મોરારજી દેસાઈની પાવન સ્મૃતિ-ક્ષણના ચણીબોર

:મોરારજી દેસાઈની પાવન સ્મૃતિ:

          નર્મદથી લઈને ભગવતીકુમાર શર્મા તેમ જ ‘ઉશનસ’ સુધીની ઉજ્જવળ પરંપરાએ સુરત તથા વલસાડને  વૈચારિક રીતે સમૃદ્ધ બનાવ્યું છે. આવી જ રીતે, તે વિસ્તારમાંથી જાહેર જીવનમાં મૂલ્યોનું જતન કરનાર અનેક મહાનુભાવોએ દેશને દિશા આપી છે. આવા જ એક વિરલ વ્યક્તિત્વ હતા શ્રી મોરારજીભાઈ દેસાઈ, જેમનું જીવન એક વહીવટકર્તા અને સંતના ગુણોનો અનોખો સંગમ હતો.  સુરત તથા વલસાડ સાથે તેમનો વિશેષ સંબંધ તથા સંપર્ક રહ્યો.

                જયારે શ્રી મોરારજીભાઈ દેસાઈનું સ્મરણ કરીએ, ત્યારે ઇતિહાસનું એક એવું પ્રકરણ નજર સમક્ષ ખુલી જાય છે. જે સિદ્ધાંત અને સ્વાભિમાનથી લખાયેલું છે. તેમનું જીવન એટલું બધું ઘટનાપ્રચુર હતું કે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી કુંદનલાલ ધોળકિયાએ વર્ષો પહેલા કહ્યું હતું કે, “જેમ સરદાર પટેલ પર ફિલ્મ બની, તેવી જ રીતે મોરારજીભાઇના જીવન પર પણ એક ફિલ્મ બનાવી જોઈએ.”

                આ વિરાટ વ્યક્તિત્વને સમજવા માટેનો શ્રેષ્ઠ સ્ત્રોત તેમની પોતાની કલમે લખાયેલી આત્મકથા છે. આત્મકથા લખવી કે કેમ તેનું વૈચારિક મંથન તેમના મનમાં વર્ષો સુધી રહ્યું. સમયનો પણ અભાવ રહેતો હતો. આખરે જે સમયે તેમની કેન્દ્ર સરકારમાં ખાસ જવાબદારી ન હતી ત્યારે તેમણે આત્મકથાના પ્રકરણો લખવા શરુ કર્યા.  ૧૯૭૨થી ૧૯૭૮ના ગાળામાં તેમણે ત્રણ ભાગમાં પોતાની આત્મકથા લખી, જેનું પ્રકાશન નવજીવન પ્રકાશન દ્વારા કરવામાં આવ્યું.

           મોરારજીભાઈની આત્મકથાના ત્રીજા ભાગની રચના પાછળની કહાણી તેમની અડગ શિસ્ત અને કર્તવ્યનિષ્ઠાનો ઉત્તમ પરિચય આપે છે. તેમણે આ ભાગ મોટે ભાગે કટોકટી દરમિયાનના જેલવાસમાં લખ્યો હતો. જો કે અંતિમ પ્રકરણ જેલમાંથી મુક્ત થયા પછી પૂર્ણ કર્યું હતું. પરંતુ, તેમની કર્તવ્યપરાયણતાનો સાચો પુરાવો એક અન્ય ઐતિહાસિક ઘટનામાં જોવા મળે છે. ‘Collected Works of Mahatma Gandhi ‘ (ગાંધીજીના સંકલિત કાર્યો)ના જે મહત્વપૂર્ણ ગ્રંથો ભારત સરકાર દ્વારા તૈયાર થયા. તેના સલાહકાર મંડળના અધ્યક્ષ મોરારજીભાઈ હતા. વિડંબણા તો જુઓ કે કટોકટીમાં જે સરકારે તેમને જેલમાં પૂર્યા હતા તે જ સરકારને આ રાષ્ટ્રીય મહત્વના પ્રકાશન કાર્ય માટે તેમની અનિવાર્યતા સ્વીકારવી પડી.

                  સરકારની ખાસ પરવાનગીથી આ ગ્રંથોની હસ્રપ્રતો તેમને જેલમાં મોકલવામાં આવતી. મોરારજીભાઈ જેલની કોટડીમાં બેસીને તેને શબ્દે-શબ્દે વાંચતા. ઝીણવટપૂર્વક ભૂલો સુધારતા અને સમયસર તેને પછી મોકલી આપતા. આ ઘટના દર્શાવે છે કે અંગત સંજોગો કે રાજકીય વિષમતાઓ પણ તેમને પોતાના રાષ્ટ્રીય કર્તવ્યમાંથી વિચલિત કરી શકતી ન હતી. આ મોરારજીભાઈની લાક્ષણિક ગાંધીવાદી અસર હતી. જેમ ખુદ ગાંધીજીને પોતાની આત્મકથા લખવી કે નહિ તે અંગે મનમાં દ્વિધા હતી. તેવી જ દ્વિધા મોરારજીભાઈને હતી. ગાંધી વિચારોની આ સંપૂર્ણ અસર હેઠળ દેશમાં એક એવી પેઢીનું નિર્માણ થયું જેમણે ‘ઓછું લઈને વિશેષ આપ્યું’. મોરારજીભાઈ તે પેઢીના જ એક શ્રેષ્ઠ પ્રતિનિધિ હતા.

