:મૂંગો થયેલો એક શાશ્વત અવાજ: ઝુબીન ગર્ગ :
કોઈ એક સ્થાનિક ભાષામાં ગીતો ગાનાર વ્યક્તિનું અણધાર્યું તેમ જ કવેળાનું મૃત્યુ થાય તો શું થાય? રાષ્ટ્રીય ફલક પર તેની કોઈ નોંધ સામાન્ય રીતે લેવાતી નથી. Main Stream Language તરીકે જેને સાક્ષરો ઓળખાવે છે તે ભાષામાં સ્થાનિક ભાષા કે બોલીનું કોઈ મહત્વ પણ નથી તેમ માનવામાં આવે છે. પ્રસિદ્ધિનો કોઈ મોટો અભરખો પણ તાજેતરમાં સ્વધામમાં જનાર કલાકારને પણ નથી. આમ છતાં જુદા જુદા Media Reports પ્રમાણે વીસથી પચીસ લાખ લોકો તેની અંતિમ વિધિમાં હાજર રહે તે ઘટના પરત્વે અચંબો થયા વિના રહે નહિ. 19 September 2025 માં સિંગાપોરમાં જેનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું તે આસામના ઝુબીન ગર્ગ એ જીવતા અને મૃત્યુ પછી પણ કિંવદંતી જેવા અજોડ કલાકાર બની ગયા. આસામના નાના મોટા, ગામડા કે શહેરોના અનેક સામાન્ય લોકો જાણે કે ઝુબીનનું મૃત્યુ થાય તે હકીકત માનવ કે સ્વીકારવા તૈયાર જ ન હતા. મૃત્યુ પછી આવું અસાધારણ બહુમાન ભાગ્યે જ કોઈ કલાકારને મળતું હોય છે. જિંદગીની માત્ર અર્ધ સદી પુરી કરનાર આ કલાકાર સમગ્ર આસામ તથા North East ના પ્રદેશોમાં માનીતા હતા. ઝુબીન મહેતાના નામ પરથી ઝુબીન ગર્ગના માતાપિતાએ તેનું પ્રથમ નામ ઝુબીન નક્કી કર્યું હતું. માત્ર ત્રણ દાયકાની સંગીત સફરમાં ઝુબીને હજારો ગીતો ગયા હતા. તેનું પ્રથમ આલબમ ૧૯૯૨માં પ્રસિદ્ધ થયું હતું. તેનું ગાયેલું ફિલ્મસૉન્ગ ‘યા અલી'(ગેંગસ્ટર) પુરા દેશમાં જાણીતું થયું હતું. ઝુબીનની બહુમુખી પ્રતિભા હતી. ગાયક કલાકાર ઉપરાંત તે સંગીતકાર, ગીતકાર, ફિલ્મ કલાકાર અને ઉદાર દિલ ઇન્સાન હતા. લોકો સાથેનું તેનું જોડાણ ખુબ મજબૂત હતું. આસામના Cultural Icon સમાન આ વ્યક્તિ સામાજિક બાબતોમાં પણ સક્રિય હતા. તેમના મૃત્યુ તથા અંતિમવિધિ પ્રસંગે લાખોની સંખ્યામાં લોકો ભગ્ન હ્ર્દયે હાજર રહ્યા. પરંતુ વાત આટલેથી પુરી થતી નથી. Times of India માં October 2025 માં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ ઝુબીન ગુમાવ્યાનું દુઃખ લોકોને એકઠા કરે છે અને પોતાના પ્રિય કલાકાર માટે કંઈક કરી છૂટવા તેમને સક્રિય કરે છે. કલાકારના મૃત્યુ બાદ એક મહિનામાં જ તેની સ્મૃતિ માટેનો માહોલ સ્વયંભૂ ઉભો થાય છે. ગૌહાટી આવનાર તમામ મુલાકાતીને તેમની આસામની મુલાકાતમાં એક નવું જ સ્થળ ઉમેરાયેલું જોવા મળે છે. આ બાબત અગાઉ ન હતી. રાજ્યના પાટનગરથી વીસેક કિલોમીટર દૂર ઝુબીનનું અંતિમ વિશ્રાંતિ સ્થાન કે સમાધિ સ્થળ આપોઆપ એક તીર્થસ્થાન બની ગયું છે. જ્યાં લોક પોતે જ પોતાના માનીતા માણસ માટે કંઈક કરી છૂટવા આતુર અને ઉત્સાહી હોય ત્યાં કામની ગતિ અસાધારણ ઝડપી હોય છે. ગૌહાટી આવનાર દરેક મુસાફરને કામાખ્યા દેવીના પૂજન તથા સાગર સમાન વિશાળ બ્રહ્મપુત્રા દર્શન સાથે જ ઝુબીનની અંતિમ સમાધિના દર્શન માટે પણ લઇ જવામાં આવે છે. એક જ મહિનામાં પ્રવાસીઓની યાદીમાં ઉમેરાયેલું