:સંવેદના સંકોરવાની કથા:
વિનોદિની નીલકંઠને ગુજરાતે ભૂલવા જેવા નથી. તેમણે લખેલી એક સુંદર નાની કથા માનવ જીવન અને સ્વભાવના આંતરિક તાણાવાણાને સ્પર્શ કરી જાય તેવી છે. તેથી આજે પણ તેની વાત કરવી પ્રસ્તુત છે. મુંબઈ તરફથી એક ટ્રેઈન અમદાવાદ આવી રહી છે. માત્ર મહિલાઓ માટેના ખાસ ડબ્બાની એક વાત છે. જે મહિલાઓ સાથે પુરુષો પ્રવાસ કરતા હોય તો પુરુષો સામાન મહિલાઓને સોંપીને પોતે જરૂરિયાત મુજબ એકાદ બે વસ્તુ રાખે. ઉપરાંત મહિલાઓ સાથે બાળકો તો ખરા જ. મોટાભાગે બાળકોની સંભાળ રાખવી તે મહિલાઓની સ્વાભાવિક જવાબદારી છે તેમ સમાજે સ્વીકારી લીધું છે. આથી આ ખાસ કમ્પાર્ટમેન્ટમાં સામાન તથા બાળકો સાથે મહિલાઓ બેઠી છે. જે તે સમયે ટ્રેઈનમાં ત્રીજો વર્ગ ગણાતા ડબ્બામાં ભીડ વધારે રહેતી જે સહજ છે. આથી ટ્રેઈનની રાતની મુસાફરીમાં પણ સુવાની સુવિધા કે જગા થવાની શક્યતા ઘણી ઓછી રહે છે. આ કારણોસર પણ ડબ્બાની મહિલાઓ વચ્ચે સંવાદ શરુ થાય છે. એકબીજા સાથે વાત કરતા અને પોતાના જીવનની વ્યથા-કથા સંભળાવતા જ રાત્રી પુરી થઇ જતી હતી. એક માણસના બીજા માણસ સાથેના સંવાદનું પણ એક મૂલ્ય છે. આથી ટ્રેઇનના આ મહિલાઓ માટેના ડબ્બામાં પણ ભાતભાતની વાતો સાંભળવા મળે છે. એક મહિલા જે મધ્યમવર્ગની છે તે પોતાના સંતાનોને ઉછેરવાની અને પતિના સમયપત્રક તથા મિઝાઝને જાળવવામાં થતી તકલીફો-ઘટનાઓનો ઉલ્લેખ કરે છે. બીજી એક મહિલા છે જેના વસ્ત્રો તદ્દન જીર્ણશીર્ણ છે. કૃશ કાયા ગરીબીની વાત ઉજાગર કરે છે. જાણે સતત અણધાર્યા આવી પાડનારા કોઈ ભય કે આફતની ચિંતા તેના મુખ પર છવાયેલી જોવા મળે છે. એક સુખી સંપન્ન દેખાતી મહિલા પોતાના ઘરેણાં તેમજ પોતાની સમૃદ્ધિની વાત સતત સંભળાવતી રહે છે. પોતે આસપાસના અન્ય લોકોથી વધારે સુખી છે તે તેની વાતનો સાર છે. આ બધી મહિલાઓના સમૂહમાં એક ઉંમરલાયક ડોશીમા પણ બેઠા છે. તેઓ કંઈ બોલતા નથી. થોડીવારમાં ખ્યાલ આવે છે કે ઉંમર તથા ગરીબીના ચક્રમાં પીસાઈને તેમની આંખની દ્રષ્ટિ લગભગ ચાલી ગઈ છે. પરાધીન માજીના મુખ ઉપર ગ્લાનિ છવાયેલી છે. જીવનને કોઈ બોજની જેમ ઉઠાવીને ફરતી દુબળી અને અશક્ત કાયા માજી વિશે અવ્યક્ત રીતે પણ ઘણું કહી જાય છે. માજી તદ્દન શાંત બેઠા છે. એક શબ્દ પણ બોલતા નથી. આ બધામાં એક મહિલા દરેકથી તદ્દન ભિન્ન છે. શરીર પર કપડાનો તથા મેકઅપનો ઠાઠમાઠ છે. થોડા દાગીના પણ અદ્યતન ડિઝાઇનના અને કિંમતી છે. આ મહિલાને મળવા આવનાર કેટલાક યુવાન કે આધેડ વયના લોકો પણ તેના માટે સ્ટેશન પર મળતું ખાવાનું લઈને આવે છે. એમ જણાય છે કે નાચ-ગાન કરીને તે અનેક લોકોને રિઝવતી હશે. બદલામાં સારું એવું કમાતી પણ હશે. સમાજમાં આવું કાર્ય કરનાર સામે એક છોછ રહેતો હોય છે. અમુક વ્યક્તિઓને