતચંદ્ર દલાલે લખેલો એક પ્રસંગ સ્મૃતિમાં આવે છે. દલાલ સાહેબે લખ્યું છે કે ૧૯૫૨માં લોકસભાની પ્રથમ ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ વડોદરાથી હંસાબહેનની ઉમેદવારી નક્કી કરી હતી. ચૂંટણીધારાની કેટલીક મહત્વની જોગવાઈઓને નજરમાં રાખીને કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેદવારી પત્ર મંજુર કે નામંજૂર કરી શકે છે. આ સમયે દલાલ સાહેબ વડોદરા કલેક્ટર તરીકે કામ કરતા હતા. તેમણે હંસાબહેનના પક્ષને સાંભળ્યા બાદ ચૂંટણી પંચની એક અગત્યની જોગવાઈ-office of profit – નો ભંગ થાય છે તેમ ઠરાવી હંસાબહેનનું ફોર્મ નામંજૂર કર્યું. પુરા દેશ માટે આ ચર્ચાનો વિષય થયો. દિલ્હીમાં બેઠેલા કેટલાક નેતાઓએ પોતાની નારાજગી પણ દલાલ સાહેબને અકળાઈને જણાવી. પરંતુ આ પુરા વિવાદમાં હંસાબહેન કે જીવરાજભાઈ તરફથી કોઈ દબાણ થયાની વાત દલાલ સાહેબે નોંધી નથી. સત્તામાં હોવા છતાં એક Grace જાળવવાની આ વાત આજના સંદર્ભમાં પણ અહોભાવ જન્માવે તેવી છે. હંસાબહેનનું જીવન તથા કાર્ય તેમની બહુશ્રુત વિદવાની તરીકેની પ્રતિભાને વિશેષ ઉજળી કરી બતાવે છે.

વસંત ગઢવી

તા. ૧૬ ડિસેમ્બર ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