                માણસના ચારિત્ર્યનું ઘડતર કેવી રીતે થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ મોરારજીભાઇના જીવનમાંથી મળે છે. તેમના પિતા શિક્ષિત અને હાઈસ્કૂલના આચાર્ય હતા. પરંતુ કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી સામાન્ય હતી. પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટા મોરારજીભાઈ હોવાથી પરિવારની જવાબદારી નાનપણથી જ તેમના ખભે હતી. તેમની મિલકત એટલે માત્ર દસેક વીઘા જમીન અને એક જૂનું-પુરાણું પૈતૃક મકાન. માણસનું વ્યક્તિત્વ તેની સંપત્તિથી નહિ પરંતુ તેના આંતરિક ખમીર અને સંસ્કારોથી ઘડાય છે. મોરારજીભાઈનું જીવન આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે.

             આ ખમીરના સિંચનમાં તેમના મોસાળ, ભદેલીનો મોટો ફાળો હતો. જ્યાં તેમનો જન્મ અને ઉછેર થયો. તેમના નાના(માતામહ) અત્યંત સ્વાભિમાની સ્વભાવના હતા. “એક વખત જે બોલે, તેમાંથી ફરે નહિ” આ ગુણ મોરારજીભાઇના વ્યક્તિત્વમાં ઊંડો ઉતર્યો. આ ઉપરાંત તેમનું એક કાઠિયાવાડી જોડાણ પણ હતું. તેમના પિતા ભાવનગર રાજ્યના કુંડલામાં નોકરી કરતા હોવાથી તેમનું પ્રારંભિક શિક્ષણ ત્રણ વર્ષ સુધી કુંડલામાં થયું હતું.

      તેમના બાળપણનો એક પ્રસંગ તેમના ચારિત્ર્યની અસાધારણ પરિપક્વતા દર્શાવે છે: એક દિવસ કુંડલામાં મોરારજીને શાળાએથી લેવા આવનાર માણસ મોડો પડ્યો. પોતાની ભૂલ છુપાવવા તેણે મોરારજીભાઇના પિતાને કહ્યું કે, “તમારો દીકરો બહાર રખડવા જતો રહ્યો એટલે મોડું થયું.” ઉગ્ર સ્વભાવના પિતાએ ખુલાસો પૂછ્યા વિના જ મોરારજીભાઈને માર માર્યો. મોરારજીભાઈએ એક પણ શબ્દનો ખુલાસો કર્યા વિના શાંતિથી આ સજા સહન કરી લીધી.

    બીજા દિવસે તાવ આવતા તેઓ શાળાએ ન ગયા એટલે શાળાના આચાર્ય ખબર કાઢવા માટે ઘેર આવ્યા. તેમણે સત્ય ઉજાગર કરતા કહ્યું, “મોરારજી ક્યાંય બહાર નહોતો ગયો, તે તો મારી પાસે બેસીને પેલા માણસની રાહ જોતો હતો. માણસ મોડો આવ્યો એટલે ઘેર પહોંચવામાં પણ મોડું થયું.” મોરારજીભાઈ લખે છે કે તેમણે પિતાના ચહેરા પર ગ્લાનિ અને અફસોસ સ્પષ્ટ જોયા. છતાં તેમના મનમાં પિતા પ્રત્યે સહેજ પણ કડવાશ કે ઘૃણાનો ભાવ ન જાગ્યો. તેઓ સમજતા હતા કે પિતાનું આ વર્તન તેમના શ્રેષ્ઠ હિતની ભાવનામાંથી જ આવ્યું હતું.

              જીવનના દરેક ક્ષેત્રમાં જયારે સગવડિયા ધર્મની બોલબાલા હોય ત્યારે આ દ્રઢ મનોબળવાળા મોરારજીભાઈની સ્મૃતિ સતત તાજી થતી રહે છે. ફેબ્રુઆરી માસમાં તેમની જન્મજયંતિ નિમિત્તે તેમની વિશેષ સ્મૃતિ થાય છે. ઘણાં પ્રસંગોમાં લોકહિતને ધ્યાનમાં રાખીને તેમણે અપ્રિય નિર્ણયો લીધા છે. રાજકીય જીવનમાં લોકપ્રિયતાનું માપદંડ એ તેમનું અંતિમ લક્ષ ન હતું. પંડિત નહેરુજીના મંત્રીમંડળમાં તેઓ એક કાર્યદક્ષ મંત્રી ગણાતા હતા. કટોકટી બાદ જનતા મોરચાની સરકાર બની ત્યારે તેમણે એક કાર્યદક્ષ સરકારનું ગઠન તથા નેતૃત્વ કર્યું હતું. વિધિની એ વક્રતા હતી કે આ કાર્યદક્ષ સરકાર પોતાની મુદત પુરી કરી શકી નહિ. સત્તાપ્રાપ્તિ અને સિદ્ધાંત એ બંનેમાં મોરારજીભાઈનું વલણ સિદ્ધાંત તથા મૂલ્યો તરફી રહ્યું હતું.

વસંત ગઢવી

તા. ૩ નવેમ્બર ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