સંસ્થાઓનું કેવી રીતે નિર્માણ કરવું એ એક પડકારરૂપ કાર્ય છે. સંસ્થાના નિર્માણ વખતે જેટલો ઊંડો વિચાર થયો હોય તે પ્રમાણમાં સંસ્થાનું કલેવર બંધાય છે. ટકે છે અને વિકસતું રહે છે. ‘Rome was not built in a day ‘ એ વાત આપણે ત્યાં વખતોવખત કહેવામાં આવે છે. એ ઉક્તિ થોડામાં ઘણું કહી જાય છે. ભારતીય વિદ્યા ભવનની સ્થાપનામાં ક.મા. મુનશીએ પોતાની બહુમુખી પ્રતિભા અને જાણકારીનો ઉપયોગ કર્યો અને એક સર્વાંગ સુંદર સંસ્થાનું નિર્માણ થયું. જે આજે પણ સતત કાર્યરત રહી છે. પંડિત મદનમોહન માલવિયા અને બનારસ હિન્દુ યુનિવર્સીટી એ આવું જ એક બીજું જ્વલંત ઉદાહરણ છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપનાને પણ ચાર દાયકાથી વધારે સમય થયો. ગુજરાતને પોતાનો વિશ્વકોશ હોવો જોઈએ તેવી મહેચ્છા ધીરુભાઈ ઠાકરને હતી. આ ખાલી સ્વપ્ન ન હતું પરંતુ કંઈક નક્કર કરવાની ધગશ પણ હતી. આજે ૨૫ ગ્રંથોના પ્રકાશન સાથે વિશ્વકોશ સતત મહોરતો રહ્યો છે. ગુજરાત એ સદ્ભાગી છે કે ધીરુભાઈ ઠાકર જેવા સારસ્વતનો બે સમર્થ લોકો પોતાનું સ્વૈચ્છીક યોગદાન આપવા માટે તૈયાર થયા. અક્ષરજ્ઞાન ઓછું પણ અંતરજ્ઞાન ઘણું એવા ઉત્તર ગુજરાતના કર્મઠ આગેવાન સાંકળચંદ પટેલે પોતાનું આર્થિક યોગદાન આ કાર્ય માટે આપીને પોતાનું ‘ગુજરાતીપણું’ શોભાવ્યું. જગતથી વિરક્ત થયેલા એક સન્યાસી અને સદગુરુ મોટાએ પણ માતબર નાણાકીય સહાય આપીને વિશ્વકોશના યજ્ઞકાર્યને ગતિ આપી. લક્ષ્મીપુત્રો અને સરસ્વતીપુત્રના આવા રળીયામણા સાયુજ્યમાં ગુજરાત સરકારે પણ વિશ્વકોશ ટ્રસ્ટને મોકાની જમીન આપીને કાર્યને આગળ ધપાવ્યું. લોકભારતી જેવી સંસ્થાઓ નાનાભાઈ ભટ્ટ તેમ જ મનુભાઈ પંચોળી-દર્શક જેવા દીર્ઘદ્રષ્ટિવાળા લોકોને કારણે ઉભી થઇ અને દૂર સુદૂરના વિસ્તારમાં શિક્ષણના કાર્યની ધૂણી ધખાવી. ગુજરાતી સાહિત્ય પરિષદ તેમ જ સાહિત્ય અકાદમી સાહિત્યના સંવર્ધનના ક્ષેત્રમાં સતત સક્રિય રહ્યા છે. સંસ્થાઓના ગઠનનો આવો ઉજળો ઇતિહાસ આપણી નજર સમક્ષ છે. સંસ્થાઓના આવા ગઠન થકી ગુજરાત ઉજળું છે. આવી જ એક છતાં પોતાની રીતે અદ્વિતીય એવી સંસ્થા ભુજમાં ઉભી થઇ. આઝાદી મળી તેના લગભગ ૨૦૦ વર્ષ પહેલા આ સંસ્થાનો જન્મ થયો. ભુજ-કચ્છમાં થયેલી આ સંસ્થા અનેક રીતે વિશિષ્ટ તથા અદ્વિતીય હતી. આ સંસ્થા કવિઓને તૈયાર કરવા માટે હતી. સારા સર્જકોનું સર્જન કરવું હોય તો તેને શિક્ષણ આપતી સારી