મોરારજી દેસાઈ કાર્યદક્ષ વહીવટકર્તા-વાટે…ઘાટે

મોરારજી દેસાઈ: કાર્યદક્ષ વહીવટકર્તા:

        મુંબઈમાં મુખ્યમંત્રી તરીકે મોરારજીભાઈએ ભાષાકીય બાબતોમાં પણ એક ક્રાંતિકારી અને વ્યવહારુ નીતિ અપનાવી. આજે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાષાને લઈને જે વિવાદો સર્જાય છે, તેની સરખામણીમાં તે સમયે તેમણે હિન્દી, મરાઠી અને અંગ્રેજીને યોગ્ય મહત્વ આપીને એક સંતુલિત ત્રિભાષાકીય નીતિ ઘડી. તેમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના ભવિષ્યને સુધારવાનો હતો નહિ કે રાજકીય પ્રયોગો કરવાનો.

         મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેની કામગીરી બાદ તેમની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો કેન્દ્રમાં પંડિત જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં શરુ થયો. તે સમયે દેશની વિકાસ યોજનાઓ ભંડોળના અભાવે અટકી જવાનો ભય હતો. અર્થશાસ્ત્રીઓના મતે સરકાર પાસે ત્રણ વિકલ્પો હતા:

૧. વિદેશી દેવું (borrow ) કરવું.

૨. યોજનાઓનું કદ (curtail ) ઘટાડવું.

૩. બિનજરૂરી સરકારી ખર્ચ પર કડક નિયંત્રણ (પ્રતિબંધ) મુકવો.

     મોરારજીભાઈએ ત્રીજો, સૌથી કઠિન પણ રાષ્ટ્રહિતનો માર્ગ પસંદ કર્યો. તે માટે ઘણાં લોકોની નારાજગી પણ તેમણે વહોરવી પડી. તેમણે બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકીને, દેશની વિકાસ યોજનાઓનું કદ જાળવી રાખ્યું અને તેને સફળતાપૂર્વક આગળ ધપાવી. આ નિર્ણય તેમની નાણાકીય શિસ્ત અને દૂરંદેશીનો ઉત્તમ પુરાવો છે.

            લગભગ ૧૯૬૨ સુધી એટલે કે ચીનના આક્રમણ સુધી તેમના અને પંડિત નહેરુના સંબંધો ઘણા સારા રહ્યા. જયારે નહેરુ ૭૦ વર્ષના થયા. ત્યારે એક યુરોપિયન લેખકનું પુસ્તક આવ્યું. “After Nehru Who ?” (નહેરુ પછી કોણ?”). આ તે દિવસોનો મહત્વનો પ્રશ્ન હતો. લેખકે તેમાં તર્કબદ્ધ રીતે સમજાવ્યું કે મોરારજી દેસાઈ જ માત્ર વિકલ્પ છે. આ સંદર્ભમાં આઈ. જી. પટેલે એક મહત્વનું તારણ લખ્યું છે:

     “કામરાજ યોજના (જેના દ્વારા ટોચના નેતાઓએ સરકારી પદ છોડીને પક્ષનું કામ કરવાનું હતું) માત્ર ને માત્ર મોરારજીભાઈ પંડિત નહેરુ પછીના અનુગામીની પસંદગીમાં આપોઆપ નીકળી જાય એટલા માટે કરવામાં આવી હતી.” કારણ કે જો મોરારજીભાઈ મેદાનમાં હોય તો બીજા કોઈનો વિચાર કરવાનો પ્રશ્ન જ નહોતો.

     શાસ્ત્રીજીના અવસાન પછી પણ મોરારજીભાઈએ કોઈ દાવપેચ ન કર્યા. જયારે સર્વસંમતિથી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે હિન્દુસ્તાન ટાઈમ્સ (Hindustan Times )માં એક કાર્ટૂન પ્રસિદ્ધ થયું હતું. ઘણા બધા લોકોના ખભા ઉપર ચડીને ઈન્દિરાજી ઉભા છે અને બાજુમાં એકલા ટટ્ટાર મોરારજીભાઈ ઉભા છે.

       કોઈ સ્થિતિ કે કોઈ બાબતમાં તેમણે સમાધાન ન કર્યું. છેવટે, અપમાનજનક સ્થિતિ હતી જેમાં સરકારમાં રહી શકાય તેમ નહોતું. એટલે તેમને સરકાર છોડવી પડી. ગુજરાતમાં ૧૯૭૩-૭૪ના સમયગાળામાં થયેલું નવનિર્માણ આંદોલન એક ઐતિહાસિક ઘટના છે. આ આંદોલનને કારણે ગુજરાતમાંથી સરકારે રાજીનામુ આપ્યું પણ વિધાનસભા ભંગ કરાવવા માટે આંદોલન સતત ચાલતું રહ્યું. વિધાનસભા ભંગ કરવાના આગ્રહ સાથે મોરારજીભાઈ દેસાઈએ ગુજરાત વિદ્યાપીઠમાં રહીને આમરણાંત ઉપવાસ શરુ કર્યા. ઉપવાસના પાંચમા કે છઠા દિવસે, માર્ચ ૧૯૭૪માં હિતેન્દ્ર દેસાઈએ તેમને ફોન કરીને જણાવ્યું કે ગવર્નરના સલાહકાર એચ. સી. સરીન તેમને રાત્રે મળવા આવશે. સરીન પણ રાત્રે અગિયાર વાગે આવ્યા અને જણાવ્યું કે ભારત સરકારે ગુજરાત વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય કરી લીધો છે. ૧૧ વાગ્યે જાહેરાત થઇ. સરીન સાહેબે તેમને પારણા કરી લેવા આગ્રહ કર્યો. મોરારજીભાઈએ કહ્યું કે ઉપવાસના પારણા મારે બધા કાર્યકરોની હાજરીમાં જ કરવા પડે. માત્ર આપણી વાતો ઉપરથી ન થાય. દરમિયાન, ગુજરાત વિદ્યાપીઠમાં ૨૦૦૦ થી ૫૦૦૦ લોકોના ટોળાં એકઠા થવા માંડ્યા.

