પચેલા આત્મજ્ઞાનના ઓડકાર ખાનાર કવિ: દુલા ભાયા કાગ
માડી ! આ તો નથી ચમેલી મોગરાના
કે વગડાના ફૂલડાં હો જી !
માડી મને શારદાએ ફૂલડાં દીધાં
એ ફૂલડાંમાં ફોરમ નથી રે જી.
કવિ દુલા ભાયા કાગ (ભગતબાપુ)ના ઉપરના શબ્દો તેમના વ્યક્તિત્વમાં બંધાયેલા વિવેકનું દર્શન કરાવે છે. તેમના લખાણો કે ઉચ્ચારણોમાં કર્તાપણાનો ભાવ શોધવો મુશ્કેલ છે. જગદંબાની કૃપાથી કવિઓને શબ્દો મળ્યા છે તેનું સતત સ્મરણ છે. શારદાએ કૃપા કરીને કવિને ખોબે તથા ધોબે પ્રસન્નતા સાથે કાવ્યોના ફૂલડાં આપ્યા છે. કવિનો ભાવ તો તેમાં પણ અનાસક્તિ અને માતાજીની કૃપાનો ભાવ અનુભવે છે. પોતાની જાતને જ કહેતા હોય તેમ કવિ લખે છે:
મૂરખ ! માગ્યા લૂગડાં
તું કાં ફાંટયો ફરે?
ભગતબાપુ જેવા કવિઓ-સર્જકો પ્રદેશની તથા ભાષાની ગૌરવગાથાનું સર્જન કરનારા છે. દર વર્ષે નિયમિત રીતે છેલ્લા અઢી દાયકાથી પૂજ્ય મોરારીબાપુ મજાદર(કાગધામ) જઈને ભગતબાપુની પુણ્યતિથિના દિવસે ભગતબાપુના સ્મરણના એક અનોખા ઉત્સવમાં જોડાય છે. સંતની આ કૃપાનો પ્રસાદ અનેક લોકો-સાહિત્યમર્મીઓ સુધી પહોંચે છે. મોરારીબાપુના સ્નેહનો પ્રવાહ અનેક ઉગતા તથા ગઈકાલના સર્જકો સુધી ‘કાગ એવોર્ડ’ના ગૌરવપ્રદ એવોર્ડથી પહોંચે છે. ગુજરાત તથા રાજસ્થાન બંને રાજ્યોના લોક તેમજ ચારણી સાહિત્યના સર્જકો તેનાથી લાભાન્વિત તેમજ પ્રોત્સાહિત થાય છે. આ વર્ષ એટલે કે ૨૦૨૬માં પણ આ અનોખો ઉપક્રમ ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવ્યો છે. કાગપ્રેમીઓનો આ મેળાવડો પ્રતિવર્ષ વિશેષ આકર્ષક થતો જાય છે. બહુ ઓછા કિસ્સાઓમાં કવિઓની સ્મૃતિમાં મજાદર જેવા અંતરિયાળ ગામમાં થયેલી પૂજ્ય બાપુની રામકથા જેવા પ્રસંગો થયા હશે. પ્રસન્નતા આપનારા અનેક પ્રસંગો આ રામકથાનો અભિન્ન હિસ્સો છે. ભગતબાપુની સ્મૃતિમાં આ એક લોકમહોત્સવ હતો જે રામકથાના માધ્યમથી પાવન થયો હતો.
ઝવેરચંદ મેઘાણીએ લખ્યું કે કવિ દુલાભાઇ કાગ જેવા સર્જકોની વાણી આપણી શાળાઓના વિદ્યાર્થીઓ સુધી પહોંચવી જોઈએ. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનું પણ મંતવ્ય હતું કે આવા કવિની કાવ્ય સરવાણી તેની ખૂબીઓ સાથે આપણી આવતી કાલની પેઢીઓ સધી પહોંચવી જોઈએ. સંસ્કાર સિંચનના આવા માધ્યમથી સંસ્કાર ઘડતરનું મજબૂત કાર્ય થાય છે. આ બાબત એટલા માટે વિશેષ મહત્વની છે કે શાસ્ત્રોની ઉત્તમ વાતો લોકો સુધી પહોંચાડવાના કામમાં સંતો-કથાકારો અને લોકકવિઓ મહત્વનો ભાગ ભજવે છે. લોક અને શ્લોકનું અનુસંધાન આવા વિવેકદ્રષ્ટિવાળા સર્જનો થકી થાય છે. ભાણ પરંપરાના સંતોએ આ કામ વ્યાપક રીતે કર્યું તેનો ઉજળો ઇતિહાસ છે. ભગતબાપુએ પણ પોતાની સુદીર્ઘ સર્જનયાત્રામાં એવા અનેક ગીતો-કાવ્યો તથા ભજનો આપ્યા કે જેમાં માનવજીવનના મૂલ્યોનું જતન તથા સંવર્ધન કરવાનો સંકેત હોય. ભગતબાપુની વાણીમાં સરળતા છે. અર્થસભરતા છે. આથી તેમની રચનાઓ દીર્ઘજીવી બની છે. માનવીનું પ્રકૃતિ સાથેનું અભિન્ન અનુસંધાન તેમજ પરસ્પરનો ઊંડો સ્નેહ તેમના ‘ઉડી જાઓ પંખી પાંખુવાળા’ ભજનમાં સ્પષ્ટ રીતે સામે આવે છે.
