સ્વપ્ન, સંઘર્ષ અને સિદ્ધિઓની ભાતીગળ કથા-સંસ્કૃતિ

:સ્વપ્ન, સંઘર્ષ અને સિદ્ધિઓની ભાતીગળ કથા:

                     સતત વિચરણ કરતા રહેવું એ કદાચ માનવી માત્રને મળેલી કુદરતી પ્રેરણા છે. આપણે જયારે ગુજરાત તથા ગુજરાતીઓના સંદર્ભમાં વાત કરીએ ત્યારે તેમને વિશ્વ-પ્રવાસીઓ કે વિશ્વ નિવાસીઓ તરીકેની ઓળખ મળેલી છે. તેમાં તથ્ય પણ છે. પરંતુ આમ જુઓ તો સ્મૃતિમાં હોય તેનાથી યે પૂર્વકાળથી મનુષ્યોનું વિવિધ કારણોસર સ્થળાંતર થતું રહ્યું છે. આવું સ્થળાંતર કેટલીક વખત સ્થાનિક માહોલને કારણે થતી અકળામણને કારણે થાય છે. કંઈક નવું પામવાની કે મેળવવાની મહેચ્છાથી પણ નિરંતર સ્થળાંતર થતા રહે છે. પોતાની રાજ્યસત્તાનો વિસ્તાર ફેલાવવા થતાં આક્રમણો પણ કેટલીક વખત લાંબાગાળાના સ્થળાંતરમાં પરિણમે છે. સ્થળાંતરથી જગતમાં અનેક પ્રદેશોનું શોષણ થયું છે. બીજી તરફ જે તે સ્થળના વિકાસમાં પણ આવી માનવ હેરફેર કારણભૂત બની છે. ઓસ્ટ્રેલિયાનું નામ આજે વિશ્વમાં મહત્વના સ્થાને રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓએ બહારથી આવતા અનેક જૂથ જોયા છે. તેમને સ્થાયી થતા પણ જોયા છે. આ બધા જૂથોમાં સ્વાભાવિક રીતે જ ભારત તેમ જ ગુજરાતનો સમાવેશ થાય છે. ગુજરાત માટે તો આજે ઓસ્ટ્રેલિયા એ ઇંગ્લેન્ડ તથા USA ને સમાંતર ઘરેલુ નામ બન્યું છે. ગુજરાતીઓના ઓસ્ટ્રેલિયાના આવાગમનની અસર સર્વત્ર જોવા મળે છે. આથી જ થોડા વર્ષો પહેલા સિંગાપોરથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં એક સુખદ આશ્ચર્ય થયું. ફ્લાઈટમાં તો સ્વાભાવિક રીતે જ મોટા ભાગના ગુજરાતીઓ હતા. કારણે કે ફ્લાઇટ અમદાવાદ જતી હતી. પરંતુ જયારે એરક્રાફ્ટની Public Address System પરથી કહેવામાં આવ્યું કે “આપનું આ ફલાઇટમાં સ્વાગત છે.” ત્યારે અમદાવાદ આવતા પહેલા જ ગુર્જર ભૂમિની નાની લહેરખી સ્પર્શી ગઈ હોય તેવો મીઠો અનુભવ થયો.

        વિશ્વના વિવિધ દેશો માટે પણ સ્થળાંતર કરવાની બાબત જાણીતી છે. આ બાબત ઘણી પ્રાચીન પણ છે. ચીની પ્રવાસીઓ હુઆન સંગ, ફાહિયાન કે ઈતસિંગની નોંધો આ બાબતનું એક મહત્વનું ઉદાહરણ છે. એ વાતનો અંદાજ આવે છે કે ઇસવીસનની ચોથી કે પાંચમી સદીમાં આપણે ત્યાં બૃહદ ભારતમાં તક્ષશિલા તેમ જ નાલંદા વિદ્યાપીઠો ચાલતી હતી. તેમાં પણ દેશ ઉપરાંત વિદેશના અનેક વિદ્યાર્થીઓ આવતા હતા. જયારે પ્રવાસ કરવો દુષ્કર હતો ત્યારે પણ તેઓ લાંબા કે ટૂંકાગાળાના સ્થળાંતરો કરતા હતા. ઇતિહાસ ઘડતરની પ્રક્રિયાનો આ એક મહત્વનો ભાગ હતો. આ રીતે જ આફ્રિકાના વિવિધ ભાગોમાં હિન્દુસ્તાનના અનેક લોકો મુખ્યત્વે રોજી-રોટી રળવા જતા હતા. આફ્રિકાના વાણિજ્યના વિકાસમાં પણ તેમનો હિસ્સો રહ્યો છે. તદઉપરાંત મુખ્યત્વે ત્યાં મજૂરોની જરૂરિયાત હતી તે ધ્યાનમાં લઈને અનેક હિન્દી લોકો મજૂરી માટે જતા હતા. તેઓ કુલી તરીકે તેમ જ કોન્ટ્રાક્ટરથી ગયેલા હોવાથી ગિરમીટિયા ગણાતા હતા. ઓસ્ટ્રેલિયામાં પણ ઔદ્યોગિક ક્રાંતિના શરૂઆતના વર્ષોમાં ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ તથા આર્યલેન્ડથી અમુક લોકોને આર્થિક રોજી રોટી મળી રહે તેવા કારણોસર ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હતા. આ રીતે જોઈએ તો જગતના તમામ દેશો-પ્રદેશો વચ્ચે અનાયાસે જ વહેતી માનવ વણઝાર એક હકીકત છે. આપણા સમગ્ર વૈશ્વિક ઉત્થાનના એક સહજ ભાગ જેવી આ વાત લાગે છે. આજે migrated population ને કેન્દ્રમાં રાખીને કેટલાક વિવાદો થયા છે. બહારથી આવતા લોકો તરફ અપ્રિય કે હરીફ જેવો ભાવ થાય તેવા પણ પ્રયાસો થાય છે. વિશ્વની એક સ્વસ્થ તથા સ્થાયી પદ્ધતિને નબળી પાડવાનો કોઈ પણ પ્રયાસ એ નકારાત્મકતાને જન્મ આપનારો છે. વિશ્વના મોટા ભાગના લોકોને તેથી એક યા બીજી રીતે ગુમાવવાનું જ આવશે. આ પ્રકારની મનોવૃતિ જો કે લાંબો સમય ટકે નહિ પરંતુ એક સરળ તથા સહજ પ્રક્રિયાને અહીં derail કરવાનો એક વગર વિચાર્યો પ્રયાસ છે. કોઈના માટે તે હિતકર નથી. વિશ્વને નાના નાના ટુકડાઓમાં વિભાજીત કરવું એ દીર્ઘદ્રષ્ટિવાળો નિર્ણય નથી.

