એડોલ્ફ હિટલરને ગાંધીજીનો પત્ર-વાટે…ઘાટે

:એડોલ્ફ હિટલરને ગાંધીજીનો પત્ર:

                                            ગાંધીજી અનેક લોકોને પત્રો લખતા હતા. અનેક પત્રો તેમણે ટ્રેઈનની મુસાફરી દરમિયાન લખ્યા હતા એ બંને બાબતો જાણીતી છે. ગાંધીજીનો પત્ર વ્યવહાર એક બૃહદ વર્તુળને આવરી લે તેવો વિશાળ છે. આશ્રમના બાળકથી માંડીને ટોલ્સટોય સુધીના મહાનુભાવો માટે તેમણે એક જ નિષ્ઠા તથા સાતત્યથી પત્રો લખ્યા છે. થોડામાં ઘણું કહેવાની ગાંધીજીની શક્તિ અસાધારણ છે. Collected Works of Mahatma Gandhi ના મહત્વાકાંક્ષી દસ્તાવેજીકરણથી આવી અનેક બાબતો ધ્યાનમાં આવે છે. ગાંધીજીની નખશીખ ઓળખ આ પત્રવ્યવ્હારથી થાય છે. ભારત સરકારે કરેલો આ પ્રોજેક્ટ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. સાંપ્રત સંજોગોમાં પણ ગાંધી વિચાર કેટલા મહત્વના છે તેનો અણસાર આપે છે. ગાંધીજીને તેમના પૂર્ણ વિચારો સાથે જોવા હોય તો CWMG નો આ દસ્તાવેજ ખુબ જ ઉપયોગી થાય તેવો છે. આજ કાલ Social Media માં કોઈ વાર અમુક વ્યક્તિ કે વિચારને લઈને બિનજરૂરી ટીકા કે પ્રશંસા થતા હોય છે. સ્વસ્થ સમાજે આ બંને બાબતોમાં વિશેષ સજાગ રહેવું પડશે. હકીકત આધારિત બાબતોનું જ ખરું મૂલ્યાંકન થઇ શકે છે.

                 ‘collected works of mahatma gandhi ‘ના ૧૦૦ ભાગ પ્રકાશિત થયા છે. લગભગ ૫૦૦૦૦ પાનથી પણ વધુ તેટલો તેનો વિસ્તાર છે. ભાગ ૧ થી ૯૦ના ગ્રંથોમાં મહાત્મા ગાંધીના લખાણોનો ક્રમબદ્ધ સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૮૮૪થી ૧૯૪૮ સુધીનો આ સમયગાળો છે. ભાગ ૯૧ થી ૯૭ના દસ્તાવેજોમાં કેટલાક વધારાના પત્રો કે દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ બાબતો ભાગ ૧ થી ૯૦ સુધીના ભાગોમાં સમાવાયેલી વિગતોથી ઉપરાંતની છે. ભાગ ૯૮ થી ૧૦૦માં કેટલાક પરિશિષ્ટો વગેરેનો સમાવેશ થાય છે. એક પાનમાં ૩૦૦ શબ્દોની ગણતરી કરીએ તો પણ લગભગ ૧૫ લાખ જેટલા શબ્દો આ મહાપુરુષ લખીને ગયા. તે સામાન્ય વાત નથી. ગાંધીજીના લખાણોમાં લાઘવ છે. શબ્દોની પસંદગી પણ વિચારપૂર્વકની હોય છે. એક પણ શબ્દનો નિરર્થક ઉપયોગ આ મહાત્માને મંજુર નથી. જે લોકોની માતૃભાષા ગુજરાતી છે. તેમની સાથે તેમણે મોટા ભાગે ગુજરાતી ભાષામાં જ પત્રવ્યવહાર કર્યો છે. પોતાના પુત્રો અને પુત્રવધૂઓને તેમણે નિયમિત રીતે પત્રો લખ્યા છે. જમણો હાથ થાકી જાય તો તેઓ ડાબા હાથે પત્રો લખતા હતા. અનેક કિશોરો-બાળકોને પણ નિયમિત રીતે પત્રો લખતા હતા. પત્રો લખતા હતા તેમજ પત્ર લખવા માટે પ્રોત્સાહન પણ આપતા હતા. બાપુ પોતે મોટા ભાગે ટ્રેઈનમાં મુસાફરી કરતા હતા. આ મુસાફરી દરમિયાન મોટા ભાગના પત્રોના જવાબ પણ લખતા હતા કે મહાદેવભાઈ પાસે લખાવતા હતા. ગાંધીજીના પત્રોમાં અંગત પત્રો ઉપરાંત બ્રિટિશ સરકારના અધિકારીઓને લખેલા પત્રોનો સમાવેશ થાય છે. young india મુખપત્રમાં પણ તેમના લેખો પ્રકાશિત થતા હતા. એડોલ્ફ હિટલર જેવા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા લોકોને તેમના પત્રો લખાયા છે. મહાત્મા ગાંધીના આ પત્રોનો સંગ્રહ દેશ માટે ખજાના સમાન છે. તેમના પત્રોમાંથી અનેક વિચારકો, research કરનારા લોકો તેમ જ અધ્યાપકોને સતત સામગ્રી મળતી રહે છે. ગાંધીજીનું જે અનોખું ઐતિહાસિક મહત્વ હતું તે આ પત્રોના માધ્યમથી જળવાઈ રહેલું છે. નેલસન મંડેલા કે માર્ટિન લ્યુથર કિંગ જેવા મોટા ગજાના નેતાઓને પણ ગાંધીજીવનના તથા ગાંધી વિચારણા પ્રેરણા કે માર્ગદર્શન ગાંધીજીના જીવન તથા પત્રોના માધ્યમથી થયું છે. દેશના અનેક ખ્યાતનામ વિદ્વાનો તથા ગુજરાત વિદ્યાપીઠ આ કાર્ય સાથે જોડાયેલી રહી. મોરારજી દેસાઈ તેના ગ્રંથ તૈયાર કરવાની સલાહકાર સમિતિના પ્રમુખ હતા. ગતિશીલ ગાંધીના અનોખા વ્યક્તિત્વનો પરિચય collected works ના ભાગોમાંથી થાય છે. ગાંધી જયંતિ હમણાં જ પસાર થઇ. આવા પ્રસંગોએ ગાંધી વિચારનો પ્રસાર યુવાનોમાં થાય તે ઇચ્છનીય છે. આ મહામાનવને ફરી સમજી તેમના માર્ગે બે ડગ ભરવા જેવા છે. નીચેનો એક પત્ર જે ગાંધીજીએ હિટલરને લખ્યો તે આજે પણ વાંચવો ગમે તેવો છે.

