બાબુજી, ચોર આવે એવા અમારા નસીબ ક્યાંથી-વાટે…ઘાટે

:”બાબુજી, ચોર આવે એવા અમારા નસીબ ક્યાંથી?” સમતોલ વિકાસ: એક પડકાર:

             દાદા ધર્માધિકારી ભલે મહારાષ્ટ્રના હોય પરંતુ ગુજરાત સાથે અને ગાંધીજી-વિનોબા સાથે તેમનો નજદીકનો ઘરોબો રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં તેમનું ભ્રમણ સતત ચાલતું રહેતું હતું. દાદાના એક સ્વાનુભવની વાત મહેન્દ્રભાઈ મેઘાણીએ ‘લોકમિલાપ’માં પ્રસિદ્ધ કરી હતી. દાદા તળિયે રહીને સર્વોદયનું કામ કરનારા હતા. આથી તેમની વાત વિચારપ્રેરક હોય છે. દાદા એક વખત આદિવાસી વિસ્તારના પરિભ્રમણ દરમિયાન કોઈ આદિવાસીને ત્યાં બેઠા હોય છે. આદિવાસીની ખખડધજ ઝુપડીને કોઈ બારણું ન હતું. દાદાએ ત્યાં રહેનારા આદિવાસી બુઝુર્ગને પૂછ્યું: “તમે તમારી ઝૂંપડીને બારણું કેમ નથી રાખતા?” જવાબમાં પેલા જૈફ વયના આદિવાસી ભાઈ સહજ રીતે જ સામો પ્રશ્ન પૂછે છે: “બારણું શા માટે રાખીએ?” દાદા કહે: “રાત્રે કોઈ ચોર આવીને તમારી કિંમતી ચીજ-વસ્તુ ન લઇ જાય તે માટે બારણું રાખવું જરૂરી છે.” આદિવાસી ભાઈ શૂન્ય ભાવે કહે છે: “બાબુજી ચોર આવે તેવા અમારા નસીબ ક્યાંથી?” દાદા પૂછે છે: “તેમાં નસીબની વાત ક્યાં આવી?” આ વાતનો ત્વરિત ઉત્તર આપતા આદિવાસી ભાઈ કહે છે: “કારણ કે અમારી પાસે એક જ ચીજ છે-ગરીબી.” ત્યાર બાદ તે ઉમેરે છે: “આજે તેને ચોરી જનારું કોઈ આવતું નથી. માટે અમારે ઝૂંપડીમાં બારી-બારણા નિરર્થક છે.” દાદા થોડીવાર ઊંડા વિચારમાં પડી જાય છે. થોડી વાર પછી પૂછે છે: “તો તો તમારે ત્યાં પોલીસ પણ નહિ આવતી હોય?” પેલા ભાઈ જવાબ આપતા કહે છે: “પોલીસ તો આવે છે. તમારા જેવા કોઈ સુખી વ્યક્તિની ઘડિયાળ ચોરાઈ જાય તો તે સમયે અમારી આકરી પૂછપરછ કરવા પોલીસ આવે છે.” થોડું રોકાઈને જૈફ વ્યક્તિ કહે છે: “તમારી અમીરી અને અમારી ગરીબી એ બંનેનું એ રક્ષણ કરે છે.”

              દાદા ધર્માધિકારી જયારે કોઈ વાત કહે કે લખે તો તેમાં વાસ્તવિકતા તથા સંવેદનશીલતા હોય છે. સ્વસ્થતા અને સંયમ એ તેમના વ્યક્તિત્વનો ભાગ છે. આ ઘટના ઘણા વર્ષો પહેલાની હશે. આજે પરિસ્થિતિમાં ચોક્કસ સુધારો પણ થયો છે. પરંતુ સ્થિતિનો બદલાવ છેવાડા સુધી પહોંચ્યો છે કે કેમ તેની ચકાસણી કરાવી જરૂરી છે. ૧૯૯૪-૧૯૯૫ દરમિયાન સુરતમાં ફરજ બજાવતો હતો ત્યારે ઉચ્છલ અને નિઝર તાલુકાઓ સુરત જિલ્લાના જ એક ભાગ હતા. તે સમયે તાપી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ન હતો. ઊંડાણના ગામોમાં જઈએ ત્યારે ઘણી બાબતોમાં પ્રાથમિક સવલતોનો અભાવ પણ જોવા મળતો હતો. જો કે આદિવાસી વિસ્તારના ગામોમાં સામાન્ય રીતે ઉગ્ર રીતે તંત્ર સમક્ષ રજૂઆત કરવાની પ્રથાનો અભાવ છે. સ્થાનિક તંત્ર તેમજ સ્થાનિક આગેવાનો જ્યાં સાથે મળીને પ્રજાલક્ષી કાર્યો કરતા હોય ત્યાં પરિસ્થિતિ વિશેષ ઝડપથી બદલે છે. આદિવાસી વિસ્તારોમાં Tribal Development Sub Plan શરુ થયા પછી સાધનોની છત પણ થઇ છે. આ વિસ્તારની સેવા માટે જુગતરામ દવે જેવી નિષ્ઠા રાખીને કાર્ય કરનાર સેવકોએ પરિસ્થિતિ બદલવામાં ઘણું મોટું યોગદાન આપેલું છે.

