:અંબાદાનભાઈ: નખશીખ સૌજન્યથી ભરેલું વ્યક્તિત્વ:
કલાકારો-સાહિત્યકારો તેમજ સર્જકો લોકોથી થોડા જુદા પડતા હોય છે. તેમના વાણી-વ્યવહાર કે વર્તન પણ કોઈવાર સામાન્ય માણસને આશ્ચર્ય થાય તેવા હોય છે. કેટલાક તો ‘આકરા પાણીએ’ હોય તેવા પણ આપણે જોયા છે. આ તેમનો અધિકાર છે. સમાજે તેમને યથાતથ સ્વીકારવા જોઈએ કારણ કે તેમના સાહિત્યીક યોગદાનથી સમાજ વૈચારિક રીતે સમૃદ્ધ બને છે. આ સાથે જ કેટલાક સાહિત્યકારો-સર્જકોનું વ્યક્તિત્વ ખુબ જ વિવેક તથા સૌજન્યથી ભરેલું હોય છે. સમાજ તેમને તે રીતે આદરની દ્રષ્ટિએ જુએ છે. કવિ ઉમાશંકર જોશી કે કવિ પિંગળશીભાઈ લીલાને તેથી અનેક લોકો શીલભદ્ર સાહિત્યકારો તરીકે ઓળખે છે. ભાવનગરના ઉજળા પરિવારના પ્રતિનિધિ બળદેવભાઈ નરેલા પણ આવું જ સરળ તથા નિર્મલ વ્યક્તિત્વ ધરાવતા હતા. પરંપરાની આ ઉજળી શૈલીમાં અંબાદાનભાઈ રોહડિયાને મળીએ ત્યારે કોઈક વિવેકી અને સૌજન્યપૂર્ણ વ્યક્તિને મળતા હોઈએ તેવો ભાવ મનમાં હંમેશા થયા કરે છે. પોતાના કામને બહુ ગાયા સિવાય નિષ્ઠાથી સરસ્વતીની ઉપાસના કરતા આ સંઘના સ્વયંસેવક મળવા જેવા અને મળવું ગમે તેવા માણસ છે. જીવનના અનેક ચઢાવ-ઉતારમાં તેઓ સ્થિર રહ્યા છે. અનેક ઘટનાઓ-પ્રસંગોમાં તેમને અકળાયા સિવાય ખમી ખાતા જોયા છે. તેમના પિતાશ્રીએ કરેલી આજીવન ગૌસેવાનું પુણ્ય તેમને પણ પ્રાપ્ત થયું હોય તે સ્વાભાવિક છે. આજે ગુજરાતમાં જાહેર મંચ પર બેસીને સાહિત્યને પીરસનારા ઠીકઠીક સંખ્યામાં છે. જગદંબાની કૃપાથી કલાકારોની નવી પેઢીએ સાહિત્ય પ્રસ્તુતિની આ ઉજળી પરંપરાને જાળવી છે. પરંતુ સાહિત્યના સંશોધક-સર્જક તથા લખનારાની સંખ્યા મર્યાદિત છે. આવા સમયમાં અંબાદાનભાઈ ૫૮ પુસ્તકો લખે તે સામાન્ય વાત નથી. અધ્યાપકોને સામાન્ય રીતે લખવાની સુવિધા વિશેષ હોય છે. તેમની પાસેથી સમાજને તથા યુનિવર્સીટીને અપેક્ષા પણ હોય છે. છતાં અધ્યાપકોના આ વર્ગમાંથી થોડા લોકો જ પોતાનું સાહિત્ય સર્જનમાં યોગદાન આપી શકે છે. અંબાદાનભાઈ તેમાં અગ્રસ્થાને છે. આપણાં મુરબ્બી અને માર્ગદર્શક આદરણીય શ્રી બળવંતભાઈ જાનીનું સતત માર્ગદર્શન અને સ્નેહ અંબાદાનભાઈને મળ્યા છે.