સેવાગ્રામ, વર્ધા દ્વારા, ભારત,

ડિસેમ્બર ૨૪, ૧૯૪૦.

પ્રિય મિત્ર,

તમને મિત્ર તરીકે સંબોધવું એ કોઈ ઔપચારિકતા નથી. મારે કોઈ દુશ્મન નથી. છેલ્લા ૩૩ વર્ષથી મારુ જીવનનું કાર્ય સમગ્ર માનવજાતની મિત્રતા મેળવવાનું રહ્યું છે. જાતિ, રંગ કે ધર્મના ભેદ વિના માનવજાતનો મિત્ર બનીને.

                  હું આશા રાખું છું કે તમારી પાસે સમય અને ઈચ્છા હશે જેથી તમે જાણી શકો કે વૈશ્વિક મિત્રતાના સિદ્ધાંતના પ્રભાવ હેઠળ જીવતી માનવજાતનો મોટો ભાગ તમારા કાર્યોને કેવી રીતે જુએ છે. અમને તમારી બહાદુરી કે તમારા દેશ પ્રત્યેની નિષ્ઠામાં કોઈ શંકા નથી. ન તો અમે માનીએ છીએ કે તમે તમારા વિરોધીઓએ વર્ણવેલા રાક્ષસ છો. પરંતુ તમારા પોતાના લેખનો, જાહેરાતો અને તમારા મિત્રો અને પ્રશંસકોના નિવેદનો એમાં કોઈ શંકા નથી છોડતા કે તમારા ઘણા કૃત્યો રાક્ષસી છે અને માનવીય ગૌરવને શોભે તેવા નથી…”

હું છું,

તમારો નિષ્ઠાવાન મિત્ર,

એમ. કે. ગાંધી.

પ્રતિ,

શ્રી એડોલ્ફ હિટલર

બર્લિન

જર્મની

                  ઉપરના પત્રમાં ગાંધીજીની વૈશ્વિક વિચારધારાનો સુપેરે અણસાર આવે છે. જગતમાં બનતી તમામ ઘટનાઓ આ ઝીણી નજરે જોનારા મહાત્માના ધ્યાન બહાર નથી. ઘટનાઓ પર નજર છે. તેમજ તે અંગે પોતાનું એક સ્વતંત્ર મૂલ્યાંકન પણ છે. ઉપરાંત જેવું લાગે તેવું નિર્ભેળ સત્ય તેઓ કોઈ પણ વ્યક્તિને સંભળાવી શકે છે. ભારત સરકારે ૧૯૫૬માં શરુ કરેલા પ્રોજેક્ટ collected works of mahatma gandhi – C W M G – ના કારણે બાપુને સમગ્રતયા જોવાની એક દિશા ખુલી છે. સત્તા પર ન હોય છતાં વિશ્વના અનેક લોકો પર જેના વિચારોનો પ્રભાવ પડ્યો હોય તેવા આ મહાત્માની ખરી ઓળખ માનવજાતને આજે પણ પ્રેરણા પુરી પડે તેવી છે. શાશ્વત વિચારોને કારણે ગાંધીજી શાશ્વત છે.

વસંત ગઢવી

તા. ૧૧ ઓક્ટોમ્બર ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