:આવાઝ કી દુનિયા કે દોસ્તો કે દોસ્ત: અમીન સાયાની:
અમીન સાયાની આપણી વચ્ચે રહ્યા નથી. ૨૦૨૪માં તેમણે જિંદગીના નવ દાયકાની ભાતીગળ સફર પુરી કરી. સદેહે તેઓ ગયા પરંતુ ‘આવાઝ કી દુનિયા કે દોસ્તો’ના દિલમાં તેમનું સ્થાન ચિરસ્થાયી છે. આપણાં એક પ્રસિદ્ધ પત્રકાર દિગંત ઓઝા સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે પ્રશ્નોના ઉત્તરો ગુજરાતીમાં આપ્યા. ઉપરાંત તેઓએ સ્પષ્ટતા કરી કે મારી માતૃભાષા ગુજરાતી છે તથા મુંબઈમાં મારું પ્રાથમિક શિક્ષણ ગુજરાતી માધ્યમમાં થયું છે. આવા એક મુઠી ઉંચેરા ગુજરાતીની સ્મૃતિ કાળજયી છે. બિનાકા ગીતમાલાનું સૌથી મહત્વનું આકર્ષણ એ અમીન સાયાનીનો મખમલી આવાજ હતો. અમીન સયાનીના મોટાભાઈ હમિદ સાયાની પણ રેડિયો બ્રોડકાસ્ટર હતા. અમીન સાયાનીની કારકિર્દી ઘડતરમાં હમીદભાઈનો મોટો ફાળો રહ્યો હતો.
બિનાકા ગીતમાલા તેમ જ અમીન સાયાનીના નામો જુદા પડી શકાય તેમ નથી. યોગાનુયોગ એક ટૂથપેસ્ટ બનાવતી કંપનીને એક અલગ પ્રકારનો તથા રસપ્રદ પ્રોગ્રામ પ્રસારિત કરીને પોતાનું marketing કરવું હતું. કંપનીને એક એવી વ્યક્તિની જરૂરિયાત હતી કે જેનો અવાજ સુંદર તેમ જ આકર્ષક હોય તથા પોતાની script પણ તે જાતે લખી શકે તેવી ક્ષમતા હોય. આવા કામ માટે અમીન સાયાનીથી વધારે સારો વિકલ્પ ક્યાં મળી શકે? આ રીતે ૧૯૫૧ના અંતથી બિનાકા ગીતમાલાની એક યાદગાર સફર શરુ થઇ. શરૂઆતમાં અડધા કલાક સુધી ચાલતો આ પ્રોગ્રામ પછીથી એક કલાકમાં ફેરવવામાં આવ્યો. અમીન સાયાની કહે છે કે શરૂઆતમાં તેઓને કાર્યક્રમ રેકોર્ડ કરાવતી વખતે થોડી મૂંઝવણ પણ થતી હતી. કારણ કે આ એક પડકારરૂપ કાર્ય હતું. પરંતુ આનંદ એ વાતનો હતો કે કાર્યક્રમને શ્રોતાઓનો અણધાર્યો પ્રતિસાદ મળ્યો. પહેલો જ પ્રોગ્રામ પ્રસારિત થયો અને લગભગ ૯૦૦૦ જેટલા પત્રો પ્રથમ પ્રોગ્રામ બાદ મળ્યા. કલ્પના હતી તેના કરતા પણ આ સંખ્યા ઘણી મોટી હતી. ત્યારબાદ વધતા વધતા આ પત્રોની સંખ્યા ૬૦,૦૦૦ થી ૬૫,૦૦૦ સુધી પહોંચી હતી. અનેક સાથીઓ-સ્વયંસેવકોની મદદથી આ પત્રો કાળજીથી જોવાતા હતા. તેમાંથી પસંદ કરેલા પત્રોના જવાબ પણ ખુબ જ રસપ્રદ શૈલીમાં અમીન સાયાની આપતા હતા. વિશાળ સંખ્યામાં પત્રો આવતા છતાં કોઈ પત્ર લેખકે તેમની અવગણના કે ઉપેક્ષા થઇ હોય તેવી લાગણી વ્યક્ત કરી ન હતી. દેશના સીમાડાઓને ઓળંગીને વિદેશોમાં પણ ભારતીય મૂળના અનેક લોકો બિનાકા ગીતમાલાને માણતા હતા. કોઈ Public Park માં ટોળાબંધ લોકો એકઠા થાય અને Public Speaker પરથી બિનાકા ગીતમાલા માણે તેવા વિરલ દ્રશ્યો જોવા મળતા હતા. જીવનના નવ દાયકા પુરા કરીને અમીન સાયાની ગયા. જીવ્યા ત્યાં સુધી સક્રિય રહ્યા. ૫૪૦૦૦થી વધારે નાના-મોટા રેડિયો કાર્યક્રમો તેમણે કર્યા. વીસેક હજાર જેટલી રેડિયો જીંગલ્સ બનાવી. તેમાંની ઘણી ખુબ જ લોકપ્રિય બની.
