સંવેદનાનો દિપક સંકોરવાની વેળા-વાટે…ઘાટે

:સંવેદનાનો દિપક સંકોરવાની વેળા:

દિવાળીના દિન આવતા જાણી

ભાદરમાં ધુએ લૂગડાં ભાણી.

માથે હતું કાળી રાતનું ધાબુ:

માગી તાગી કર્યો એકઠો સાબુ

કોડી વીના હુ કેટલે આંબુ?

રુદિયામાં એમ રડતી છાની…

ઓઢણું પહેરે ને ઘાઘરો ધુએ

ઘાઘરો પહેરે ને ઓઢણું ધુએ

બીતી બીતી એ ચારેકોરમાં જુએ

લાખ ટકાની આબરૂ

એણે સોડમાં તાણી…ભાદરમાં…

ઉભા ઉભા કરે ઝાડવા વાતું

ચીભડાં વેચીને પેટડું ભરતી

ક્યાંથી મળે એને ચીથરું ચોથું

વસ્તર વગરની નારી જાતને સાટુ

પડી જતી નથી કેમ મોલાતુ?

શિયાળવાની વછૂટતી વાણી…

ભાદરમાં ધુએ લુગડા ભાણી.

                     કવિ ઇન્દુલાલ ગાંધી(૧૯૦૫-૧૯૮૬)ને તથા તેમના કાવ્યોને ગુજરાતે ભૂલવા જેવા નથી. તેમના કાવ્યો તેના બળુકા કાવ્યતત્વથી આજે પણ હજારો ભાવકોના હૈયામાં જીવંત છે. આંધળી માનો કાગળ કે નવા નગરની વહુવારુ જેવા ગીતો લોકપ્રિય રહ્યા છે. ‘મધરાતે સાંભળ્યો મોર’ જેવી સુંદર રચના રાસબિહારી દેસાઈના સ્વરે અમરતાને વરી છે. ‘ભાદરમાં ધુએ લુગડા ભાણી’ એ આ કવિની એક સંવેદનશીલ તથા નિસબત ધરાવતી કવિતા છે.

                   તહેવારોની ઝાકઝમાળ દર વર્ષે વધતી જાય છે. ઘણાં ખરાં સંપન્ન લોકો પોતાની આર્થિક સ્થિરતાને કારણે તહેવારોને વિશેષ ઉજવતા થયા છે. તહેવારો પર બજાર તત્વ (Marketing ) છવાયેલું જોવા મળે છે. લોકોની આ ખુશાલીનો આનંદ છે. આપણી આર્થિક પ્રગતિનું પણ તેમાં દર્શન થાય છે. આમ છતાં અનેક એવા લોકો પણ હશે કે જેમને તહેવારોનો આનંદ લેવો છે પરંતુ તે માટેની જોઈતી આર્થિક વ્યવસ્થાનો અભાવ છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા અનેક શ્રમિકો જે વેતન મેળવે છે તેમાં ઓછપ તેમ જ અનિયમિતતા એ બંનેનો સમન્વય જોવા મળે છે. સમાજમાં ઉજવાતા તહેવારો દેખાદેખીને કારણે પણ આવા લોકોને મૂંઝવણમાં મૂકે છે. બાળકો નવા કપડાં-ફટાકડા કે મીઠાઈનો આગ્રહ અન્ય બાળકોને જોઈને કરે તે સ્વાભાવિક છે. મર્યાદિત સાધનોને કારણે અનેક કિસ્સામાં માબાપ તેમ કરી શકતા નથી.

              કેટલાક વ્યવસાયો એવા છે કે જેમાં બાળ મજૂરો આજે પણ મોટા પ્રમાણમાં કાર્ય કરે છે. કોરોના પછી આફ્રિકા તથા એશિયાના ભારત સહિતના કેટલાક દેશોમાં આ પ્રમાણ વધ્યું છે તેવા અહેવાલો ધ્યાનમાં આવે છે. ઉપરના કાવ્યમાં કવિએ જે વેદના એક વ્યક્તિના મુખે કહી છે તે અનેક વંચિતો તથા સાધનવિહોણા લોકોની વાત છે. આવા લોકો ઘણાં છે. છેલ્લા થોડા વર્ષોની દેશની કે રાજ્યની એકંદરે સ્થિતિ જોતા લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થયેલો જોઈ શકાય છે. આ થોડી બદલાયેલી સ્થિતિમાં પણ બે ટંકનો રોટલો મેળવવા ફાંફા મારતા અનેક કુટુંબો છે. દેશના જુદા જુદા રાજ્યોમાં બાળકો અને કિશોરીઓના સ્વાસ્થ્યના આંકડા જોઈએ ત્યારે આ ચિત્ર ઉજળું નથી તેની પ્રતીતિ થાય છે. પૂરતા પોષણના અભાવે છેવાડાના અનેક વિસ્તારોમાં સ્વાસ્થ્યના ધોરણો જળવાતા નથી. ટીબીના જે નવા કેસ નોંધાય છે તે બાબત આ વાતનું સમર્થન કરે છે. ગરીબોને ઈશ્વરનું દર્શન તેમને પૂરતો ખોરાક મળે ત્યારે જ કરાવી શકું એ ગાંધીજીની વાત યથાર્થ છે.