      મોરારજીભાઈ નીચે ગયા અને લોકો સાથે વાત કરી. તેમાંથી કોઈને ખબર પડી કે સરિન પણ અંદર છે. સરીને સાત દિવસ પહેલા કહેલું કે ‘આ આંદોલન તો હું પાંચ દિવસમાં કચડી નાખીશ.’ એટલે લોકોનો રોષ હતો. મોરારજીભાઈને ચિંતા થઇ કે આ ગાંધીયન સંસ્થામાં સરીન સાથે કોઈ ખરાબ વર્તન થાય તો તે શરમજનક પરિસ્થિતિ ઉભી થાય. પાંચ દિવસના ઉપવાસ પછી પણ તેમણે લખ્યું છે કે કુદરતે મને શક્તિ આપી કે હું આ લોકોની સાથે સંવાદ કરી શકું. તેમણે ભીડને વાતોમાં વ્યસ્ત રાખી અને સરીનને પાછલા બારણેથી બહાર મોકલી દીધા. યુવાનોએ ગુસ્સો વ્યક્ત કર્યો અને થોડી તોડફોડ પણ કરી.

      આ એક ઐતિહાસિક ઘટના હતી જેમાં મોરારજીભાઈ દેસાઈના મહત્વના ફાળાને કારણે છૂટીછવાઈ હિંસક ઘટનાઓ બાદ કરતાં અહિંસક લોક આંદોલનથી એક વિધાનસભાનું ભંગ થવું અને મંત્રીમંડળનું જવું ગુજરાતે જોયું. જેમાં મહત્વનો ફાળો મોરારજીભાઈ દેસાઈનો હતો.

    કટોકટી દરમિયાન તેમણે જેલમાં વિશેષ સગવડો ન માંગી પણ જે સગવડો મેળવી જોઈએ તેનો આગ્રહ રાખ્યો. તેઓ જેલમાં બહુ સ્વસ્થ રીતે રહ્યા. તેમણે પાછળથી લખ્યું કે આ જેલ જીવન દરમિયાન હું ઘણું નવું વિચારી શક્યો અને મારુ સ્વાસ્થ્ય સુધારી શક્યો. તેમણે જેલમાં પાંચ વખત રામચરિતમાનસનું વાંચન કર્યું. “પહેલા મારી ધાર્મિક માન્યતામાં થોડી શુષ્કતા, રુક્ષતા હતી. રામચરિતમાનસને વાંચ્યા પછી ભક્તિ તરફનું પણ જીવનમાં એક મહત્વ છે એ હું સમજતા શીખ્યો.”

 તેમણે ભોગવેલા ૧૯ મહિનાના જેલવાસ દરમિયાન તેઓ સ્વસ્થ રહ્યા. પહેલા અને બીજા દિવસે જયારે તેમણે અખબાર (newspaper ) માંગ્યું અને ન મળ્યું ત્યારે તેમણે કહ્યું કે “કાલે ન્યુઝપેપર મળશે પછી જ હું જમીશ.” અખબાર સવારમાં આવી ગયા હતા. ૮૦ વર્ષની વય વટાવી ગયા હોય અને આ પ્રકારની માનસિક અને શારીરિક સ્વસ્થતા હોય. આવતીકાલે શું થવું છે તેની ખબર ન હોય. તેવી સ્થિતિમાં પણ મોરારજીભાઈ સરળતાથી બહાર નીકળ્યા.

      કટોકટી બાદ મોરારજીભાઇના નેતૃત્વમાં રચાયેલું મંત્રીમંડળ દેશની સ્મૃતિમાં રહેશે. પ્રધાનમંડળ કાર્યદક્ષ હતું. તેમાં એચ. એમ. પટેલ, મધુ દંડવતે, અટલ બિહારી બાજપેયી જેવા સમર્થ લોકો હતા. દરેકને પોતાની આગવી છટા હતી. અઘરામાં અઘરો પ્રશ્ન મોરારજીભાઈ એચ. એમ. પટેલને સોંપતા હતા અને તેઓ સરળતાથી કામ કરતાં. સુચારુ વહીવટનો આ નમૂનો હતો. દુર્ભાગ્યે રાજકીય મહત્વાકાંક્ષાને કારણે તે સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરી શકી નહિ.

વસંત ગઢવી

તા. ૩ નવેમ્બર ૨૦૨૫  

Leave a comment

Blog at WordPress.com.

Up ↑