ફાટેલ પિયાલાનો કવિ: દુલા ભાયા કાગ:
કવિ દુલા ભાયા કાગની ‘કાગવાણી; વિશે વાત કરવાનો અવસર હતો. રાજકોટ નાગરિક સહકારી બેંક સુઆયોજિત વ્યાખ્યાનમાળાનું સંચાલન કરે છે. દરેક મહિને નિયમિત રીતે વ્યાખ્યાનો થાય છે. આ વ્યાખ્યાનોના ૯૬માં મણકા તરીકે કાગવાણી વિશે વાત કરવાની તક મળી. કવિ દુલા ભાયા કાગ કે જેમને અનેક લોકો ભગતબાપુના નામથી ઓળખે છે તેમનો પરિચય સૌરાષ્ટ્ર-ગુજરાતને આપવાની જરૂર રહેતી નથી. કાગવાણી ભાગ-૧ થી ૮ના યોગદાનથી આ સર્જક લોકસ્મૃતિમાં ચિરંજીવી થયા છે. રાજકોટ નાગરિક બેંક જેવી વ્યાખ્યાનમાળાના આયોજનથી શહેરની ગરિમા વધે છે.
ભગતબાપુનો જીવનકાળ ૧૯૦૩થી ૧૯૭૭ સુધીનો રહ્યો. કવિ સ્વધામ ગયા ત્યારે અનેક લોકોના મનમાં કવિના અમર રહે તેવા શબ્દો રમતા હતા.
મીઠપ વાળા માનવ
જગ છોડી જાશે
કાગા એની કાણ
ઘરોઘર મંડાશે.
ભગતબાપુની પુણ્ય સ્મૃતિમાં દર વર્ષે તેમના તિથિ પ્રમાણેના નિર્વાણ દિવસે પૂજ્ય મોરારીબાપુની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં કવિ કાગની સ્મૃતિ કરવામાં આવે છે. ‘કાગના ફળિયે કાગની વાતું’ના શીર્ષક હેઠળ દર વર્ષે બે સાહિત્ય મર્મજ્ઞો કવિ કાગના જીવન-કવન વિશે વાત કરે છે. ઉપરાંત કવિ કાગની સ્મૃતિમાં પાંચ સર્જકોને કાગ-એવોર્ડથી વિભૂષિત કરવામાં આવે છે. આપણાં શિક્ષણ તથા સાહિત્યમાં ઉજળું નામ ધરાવતા ડો. બળવંતભાઈ જાની સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવાની જવાબદારી સંભાળે છે. કવિ કાગના કુટુંબી સભ્યો તથા મજાદર ગામનો સમગ્ર લોકસમૂહ મહેમાનોની અનેરી આગતા-સ્વાગત કરે છે. ૨૦૨૬માં આ કાર્યક્રમ ૨૧મી ફેબ્રુઆરીએ થવાનો છે. અનેક લોકોએ પૂજ્ય મોરારીબાપુની ઉપસ્થિતિમાં કવિ કાગબાપુને યાદ કરીને કાર્યક્રમને માણી શકશે.
આમ જુઓ તો મજાદર (કાગધામ) આજે પણ મોટા શહેરો કે રાજ્યના પાટનગરથી ઘણું દૂર છે. આવા દૂરના સ્થળે લગભગ છ સાત દાયકા પહેલા કોઈ સર્જક કવિતાના રળિયામણા પુષ્પોનું સર્જન કરે અને તેની ખ્યાતિ દેશના પાટનગર સુધી પહોંચે તે સામાન્ય વાત નથી. ભગતબાપુને ‘પદ્મશ્રી’નો એવોર્ડ ૧૯૬૨માં મળ્યો. રાજ્યના તથા દેશના અનેક સાહિત્ય પ્રેમીઓને કવિ કાગનું એક નૂતન દર્શન થયું. ૧૯૬૩માં મજાદરના આંગણે તેમણે તમામ સાહિત્યકારોને નિમંત્રણ આપ્યું. ગુજરાતી સાહિત્ય પરિષદનું વાર્ષિક અધિવેશન મજાદરમાં થયું. કવિના મિત્ર તથા આપણાં જાણીતા સર્જક જયભિખુએ તેના સુંદર સંભારણા લખ્યા છે. રવિશંકર મહારાજની પાવન ઉપસ્થિતિમાં આ પ્રસંગ થયો. નાના એવા મજાદર ગામની કુલ વસ્તી કરતા ત્યાં હાજર રહેલા સાહિત્યકારોની સંખ્યા વિશેષ હતી. આ પ્રસંગના સંદર્ભમાં એક મધુર સંભારણું ઘણાં લોકોની સ્મૃતિમાં આવ્યા કરે છે. મજાદર આવેલા સાહિત્યકારોમાં પ્રસિદ્ધ હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે પણ હતા. તેમને કોઈએ પૂછ્યું કે આ નાના એવા ગામના કાર્યક્રમમાં મજા આવી કે નહિ? જ્યોતીન્દ્ર દવે એ કહ્યું કે ગામ મજાદરના નામમાં જ મજા છુપાયેલી છે. આથી મજા તો આવે જ ! મજાદર કે કાગધામમાં આવો એક બીજો મોટો પ્રસંગ એક દાયકા પહેલા થયો. પૂજ્ય મોરારીબાપુએ કવિ કાગની સ્મૃતિમાં એક રામકથાનું પણ અગણિત ભાવકોને કરાવ્યું. આ સમયે મજાદરનો એક જુદો જ માહોલ જોવા મળ્યો. આસપાસના અનેક ગામોના લોકોએ મનભરીને વ્યાસપીઠ પરથી કહેવાયેલી કથા અને કાગ સાહિત્યની વાતો મુક્ત મનથી માણી. ભગતબાપુ જેવા એક દિગ્ગજ કવિની સ્મૃતિમાં રામકથા કરીને મોરારીબાપુએ સમગ્ર સાહિત્યની શોભા વધારી હતી.
