“દો બીઘા જમીન: ખેતી તથા ખેડૂતોની વ્યથાની શાસ્વત કથા:
રવીન્દ્રનાથી ટાગોરની મૂળ બંગાળી કૃતિનો અનુવાદ થોડામાં ઘણું કહે તેવો છે.
ફક્ત બે વીઘા જમીન હતી મારી,
બાકી બધું ગયું હતું દેવામાં.
શેઠ બોલ્યા, “સાંભળ્યું, ઉપેન?
આ જમીન હું ખરીદી લઈશ.”
મેં કહ્યું, “તમે તો જમીનના મલિક છો,
તમારી પાસે જમીનની કોઈ સીમા નથી.
જુઓ તો મારી પાસે,
મરવા માટેની પણ જગ્યા નથી,”
“બેટા, તને ખબર છે,
મેં એક બગીચો બનાવ્યો છે.
જો તું આ જમીન આપીશ, તો તે બધું
વ્યવસ્થિત અને સીધું થઇ જશે.”
આ સાંભળીને હું હસું છું, આંખોમાં આંસુ સાથે,
આ જ તો મારા નસીબમાં હતું.
થોડી ઘણી પણ સંવેદનશીલતા હોય તો કવિગુરુ ટાગોરની આ કાવ્યપંક્તિઓ ઊંડો સ્પર્શ કરી જાય તેવી છે. આ તો ફક્ત કવિતાનો એક નાનો ભાગ છે. એક ખેડૂતની વ્યથાની વાત કરે છે. ધ્યાનથી વિચારીએ તો કવિતા ભારતના અનેક નાના અને સીમાન્ત ધરતીપુત્રોની કરમકથનીનો વ્યથાપૂર્ણ પરિચય આપે છે. આવો કિસાન અનેક કાબુ બહારના કારણોને લઈને ખેતીના વ્યવસાયમાંથી કદી બે પાંદડે થતો નથી. વરસાદની અનિયમિતતા, સિંચાઈ માટેના પાણીની અપૂરતી સવલતો તેમજ ખેતીનો વધતો જતો ખર્ચ એ તેની મોટી સમસ્યાઓ છે. જયારે ખેતીનો પાક સારો થાય ત્યારે તેની પણ જુદી જ સમસ્યાઓ કિસાનની સામે આવે છે. ડુંગળી, બટાટા કે મરચાના ભરપૂર પાક પછી તેના ભાવ બજારમાં ગગડી જાય છે. નાના ખેડૂતોની સઁગ્રહ કરીને તેને જાળવવાની શક્તિ નથી. આર્થિક જોગવાઈ પણ નથી. માથા પર દેવાનો બોઝ વધતો જાય છે. અંતે તેના જીગરના ટુકડા સમાન જમીન તેનું દેવું ચૂકવવા માટે કેટલીક વાર ઓછું મૂલ્ય મળે તો પણ વેચી દેવી પડે છે. શાહુકારોના વધતા જતા વ્યાજના બોઝનો દર કિસાન માટે પડતીનો વિષય બને છે. ‘દો બીઘા જમીન'(૧૯૫૩)એ આવા એક ખેડૂતની કરુણકથની છે. જે દેશના બીજા અનેક ખેડૂતોને પણ લાગુ પડે તેવી છે. આવા વાસ્તવિક પ્રશ્નને કેન્દ્રમાં રાખીને બનેલી આ ફિલ્મ એક ભૂલી ન શકાય તેવી બની હતી. બલરાજ સહાનીનો અભિનય અવિસ્મરણીય રહ્યો છે.
ખેડૂતો અને ખેતીની દશા અંગે અવારનવાર ચર્ચાઓ થયા કરે છે. દેશમાં ખેડૂતોની પાસે સામાન્ય રીતે દોઢથી બે એકર જમીન હોય છે. વરસાદની અનિયમિતતા તથા પાકની નિષ્ફળતા ઘણાં ખેડૂતોને નિરાશાની ઊંડી ખાઈમાં ધકેલે છે. દેવાનો બોઝ વધતો રહે છે. આવા અનેક પ્રસંગોએ ‘દો બીઘા જમીન’ ફિલ્મના દ્રશ્યો અનેક લોકોની સ્મૃતિમાં આવે છે.
ફિલ્મ દો બીઘા જમીન(૧૯૫૩)નું દિગ્દર્શન બિમલ રોય દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને ભારતીય સિનેમાની એક અસામાન્ય તથા દીર્ઘજીવી ફિલ્મ માનવામાં આવે છે. તેનો મુખ્ય સ્ત્રોત જાણીતા સંગીતકાર સલિલ ચૌધરીની ટૂંકી વાર્તા “રિક્ષાવાલા” હતી. જો કે ફિલ્મનું શીર્ષક રવીન્દ્રનાથ ટાગોરની પ્રખ્યાત બંગાળી કવિતા “દુઇ બીઘા જોમી” (બે વીઘા જમીન) પરથી લેવામાં આવ્યું છે. જેની પંક્તિઓ ઉપર ટાંકી છે.