શૈક્ષણિક ક્ષેત્રમાં અંબાદાનભાઈએ જે યોગદાન સાહિત્ય સંવર્ધનમાં આપ્યું છે. તે નોંધપાત્ર છે. ૫૮ પુસ્તકોમાં તેમણે લોક-ચારણી સાહિત્યના અનેક વિષયોને આવરી લીધા છે. દરેક વિષયને ન્યાય આપવાની તેમની ઈચ્છા રહેતી હોય છે જે સ્વાઘ્યાયના બળે પૂર્ણ થઇ છે. પરંતુ આ ઉપરાંત તેમણે સાહિત્યને સમજતી એક જાગૃત તથા ધબકતી પેઢી તૈયાર કરી છે. તેમના માર્ગદર્શન હેઠળ ૩૦ યુવાન વિદ્યાર્થીઓએ લોકસાહિત્ય કે ચારણી સાહિત્યમાં ડોક્ટરેટ મેળવ્યું છે. આ ઉપરાંત ૭૭ સ્વાધ્યાયપ્રિય વિદ્યાર્થીઓએ અંબાદાનભાઈની સહાયથી M . Phil . કર્યું છે. વરિષ્ઠ અદ્યાપકોના સંદર્ભમાં પણ મુલવણી કરીએ તો આ સિદ્ધિ નાની સુની નથી. અનેક શોધ નિબંધો કે લઘુ નિબંધોથી આપણાં સાહિત્યના સમૃદ્ધ વારસામાં એક નવું પરિણામ ઉમેરાયું છે. અધ્યાપકો-સંશોધકો તથા વિદ્યાર્થીઓને આવો સમૃદ્ધ સાહિત્ય વારસો તેમની શૈક્ષણિક યાત્રામાં ખુબ જ ઉપયોગી થશે. ઘણી મહત્વની હોય છતાં એટલી જાણીતી ન હોય તેવી અલભ્ય બાબતોનું સારું દસ્તાવેજીકરણ પણ આવા પ્રયાસો થકી જ થઇ શકે છે. અંબાદાનભાઈને અનેક પ્રસંગોમાં અનેક લોકોએ વધાવ્યા છે તથા બિરદાવ્યા છે. આ પરિણામ તેમની નિષ્ઠાને કારણે સામે આવ્યું છે. ‘કાગ એવોર્ડ’ તેમને મળવો સ્વાભાવિક હતો. ઉપરાંત તેમને ૨૦૨૩માં પ્રવાસી રાજસ્થાની સાહિત્ય એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા. આ એવોર્ડ તેમને રાજસ્થાનથી બહાર રહીને રાજસ્થાની સાહિત્યની સેવા માટે આપવામાં આવેલો છે. ગુજરાત માટે આ ગૌરવની વાત છે. તાજેતરમાં તેમને ગુજરાત સરકારની હિન્દી સાહિત્ય અકાદમી તરફથી ‘ચારણી સાહિત્ય મણિમાલા’ એવોર્ડ આપવામાં આવ્યો છે. સોનામાં સુગંધ ભલે તેવો આ એવોર્ડ પ્રાપ્ત કરીને અંબાદાનભાઈએ સાહિત્યના ક્ષેત્રમાં પોતાની ઊંચી ઉડાનનું રળીયામણું નિદર્શન કરાવ્યું છે. સાહિત્યની તેમની ઉપાસના સતત ગતિમાં છે. આથી તેઓ જીવનમાં હજુ બીજા નવા શિખરો સર કરે તેવી અપેક્ષા રહે તે સ્વાભાવિક છે. અભ્યાસસહજ અધ્યાપકોનું સરસ્વતી ઉપાસનાનું યજ્ઞકાર્ય કદી ઝાંખું પડતું નથી.
ઝવેરચંદ મેઘાણી કેન્દ્રની સ્થાપનાનો જયારે ઐતિહાસિક નિર્ણય થયો ત્યારે તેનું મુખ્ય મથક રાજકોટ ખાતે રાખવાનું નક્કી થયું. રાજ્ય સરકારના આ મહત્વના સાંસ્કૃતિક બાબત અંગેના નિર્ણયથી લોકસાહિત્ય તેમજ ચારણી સાહિત્યની એક નૂતન દિશાનું દર્શન થયું. મેઘાણી કેન્દ્રના પ્રથમ નિયામક તરીકે કેન્દ્રનું માળખું તૈયાર કરવાનું પાયાનું કાર્ય અંબાદાનભાઈએ નિષ્ઠાપૂર્વક કર્યું. આવા માળખાકીય મહત્વના કામમાં ભીખુદાનભાઈ ગઢવી, દરબાર સાહેબ શ્રી પુંજાવાળા, કવિ હર્ષદ ત્રિવેદી, બિહારી હેમુભાઈ ગઢવી, છેલભાઈ વ્યાસ જેવા અનેક મર્મજ્ઞોનો સાથ તથા માર્ગદર્શન મળ્યા. આ ઉપરાંત સામાજિક ક્ષેત્રમાં ચાલતા અનેક સાંસ્કૃતિક ઉપક્રમોમાં અંબાદાનભાઈનું સતત યોગદાન રહ્યું. ક્રાંતિગુરુ પંડિત શામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટીમાં ‘હમીરજી રત્નુ’ chair ઉભી કરવામાં અંબાદાનભાઈએ મુરબ્બી શ્રી પુષ્પદાનભાઈને ખુબ જ સહયોગ આપ્યો. જગ જનની પૂજ્ય આઈ શ્રી સોનલબાઈમાના શતાબ્દી મહોત્સવ પ્રસંગે મંચ પરના કાર્યક્રમોનું આયોજન કરવામાં અંબાદાનભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આવી અનેક પ્રવૃતિઓમાં તેમના યોગદાનનું સાતત્ય એ અહોભાવ થાય તેવું છે.
અધ્યાપકો જયારે અધ્યાપકીય કાર્ય કરે ત્યારે તેનું અધ્યાપક હોવું તે સાર્થક બને છે. ઉપનિષદે કહ્યું છે:
“સ્વાધ્યાય પ્રવચનાભ્યાં
માં પ્રમદીત્વયં”
અંબાદાનભાઈ આ શાસ્ત્રોક્ત ઉક્તિને અનુસરીને જીવન જીવ્યા છે. પોતાના અધ્યાપકપણાને તેમણે ઉજાળ્યું છે. અંબાદાનભાઈને સમગ્ર સમાજ વધાવે તો તે ઉચિત તથા સમયસરની ઘટના છે. આપણે પણ તેમાં મકરંદી મિઝાઝથી સુર પુરાવીએ તો પ્રસન્નતાના ભાવ થશે.
તારા આનંદના દીવાથી
પ્રગટાવે તું, કોઈના આનંદનો દીવો,
ઓ રે ઓ બંધવા ! ઝાઝી ખમાયું તને
ઝાઝી વધાયું તને,
જીવો ભાઈ ! જીવો.
વસંત ગઢવી
તા. ૨૫ નવેમ્બર ૨૦૨૫
Leave a comment