:લલિતચંદ્ર દલાલ: વહીવટમાં નિર્ણયાત્મકતાનું ઉજળું ઉદાહરણ:
દેશને આઝાદી મળી. હિન્દુસ્તાનના બે ભાગ પણ થયા. સત્તાધીશો માટે જે એક ભાગલાની પ્રક્રિયા હતી તે અનેક સામાન્ય લોકો માટે વ્યથાનો વિષય હતો. લલિતચંદ્ર દલાલ વર્ષોના અનુભવી અધિકારી હતા. આ સમયે અધિકારીઓનું પ્રશ્નનો ત્વરિત ઉકેલ કરવા માટેના વલણનું ખાસ મહત્વ હતું. દલાલ સાહેબ આવા એક અધિકારી હતા. મોરારજીભાઇના આગ્રહથી તેમણે મુંબઈ સચિવાલયમાં ફરજ બજાવવાનું શરુ કર્યું. અગાઉ તેમણે ઘણાં જિલ્લાઓમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી હતી. એક દિવસ દલાલ સાહેબને મળવા એક શરીરનો મજબૂત બાંધો ધરાવતો યુવાન આવ્યો. ભાગલા પછી તે હિન્દુસ્તાનમાં આવ્યો હતો. અગાઉ પાકિસ્તાનના વાયવ્ય પ્રાંતમાં હતો. તેણે ગુસ્સા સાથે પોતાની આપવીતી સંભળાવી. દલાલ સાહેબે તેની રજૂઆત શાંતિથી સાંભળી. કોઈ મોટા અધિકારી પોતાની વાત શાંતિથી સાંભળે છે તેથી આવનાર યુવાનને થોડી હૈયાધારણ મળી. ગુસ્સો ઓછો થયો. સરકાર તેને માટે કંઈક કરશે તેવી શ્રદ્ધા પણ તેના મનમાં સ્થિર થઇ. આવનારે કહ્યું કે ભાગલા થશે તેનો મહાત્મા ગાંધી વિરોધ કરતા હતા. આથી ભાગલા નહિ થાય તેવી તેને આશા હતી. દલાલ સાહેબ વિચારમાં પડી ગયા. આવનાર વ્યક્તિને મદદ કરવા વિચાર શરુ થયો. તે વખતે રાજ્યમાં પોલીસની ભરતી ચાલતી હતી. ઘણી ખાલી જગાઓ ભરવાની હતી. આથી તેમણે પોલીસમાં ભરતી કરતા અધિકારીને ફોન કર્યો. એક યુવાનને પોલીસમાં ભરતી માટે મોકલે છે તેમ તેમણે જણાવ્યું. દેખીતી રીતે જ તે શારીરિક રીતે સક્ષમ છે અને આ ભરતી માટેની શૈક્ષણિક યોગ્યતા પણ ધરાવે છે. આથી આ કાર્ય થઇ શકે તેવું છે તેવો તેમને અણસાર આવ્યો. આવનાર યુવાન હવે સંતોષ સાથે ત્યાંથી ગયો. કામ થયું પણ ખરું. દલાલસાહેબ લખે છે કે થોડી પણ હમદર્દી માણસને પલટાવી નાખે છે. આમ તો જીવનમાં દરેકને આવી તક મળતી હોય છે. પરંતુ સરકારી નોકરીમાં હોય તેને વિશેષ તક મળે છે. દરેક File ની પાછળ એક Life હોય છે તેનો અહેસાસ રહે તો જાહેર સેવાના ક્ષેત્રમાં કામ કરતા લોકો ઘણું કરી શકે છે. લલિતચંદ્ર દલાલે પોતાની સેવાના સંભારણા લખ્યા છે. રંગદ્વાર પ્રકાશને તે પુસ્તક પચીસેક વર્ષ પહેલા પ્રસિદ્ધ કર્યું હતું. તેમણે આવા પ્રસંગો હપ્તાવાર ‘અખંડ આનંદ’માં લખ્યા હતા. તેના પરથી પુસ્તક થયું છે. લલિતચંદ્ર દલાલ ગુજરાતના છેલ્લા નિવૃત્તિને વરેલા ICS (Indian Civil Service ) અધિકારી હતા. ૧૯૪૨માં તેમણે ICS માં પ્રવેશ મેળવ્યો હતો. ફેબ્રુઆરી-૧૯૭૬માં તેઓ નિવૃત્ત થયા. મુંબઈ રાજ્યના વિભાજન પછી તેમણે ગુજરાતમાં કામ કર્યું. ગુજરાતમાં પણ તેમણે જે કામ કર્યું તે વહીવટમાં કોઈપણ કાળે માર્ગદર્શક બને તેવું છે.