અમીન સાયાનીનો શ્રોતાઓ સાથેનો સંબંધ તથા સંપર્ક આશ્ચર્ય થાય તેવો જીવંત હતો. તેમાંની સાથે પત્રો લખીને સંપર્કમાં રહેનાર એક જૈફ ઉંમરની વ્યક્તિ હતા. તેમનું પ્રિય ગીત હતું: “બડે અરમાન સે રખ્ખા હૈ બલમ તેરી કસમ”. આ શ્રોતાને રાજી કરવા અમીન સાયાનીએ એ ગીત પોતે ગાઈને એ રેકોર્ડિંગ શ્રોતાને પ્રેમથી મોકલ્યું. સંબંધોને ઉજળા કરવાનો આ અસાધારણ પ્રયાસ હતો. ‘બહેનો ઔર ભાઈઓ’ કહીને તેઓ પ્રોગ્રામની શરૂઆત કરતા હતા. શ્રોતાઓ તેમની વાતો તલ્લીન થઈને સાંભળતા હતા. તેમને તેમની મુંબઈ ઓફિસમાં મળવા આવનાર કે માર્ગદર્શન માંગનારને સાંભળતા હતા. પ્રોત્સાહન આપતા હતા.
બિનાકા ગીતમાલાની રજુઆતમાં કયા ગીતને સૌથી લોકપ્રિયતાનો ક્રમ મળશે તેની આતુરતાથી રાહ જોવાતી હતી. ઉત્તમ સંગીત તથા ગીતરચનાઓ કાર્યક્રમની શોભા સમાન હતા. ‘તુ ગંગા કી મૌજ મૈં જમના કી ધારા હો રહેગા મિલન યે હમારા તુમ્હારા’ એ ગીતની અનેક ખૂબીઓની વાત કરતા તેઓ કહે છે: “બૈજુ બાવરાનું આ ગીત કાર્યક્રમનું ચોટીનું ગીત હતું. ચોટીની બાયદાનનું બ્યુગલ બજયું ત્યારે તેમના મનમાં થયું કે કેવું સુંદર સેક્યુલર ગીત છે ! સંગીતકાર નૌશાદ, ગીતકાર શકીલ બદાયુની અને ગાયક મોહંમદ રફી.” આપણાં દેશની ગંગા જમની સંસ્કૃતિનું આ પણ એક ઉજળું ઉદાહરણ છે. જીવનના પાંચ દાયકાથી વધારે સમય માટે તેઓ સંગીત તથા શ્રોતાઓ વચ્ચેની મજબૂત કડીરૂપ બનીને રહ્યા.
અમીન સાયાનીના એક Live Stage Show માં આશ્ચર્યકારક ઘટના બની. વિશાળ શ્રોતાવર્ગમાંથી એક આઘેડ બહેન એકાએક મંચ પર આવ્યા. તેમણે વિવેકથી નમસ્તે કર્યા. ત્યાર બાદ તેઓ કહે છે કે “તમારા ગળામાં કંઈક જાદુ હોવું જોઈએ. એ સિવાય અવાજનું આટલું પ્રભુત્વ મેળવી શકાય નહિ. અમીન સયાનીએ હસતા હસતા નમ્રતાપૂર્વક કહ્યું કે આપની જેવા લાખો પ્રશંસકોના સ્નેહનો જ આ જાદુ છે. સમગ્ર ઓડિયન્સની તાળીઓનો નાદ ચારે દિશામાં ફેલાઈ ગયો. એક શ્રોતાએ લખ્યું કે તેમના નજીકના સ્નેહીનું મૃત્યુ થતાં તેઓ ખુબ વ્યથામાં જીવતા હતા. પરંતુ અમીન સયાનીના નરવા તથા પ્રસન્ન અવાજથી તેઓ હળવા થયા છે. દુઃખને વિસરવામાં આ હકીકત તેમને મહત્વની લાગી. અમીન સયાનીએ વિના વિલંબે જાતે પત્ર લખીને પોતાના આ પ્રિય શ્રોતાને સાંત્વના પાઠવી. બિનાકા ગીતમાલાનું રેકોર્ડિંગ મુંબઈમાં થતું હતું. ત્યાર બાદ શ્રીલંકા આ રેકોર્ડિંગ સમયસર મોકલવામાં આવતું હતું. એક વાર કોઈ કારણસર આ રેકોર્ડિંગ નિર્ધારિત સમયે શ્રીલંકા પહોંચી શકે તેમ ન હતું. અમીન સયાની તથા તેમની ટીમે રાતભર બેસીને પુનઃ રેકોર્ડિંગ કર્યું. બીજા દિવસે સવારે કોઈની સાથે શ્રીલંકા જતી ફ્લાઇટ દ્વારા મોકલાવી આપ્યું. ‘Show Must go on ‘ નો આ સ્પિરિટ અનન્ય હતો. રામાયણ કે મહાભારત સિરિયલની લોકપ્રિયતા તો નજીકના ભૂતકાળમાં જોવા મળી. દ્રશ્ય-શ્રાવ્યનો તેને લાભ હતો પરંતુ રેડિયોના માધ્યમથી રજૂઆતના માધ્યમથી લોકપ્રિયતાના આવા શિખર પર પહોંચવું મુશ્કેલ ગણાય. અમીન સાયાનીનો અવાજ ચિરકાળ ગુંજતો રહેશે.
વસંત ગઢવી
તા. ૧૪ નવેમ્બર ૨૦૨૫
Leave a comment