મહારાજશ્રી હિતરુચિવિજયજી-વાટે…ઘાટે

મહારાજશ્રી હિતરુચિવિજયજી: જૈન પરંપરાની ઉજળી કડી:

ઝાડવા પોતે રે પોતાના

ફળ નથી ખાતા રે

ઉપકારી એનો આતમા.

મોતીડાં રૂપાળા ને મોંઘામૂલ વાળા

દરિયો પહેરે નહિ મોતીડાંની માળા…

ઉપકારી એનો આતમા.

                                    કવિ દુલા ભાયા કાગે ઉપરના શબ્દોમાં જે માર્મિક વાત કરી છે તે સંતોના જીવનને ખોલી બતાવે છે. સંતો-ભક્તો-સાધુ ભગવંતો જગતમાં જન્મ લે છે. પોતાનો દેહધર્મ બજાવવા ઉપરાંત તેઓનું સંપૂર્ણ ધ્યાન લોકધર્મ તરફ રહે છે. લોકકલ્યાણની પવિત્ર ગંગા આ સંતોના કર્મ તથા વચનોમાં વહેતા રહે છે. ‘બ્રહ્મ સત્ય, જગત મિથ્યા’ કહીને આ સંતો જગતની વાસ્તવિકતાઓ તરફ આંખમીંચામણાં કરતા નથી. આવા સંતો તો આ સાંસારિક ઘટમાળની ચકાસણી કરીને જે નબળું કે અનિષ્ટ દેખાય તેને મૂળમાંથી કાઢવા પ્રયત્નશીલ રહે છે. અશાંત જગતને શાતાનો નિશ્ચિત ભાવ સંતવાણી થકી થાય છે. ‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એવી બાપુસાહેબની વાત અહીં સ્મૃતિમાં આવે છે. આવા કર્મયોગી સંતો ગુજરાતે નજરોનજર જોયા છે. નજીકના ભૂતકાળમાં જ જોયા છે. આ બધી વાતો ગઈકાલની જ છે. તેથી તેમાં હકીકતદોષ બહુ ઓછો કે નહિવત છે. કિવદંતિઓનું અહીં સ્થાન નથી. જૈન સંપ્રદાયમાં પણ આવા પુણ્યશ્લોક સાધુ ભગવંતોનો ઉજળો ઇતિહાસ છે. આવા જ એક જૈન સંપ્રદાયના વિચક્ષણ તથા અનોખા સાધુ હિતરુચિવિજયજી મહારાજ હમણાં સુધી આપણી વચ્ચે હતા. તેઓ યુવાન વયમાં જ અકાળે ગયા છે તે આપણી સામુહિક ખોટ છે. મહારાજશ્રી હિતરૂચિવિજય સાથે અંગત પરિચય થયો તેમ જ નાનું મોટું કામ કરવાનું થયું તેને હું જિંદગીનો એક અમૂલ્ય લાભ સમજુ છું.

               મહારાજ સાહેબના કૌટુંબિક જીવનનો પરિચય તો હતો. સુખી, સંપન્ન તથા સંસ્કારી કુટુંબમાં તેમનો ઉછેર થયો હતો. તેમની ભવ્ય દીક્ષા સંબંધેની પણ વિગતોની જાણકારી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર તરીકે કામ કરતો હતો ત્યારે ધોળકા કલિકુંડ તીર્થસ્થાનમાં જવાનું અને કુમારભાઈને મળવાનું અવારનવાર થતું હતું.સાહેબજી કલિકુંડ વિચરણ દરમિયાન આવ્યા હતા ત્યારે તેમને ત્યાં પ્રથમ વખત મળવાનું થયું. વિવિધ વિષયો પર ચર્ચા થઇ. મહારાજ સાહેબના વિચારોની ગહનતા તેમજ તેના અમલ માટેની ઉત્સુકતા જોઈને આશ્ચર્ય તથા અહોભાવ થયા. આ પ્રથમ દર્શન બાદ અમદાવાદ મુકામે તેમના વિચરણ દરમિયાન અનેક વખત મળવાનું થયું. સામાજિક કલ્યાણના કામને કેવી રીતે અગ્રતા આપીને ગોઠવવું તેની એક પૂર્વભૂમિકા તૈયાર થતી ગઈ. ગાંધીનગરના અમારા સરકારી સેવાના મુરબ્બી સાથી સુર્યકાંતભાઈ મહેતાના આયોજનથી વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે એક બેઠક કરીને મહારાજ સાહેબે જાતે પોતાના વિચારો રજુ કર્યા. આ વાતોમાં સામાજિક વિકાસને વેગ આપવાની સાથે જ તેમણે સાંપ્રદાયિક મર્યાદાઓ અંગે ખુલ્લી વાતો કરી. આ ચર્ચા સભામાં હાજર રહેલા સૌ અધિકારીઓ જોઈ શક્યા કે સાહેબજી સાંપ્રદાયિક વાડાની મર્યાદામાં બંધાયેલા નથી. ગ્રંથીમુક્ત આ સાધુ જગતભરની સારી બાબતોને આવકારવા તેમ જ સાંપ્રત સમયમાં યોગ્ય ન હોય તેવી તમામ સંપ્રદાયની રૂઢિઓને પણ તેઓ છોડવા તથા છોડાવવા ઉત્સુક હતા. વિચારોની આ વિશાળતા તેમજ દીર્ઘદ્રષ્ટિની ઊંડી છાપ આ નાની બેઠકમાં ઉપસ્થિત રહેલા સૌ અધિકારીઓને થઇ.

