દેશને સ્વાધીન કરવા માટે થયેલા પ્રયાસોમાં ગુજરાતનું એક આગવું સ્થાન છે. ગુજરાતે દેશના સમગ્ર સ્વાતંત્ર્ય સંગ્રામની લડતને દોરવા માટે ગાંધીજી તથા સરદાર સાહેબ જેવા દિગ્ગજ પુરુષોની ભેટ દેશને આપી. આ ઉપરાંત સમગ્ર દેશનું જેના પર ધ્યાન કેન્દ્રિત થયું હોય તેવા પ્રભાવી સત્યાગ્રહો પણ ગુજરાતમાં થયા. સમગ્ર દેશનું ધ્યાન ગુજરાતના આ સત્યાગ્રહો તરફ હતું. બારડોલી સત્યાગ્રહે સમગ્ર દેશને ‘સરદાર’ આપ્યા. દેશભરમાં પ્રચલિત બારડોલી સત્યાગ્રહ પહેલા ગુજરાતમાં ખેડા સત્યાગ્રહ તેમ જ બોરસદ સત્યાગ્રહ થયા. ખેડા સત્યાગ્રહમાં સરદાર સાહેબનું પાયાનું યોગદાન હતું. ખેડા સત્યાગ્રહ ગાંધીજીની હાજરીમાં તેમ જ તેમના માર્ગદર્શન પ્રમાણે સરદાર સાહેબે સંભાળ્યો હતો. પરંતુ આ પછી થયેલા બોરસદ સત્યાગ્રહનું તો સંપૂર્ણ સંચાલન વલ્લભભાઈનું હતું. ગાંધીજી જેલમાં હતા. બોરસદ સત્યાગ્રહ શરુ કરવાની પ્રચંડ લોકલાગણી હતી. આથી આ સત્યાગ્રહ કરવાનું નક્કી કરવામાં તેમ જ તેના અમલીકરણમાં વલ્લભભાઈ કેન્દ્રમાં રહ્યા. એ જ રીતે બારડોલી સત્યાગ્રહની સમગ્ર લડત વલ્લભભાઈના મજબૂત ખંભાઓ પર ટકેલી હતી. સરદાર સાહેબે અગાઉ નાગપુરના ઝંડા સત્યાગ્રહને પણ દોરવણી આપી હતી. બોરસદ અને બારડોલી સત્યાગ્રહ પછી સરદાર સાહેબ દેશનેતાઓની આગલી હરોળમાં હતા.
ખેડા સત્યાગ્રહમાં સરદાર સાહેબનું જોડાવું તે એક ઐતિહાસિક ઘટના હતી. આ સત્યાગ્રહ પછી સરદાર સાહેબ દેશના રાજકીય જીવનના નકશાની મધ્યમાં આવ્યા અને જીવનભર ત્યાં રહ્યાં. પરંતુ સરદાર ગાંધીજી સાથે જોડાયા તે પહેલાની તેમની દ્રષ્ટિ અલગ હતી. આ દ્રષ્ટિમાં થયેલું પરિવર્તન એ ગાંધીજીના ખુમારીભર્યા એક કાર્યમાં દેખાય છે. આ હકીકત સમજવા જેવી છે.
