મોરારજીભાઈના જીવનના ખટમીઠાં સંભારણા-સંસ્કૃતિ

:મોરારજીભાઈના જીવનના ખટમીઠાં સંભારણા:

              મોરારજીભાઈ પોતાની આત્મકથામાં લખે છે કે જયારે તેઓ મુંબઈ ઉચ્ચ અભ્યાસ માટે પહોંચ્યા ત્યારે તેમનું લક્ષ્ય ગિરગામમાં આવેલી બોર્ડિંગ સુધી પહોંચવાનું હતું. આ સંસ્થામાં વિદ્યાર્થીઓને રહેવા-જમવાનું નિઃશુલ્ક હતું. તેમણે સ્ટેશન પર એક ઘોડાગાડીવાળાને ગિરગામ જવાનું ભાડું પૂછ્યું. જે એક રૂપિયો હતું. એ સમયે એક રૂપિયો પણ ખર્ચવો તેમને યોગ્ય ન લાગ્યો. તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાની લોખંડની પેટી માથા પર મૂકી અને પગપાળા જ સંસ્થા સુધી પહોંચી ગયા. પાછળથી તેઓ સ્પષ્ટતા કરતા લખે છે કે ઘોડાગાડીવાળાએ વધુ પૈસા નહોતા માંગ્યા. તે તો બજાર ભાવ જ હતો. પરંતુ તેમના મનમાં એક જ વિચાર હતો. “મેં હજી કમાવાનું શરુ કર્યું નથી અને મારા પર પરિવારની જવાબદારી છે. તેથી મારે આ ખર્ચ ન કરવો જોઈએ.”

                  મુંબઈમાં આ જ સમયગાળામાં તેમના જીવનમાં એક વૈચારિક ક્રાંતિ પણ આવી. તેમણે લોકમાન્ય ટિળક, સરોજિની નાયડુ, ગોપાલ કૃષ્ણ ગોખલે  અને અંતે મહાત્મા ગાંધી જેવા દિગ્ગજ નેતાઓને જાહેર સભાઓમાં સાંભળ્યા. આ વિચારોએ તેમના મનમાં રાષ્ટ્રસેવાનું બીજ રોપ્યું. જેણે તેમના જીવનની દિશા નક્કી કરી. આ સાથે જ કુદરતી ઉપચાર પધ્ધતિ પ્રત્યેનો તેમનો લગાવ પણ આ જ સમયમાં વિકસ્યો. આમ, મુંબઈના એ વર્ષોએ તેમને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહિ પરંતુ વ્યવહારુ સમજ, રાષ્ટ્રીય ચેતના અને સ્વસ્થ જીવનશૈલીનો પાયો પણ પૂરો પડ્યો.

                  તેઓ ભણતા હતા અને અબ્યાસ પૂરો થયો. તે દરમિયાન પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસ (Provincial Civil Service )ની જાહેરાત આવી. મોરારજીભાઈ પાસે ICS (Indian Civil Service ) થવાનો વિકલ્પ પણ હતો. પણ ૧૯૧૪થી ૧૯૧૮ સુધી વિશ્વયુઘ્ધને કારણે ICS ની પરીક્ષાઓ ન થઇ. જેમ કોરોનામાં ઘણું બધું મોકૂફ રખાયું તેમ..   

               મોરારજીભાઈએ ધાર્યું હોત તો ICS થઇ શક્યા હોત. પણ તેમને કહેવામાં આવ્યું કે તમારે બે વર્ષ ઇંગ્લેન્ડ જઈને રહેવું પડશે અને તાલીમ (Training ) લેવી પડશે. તેમણે કહ્યું કે “હું બે વર્ષ ઇંગ્લેન્ડ જઈને રહી શકું નહિ કારણ કે મારા ઉપર નવ લોકો નભનારા છે. મારે તો જલ્દીથી પગાર મળતો થઇ જાય એવું કંઈક મળે તો કરવું છે.” એટલે તેઓ પ્રોવિન્શિયલ સર્વિસીસ દાખલ થયા. ૧૯૧૮માં તેઓ ડેપ્યુટી કલેક્ટર (Deputy Collector ) તરીકે જોડાયા. તેમનો પ્રોબેશન પિરિયડ અમદાવાદમાં હતો. આ સમય દરમિયાન અધિકારીઓ સાથે વિશેષ કરીને અંગ્રેજ ઉપરી અધિકારીઓ સાથે તેમની વાતચીત થતી. મોરારજી તેમનાથી પ્રભાવિત થયા ન હતા. બીજું, તે અધિકારીઓ માનતા હતા કે તેમને કોઈએ “હા (yes ) જ કહેવું પડે, ના (no ) કેવી રીતે કહી શકે? એટલે મોરારજીભાઈ સાથે તેમને કોઈ મેળ પડે જ નહિ. ડેપ્યુટી કલેક્ટર તરીકે મોરારજીભાઈને ઉપરી અધિકારીઓ સાથે એટલા માટે મેળ નહોતો પડતો કારણ કે તેઓ મૂળભૂત રીતે ‘ના’ કહેનારા હતા. તેમને જ્યાં પણ લાગે કે આ કામ કરવા જેવું નથી ત્યાં તેઓ ના પાડી દેતા.                