લોકસાહિત્ય કે ચારણી સાહિત્યની અનેક મહત્વની પ્રતિભાઓ લોક સુધી પહોંચી શકતી નથી તેવું અનેકના મનમાં હોય છે. ખાસ કરીને કવિ કાગ કે કવિ દાદ જેવા નજીકના ભૂતકાળના કવિઓની રચના તથા તેમના યોગદાન બાબત પૂરતી વાતો થતી નથી. કેટલુંક સારું કામ ડાયરાના માધ્યમથી લોકકલાકારો કરે છે એ સાચું છે. આમ છતાં સાહિત્યની દરેક ધારામાં લોકસાહિત્ય-ચારણી સાહિત્યની જોઈએ તેટલી ઓળખ કે સ્વીકૃતિ થતી નથી. પ્રસિદ્ધ સાહિત્યકાર અને ‘શારદા’ માસિકના સંપાદક હતા તેવા ગોકુલદાસ રાયચુરાએ આ વાત સરસ રીતે કહી છે. જાત અનુભવના આધારે કરેલી તેમની આ વાત છે. ગોકુળદાસભાઈ કહે છે કે એક વ્યાખ્યાનમાળામાં તેમને વક્તવ્ય આપવાનું નિમંત્રણ મળ્યું. કેટલાક કવિઓનો સંદર્ભ આપીને તેમને તેમાંના કોઈ પણ એક કવિ વિશે વાત કરવા વિનંતી કરવામાં આવી. અનેક કવિઓના નામ તેમણે આ યાદીમાં જોયા પરંતુ કવિ દુલા ભાયા કાગનો સમાવેશ તેમાં થયેલો ન હતો. ગોકુળદાસભાઈએ જયારે પોતાના તરફથી કવિ કાગ વિશે વાત કરવાનું સૂચવ્યું ત્યારે કાર્યક્રમના આયોજકો ખુબ જ રાજી થયા. કાગની વાણીનું મૂલ્ય તેઓ સમજતા હતા. આથી તેમના સર્જનો વિશે વાત સંભળાવી શ્રોતાઓને ગમશે જ તેવો તેમનો વિચાર પ્રગટ કર્યો. કવિ કાગનું નામ સૂચવવા માટે ગોકુલદાસ રાયચુરાનો આભાર પણ માન્યો. આથી આવા સર્જકો લોકસ્મૃતિમાં ઊંડે સુધી ધરબાયેલા હોય છે તેની પુનઃ પ્રતીતિ થાય છે. કવિ દુલા ભાયા કાગને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભગતબાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઝવેરચંદ મેઘાણીને શરૂઆતમાં કોઈકે કહ્યું કે તમે દુલા કાગને મળ્યા છો કે કેમ? મેઘાણીભાઇએ જવાબ આપ્યો કે તેઓ તેમણે મળ્યા નથી. આથી આ વાત કહેનાર ભાઈએ કહ્યું કે તમે એમને જરૂર મળજો. કારણકે એ ‘ફાટેલ પિયાલા’નો કવિ છે. મેઘાણીના મનમાં આ વાત કોતરાઈ ગઈ. ‘ફાટેલ પિયાલા’નો કવિ ! સંજોગોવશાત એક દિવસ ભાવનગરની બજારમાં મેઘાણીની સાથે ફરતા હતા ત્યારે કોઈએ એકાએક તેમનું ધ્યાન દોર્યું. “મેઘાણીભાઇ, આ સામેથી આવી રહ્યા છે તે જ કવિ દુલા ભાયા કાગ”. મેઘાણીભાઇએ આતુરતાથી તેમની સામું જોયું. તેમને લાગ્યું કે આ તો કોઈ પાણીદાર છતાં પ્રશાંત આંખોવાળો અને આજાનબાહુ વ્યક્તિત્વ છે. પરિચય થયો જે જીવનભરની મૈત્રીમાં પરિણમ્યો. મેઘાણીભાઇએ તેમને પ્રથમ વખત ગાતા સાંભળીને કહ્યું કે ગામડાના કોઈ ઠાકર મંદિરની ઝાલર વાગતી હોય તેવો રણકાવાળો પ્રભાવી અવાજ છે. કવિ કાગ જેવા લોકકવિઓ બનતા નથી પરંતુ જન્મે છે. તેવું રવિશંકર મહારાજનું વિધાન સતત સ્મૃતિમાં રહે છે.
વસંત ગઢવી
તા. ૧૦ ડિસેમ્બર ૨૦૨૫
Leave a comment