સંસ્થાઓનું નિર્માણ કરવું તે પણ અનિવાર્ય છે. ઉદાહરણ તરીકે કવિગુરુની સંસ્થા ‘શાંતિનિકેતન’ને લઇ શકાય. શાંતિનિકેતન (બંગાળ) જેવી ભવ્ય સંસ્થાને કારણે કૃષ્ણલાલ શ્રીધરાણી તથા પ્રહલાદ પારેખ જેવા દિગ્ગજ કવિઓ આપણને મળી શક્યા. દેશ આઝાદ થયો તે સમયે ભુજની વ્રજભાષા પાઠશાળા બંધ કરવાનો નિર્ણય થયો. પાઠશાળાના છેલ્લા આચાર્ય તરીકે મોટા ગજાના સર્જક અને અનેક ક્ષેત્રોમાં વિદ્વતા ધરાવતા શંભુદાનજી અયાચી કામ કરતા હતા. આ પાઠશાળા પુનઃ શરુ કરવી જોઈએ તેવી લાગણી અનેક લોકોની હતી. શંભુદાનજી અયાચીની જન્મ-શતાબ્દીના વર્ષમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી સમક્ષ પણ આ બાબતમાં વિગરવાર રજૂઆત થઇ હતી. આથી એક યા બીજા પ્રકારે લોકસાહિત્ય તેમ જ ચારણી સાહિત્યના સંશોધન તેમ જ સંવર્ધન માટે આ વાત સતત ચર્ચામાં રહી હતી. સદ્ભાગ્યે તે વિસ્મૃત થઇ ન હતી. રાજ્ય સરકારના સાંસ્કૃતિક બાબતોના વિભાગ હેઠળ ગુજરાત સાહિત્ય અકાદમી કાર્ય કરતી હતી. અકાદમી સાહિત્યના જે વિવિધ આયામોનું સંવર્ધન કરે તેમાં લોકસાહિત્ય કે ચારણી સાહિત્યનો પણ સમાવેશ થતો હતો. જો કે પ્રવૃત્તિઓની વિપુલતા તેમ જ વિવિધતાને કારણે લોક તથા ચારણી સાહિત્ય પર જોઈએ તેવું લક્ષ આપવું મુશ્કેલ હતું. આથી લોકસાહિત્ય માટે એક અલગ વ્યવસ્થા તથા તેનું માળખું કરવું જરૂરી લાગતું હતું.
યોગાનુયોગ ગુજરાત રાજ્યની સ્થાપનાના પચાસ વર્ષ પુરા થવાના હતા તે સંદર્ભમાં રાજ્ય સરકાર અનેક પ્રકારે ઉજવણી કરવાના પ્રયાસોમાં હતી. આ બધી બાબતો નક્કી કરવા માટે એક સચિવોની સમિતિ કામ કરતી હતી. નિયમિત બેઠકો થતી હતી. તે સમયના ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી મોટા ભાગની આવી બેઠકોમાં હાજરી આપતા હતા. માર્ગદર્શન આપતા હતા. આ બેઠકો દરમિયાન ગુજરાતનું ગૌરવ વધારે તેવા કેટલાક ઉપક્રમો કરવાનું વિચારાયું હતું. આપણી વિરાસતને પણ પુનઃ જીવિત કરવા માટેના પ્રયાસોની વિચારણા તેમાં થતી હતી. લોકસાહિત્ય તથા ચારણી સાહિત્ય એ બંને આવા જ એક ઉજળા વારસા સમાન છે. આથી તત્કાલીન મુખ્યમંત્રીશ્રીને લોક-સાહિત્યના સંવર્ધન માટે કંઈક ઠોસ થવું જોઈએ તેવી લાગણી હતી. આમ થવાનું એક કારણ તેમના પોતાના આ વિષય તરફના લગાવનું પણ હતું. તદુપરાંત આ લોકસાહિત્ય તેમ જ ચારણી સાહિત્યના સંવર્ધન માટે રાજ્ય સરકારે કોઈ નક્કર પગલાં ભરવા જોઈએ તેવી અનેક સાહિત્ય રસિક લોકોની લાગણી