વડલો કહે મારી વનરાયું સળગી
મૂકી દીઓને જુના માળા
ઊડી જાઓ પંખી પાંખુવાળા.
જંગલમાં આગ લાગે (wild fire ) ત્યારે તેની અસર ભયાનક હોય છે. આવા અગ્નિની ગતિ પણ અસાધારણ હોય છે. આ સ્થિતિના સંદર્ભમાં જંગલના કોઈ એક ભાગમાં આગ લાગે છે. આગની શરૂઆત થઇ છે તેનાથી થોડે દૂર એક વિશાળ વટવૃક્ષ છે. સ્વાભાવિક છે કે જંગલમાં લાગેલી આ આગમાં આ વિશાળ વડલાની હવે કોઈ સલામતી નથી. ગમે તે ક્ષણે અગ્નિ તેને પોતાની ઝાળમાં લઇ લેશે તેજ નિયતિ છે. જોતજોતામાં આ ઘેઘુર વડલાનું અસ્તિત્વ જ નામશેષ થશે. આ વિશાળ વૃક્ષના સહારે અને સથવારે અનેક પક્ષીઓએ પોતાના માળા બનાવ્યા છે. અગણિત વર્ષોથી આ વૃક્ષ એ તેમનું માનીતું અને સલામત નિવાસ્થાન છે. પરંતુ આગ લાગે ત્યારે હવે વૃક્ષનું અસ્તિત્વ જ જોખમમાં છે. આથી આ વટવૃક્ષ પોતાના પ્રિય સાથીઓ તથા આશ્રિતો એવા આ વિહંગોને કહે છે કે તમે હવે જલ્દીથી ઉડ્યન ભરો. આગની જ્વાળાઓ નજીક આવી રહી છે. વૃક્ષ કહે છે કે અમે તો સ્થિર છીએ પરંતુ તમને તો ઈશ્વરે પાંખો આપી છે. માટે જલ્દીથી આ વનને છોડીને બીજી સલામત જગ્યા તરફ પ્રયાણ કરો.
આ વિનંતી કરવા સાથે કેટલાક મીઠા સંસ્મરણો પણ આ વડલાને યાદ આવે છે. આથી કહે છે:
બોલ તમારા હૈયામાં બેઠા,
રૂડા અને રસવાળા
કોકદી આવીને ટહુકી જજો
મારી રાખ ઉપર રૂપાળા…ઉડી જાઓ..
વટવૃક્ષ પોતાના અંતરની વાત કહેતા પક્ષીઓને કહે છે કે પક્ષીઓના મધુરા ટહુકાર તેમના હૈયામાં કોતરાઈ ગયા છે. આ મીઠી સ્મૃતિ લઈને પ્રયાણ તો કરવાનું જ છે. તેનો બીજો કોઈ વિકલ્પ નથી. પરંતુ પંખીઓને વિનંતી કરતા વૃક્ષ કહે છે કે ક્યારેક તમે ઉડ્યન ભરીને અહીં જરૂર આવજો. અમે તો બાળીને રાખ થઇ ગયા હોઈશું. પરંતુ તમે જો અમારી રાખ ઉપર બેસીને ટહુકાર કરશો તો પણ અમે જ્યાં હોઈશું ત્યાં આનંદિત થાશું. સંબંધોનો અંત મરણ સાથે ક્યાં થઇ શકે છે? પક્ષીઓની આ વાતમાં જન્મ-મરણ પછીના જોડાણનો પણ ઈશારો છે. સ્નેહ કયારેય એક પક્ષી હોતો નથી. પંખીઓને પણ વડલાની એવી માયા છે કે તેનાથી જુદા પડીને કોઈ જીવનની તેઓ કલ્પના પણ કરી શકતા નથી. આથી પંખીઓ વડને કહે છે:
આશરે તારે ઈંડા ઉછેર્યા,
ફળ ખાધાં રસવાળા
મરવા વખતે સાથ છોડે
એ મોઢા હોય મશવાળા… ઉડી જાઓ…
વનવગડાના વૃક્ષ તથા પક્ષીઓ વચ્ચેનો આ સંવાદ માનવજીવનના ઉજળા પાસાનું દર્શન કરાવે છે. જીવન મીઠા સંબંધો કટોકટીની ક્ષણે પણ કોઈપણ ભોગે લીલાછમ્મ રાખવાનો આ રળીયામણો પ્રસંગ છે. ભગતબાપુના અનેક ભજનો માનવજીવનના વિવિધ પાસાઓને સમૃદ્ધ કરનારા છે.
વસંત ગઢવી
તા. ૧૪ નવેમ્બર ૨૦૨૫
Leave a comment