શ્રેષ્ઠની ઉપાસના એ જ આપણો જીવનમંત્ર બની રહો-સંસ્કૃતિ

:શ્રેષ્ઠની ઉપાસના આપણો જીવનમંત્ર બની રહો:

         ઇટલીના મિલાનો શહેરની એક ઘટના કે જેનો ઉલ્લેખ ફાધર વાલેસે (૧૯૨૫-૨૦૨૦) કર્યો છે તે સ્મૃતિમાંથી ખસે તેવી નથી. જયારે જયારે આ ઘટનાનું સ્મરણ થાય ત્યારે મનમાં એક આદર સાથે જ ઊંડી પ્રસન્નતાનો ભાવ અનુભવી શકાય છે. ઇટલીના મીલનોમાં એક વિશ્વવિખ્યાતીને વરે તેવા ભવ્ય દેવળ નિર્માણનું કામ પ્રગતિમાં હતું. સ્વાભાવિક રીતે જ અનેક લોકો આ પ્રોજેક્ટ સાથે તન-મન-ધનથી જોડાયા હતા. આવા કામનું ગૌરવ પણ અનુભવતા હતા. આ કામમાં એક શિલ્પકારના હિસ્સે થોડી મૂર્તિઓ બનાવવાનું કાર્ય આવ્યું હતું. નવનિર્મિત દેવળમાં અલગ અલગ જગાએ આ મૂર્તિઓ મુકવાની હતી. શિલ્પકાર તલ્લીન થઈને એક મૂર્તિ બનાવતો હતો. મૂર્તિને ઘાટ આપીને તેને યોગ્ય મરોડ તથા મુદ્રામાં ગોઠવવા તે અનોખી ધગશથી કામ કરતો જતો હતો. મૂર્તિની એક એક બારીક રેખાને ઉપસાવવાનો તેનો પ્રયાસ હતો. ખાવાપીવાનું વહેલું મોડું થાય કે નિંદ્રા પૂરતી ન થાય તો પણ તેનો ઉત્સાહ ઘટતો ન હતો. પોતે જે મૂર્તિ ઘડે છે તેની સર્વાંગ સુંદરતા એ જ તેનું લક્ષ હતું.

                 શિલ્પકાર કામ કરતો હતો ત્યારે તેના એક મિત્રે તેને કહ્યું: “તું જે મૂર્તિ કાળજીપૂર્વક બનાવે છે તે તો દેવળની ડિઝાઇન પ્રમાણે ખુબ જ ઊંચેના ભાગે મુકવાની છે. તું તારા કલાકોના કલાકો મૂર્તિની એક નાની રેખાને ઉપસાવવાનો આકરો પ્રયાસ કરે છે. આટલી ઊંચી જગાએ દેવળમાં તેને કોઈ પૂર્ણતઃ જોઈ શકશે નહિ. શા માટે તું આટલી મહેનત કરે છે?” શિલ્પકારના મિત્રે તેને વ્યવહારુ થવા સૂચન કર્યું. શિલ્પકાર માથું ઊંચું કર્યા સિવાય સ્વસ્થતાથી જવાબ આપે છે: “મારી કૃતિ છે એટલે શ્રેષ્ઠ હોવી જોઈએ. ભલે કોઈ જુએ કે ન જુએ. હું તો જોઉં છું. બીજું કોઈ જુએ કે ન જુએ ભગવાન તો જુએ છે.” મારી કૃતિ છે એટલે એ શ્રેષ્ઠ હોવી જોઈએ. દરેક કલાકારનો આ આદર્શલેખ છે. મનુષ્ય જીવનના સુચારુ ઘડતર માટે પણ જીવન ઘડતરનો અગત્યનો મંત્ર છે. હું જયારે કોઈ કામ કરું છું ત્યારે એ કામ અપૂર્ણ કે કાચું ન હોય. મારી ભલે કેટલી ખામીઓ કે મર્યાદાઓ હશે. પરંતુ તે મર્યાદાઓ વચ્ચે પણ સારામાં સારું કામ થાય તે તેનો જીવનમંત્ર છે. મારું કામ એટલે મારી શક્તિ પ્રમાણે ઉત્તમ જ હોય તેવો ભાવ સતત મનમાં જીવતો રહેવો જોઈએ. દુનિયા જુએ તો કહે: “વાહ કોઈએ પથ્થરને સૌંદર્ય કૃતિમાં પલટાવ્યો છે.” કવિ જયંત પાઠકની સુંદર પંક્તિઓ આ સંદર્ભમાં યાદ આવે છે.

ચીતારે અજબ કી મિલાવટ કરી

ચીતારે રંગ પ્યાલીઓ ભરી.

                     પોતાનું જે કામ હોય-નાનું કે મોટું-તે શ્રેષ્ઠ જ હોય તેવો અભરખો સેવનાર લોકોને કારણે આ સંસાર વિશેષ સુંદર તથા સમૃદ્ધ થયો છે.