આ તીર્થસ્થાન લોકલાગણીનું સચોટ દર્શન કરાવે છે. અહીં આવનાર અનેક લોકો કહે છે કે ઝુબીન અમારી ભાષા બોલતો હતો. લોક જયારે કોઈને પોતાનો લોકનાયક ગણે ત્યારે તે સ્નેહના જુસ્સાનું દર્શન એક અલગ જ હોય છે. ઉદાહરણ તરીકે સર્જક ઝવેરચંદ મેઘાણીની પ્લેટિનમ જયંતિ પ્રસંગે વિશાળ લોકસમૂહ એક આયોજિત સભામાં ભાગ લેવા આપમેળે ઉમટ્યો હતો. ચોટીલામાં થયેલી આ સભામાં આપણાં ટોચના સર્જક મનુભાઈ પંચોળી (દર્શક) એ કહ્યું કે મેઘાણીની સ્મૃતિમાં યોજાયેલી આ સભામાં વિશાળ લોકસમૂહની હાજરી એ સાક્ષરોની વાતો સાંભળવા કે સમજવા માટે ભેગી થયેલી મેદની ન હતી. દર્શક દાદાએ લોક સમૂહને કહ્યું કે તમે મોટી સંખ્યામાં હાજર થયા છો કારણ કે તમને લાગે છે કે તમને જે ગમે છે તે મેઘાણીની સારી સારી વાતો અહીં થવાની છે. મેઘાણીનો ગુણાનુરાગ એ આ કાર્યક્રમનો હેતુ છે. આથી તમે બધા વિશાળ સંખ્યામાં અહીં આવ્યા છો. તમને લાગે છે કે તમારા કુટુંબના કોઈ મોવડીના ગુણગાન ગાવાનો અહીં ઉપક્રમ છે. તેમાં આપણે તો ઉપસ્થિત રહેવું જ જોઈએ. આ બાબત એ જ તમારી વિશાળ હાજરીનું એક મહત્વનું કારણ છે.
જેઓ ૨૦૧૧ સુધી આપણી વચ્ચે હયાત હતા તેવા ભૂપેન હઝારીકા પણ ઝુબીન તથા આસામની સંસ્કૃતિના સંદર્ભમાં યાદ આવે છે. ભૂપેન હઝારીકા આસામી ભાષાના ગાયક, એક મોટા ગજાના સંગીતકાર તથા એક ગણનાપાત્ર સર્જક પણ હતા. ૨૦૧૨માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણનું સન્માન આપ્યું હતું. ‘ભારતરત્ન’ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો. ફિલ્મોના તેમના યોગદાન માટે તેમને આ ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર ‘દાદાસાહેબ ફાળકે’ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમની પ્રતિભા આસામના ગૌરવની ઓળખ સમાન હતી. Bard of Brahmputra તરીકે પણ તેઓ જાણીતા થયા છે.
આ રીતે જોઈએ તો ‘બહુરત્ના વસુંધરા’ જેવી આપણી ધરતીના જુદા જુદા ભાગોમાં થયેલા કવિઓ-કલાકારોએ પોતાની માતૃભાષાની સેવા કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. કવિશ્વર દલપતરામે પોતાને ગુજરાતી વાણીના વકીલ તરીકે ઓળખાવ્યા હતા. સ્થાનિક ભાષાએ સમાજ જીવનમાં મૂલ્યવર્ધન કરેલું છે. લોકોએ પણ તેમને પોતાના ગણી ભરપૂર પ્રેમ આપેલો છે. ખરા અર્થમાં લોકભાષા બોલનારા ભૂતળના સાચા પ્રતિનિધિ છે. નરસિંહ મહેતા જેવા સર્જક પોતાની વાણીના બળુકા માધ્યમથી સમાજમાં ચાલતા જાતિ કે વર્ણ આધારિત ભેદભાવો સામે પ્રહાર કરે છે. સમાજ પર તેમની અસર થાય છે. આથી કવિઓ તથા કલાકારો ખરા અર્થમાં જન પ્રતિનિધિ બને છે અને જનતાનો અવાજ જુસ્સા સાથે રજુ કરે છે. આવી પ્રતિભાઓ લોકની તથા લોકભાષાની પુનઃપ્રતિષ્ઠા કરે છે. ઝુબીન ગર્ગની આવી અસાધારણ લોકપ્રિયતા એ તેમનું લોક તથા લોકવાણી સાથેનું મજબૂત અનુસંધાન છે. પોતાની ભાષાનું ગૌરવ તથા તેની જાળવણી કરનાર લોકોને સમાજ સ્નેહાદર આપે છે.
વસંત ગઢવી
તા. ૩ નવેમ્બર ૨૦૨૫
Leave a comment