૧૯૧૭ના એપ્રિલ મહિનામાં અમદાવાદની ગુજરાત ક્લબમાં કેટલાક અગ્રગણ્ય વકીલો અને સામાજિક આગેવાનો એક સમાચાર સાંભળીને ઊંડા આશ્ચર્યમાં પડી જાય છે. દૂર બિહારના ચંપારણ જિલ્લાની અદાલતમાં એમ. કે. ગાંધી નામના બેરિસ્ટર બ્રિટિશ સરકારની અન્યાયી પધ્ધતિ સામે સ્પષ્ટ વાત કરે છે જે તે સમયમાં અસામાન્ય ગણાય તેવી બાબત હતી. ચંપારણના જિલ્લા મેજિસ્ટ્રેટ બેરિસ્ટર મોહનદાસ ગાંધીને જિલ્લો છોડી જવા કહ્યું. આમ થવાનું કારણ ખાસ હતું. આ જિલ્લાના ગળીના ખેતરોમાં કામ કરતા મજૂરોને યુરોપિયન માલિકો તરફથી કનડગત થતી હતી. આ કનડગતની ફરિયાદ તેમણે ગાંધીને કરી હતી. આથી આ બાબતનો અભ્યાસ કરવા ગાંધીજી બિહારના ચંપારણ જિલ્લામાં આવ્યા હતા. આ સ્થિતિમાં યુરોપિયન માલિકોએ ગાંધીજીની કામગીરી બાબત ફરિયાદ કરી હતી. ખેડૂતો અને ખેતમજૂરોને ગાંધી બહારથી આવી ઉશ્કેરણી કરે છે તેવો આક્ષેપ હતો. જિલ્લા મેજિસ્ટ્રેટે ગાંધીજીને જિલ્લો છોડી જવા હુકમ કર્યો. આ હુકમના સંદર્ભમાં ગાંધીજી ખુલ્લી અદાલતમાં કહે છે:
“આ જિલ્લો છોડી જવાનું મારા માટે શક્ય નથી….પરંતુ અમલદારોને ઠીક જણાય તો આવો અનાદર કરવા માટે દંડ ભોગવવાની મારી તૈયારી છે….મારે મારા આત્માના અવાજને અનુસરીને માનવજીવનના વધારે ઊંચા કાયદાનું પાલન કરવાનું છે…”
ગાંધીજીએ ચંપારણ(બિહાર)ની કોર્ટમાં આપેલું આ સ્પષ્ટ તથા નિર્ભયતાપૂર્ણ નિવેદન સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયું. આથી તેના સંદર્ભમાં અમદાવાદમાં એકઠા થયેલા વકીલોએ એક અવાજે કહ્યું: જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનો ખુલ્લો અનાદર કરનાર આ માણસ બહાદુર છે. આથી તેમની ગુજરાત સભાના પ્રમુખ તરીકે પસંદગી કરવી જોઈએ તેવો સૌનો મત હતો. સૌને બેરિસ્ટર વલ્લભભાઈના અભિપ્રાયની રાહ હતી. કારણ કે અગાઉ ‘ઘઉંમાંથી કાંકરા વીણવાનું કામ શીખવનાર’ આ બેરિસ્ટર ગાંધી પ્રત્યેનું વલ્લભભાઈનું ટીકાત્મક વલણ હતું. વ્યંગાત્મક ભાષામાં તેઓ ગાંધી અંગે વાત કરવા માટે મિત્રોના વર્તુળમાં જાણીતા હતા. પરંતુ દેખીતા સત્યનો સ્વીકાર કરનાર વલ્લભભાઈ ગાંધીને નેતૃત્વ આપવા માટે તરત જ સહમત થઇ ગયા. ગોધરા રાજકીય પરિષદમાં પણ ગાંધીજીએ બ્રિટિશ સત્તા સામે તાર્કિક તેમજ મજબૂત વલણ લીધું તેની ઊંડી અસર વલ્લભભાઈ પર પડી. દેશના ભાવિ માટે તેમને ગાંધીજીનું નેતૃત્વ સર્વથા ઉચિત લાગ્યું. બીજી તરફ ગાંધીજીને એક સંપૂર્ણ આધાર રાખી શકાય તેવા સાથી મળ્યા.