હતી. સદ્ભાગ્યે આ લોકલાગણી મા. મુખ્યમંત્રીશ્રી સુધી નિયમિત રીતે પહોંચાડવાનું મહત્વનું કામ માનનીય પુરુષોત્તમ રૂપાલા સાહેબ તથા આદરણીય પુષ્પદાનજી ગઢવી તરફથી થતું હતું. સચિવોની સમિતિમાં આથી આ બાબત તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. સચિવોની આ સમિતિના એક સભ્ય તરીકે ચર્ચાઓમાં ભાગ લેવાની તથા સૂચન કરવાની તક મને વખતોવખત મળી હતી. સ્વાભાવિક રીતે જ લોક સાહિત્યના વિષયની ચર્ચા સમયે સૌની મીટ મારા તરફ રહેતી હતી. જો કે અનેક વિષયોની જાણકારી તો એ સૌ સુજ્ઞ સાથીઓને હતી. મુખ્યમંત્રીશ્રીએ પણ લોકસાહિત્યના સંવર્ધન માટે કંઈક કરવું જોઈએ તેવી લાગણી એકથી વધારે પ્રસંગોએ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી હતી. કદાચ એ નિયતિનો નિર્ણય હતો અને એક સંસ્થાગત માળખું ઉભું કરવાનો સૌનો ખ્યાલ હતો. આથી લોકસાહિત્ય માટે એક સંસ્થાગત તથા સ્થાયી માળખું ઉભું કરવા માટેનો સિદ્ધાંતિક સ્વીકાર આ ઉચ્ચકક્ષાની સમિતિમાં થયો. સમય સંજોગોમાં આવા મહત્વના નીતિવિષયક નિર્ણયો કરવામાં થોડો ઘણો વિલંબ થતો હોય છે. આ કિસ્સામાં વિલંબ ન થયો તેના મૂળ કારણમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રીનું સક્રિય તથા નિર્ણયાત્મક વલણ હતું. આવા બીજા અનેક નિર્ણયો પણ ૨૦૦૯ તથા ૨૦૧૦માં મળેલી આ બેઠકોમાં થયા હતા.
લોકસાહિત્ય કેન્દ્રને ઝવેરચંદ મેઘાણીના નામ સાથે જોડવાનો નિર્ણય થયો. જે સ્વાભાવિક હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના માળખા સાથે રહીને જ કામ કરવું સરળ હતું. સમય તથા સાધનોની તેમાં બચત પણ હતી. કેન્દ્રના માળખાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં કવિ હર્ષદ ત્રિવેદી અને સરકારમાં અગાઉ કામ કરતા અમારા જુના સાથી તથા સર્જક કિરીટ દૂધાતની સારી મદદ મળી. ડો. બળવંતભાઈ જાની તેમ જ ડો. અંબાદાનભાઈ રોહડિયાના નિયમિત સૂચનો સમયે સમયે મળતા રહ્યા હતા. અંતે એકથી વધારે વખત કેન્દ્રના ડ્રાફ્ટની ચર્ચા મા. મુખ્યમંત્રીશ્રી સાથે થયા બાદ તેમની સૂઝ તેમ જ ઉદારતા પ્રમાણે એક નૂતન સોપાનને ઉભું કરવાનો પ્રયાસ સફળ થયો. પૂજ્ય મોરારીબાપુએ સ્નેહપૂર્વક મેઘાણી કેન્દ્રનું ઐતિહાસિક લોકાર્પણ માર્ચ-૨૦૧૨માં કર્યું. પૂજ્ય બાપુના સ્નેહમાં પણ સાતત્ય હોય છે. આથી દર વર્ષે તેઓ સમય કાઢીને એવોર્ડ્સ પ્રાપ્ત કરનારા કલાધરોને સન્માનવા માટે હાજર રહે