            સાહિત્યના સર્જકો જયારે લોકને સ્પર્શ કરે તેવી બાબતને લઈને લખે ત્યારે તે વિશેષ અસરકારક બને છે. એ પણ એક કડવી વાસ્તવિકતા છે કે વંચિતોની આ વાત છુપાયેલી કે છુપાવી શકાય તેવી ઘટના નથી. આવું વાસ્તવિક ચિત્ર નજર સામે છે. આપણે તે તરફની સંવેદનશીલતા ગુમાવી બેઠા છીએ કે વાસ્તવિકતાની જાણે અજાણે ઉપેક્ષા કરીએ છીએ. આ કાવ્યનું કેન્દ્રિત પાત્ર એ એક વિશાળ છેવાડાના વર્ગનું, વંચિતોના વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે કે જેની સ્થિતિમાં બદલાવ હજુ ઘણો દૂર છે. પ્રકૃતિને કે કુદરતને પણ જે લાગણી સ્પર્શ કરી જાય તે લાગણી કે સ્થિતિ સમજવામાં સમાજ કે આપણી તમામ વ્યવસ્થાઓ ઉણી ઉતરી છે. GDP માં વધારો થાય કે શેર માર્કેટમાં તેજી આવે તેની સાથે કોઈ નિસબત સમાજના એક ઠીક ઠીક વર્ગને નથી. ઝળહળતી રોશની અને શોર-બકોર વચ્ચે આ એક અંધારખૂણો છે કે જે આ શોરબકોરમાં સંકોડાઇને પડ્યો રહે છે. ઉત્પાદન વધ્યા પછી આવકની અસમાન વહેંચણી દેશનો આજે પણ અકળાવે તેવો પ્રશ્ન છે. દેશની ખરી પ્રગતિની પારાશીશી એ તેના સામાન્યજનના ઉત્થાનમાં થયેલ ફેરફાર સાથે જોડાય તો જ વાસ્તવિક સ્થિતિથી નજીક પહોંચી શકાય. રસ્કીનની ‘un to this last ‘ની કથા આજ હતી. ગાંધીજી તેને અંત્યોદય કહીને તેમના કલ્યાણ માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી સક્રિય રહ્યા. હેરોલ્ડ લાસ્કી કહેતા હતા કે પ્રગતિ થઇ છે કે નહિ? સુખાકારી વધી છે કે નહિ? આ વાત મને શા માટે પૂછો છો? આ શેરીના નાકે બેસીને જૂતાની મરામત કરવાનું કાર્ય કરતા વ્યક્તિને પૂછી જુઓ. તેને જો પ્રગતિની સુખાકારીનો અનુભવ થતો હોય તો એ જ ખરી પ્રગતિ છે. આપણે આવી અનુભૂતિ છેવાડાના અનેક માણસો સુધી પહોંચાડી શક્યા નથી. વ્યવસ્થા બદલવા માટે પણ વિચાર થવો જોઈએ. Cosmatic Changes મૂળગામી અસર ઉભી કરી શકતા નથી. આઝાદી પછી આપણાં દેશમાં સૌની સુખાકારી વધે તે માટે પંચવર્ષીય યોજનાઓ શરુ કરવામાં આવી. પ્રથમ પંચવર્ષીય યોજનાના પ્રારંભે જ વિનોબાજીએ કહ્યું કે જે યોજનામાં દરેક હાથને કામ તથા દરેક મોઢાને ભોજન ન મળે તો મને એવી કોઈ યોજનામાં રસ નથી. આથી પ્રકાશના પર્વના આ પાવન પ્રસંગે ભાણી જેવા ‘નીચામાં નીચા અને પાછામાં પાછા’ જેવા લોકસમુદાય તરફ આપણી નજર રહે, આપણી નિસબત રહે તો આ પર્વનો પ્રકાશ વધારે દૈદિપ્યમાન બનશે.

વસંત ગઢવી

તા. ૧૧ ઓક્ટોમ્બર ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