:મહાસાગરની મથામણના મોતી:
જોતાં રે જોતાં અમને જડીયા રે,
સાચા સાગરના મોતી.
સાગરના સાચા મોતીને પરખવાની અને પ્રાપ્ત કરવાની રીત જો સહેલી કે સરળ હોત તો કંઈક લોકોએ તેમ કરીને છાતી ફુલાવી હોત. પરંતુ તેમ થયું નથી માત્ર ગણ્યાગાંઠ્યા મરજીવાઓએ ડૂબકી મારીને મોતી ગોત્યા છે અને માણ્યા છે. જગત સામે પણ ધર્યા છે. એક દુહો સ્મૃતિમાં આવે છે:
રેઢી હોત રાણા સારપ જો સરતાણીયા,
તો લેવા લાખ જણાં ધોડત બરડાના ધણી.
અહીં તો ઝીણી પણ ધારદાર નજરે જોવાની અને પામવાની મથામણ છે. આ તો જોતરે જોતા જડે તેને આકંઠ પામવાના છે, માણવાના છે અને વિતરીત કરવાના છે. આવી ગોતણ તો કોઈક વિરલા જ કરે. આવા નોખી માટીના માનવીને લોકો ઝવેરચંદ મેઘાણી, જયમલ્લ પરમાર કે રતુદાન રોહડિયાના નામથી ઓળખે છે. આદર કરે છે. આથી આ ઉજળી સાંકળના એક ભાગ સમાન ૭૨ વર્ષના યુવાન ડો. નિરંજન રાજ્યગુરુ વિષે અભ્યાસગ્રંથ પ્રસિદ્ધ કરવાની વાત વધાવી લેવા જેવી છે. ઉચિત તથા સમયસરની છે. ધૂળધોયાનું કામ કરનારની જયારે અછત વરતાય છે ત્યારે આવું કામ પરગજુ વૃત્તિથી છાના ખૂણે બેસીને કરનાર નિરંજનભાઈના મહાકાર્યની આ વિચારપૂર્વકની ઓળખનું કાર્ય છે. સંશોધનો કરનારા હાટ-બજારે મળતા નથી. તેમનું તો નિર્માણ એક લાંબી તપશ્ચર્યા પછીથી થાય છે. નિરંજનભાઈએ જીવનના લગભગ પાંચ દાયકા અખંડ સાહિત્ય સંશોધનનું ભગવદ કાર્ય કર્યું છે. જાણવાની ઉત્કંઠા સાથે આવતા અનેક જિજ્ઞાસુઓને રોટલા અને ઓટલા સાથે મરમી અને મોંઘુ સાહિત્ય પણ પીરસ્યું છે. આવનારને અમીના ઓડકાર લેવરાવ્યા છે. પૂજ્ય મોરારીબાપુની પ્રસન્નતા આથી જ પામ્યા છે. મકરંદભાઈનો સહવાસ તેમણે ઉજળો કર્યો છે. નિરંજનભાઈ એટલે મળવા ગમે તેવા માણસ. વાતચીતમાં કે મંચ પરથી કહેણીમાં તો હળવા ખરા જ પરંતુ શરીરથી પણ સ્ફૂર્તિમય હળવાશ એ તેમના વ્યક્તિત્વનો ભાગ છે. અવિરત એકતારાના નાદ સમાન નિરંજનભાઈ પરનો અભ્યાસગ્રંથ સૌને ગમશે. અનેક ઉગતા સંશોધકોને માર્ગદર્શક થશે. સંત સાહિત્યનો ઉજળો વારસો એ આપણી ધરોહર છે. આ ધરોહરના વાહકો આપણાં સન્માનના સાચા અધિકારી છે. નિરંજનભાઈની ભાવિ યાત્રાને અંતરની શુભકામનાઓ છે.
વસંત ગઢવી
તા. ૪ ડિસેમ્બર ૨૦૨૫
Leave a comment