વહીવટના અનુભવોમાં એક મહત્વની વાત એ પ્રશ્ન કે સમસ્યાની રજૂઆત કોના તરફથી આવી છે તે સમજવાનું પણ છે. કોઈપણ નાગરિકની સાચી વાત સમજીને તેનો ઉકેલ લાવવો તે તો જરૂરી છે. આ ઉપરાંત કેટલીક વ્યક્તિઓ કે સંસ્થાઓ એવા હોય છે કે તેમની રજૂઆત વિશાળ સામાજિક સંદર્ભમાં પણ મહત્વની હોય છે. આવી રજૂઆત કરનાર વ્યક્તિનું પોતાનું કોઈ હિત તેમાં સમાયેલું હોતું નથી. ગુજરાત સરકારમાં સહકાર વિભાગના સચિવ તરીકે કામ કરતો હતો ત્યારે આ બાબતનો મને વિશેષ અનુભવ થયો. તે સમયે સૌરાષ્ટ્રના દિગ્ગજ આગેવાન જયરામભાઈ પટેલ ગુજરાતની રાજ્ય સહકારી બેન્કના અધ્યક્ષ હતા. આમ જુઓ તો સૌરાષ્ટ્રમાં સહકારી પ્રવૃત્તિનું મજબૂત માળખું ઉભું કરવામાં વલ્લભભાઈ પટેલ તેમજ જયરામભાઈ પટેલનો સિંહફાળો હતો. આથી જયરામભાઈ તરફથી જે રજૂઆત આવે તેમાં હંમેશા સહકારી પ્રવૃત્તિને વેગ આપવાનો જ ઉદેશ રહેતો હતો. આથી તેમની રજૂઆતને ધ્યાનમાં લઈએ અને સત્વરે નિર્ણય કરાવીએ તો એકંદરે તેનો ફાયદો સમગ્ર સમાજને થાય છે. આ વાત દલાલ સાહેબના સમયમાં ખરી હતી તે રીતે જ આજે પણ તેટલી જ પ્રસ્તુત છે. આથી મરોલી આશ્રમ સાથે સંકળાયેલા કલ્યાણજીકાકાનો પત્ર મળે તો તેના પર દલાલ સાહેબની કાર્યવાહી એકદમ ત્વરિત તેમજ વિધેયાત્મક રહેતી હતી. દક્ષિણ ગુજરાતમાં સંસ્થાઓને વિકસાવીને ટકાવી રાખવામાં આ બધા આગેવાનો પાયામાં હતા.
દલાલ સાહેબે લખેલા અનેક પ્રસંગોમાં ૧૯૫૨માં થયેલી લોકસભાની પ્રથમ ચૂંટણી વખતે ઉભો થયેલો પ્રશ્ન હતો. કોંગ્રેસના ઉમેદવાર તરીકે વડોદરાની લોકસભાની બેઠક માટે હંસાબેન મહેતાનું નામ નક્કી થયું. હંસાબહેને જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભર્યું. હંસાબેન તે સમયે વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર હતા. આ હોદ્દા પર તેમને મહેનતાણું એટલે કે એક અર્થમાં પગાર મળતો હતો. લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ કોઈ વ્યક્તિ office of profit ધારણ કરતી હોય તો તે લોકસભા કે ધારાસભાના ઉમેદવાર તરીકે ચકાસણીના આધારે ગેરલાયક ઠરે છે. આથી હંસાબહેનના ફોર્મની ચકાસણીમાં ઘણો વિચાર થયો. હંસાબહેનના એડવોકેટની દલીલો પણ દલાલ સાહેબે શાંતિથી સાંભળી. કાનૂની સ્થિતિની ફરી ચકાસણી કરી. અંતે તો કાયદા હેઠળ જે નિર્ણય કરવાનો થાય તે સક્ષમ અધિકારી-competent officer – એ જ કરવાનો હોય છે. આથી દલાલ સાહેબે હંસાબહેનનું ઉમેદવારી પત્ર નામંજૂર કર્યું. હંસાબહેનના ટેકેદાર તરીકે જેમણે ઉમેદવારી પત્ર ભર્યું હતું તે પણ સકારણ નામંજૂર કર્યું. એ સમયમાં આવો નિર્ણય એ કઠિન કાર્ય હતું. હંસાબહેન એક વિદુષી તો હતા જ ઉપરાંત તેઓ ગુજરાત-મહારાષ્ટ્રના મહત્વના નેતા તથા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના ધર્મપત્ની હતા. દલાલ સાહેબ પોતે પણ લખે છે કે તેમને આ બાબતની ગંભીરતાનો પૂરો ખ્યાલ હતો. આથી તેઓ પોતાના ધર્મપત્નીને કહે છે કે વડોદરાનો આ કલેક્ટર બંગલો હવે ખાલી કરવાનો સમય જલ્દી આવશે. પત્નીએ હૈયાધારણ આપી કે નિયમોને અનુસરીને જ કાર્ય કરવામાં શાણપણ છે. ગુજરાતના વહીવટને લોકાભિમુખ બનાવવામાં ઘણાં અધિકારીઓનો ફાળો છે. લલિતચંદ્ર દલાલ તેમાં અગ્રસ્થાને છે.
વસંત ગઢવી
તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૫
Leave a comment