આ ફિલ્મ અને તેના સ્ત્રોતનો મુખ્ય સંદેશ ઝડપથી શહેરીકરણ પામી રહેલા સમાજમાં ગામડાઓ ભાંગવાની તથા શહેરોની વૃદ્ધિનો ગ્રાફ દેખાડે છે. ગામડુ છોડવાથી ખેડૂત મૂળમાંથી વિચ્છેદ થવાનો ભાવ અનુભવે છે. વાર્તા એક ગરીબ ખેડૂતના જીવનની વ્યથા ઉપજાવે તેવી કથા છે. ખેડૂત પોતાના પૂર્વજોની બે એકર જમીનને એક નિર્દય જમીનદાર પાસેથી બચાવવા માટે કોલકાતા શહેર તરફ પ્રયાણ કરવા મજબુર થાય છે. જમીનનો આ નાનો ટુકડો માત્ર એક મિલકત નથી. તે તેની તથા તેના પરિવારની ઓળખ, ગૌરવ અને તેમની વારસાગત પરંપરા સાથેના જોડાણની મજબૂત કડી છે.
આ વાર્તા ગ્રામીણ અને શહેરી દુનિયા વચ્ચેના તીવ્ર વિરોધાભાસને દર્શાવે છે. ગામડુ ગ્રામીણ પણ મુશ્કેલ જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યાં ખેડૂતનું અસ્તિત્વ જમીન અને બદલાતી ઋતુઓ સાથે જોડાયેલું છે. બીજી તરફ, શહેર એક કઠોર અને અવ્યક્તિગત (Impersonal ) દુનિયા છે. શહેરની આ દુનિયાદારી ખેડૂતને રાહત કે સમૃદ્ધિનો ટેકો આપી શકે તેમ નથી. ખેડૂતનો રિક્ષાચાલક તરીકેનો પ્રયાસ તેને શહેરી ગરીબીની કઠોર વાસ્તવિક્તાઓનો પરિચય કરાવે છે. અહીં વ્યક્તિનું મૂલ્ય પૈસા કમાવાની તેની ક્ષમતા સુધી સીમિત થઇ જાય છે. ફિલ્મનો સંદેશ એક એવી વ્યવસ્થાનો છે જે ગરીબો વિરુદ્ધ કામ કરે છે. ગામડાનો ખેડૂત ગમે તેટલી મહેનત કરે કે ગમે તેટલું સહન કરે, તે અપાર દેવું અને જમીનદાર તથા મોટા સામાજિક માળખાની શોષણકારી સત્તાને દૂર કરી શકતો નથી. આ ફિલ્મ ગરીબી અને દેવાના વિનાશક ચક્રને દર્શાવે છે. જે ગ્રામીણ ખેડૂતોને ફસાવે છે અને તેમને દુઃખના જીવન તરફ ધકેલે છે. તે અનિયંત્રિત શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણની અમાનવીય અસરો પર એક શક્તિશાળી ટીકાનું નિરૂપણ કરવામાં આ ફિલ્મ સફળ રહી છે. બલરાજ સહાની અને બિમલરોય જેવા કલાના દિગ્ગજ મર્મજ્ઞોની આ અમૂલ્ય ભેટ છે. ‘મંથન’, ‘મધર ઇન્ડિયા’ તથા ‘નયાદૌર’ જેવી અનેક અસરકારક હિન્દી ફિલ્મોમાં ગ્રામજીવનની સમસ્યાઓ અને સંઘર્ષને વણી લેવામાં આવ્યા છે.
આખરે, ‘દો બીઘા જમીન’ દર્શકોને વિચાર કરતા કરે છે કારણકે શંભુ નામનો ખેડૂત તેની જમીન અને તેની સાથે તેનું ગૌરવ ગુમાવી બેસે છે. આ કથા વંચિતોના સતત સંઘર્ષની હ્ર્દયસ્પર્શી યાદ અપાવે છે. કહેવાતી પ્રગતિથી પાછળ રહી ગયેલા લોકોની દુર્દશા પ્રત્યે સહાનુભૂતિ રાખવાની હાકલ કરે છે. આવી આ પ્રગતિ સર્વસમાવેશક નથી.
જે તેના ગામ અને જમીનથી વિખૂટો પડી જાય છે. તે લાંબા સમય પછી પાછો આવે છે. પણ હવે તે પોતાની જમીન પર પારકો બની ગયો છે. અનેક પ્રયાસો છતાં આજે પણ કિસાનોના દેવાનો પ્રશ્ન આજે પણ ઉભો છે. આથી અડધી સદી પહેલા બનેલી આ Classic ફિલ્મનો સંદેશ સાંપ્રત છે.
વસંત ગઢવી
તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫
Leave a comment