આ વાટ(વાત) અમુને ફિટ લાગે-વાટે…ઘાટે

: વાટ(વાત) અમુને ફિટ લાગે:

માલિક અને મજૂરોની માર્મિક વાત:

           દક્ષિણ ગુજરાત પર પ્રકૃતિની કૃપા રહી છે. પાણીથી ભરેલી નદીઓ તેમ જ લીલીછમ્મ વાડીઓથી આ પ્રદેશ વિશેષ રળીયામણો લાગે છે. સુરત જિલ્લામાં કામ કરતો હતો ત્યારે આવા અનેક નાના-મોટા ગામોની મુલાકાત લેવાનું થયું છે. સાધન-સુવિધાનો થોડો અભાવ સોનગઢ-ઉચ્છલ તથા નિઝર તાલુકાઓમાં લાગ્યા કરતો હતો. આમ છતાં લોકોના સ્નેહાળ તથા વિધેયાત્મક વલણનો પણ અનેક પ્રસંગોએ પરિચય થયો છે.

               સુરત તથા વલસાડ જિલ્લાના વાડી વિસ્તારોમાં કેટલાક પારસી સદ્દગૃહસ્થોની વાડીઓ આવેલી છે. કેરી તથા ચીકુ તેમજ અન્ય ફળો અહીં સારા પ્રમાણમાં થાય છે. ફળોની ખેતી માટે પૂરતી કાળજી રાખવી જરૂરી હોય છે. ખેતીનું નાનું મોટું મજૂરી કામ સતત ચાલતું રહે છે. મજૂરી કામ માટે સામાન્ય રીતે તે વિસ્તારના કે આસપાસના વિસ્તારના આદિવાસી ભાઈઓ મળી રહે છે. આ પ્રકારનું મજૂરીકામ કરનાર લોકોને પોતાની જમીન હોતી નથી અથવા જમીનનો ટુકડો હોય તો તે પોષણક્ષમ હોતો નથી. આથી તેઓ મજૂરી કામ માટે મોટી જમીન તથા બગીચાઓ ધરાવતા જમીનદારોને ત્યાં મજૂરી કામ કરે છે. શેઠિયાઓ તેમને રહેવાની સુવિધા પણ આપે છે. આથી બગીચામાં જ નાની ઝુંપડીઓ બનાવીને તેઓ રહે છે. પોતાનું ગુજરાન ચલાવે છે. આ રીતે સુગર ફેકટરીઓને પણ તેમના કામ માટે મજૂરો આ રીતે જ મળી રહે છે. તેઓના હારબંધ ઝુંપડાઓ ઘણીવાર જોવા મળ્યા છે. સામાન્ય રીતે પૂરતી પ્રાથમિક સગવડતાઓનો ત્યાં અભાવ હોય છે.

                  આવા એક ઈરાની શેઠની વાડીમાં મજૂરોના થોડા કુટુંબો રહે છે. ફળોના બગીચામાં શ્રમ કરે છે. સ્વભાવગત સંતોષની લાગણી રાખવાવાળો આ શ્રમજીવી વર્ગ છે. મારા જિલ્લાના પ્રવાસો દરમિયાન મને તેની પ્રતીતિ પણ થઇ છે. ઉચ્છલ કે નિઝર તાલુકાના કોઈ ગામમાં જવાનું થતું ત્યારે સ્વાભાવિક રીતે જ ગ્રામજનોને મળવાનો એક ક્રમ હતો. સાધારણ હોય એવા પંચાયતના મકાનમાં કે શાળાના પ્રાંગણમાં તલાટી કે મહેસૂલના સર્કલ ઇન્સ્પેક્ટર કેટલાક ગ્રામજનોને બોલાવી રાખે. નજરે જોઈ શકાય તેવી શિક્ષણ તથા આરોગ્યની વ્યવસ્થાની ખામીઓ હોવા છતાં ભાગ્યે જ તેઓ ફરિયાદના ટોનમાં વાત કરે. પ્રશ્નો રજુ કરે નહિ અને કરે તો પણ સહજ ભાવે અતિશયોક્તિ કર્યા સિવાય કરે. કેટલાક સુખી ગામડાઓમાં તેનાથી વિપરીત અનુભવો પણ થયા છે.