સમાજ પોતે ઉભા કરેલા વાડાઓની બહાર હોવાથી તેના પર અણગમો રહ્યા કરે છે. આવા લોકોને જોતા સમાજના ઘણાં લોકોના નાકના ટેરવા ચડી જાય છે. આ મહિલાને પણ આવા સામાજિક વલણની ખબર છે. આથી તે પણ અન્ય મહિલાઓ સાથે કોઈ વાતચીતમાં ઉતરતી નથી. તે લોકોની કોઈ પરવા પણ કરતી નથી. ટ્રેન તેની ગતિને નિરંતર જાળવતી આગળ વધે છે. મુસાફરીના એક તબક્કે ટ્રેઈન મહીસાગરને ઓળંગે છે. વયોવૃદ્ધ મહિલા જે અત્યારે સુધી તદ્દન શાંત હતા તે પૂછે છે આ કઈ જગાએથી આપણે પસાર થયા? સાથેની બહેનો કહે છે કે આપણે મહીનદી ઓળંગી રહ્યા છીએ. મહીસાગરનું નામ સાંભળતા જ મહિલા ધ્રુસ્કે ધ્રુસકે રડી પડે છે. આંખોમાંથી અશ્રુની જાણે સરવાણી વહે છે. સાથેની બહેનો માજીને રડવાનું કારણ પૂછે છે. માજી ભાંગ્યા તૂટ્યા સાદે પોતાની આપવીતી સંભળાવે છે. તેઓ કહે છે કે આ મહીસાગરને કાંઠે તેમનું નાનું ગામ હતું. ખેતીની જમીન હતી. પતિની આર્થિક સ્થિતિ સારી હતી. તેમને સંતાન ન હતું પણ તેમનો ઘરસંસાર હર્યોભર્યો હતો. એકાએક આવેલી એક જીવલેણ બીમારીમાં માજીના પતિએ ચિરવિદાય લીધી. જીવતર ઉપર જાણે હિમ પડ્યું. કુટુંબના અન્ય પિતરાઈઓએ દાવપેચ કરીને મિલકત હતી તે પચાવી પડી. માજીને પોતાના ઘરમાં જ રહેવું દુષ્કર બન્યું. ક્યાં જઈને રહેવું એ મોટો પ્રશ્ન હતો. એક સાવકો ભાઈ હતો ત્યાં અપમાનોના કડવા ઘૂંટડા પીને થોડા વર્ષો કાઢ્યા. પરંતુ પછી તો રહેવું દુષ્કર થયું. અમદાવાદની ટિકિટ લઈને બેઠી છું. પરંતુ ત્યાં આભ ધરા વચ્ચે કોઈ રહેવાનું સ્થળ નથી. ભગવાન ભરોસે જઈ રહી છું. કદાચ કોઈ અનાથાશ્રમ જેવી જગા મોટા શહેરમાં મળી પણ જાય. માજીની વાતો સાંભળતા સૌના મનમાં ગ્લાનિ થાય છે. પરંતુ જેને સમાજ હલકું કામ કરનાર તરીકે જુએ છે તે ઠસ્સાદાર મહિલાની આંખમાંથી આંસુની ધાર થાય છે. મહાપ્રયત્ને ગળું ખંખેરી તે માજીને દ્રઢતા સાથે કહે છે: “મા, તારે કોઈ દીકરી નથી. મારે કોઈ મા નથી.” માજીના ખભે હાથ મૂકીને તે મહિલા કહે છે: “આજથી તું મારી મા, હું તારી દીકરી.” જીવનની એક એવી ક્ષણ જ્યાં માનવતા સહજ રીતે જ પાંગરે છે. સંવેદનશીલતા એ કોઈનો ઈજારો નથી.
આપણે માણસોને સારા અને ખરાબ એવા બે ખાનામાં મુકવાની જે પ્રથા વિકસાવી છે તે ઉચિત નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો બ્રિટિશ સરકારને જે ગુનાહિત જાતિઓ ગણી હતી તેવા મહીકાંઠાના માનવીઓમાં રવિશંકર મહારાજે માણસાઈના ઝળહળતા દિવા જોયા હતા. સહાનુભૂતિનું એક નાનું એવું પગલું પણ જીવતરને હર્યું ભર્યું કરે છે. નિંદા ફાઝલી કહે છે:
અગર ઘરસે મસ્જિદ હૈ બહુત દૂર
તો ચલો યું કરતે,
કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાય.
વસંત ગઢવી
તા. ૪ ડિસેમ્બર ૨૦૨૫
Leave a comment