             ગુજરાતમાં કેટલીક આદિવાસી જાતિઓની ગણના Primitve Tribes માં થાય છે. આ જાતિ પૈકી એક જાતિ કોટવાળિયાની છે. સામાન્ય રીતે તેઓ વાંસકામ-Bamboo Work કરતા હોય છે. થોડા મહિનાઓ પહેલા સોનગઢ-ડેડીયાપાડા તાલુકાના ગામમાં ગયો ત્યારે થોડા કોટવાળીયા ભાઈઓને મળવાની તક મળી હતી. તેઓને વાંસકામનું બજાર શોધવા માટે ઘણો પ્રયત્ન કરવો પડે છે. ઉપરાંત Product Design નું આજકાલ બજારમાં ઘણું મૂલ્ય છે. Design તથા પેકીંગમાં તેમને વિશેષ જાણકારી આપવામાં આવે તો તેમની આવકમાં વધારો થઇ શકે છે. પ્રયાસો થાય છે તેમાં સાતત્ય રહેવું જરૂરી છે.

                       કોટવાળીયા એ Primitive Tribe Groups નો એક ભાગ છે. સામાજિક વિષયોમાં રસ લેનાર એક વ્યક્તિનો જાતઅનુભવ કોઈએ કહેલો જે છપાયો હતો. નદી કિનારા નજીક એક વાંસની ઝૂંપડીમાં કોટવાળીયા પરિવારના લોકો રહે છે. ખેડવા જમીન નથી. આવક ઓછી તથા મર્યાદિત છે. આવકમાં કેટલાક સમયે અનિશ્ચિતતા પણ આવે. કોટવાળીયાને જે મજૂરી ચુકવવામાં આવે છે તેનો દર ઘણો ઓછો છે તેમ તે જણાવે છે. આવક એટલે કે Livelihood  ની અનિયમિતતા એ તેનો મુખ્ય પ્રશ્ન છે. મોસમે મોસમે જમીન માલિકો તરફથી ખેતરમાં કામ કરવાની મજૂરી મળે પરંતુ તે પણ નિયમિત તથા પૂરતી મળવાની સંભાવના ઓછી રહે છે. કોટવાળીયા યુવાન પોતાની વ્યથા વ્યક્ત કરતા કહે છે કે બજારમાં જરૂરી ચીજવસ્તુઓની થતી ચડઉતર અમારા માટે મોટો પ્રશ્ન છે. રોજનું લાવીને લગભગ રોજનું ખાવાનું થાય તેવી સ્થિતિ છે. એ પણ એક જાણીતી હકીકત છે કે આદિવાસી વિસ્તારના ઘણાંયુવાનો પ્રમાણમાં નિશ્ચિત મજૂરી મળે તે માટે વતનથી દૂર જઈને મજૂરી કામ કરે છે. ગુજરાતમાં ઘણાં કિસ્સાઓમાં ખેતીના કામ માટે આદિવાસીઓ આવ્યા હોય તેવું જોવા મળે છે. નર્મદા કે અન્ય કોઈ નાની મોટી કેનાલની યોજનાઓનો લાભ તેમને મળતો નથી. કારણો જોવા જઈએ તો સ્પષ્ટ થાય કે તેમની પાસે જમીન નથી. લગભગ પોણી સદી પહેલા વિનોબાજીએ જે ભૂદાન આંદોલન ચલાવ્યું તેનું મહત્વ આજે પણ છે. ભૂમિહીનો માટે ખેતીની જમીનની વહેંચણીની યોજના છે. પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં Procedural Delay થાય છે. જમીનની ફાળવણી થયા પછી તેનો ખરેખર કબજો મળ્યો છે કે કેમ તે બાબતની પણ જોઈએ તેવી ચોકસાઈ થતી નથી. જે લોકો નાના અને સીમંત ખેડૂતો છે તેમને પોષણક્ષમ વળતર મળતું નથી. ખેતીની ઉત્પાદકતામાં Climate Change ને કારણે ગંભીર ખતરો ઉભો થયો છે. સમતોલ વિકાસનો આ પ્રશ્ન આવતીકાલ ઉપર છોડી શકાય તેવો નથી. સૌના વિકાસ થકી જ સ્વસ્થ સમાજની રચના શક્ય બને છે.

વસંત ગઢવી

તા. ૨ ડિસેમ્બર ૨૦૨૫  

Leave a comment

Blog at WordPress.com.

Up ↑