               સાહેબજી સાથે જે ચર્ચા-વિચારણા થઇ તેમાં કેટલીક મહત્વની વિગતોની પણ વાત કરીએ તો તેમની દરેક વાતમાં અમલીકરણનું મહત્વ રહેલું હતું. અકર્મણ્યતા આ સાધુથી સહન થતી ન હતી. તેઓ કર્મના માણસ હતા. કર્મના આધારે જ સમાજ બદલવાની મહારાજ સાહેબની નેમ હતી. તુલસીદાસની રામચરિત માનસની પંક્તિઓ સાહેબજી જીવી ગયા હતા.

             ભારત સરકારે થોડા મહિનાઓ પહેલા જ પ્રાકૃતિક ખેતી માટે મહત્વની પહેલ કરી. National Mission તરીકે આ બાબત કેન્દ્ર સરકાર તેમ જ કેટલીક રાજ્ય સરકારોએ પણ ગંભીરતાથી હાથ પર લીધી છે. આ બાબત માધ્યમો દ્વારા જયારે જાણમાં આવી ત્યારે મહારાજ સાહેબની ફરી સ્મૃતિ થઇ. કારણે કે આજ વાત સાહેબજીએ વર્ષો પહેલા કરી હતી. તેઓ હંમેશા કહેતા હતા કે રાસાયણિક ખાતરોના વપરાશથી ખેતીની જમીનને લાંબા ગાળાનું નુકશાન થાય છે. આજે આ વાતને સમર્થન કરે તેવા અનેક સંશોધન વિશ્વ સમક્ષ આવ્યા છે. આથી આ સાધુની દૂર જોવાની તેમ જ સ્પષ્ટ જોવાની દ્રષ્ટિ હતી તે વાતની પ્રતીતિ આજે મારા જેવા અનેક લોકોને થઇ રહી છે. આ બધી વાતો કરીને તેઓ બેસી જનારા ન હતા. ખાવા માટે શુદ્ધ products મળે તે માટે તેઓએ પ્રેરણા આપીને વિતરણ-વેચાણના સ્થળો ઉભા કરાવ્યા હતા. ગાંધીનગરના દેરાસરના સંકુલમાં બળદઘાણી ચલાવીને તેઓએ આપણી એક વિસરાતી છતાં ઉપયોગી પ્રથા તરફ ધ્યાન દોર્યું હતું. આ રીતે જ બેહેનોને તેમના ફુરસદના સમયમાં કંઈક ઉત્પાદકીય કામ કરીને પૂરક રોજગારી મળી રહે તેવા પ્રયાસો પણ તેમણે શરુ કરાવ્યા હતા. આ રીતે જ આરોગ્યના ક્ષેત્રમાં સાહેબજીની શ્રદ્ધા દેશી ઉપચારોમાં હતી. આ બાબતમાં પણ તેઓ જયારે મળવાનું થાય ત્યારે વિગતે વાતો કરતા હતા. આમ જે જે ક્ષેત્રમાં લોક ઉપયોગી કામો કરી શકાય તેના ચોક્કસ મોડેલ્સ પણ તેમણે વિકસાવ્યા હતા. ગુરુકુળ પરંપરાની તેઓ જયારે વાત કરે ત્યારે સાબરમતી ગુરુકુળનો ઉલ્લેખ કરવો જોઈએ. વિદ્યાર્થીઓના શારીરિક તેમ જ માનસિક વિકાસ માટે આવા ગુરુકુળોની જરૂરિયાત પર તેઓ ભાર મુકતા હતા. ગામડાના કારીગરોની જે કુશળતા હતી તેણે ટકાવી રાખવાના કામમાં પણ તેમનો ઊંડો રસ હતો. આ બધી કળાઓ થકી એક મોટા વર્ગને રોજી રોટી મળી રહે છે. ગામડાઓ હર્યાભર્યા રહે છે.

                મહારાજ સાહેબ વહેલા ગયા તેનો ઊંડો આઘાત જૈન તથા જૈનેતર સમાજના અનેક લોકોને થયો. સમગ્ર સમાજ તરફ કરુણાના ભાવ સાથે તેમણે કાર્ય કર્યું હતું. સાહેબજીની પ્રેરણા પરથી તેમણે જે કર્યું છે તેને વધારે વ્યાપક તથા વિસ્તૃત કરીએ તો એ સમગ્ર સમાજના હિતમાં છે. હિતરૂચીવિજયજી મહારાજને સાચી અંજલિ તેમના કર્તવ્યપથ પર સતત ચાલતા રહીને જ આપી શકાય.

વસંત ગઢવી

તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