છે. આથી આ સમારંભોની ગરિમા પણ વધે છે. જોરાવરસિંહજી જાદવ, હસુભાઈ યાજ્ઞિક, હર્ષદ ત્રિવેદી, બિહારી હેમુભાઈ ગઢવી, ભીખુદાનભાઈ તથા દરબાર શ્રી પુંજાવાળા સાહેબનું આ સંસ્થાને માર્ગદર્શન મળતું રહ્યું છે. આ બધી વાતો પ્રસંગોપાત પુરુષોત્તમ રૂપાલા સાહેબ જાહેરમાં કરતા રહે છે. આપણે જાણીએ છીએ કે રાજ્ય સરકાર આવા સાહિત્યના સંવર્ધન માટે કોઈ વ્યવસ્થા કાયમી ધોરણે ઉભી કરે તો એ શકવર્તી નિર્ણય છે. ડો. અંબાદાનભાઈ રોહડિયાને કેન્દ્રના પ્રથમ નિયામક તરીકે નિમણુંક આપવાનું પણ ઉચિત પગલું ભરવામાં આવ્યું. અંબાદાનભાઈએ યુનિવર્સીટીમાં સચવાયેલી હસ્તપ્રતોના ડિજિટાઇઝેશન માટે નોંધપાત્ર કાર્ય કર્યું. ચારણોએ નિઃશુલ્ક આપેલી આ હસ્તપ્રતો આપણો મોટો ખજાનો છે. હસ્તપ્રતો એકઠી કરવાનું કઠિન કામ પરમ આદરણીય વિદ્વતજન રતુભાઇ રોહડિયાએ કર્યું. લોકસાહિત્ય કેન્દ્ર સાહિત્યના આ ખજાનાનો લાભ અનેક સર્જકો-સંશોધકો તથા અધ્યાપકો સુધી સરળતાથી પહોંચે તેવા પ્રયાસ કરે છે. આપણાં આ સમૃદ્ધ વારસાનો વિશેષ ઉપયોગ સાહિત્ય સર્જનની ગુણવત્તા વધારવામાં ઉપયોગી થશે. આ વિષયના અનેક લેખકો-સંશોધકો તેમજ અધ્યાપકોને માટે તે ખુબ જ ઉપયોગી છે. મેઘાણી કેન્દ્રની શુભ શરૂઆત પૂજ્ય મોરારીબાપુની ઉપસ્થિતિમાં કરવામાં આવી. રાજ્ય સરકારના નિર્ણયની જાણ તે પહેલા નવેમ્બર ૨૦૧૧માં કરવામાં આવી હતી. સાહિત્ય સેવાના અનેક નોંધપાત્ર કામો આજે આ કેન્દ્રમાં થઇ રહ્યા છે. ‘લોકગુર્જરી’ સામયિકનું દર ત્રણ મહિને પ્રકાશન થાય છે. ભાઈ હરેશભાઇ મકવાણા તથા ભરતભાઈ પંડ્યા લોકગુર્જરીનાં સંપાદકો તરીકે સુંદર કામગીરી કરે છે. ‘મેઘાણી એવોર્ડ’ તથા ‘હેમુ ગઢવી એવોર્ડ’ પણ પ્રતિવર્ષ આપવામાં આવે છે. કેન્દ્રના નિયામક તરીકે સાહિત્ય મર્મજ્ઞ ચંદ્રાવાડીયા પુરી નિષ્ઠા સાથે મેઘાણી કેન્દ્રની કામગીરી સંભાળે છે. એક મહત્વનો નિર્ણય જે રાજ્યસરકારે કર્યો તેનો ખરા અર્થમાં લાભ સાહિત્યપ્રેમીઓને મળી શકે તેવા કેન્દ્રના પ્રયાસો છે. સતત સંશોધન પ્રોજેક્ટ થતા રહે છે.
આ રીતે એમ જરૂર કહી શકાય કે રાજ્ય સરકારનો મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર સ્થાપવાનો નિર્ણય એ એક ઐતિહાસિક નિર્ણય હતો. આવી સંસ્થા પાસે ઘણી અપેક્ષાઓ પણ રહે તે સ્વાભાવિક છે. આ અપેક્ષાઓની પરિપૂર્તિમાં મેઘાણી કેન્દ્રના પ્રયાસો નોંધપાત્ર રહ્યા છે.
વસંત ગઢવી
તા. ૧૩ નવેમ્બર ૨૦૨૫
Leave a comment