દેશ-વિદેશમાં દીપોત્સવ-ક્ષણના ચણીબોર

દેશવિદેશમાં દીપોત્સવ: અત્ર, તત્ર, સર્વત્ર:

                    તહેવાર કે પર્વ સાથેનો આપણો સંબંધ સદીઓથી રહેલો છે. જીવનની દૈનિક ઘટમાળ અનિવાર્ય છે. આમ છતાં એ ઘટમાળ તરફ કયારેક છૂપો અણગમો પણ ઉભો થાય છે. આથી જીવનને ‘રિચાર્જ’ કરવા માટે તહેવારો એક મહત્વનો ભાગ ભજવે છે. દરેક તહેવાર પાછળના ઐતિહાસિક કારણો હોય છે. આથી પરંપરા કે રૂઢિઓ કોઈક વિશેષ સંદર્ભમાં શરુ થાય છે. ક્રમશઃ આ પ્રક્રિયા એક ચોક્કસ માળખામાં ગોઠવાઈ જતી હોય છે. કેટલીક બાબતો સદીઓથી ચાલી આવે છે. આસો માસમાં માતૃશક્તિની ઉપાસના એ તેનું એક ઉજળું ઉદાહરણ છે. દુર્ગાપૂજાની ભવ્યતા ઉડીને આંખે વળગે તેવી છે. કેટલાક તહેવારો પ્રમાણમાં નજીકના ભૂતકાળમાં કોઈ ખાસ કારણોને લઈને શરુ થયા હોય તેમ પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે ગણેશોત્સવની વાત કરીએ તો તેની પાછળ લોકમાન્ય તિલકની એક આગવી દ્રષ્ટિનો પરિચય થાય છે. તહેવાનોને જનજાગૃતિમાં ફેરવવાનો લોકમાન્યનો આ વિચાર તેમની દીર્ઘદ્રષ્ટિનો અણસાર આપી જાય છે. ગણેશોત્સવની શરૂઆત કરીને તિલક મહારાજે જનજાગૃતિનો જુવાળ ઉભો કરવાનો સફળ પ્રયાસ કર્યો. આજે ગણેશોત્સવ માત્ર મહારાષ્ટ્ર પૂરતો મર્યાદિત રહ્યો નથી. દેશના અનેક ભાગોમાં તેની ઉજવણી ધામધૂમથી થાય છે.

                આ બધા તહેવારોમાં દિવાળીના તહેવારોનું એક આગવું સ્થાન છે. દિવાળી કે દીપાવલીના તહેવારો એ પ્રકાશના પર્વ સમાન છે. પ્રકાશના અંધકાર પરના વિજયનો આ મહોત્સવ છે. તહેવારો લોકસમુદાયને જોડે છે. નજીક લાવે છે. રામાયણ, રામરાજ્ય અને રામ એ આપણા લોકજીવનમાં પડેલી ઊંડી આસ્થાનો વિષય છે. લંકામાં જઈને રાવણ પર વિજય મેળવ્યા બાદ ભગવાન રામ અયોધ્યામાં પરત આવે છે તેનું આ તહેવારમાં પવિત્ર સ્મરણ છે. દક્ષિણ ભારતમાં કૃષ્ણ દ્વારા નરકાસુરના વિજય પરનું આ પર્વ મનાવાય છે. દિવાળીનો તહેવાર પાંચ દિવસની વિવિધ ઉજવણીઓ થકી મનાવાય છે. દરેક દિવસ માટે અલગ અલગ વિધિ તથા અલગ અલગ કથાઓ છે. દરેક દિવસની ઉજવણીની વિશેષ કથાઓ છે. આપણે ત્યાં તો અલગ અલગ રાજ્યોમાં ભિન્ન ભિન્ન પ્રકારે આ દિવસોની ઉજવણી થાય છે. ગુજરાતમાં નવા વર્ષના પ્રારંભે થતી ‘બેસતા વર્ષ’ની ઉજવણી વિશિષ્ટ છે. બિહાર-ઝારખંડ વગેરે રાજ્યોમાં ‘ છઠ્ઠ પૂજા’નું આગવું મહત્વ છે.

                        દીપાવલીના તહેવારોની અસર માત્ર આપણા દેશમાં જ નહિ પરંતુ વિશ્વના અનેક દેશોમાં થાય છે. નેપાળમાં દિવાળી ‘તિહાર’ તરીકે ઓળખાય છે. નેપાળમાં પણ લગભગ પાંચ દિવસ સુધી આ ઉત્સવ ઉજવાય છે. આપણે ત્યાં તહેવારોનું જે મહત્વ છે તેમાં માનવ સિવાયની સમગ્ર સૃષ્ટિ સાથેનો વ્યવહાર જોવા મળે છે. ઘરમાં હોય તે ગાય કે બળદની પૂજા પણ કિસાનો દેશના અનેક ભાગોમાં કરે છે. આવી પ્રથા નેપાળમાં પણ છે. રંગોળી કરીને આંગણાની શોભા વધારવાની તેમ જ ફટાકડા ફોડવાની પ્રથા આપણી જેમ નેપાળમાં પણ છે. ઇન્ડોનેશિયા વિશેષ કરીને બાલી પ્રાંતમાં દિવાળીની ઉજવણી ધામધૂમથી થાય છે. મંદિરોમાં લક્ષ્મી તથા ભગવાન રામની પૂજા થાય છે. મોરેશિયસ, શ્રીલંકા તથા ફિઝી જેવા દેશોમાં પણ દિવાળી ઉજવાય છે. અલબત્ત, યુ. કે.. યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા તથા કેનેડામાં તો અનેક ભારતીય મૂળના લોકો સ્થાયી થયા છે. આપણાં વિવિધ સંપ્રદાયોના મંદિરો પણ ત્યાં છે. આથી આ દેશોમાં દિવાળીની ઉજવણી ધામધૂમથી થાય છે.