           યુવાન માઈકલ એંજેલો (૧૪૭૫-૧૫૬૪.ઇટલી)ની કેટલીક ઉત્તમ કૃતિઓની ચોરી થઇ. મૂર્તિઓની ચોરી થઇ તેનો તો અફસોસ માઈકલ એંજેલોને હતો જ. એટલામાં એવું થયું કે એ મૂર્તિઓ કોઈ બીજાના નામે બજારમાં વેચાવા લાગી. માઈકલ એંજેલોને તેથી વિશેષ અફસોસ થયો. આથી તેણે પોતાની ઘડેલી મૂર્તિઓ પર પોતાનું નામ કોતરાવવાનું શરુ કર્યું. થોડા સમયમાં જ તેને એવી અનુભૂતિ થઇ કે આ રીતે મૂર્તિ પર નામ કોતરાવવાની રીત સારી નથી. તો શું કરવું? આથી તેણે નક્કી કર્યું કે હવે પછીની મારી કૃતિઓ એવી ઉત્તમ ઘડીશ કે જોનારને તરત જ સમજાય કે આ કૃતિઓ માઈકલ એંજેલોની જ છે.

              માઈકલ એંજેલોએ પોતાનો પ્રાણ એક એક કૃતિમાં રેડીને પોતાની કૃતિની એક અલગ છાપ ઉભી કરી. આથી કૃતિને જોતા જ કોઈને પણ પ્રતીતિ થાય કે તે કૃતિ માઈકલ એંજેલોની છે. શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટેની કોઈ મહેચ્છા કે હરીફાઈ અહીં નથી. માત્ર પોતાનું કામ એક નિષ્ઠાથી તથા શ્રેષ્ઠ પ્રયાસોથી કરવાનો સ્વંસંકલ્પ છે. કામની વિપુલતા નથી પરંતુ શ્રેષ્ઠતા પામવાના મનોબળનું આ પરિણામ છે. ફ્રાન્સના તત્વચિંતક સાત્ર જવાબ આપતા કહે છે: ” મેં લખ્યું છે તો ઘણું પરંતુ મારા લખાણોનો ફક્ત પાંચમો ભાગ પ્રસિદ્ધ કર્યો છે. જો મારા બધા લખાણો મેં પ્રસિદ્ધ કર્યા હોત તો જેટલી મળી છે તેટલી ખ્યાતિ મને મળી ન હોત.”

         શ્રેષ્ઠતાની ઉપાસના એ જીવનમંત્ર હોય તો દુન્વયી સફળતા આપોઆપ મળતી રહે છે. વિપરીત સંજોગોમાં પણ એકલવ્યે પોતાની બાણ ચલાવવાની શક્તિને ઉત્તમ બનાવી. ગુરુ દ્રોણાચાર્યને આ જોઈને અર્જુનથી પણ આગળ જઈ શકે તેવા વીરનું દર્શન થયું. કર્તવ્યપરાયણતા કે નિષ્કામ કર્મના જ આ ઉત્તમ ઉદાહરણો છે.

            કચ્છમાં ત્રીસેક વર્ષ પહેલા જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કરતો હતો ત્યારે છેવાડાના ખાવડા વિસ્તારની એક શાળાના મકાનને જોઈને આશ્ચર્ય થયું. માત્ર એક શિક્ષકની શાળામાં જે રીતે આ શિક્ષકે સ્વચ્છતા તેમ જ શાળાના મેદાનને હર્યુંભર્યું રાખવાની જહેમત ઉઠાવી હતી તે દાદ માગી લે તેવી હતી. શિક્ષકની આ શ્રેષ્ઠતામાં કોઈ પ્રલોભન ન હતું. શાળાને એક મંદિર સમાન ગણીને તેણે પોતાનું વ્યવહાર નક્કી કર્યો હતો. કામ એ જ તેની પૂજા હતી. ભગવાનની પૂજા કરતા હોઈએ ત્યારે દેવમૂર્તિને ચોખા ચડાવતા હોઈએ છીએ. પૂજા માટેના ચોખાના દાણાં અખંડ તથા અક્ષત હોવા જોઈએ તેવો આપણો હંમેશા પ્રયાસ હોય છે. ઘણાં દાણાં ચડાવીએ છીએ તો થોડા દાણાં પોણિયા હશે તો પણ ચાલશે તે સગવડિયા ધર્મને અહીં સ્થાન નથી. દેવમૂર્તિને તૂટેલા કે ખંડિત થયેલા દાણાં કેવી રીતે ચડાવી શકાય? જીવનનું દરેક કાર્ય અક્ષત રાખવાનો દ્રઢ નિર્ણય કરીને તેને ગમે તે ભોગે વળગી રહેનાર એ ખરો જીવન પૂજારી છે. કામને અર્થે જ કરેલું ઉત્તમ કોટિનું કામ એ આપણો જીવનમંત્ર બને તો સ્થિતિમાં બદલાવ આવી શકે છે.

વસંત ગઢવી

તા. ૧૯ નવેમ્બર ૨૦૨૫ 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