            ઇતિહાસ તરફ દ્રષ્ટિકોણ કરીએ તો અલગ અલગ પ્રદેશો હોય કે સંજોગો હોય પણ એ સર્વેમાં મનુષ્યનું વલણ લગભગ સમાન હોય છે. અમેરિકા જેવા વિશાળકાય દેશમાં પણ ગોરા લોકોનો પ્રવેશ થયો ત્યારે ત્યાંના સ્થાનિક લોકો સાથે તેમનો સંઘર્ષ થયો. મોટા ભાગે આવા સંઘર્ષો વધુ મેળવવાની ભૂખ (Greed )માંથી ઉભા થાય છે. બહારથી આવનારા લોકોને નવા પ્રદેશમાં લોકો અને કુદરતી સંશાધનો પર કબ્જો કરવાની નેમ હોય છે. સ્થાનિક લોકો અથવા આદિમ જૂથો આવા સત્તા પરસ્ત વલણનો ભોગ બને છે. નવા લોકો નવા રોગ લઈને પણ આવે છે. તેનો ભોગ નછૂટકે સ્થાનિકો બને છે. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ઓસ્ટ્રેલિયામાં પણ આવું જ થયું. ઓસ્ટેલિયાના મૂળ રહેવાસીઓ અણધાર્યા તથા અજાણ્યા રોગચાળાનો ભોગ બનવા લાગ્યા. પોતાની જ માતૃભૂમિમાં રહેવું તે તેમના માટે સંતાપમય થઇ ગયું. તેઓ ભાગીને શહેરો તરફ તો ગયા પરંતુ મજૂરી કામ મેળવવા માટે તેઓ આશ્રિત જેવા થઇ ગયા. માનવજીવનની આ કરુણતા છે. ભૂખના દુઃખને કારણે સંઘર્ષની શરૂઆત થાય છે. પરંતુ આ લડાઈ અસમાન પક્ષો વચ્ચેની છે. એકલ દોકલ કે છુટા છવાયા જૂથો શસ્ત્રબધ્ધ તથા કેળવાયેલા લડવૈયાઓના જૂથ સામે સશસ્ત્ર સંઘર્ષમાં ટકી શકતા નથી. કેટલાયે આદિમ જૂથો કે જે તે પ્રદેશના મૂળનિવાસીઓ તથા તેમની બોલી બંને ક્રમશઃ નામશેષ થતા જાય છે. ‘જીવો જીવસ્ય જીવનમ’ જેવી આ કડવી વાસ્તવિકતા છે. સરવાળે તો ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓ સાથે જ ઇંગ્લેન્ડના લોકો રહેતા થયા. આ સમગ્ર પ્રક્રિયા સરળ ન હતી. હોઈ શકે પણ નહિ. અનેક ચઢાવ તથા ઉતાર પછી ૧૯મી સદીમાં સ્થિતિ થાળે પડી હોય તેમ લાગવા માંડ્યું. બહેન જેલમ હાર્દિકે લખેલા પુસ્તક ‘દરિયાના ખોળામાં’ ઉપરની બાબતો અંગે રસપ્રદ પ્રકાશ પાડવામાં આવ્યો છે.

વસંત ગઢવી

તા. ૧૦ ડિસેમ્બર ૨૦૨૫   

ગાંધીનગર

Leave a comment

Blog at WordPress.com.

Up ↑