                        તહેવારોનું પરંપરાગત મૂલ્ય હોય છે. લોકો તેની સાથે જોડાયેલા રહે છે. દૂર રહેતા હોય તો પણ તહેવારોના સમયે વતન ઝુરાપો અનુભવતા હોય છે. શાયર નિદા ફાઝલીના સુંદર શબ્દો જગજીતસિંગ-ચિત્રાસિંગના અવાજમાં વ્યક્ત થઈને અમર થયા છે. તેમાં આવો વતન સ્મૃતિનો સુર છે.

હમ તો હૈ પરદેશ મે

દેશ મેં નિકલા હોગા ચાંદ.

અપની રાત કી છત પર

કિતના તન્હા હોગા ચાંદ…

મેરે બીના કિસ હાલમે હોગા,

કૈસા હોગા ચાંદ…હમ તો હૈ પરદેશ મે…

                       છેલ્લા થોડા વર્ષોથી જો કે તહેવારોનું બાહ્ય કલેવર બદલતું જાય છે. તહેવારો એ બજાર પ્રક્રિયા સાથે વિશેષ જોડાતા જાય છે. કોઈ પણ ઉત્સવ દરમિયાન કેટલો Business Generate થયો તેની ગણતરી માંડીને મોટી મોટી જાહેરાતો આવે છે. સમાજમાં તમામ લોકોની ખર્ચ કરવાની શક્તિ સરખી ન હોય તે સ્વાભાવિક છે. આથી તહેવારોની ઝાકળઝમાળને અનુરૂપ કપડાં-મીઠાઈ કે ફટાકડાની ખરીદી માટે બાળકો-કિશોરો દેખાદેખીને કારણે લલચાય છે. અસમાન આર્થિક સ્થિતિમાં ઓછું કમાતા વાલીઓ બાળકોની જરૂરિયાત તેમની ઈચ્છા મુજબ પુરી કરી શકતા નથી તેની તાણ અનુભવે છે. ધ્યાનથી જોઈએ તો અનેક પરિવારોમાં આવી મૂંઝવણનો ભાવ અનુભવાતો હોય તેમ લાગ્યા કરે છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી દિવાળીના તહેવારો ઉજવવા બહાર જવાનું વલણ વધ્યું છે. એક મિત્ર કહેતા હતા કે કેટલાક લોકો અમદાવાદમાં રહેતા હોય છતાં અમદાવાદમાં ભાગ્યે જ મળતા હોય છે. પરંતુ આવા લોકો તહેવારોની રજાઓ દરમિયાન ઉદેપુર જઈએ તો હોટેલમાં કે રસ્તામાં મળી જતા હોય છે. અમદાવાદમાં તો દેખીતી રીતે જ ટ્રાફિક ઓછો હોય તેનો ખ્યાલ આવે છે. આથી સમૂહ જીવન કે સામુહિક ઉજાણીનું તત્વ ઓછું થતું જાય છે. બહાર જવાના ખર્ચા પણ તહેવારો દરમિયાન આકરા લાગે છે. કારણ કે વિમાનોના ભાડામાં તથા હોટેલોના ટેરિફ પણ વધે છે. દરેક દિવાળી વખતે છેલ્લા થોડા વર્ષોથી એક નવા પ્રશ્નનો ઉમેરો થયો છે. શહેરોનું પ્રદુષણ આમ પણ વધારે હોય છે. ફટાકડાને કારણે તેમાં ઓર વધારો થાય છે. દિલ્હી એ તેનું એક મહત્વનું ઉદાહરણ છે. બીજા શહેરો પણ તેનો અનુભવ કરી રહ્યા છે. દીપાવલીના સમયે રાજ્યોની હાઇકોર્ટ કે સુપ્રીમકોર્ટમાં પ્રદુષણને લઈને જાહેર હિતની અરજીઓ-P I L થયા કરે છે. ફટાકડા ફોડવા પર અનેક નિયંત્રણો મુકાય છે. પરંતુ તેનો કોઈ ખાસ અર્થ સરતો નથી. આખરે તો આ બધી પ્રથાઓમાં સાંપ્રત સંદર્ભમાં કોઈ સમસ્યા થાય તો પણ તેમાં બદલાવ લાવવામાં સમય જાય છે.

વસંત ગઢવી

તા. ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