         આથી ઉપર વાત કરી છે તેવા એક પારસી શેઠને ત્યાં વીસ-બાવીસ ખેતમજૂરો કામ કરે. શેઠ પણ તેમનું ધ્યાન રાખે. નાના-મોટા જરૂરિયાતના પ્રસંગોએ નાની-મોટી રકમનું ધિરાણ પણ કરે આવા ધિરાણની વસુલાત પણ મજૂરોને મળતા નજીવા વેતનમાંથી હપ્તાવાર થયા કરે. આ શેઠને ત્યાં મજૂરોની વિનંતી પરથી તેમને મળતી મજૂરીમાંથી રોજના પાંચ રૂપિયા કાપવામાં આવતા. મજૂરોના ખાતે તેટલી રકમ જમા રહે. જરૂર હોય ત્યારે તેમની બચતમાંથી જ શેઠના હિસાબનીશ તેમને સહાયની રકમ ચૂકવી આપે. શેઠ તરફથી માત્ર હિસાબ કિતાબની વ્યવસ્થા કરવામાં આવે. આવા સ્થળે એકવાર મજૂરોના આ સમૂહમાંથી આઠથી દસ મજૂરો શેઠ પાસે આવ્યા. શેઠને મનમાં થયું કે કદાચ કોઈક નવી માંગણી લઈને તેવો આવેલા હશે. શેઠે તેમને આવકાર્યા અને સમૂહમાં આવવાનું કારણ પૂછ્યું. મજુરોમાંથી ‘રમલા’ નામે એક આદિવાસી મજુરે કહ્યું કે “શેઠ અમે તારું અન્ન ખાઈએ છીએ. તું અમારી નાની મોટી જરુરીયાત હોય ત્યાં મદદ પણ કરે છે. પણ શેઠ! અમને માફ કરજે. તારી માફી માંગવા અમે આવેલા છીએ”. શેઠને નવાઈ લાગી. આ મજૂરો ઘણાં વર્ષોથી શેઠને ત્યાં કામ કરતા હતા. તેમના કામ અંગે શેઠને કોઈ ફરિયાદ પણ ન હતી. તો પછી આ લોકો માફી શા માટે માંગતા હશે? શેઠે રમલાને કહ્યું કે શા માટે તમે માફી માંગો છો? તમે એવું કશું કર્યું નથી કે માફી માંગવી પડે. શેઠની મૂંઝવણ જોઈને રમલાએ પોતાની વાત આગળ ચલાવી: “શેઠ અમુને માફ કરજે. કારણ કે તારે તાં વરહોથી(વર્ષોથી) વેઠ કરીએ છીએ. તું અમારું પેટ પુરે. પન અમારો સ્વભાવ હો એવો કે લાગ મલે ટારે નાની મોટી ચોરી કરી લેવાની. એમાં કોઈ શરમની મલે. ટારા ભાજી, ચીકુ, આંબા ખાઈએ. ક્યારેક થોડું ઘણું વેચી બી મારીએ.” શેઠ એક ધ્યાન થઇ બાળ સહજ તથા નિર્દોષ એવી આ સ્વૈચ્છીક કબૂલાતો સાંભળતા હતા. રમલાએ આગળ ચલાવ્યું: “પન હવે ભલું ઠાજો ડાડાનું. (પાંડુરંગ દાદા હોઈ શકે) ડાડાની સારી સારી વાતો લઈને આ વાસુકાકા અમારે ટાં વસ્તીમાં આઇવા. તેમણે સ્વાધ્યાયની હારી હારી સારી સારી વાટું કીધી. તેવાએ શીખવાઇડુ કે ભગવાન આપણી અંડર આવીને આપણને સંભાલે. દૂધની અંદર ઘી હોય પન તે દેખાય નહિ. એ રીતે વાલો પન આપણી અંદર પડીને આપણી સાઠે ને સાઠે જ રીએ. પન ડાયરેક્ટ જોવા ની મલે. પન એ અંડર હોય તો ખરો જ. એકવાર એમણે ડાડાની વાટ કીધી કે આપને બેઈમાનીની હમજ મલીયા પછી બેઈમાની ના થાય. પછી બેઈમાની કરીએ તો માફી બી ના મલે. તેથી વિચાર કીઢો કે શેઠનું બહુ ખાધેલું-ચોરેલું છે તો તે ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે પાછું વાળવું જોવે. તે વિના હવે ની ચાલે. તેથી અમે બધા આ છેલ્લા છ મહિનાથી રોજના પાંચ રૂપિયા તારી કનેથી કપાવીએ છીએ. એ પૈહા તારા જ છે. તું જ રાખજે. અમુ બધાને માફ કરી અમારું પ્રાયશ્ચિત કરવા દેજે.” શેઠને જે ભાવ જગ્યા તેનાથી જવાબ દેવાનું પણ શેઠને મુશ્કેલ લાગ્યું. માનવીના આંતરમનમાં પડેલી ઉદારતાની આવી વાત મહેન્દ્ર મેઘાણી આપણી સમક્ષ લાવ્યા. વાંચ્યા પછી સ્મૃતિમાં રહી જાય તેના આધારે આવી વાત મમળાવવી-માણવી અને કહેવી ગમે છે.

વસંત ગઢવી

તા. ૨૬ નવેમ્બર ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