           મોરારજીભાઈના આ સ્વભાવને કારણે અધિકારીઓમાં તેઓ ખાસ અપ્રિય રહ્યા. પરિણામે પ્રોબેશન પછી ખેડામાં ખાલી જગ્યા હોવા છતાં અધિકારીઓએ તેમની ભલામણ સચિવાલયમાં બરાબર એવી રીતે કરી કે તેમને થાણે મુકાવ્યા. ખેડાને બદલે દૂર થાણેનું posting આપવામાં આવ્યું.

      IPCL ના પૂર્વ ચેરમેન શ્રી હસમુખભાઈ શાહે મોરારજીભાઇના વ્યક્તિવનું સચોટ ચિત્રણ કરતાં લખ્યું છે કે તેઓ ક્યારેય કોઈ બાબતમાં પાછા ન પડતા. તેમની કઠોરતા બે જ પ્રસંગોએ પીગળતી. એક, જયારે કોઈ સ્વાતંત્ર્ય સેનાનીની વાત આવે અને બીજું જયારે સમાજના વંચિત કે પ્રગતિમાં પાછળ રહી ગયેલા વર્ગની વાત આવે. આ બે અપવાદ સિવાય તેઓ પોતાના સિદ્ધાંતોમાં સહેજ પણ ઢીલા પડતા નહોતા. આ જ અડગ છતાં સંવેદનશીલ વ્યક્તિત્વને કોઈકે અત્યંત સચોટ ઉપમા આપી કે મોરારજીભાઈ કેવા હતા? “જાણે કુતુબ મિનાર પર ગાંધી ટોપી પહેરાવી હોય તેવા !”

        વહીવટમાં ‘Accessibility ‘ને તેઓ સર્વોપરી માનતા. તેમનો સિદ્ધાંત સ્પષ્ટ હતો. લોકો તમારો સંપર્ક સહેલાઈથી કરી શકતા હોવા જોઈએ. જરૂરી નથી કે દરેક કામ થાય પરંતુ દરેક વ્યક્તિને ધીરજપૂર્વક સાંભળવી એ શાસકનો ધર્મ છે. આ ગુણ તેમણે બરાબર આત્મસાત કર્યો હતો. તેમની પહેલી નિમણુંકના સ્થળે બહારવટિયાનો ભય હતો. કોઈકે સુરક્ષા રાખવાની સલાહ આપી. ત્યારે ગાંધીના આ અનુયાયીએ એક વ્યવહારુ માર્ગ અપનાવ્યો. તેમણે કહ્યું, “હું સર્વિસ રિવોલ્વર રાખીશ અને તેને ચલાવતા શીખી લઈશ.” જો કે તેનો ઉપયોગ ક્યારેય કરવો પડ્યો ન હતો.

                          તેમણે ધૂળીયાની એક રસપ્રદ સ્મૃતિ લખી છે. ધૂળિયા વગેરે વિસ્તારોના ચોર ખુબ હોશિયાર ગણાતા. મોરારજીભાઈએ પોતાના એક અનુભવની વાત કરી છે.

             એક રાત્રે ચોર તેમના ટેન્ટમાં આવ્યો. તેણે મોરારજીભાઈનો નાસ્તાનો ડબ્બો શોધીને નાસ્તો કરી લીધો.  ત્યાર પછી તેણે બીજી પેટી ખોલી જેમાં સરકારી કાગળો હતા. ચોરે એ કાગળોને સ્પર્શ પણ ન કર્યો. આ ઘટનામાંથી મોરારજીભાઈએ રમૂજપૂર્વક તારવ્યું કે ‘આપણે સરકારી કાગળોનું આટલું જતાં કરીએ છીએ પણ ચોર પણ તેણે અડવા તૈયાર નથી !’ અંતે ચોર તેમની રોકડ રકમ લઈને જતો રહ્યો.

       તે જ દિવસોમાં કવિ દલપતરામના પુત્ર અને ડેપ્યુટી કલેક્ટર શ્રી ચીમનલાલ ત્યાં આવ્યા. મોરારજીભાઈએ પોતાના સ્વભાવ મુજબ તેમને રાત્રે ચોરથી સાવચેત રહેવા ચેતવ્યા. ચીમનલાલ ગર્વથી કહ્યું, “ભાઈ, મેં તો આખી જિંદગી પ્રવાસો કર્યા છે. મને કોઈ ચિંતા નથી. હું બહુ સતર્ક છું.” તે જ રાત્રે ચોરે બારણું ખોલ્યા વગર એક નાનકડી બારીમાંથી અંદર પ્રવેશીને ખીંટી પર લટકાવેલા તેમના તમામ કપડાં ચોરી લીધા. મોરારજીભાઈ તેમની દ્રઢતા તથા નિષ્ઠા માટે લોકહૃદયમાં સ્થાન પામ્યા છે.

વસંત ગઢવી

તા. ૩ નવેમ્બર ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