આમ વલ્લભભાઈનું ગાંધીજી તરફનું વલણ વિશેષ મજબૂત થયું. તેની પાછળ વલ્લભભાઈએ ગાંધીના વ્યક્તિત્વમાં જોયેલી વિશિષ્ટ બાબતો હતી. આથી આ આંધળું અનુકરણ ન હતું પરંતુ વિચારપૂર્વક લેવાયેલો ગણતરીપૂર્વકનો નિર્ણય હતો. થોડા જ સમયમાં મહાત્મા ગાંધીએ લખ્યું કે “વલ્લભભાઈને વધારે ઓળખતો થયો તેમ મને લાગ્યું કે મને તેમની વગર ચાલવાનું નથી.” આ બંનેના વિચારપૂર્વકના જોડાણથી દેશની સ્વાતંત્ર્ય માટેની લડતને બળ મળ્યું તેમજ દિશા મળી જેની ઇતિહાસ સાક્ષી પુરે છે. વલ્લભભાઈ કરતા ઉંમરમાં એકવીસ વર્ષ નાના મહાદેવ દેસાઈ આ બંને મહાનુભાવોના સંબંધની અનેક વખતે પોતાની નોંધો દ્વારા પ્રતીતિ કરાવે છે. મહાદેવભાઈએ નોંધ કરી છે કે ગાંધીજીએ વલ્લભભાઈને દરરોજ પોતાની સાથે જમવાનો આગ્રહ કર્યો. ક્રમશ: વલ્લભભાઈ ગાંધીના પ્રભાવક્ષેત્રમાં જોડાતા ગયા. એક એવો સંબંધ બંધાયો કે જીવનના મહત્વના તબક્કાઓમાં ગાંધીજીએ વલ્લભભાઈની ભૂમિકા માટે કરેલા નિર્ણયો વલ્લભભાઈએ નિઃસંકોચ શિરોધાર્ય ગણ્યા. દુન્વયી દ્રષ્ટિએ જોઈએ તો કેટલાક મહત્વના નિર્ણયોથી વલ્લભભાઈએ મોટો ત્યાગ કરવાના પ્રસંગો થયા. પરંતુ વીર વલ્લભભાઈ એક દ્રઢ શીલાની જેમ દરેક વખતે ગાંધીજીની સૂચના અનુસાર પોતાના જીવનને વળાંક દેતા ગયા. બાળકોને વિદેશમાં ભણાવવાની તેમના મનમાં ઊંડી ઈચ્છા હતી. આ માટે પૂરતું કમાતા પણ હતા. પરંતુ જાણીતો તથા આર્થિક રીતે લાભકારક વ્યવસાય છોડી તેમણે અગાધ અને ઊંડા જળરાશિમાં સ્વેચ્છાએ ભૂસકો માર્યો હતો. સરદાર સાહેબ પોતાના વારસદારો માટે તો તેમના સ્વપ્ન અનુસાર કંઈ ન કરી શક્યા પરંતુ સમગ્ર ભારતીય પ્રજાને એક સુદ્રઢ તેમજ સુગ્રથિત રાષ્ટ્રનું માળખું આપીને ગયા.
ગાંધીજીના સમયમાં જે કોઈ સત્યાગ્રહો થયા તેના મૂળમાં કોઈને કોઈ લોકોને પજવે તેવા પ્રશ્નો અંગે થયા છે. સામાન્ય માણસને હેરાન કરતી હોય તેવી સમસ્યાને પુરી રીતે સમજ્યા બાદ ગાંધીજી સત્યાગ્રહનું શસ્ત્ર ગ્રહણ કરતા હતા. લડત પાછળની આવી વૈચારિક ભૂમિકાને કારણે લોકો પણ પોતાને લાગતા પ્રાણ-પ્રશ્ન માટે સત્યાગ્રહમાં જોડાવાનું પસંદ કરતા હતા. ખેડા સત્યાગ્રહ (૧૯૧૭-૧૯૧૮) પણ આવો જ એક સત્યાગ્રહ છે. ગુજરાતના ખેડા જિલ્લામાં વર્ષ ૧૯૧૭માં વરસાદની અછત રહી. થોડું ઘણું જે ઉત્પાદન થયું તેમાંથી રાહત મેળવવાની લોકોની ધારણા હતી. આ બાબતમાં પણ લોકોને નિરાશા થઇ. પાક તૈયાર થયો ત્યારે જ લગભગ ભાદરવા અને આસો માસમાં ધારણા ન હતી ત્યારે ભારે વરસાદ થયો. જે કાંઈ પાક હાથમાં આવવાનો હતો તે પણ આવ્યો નહિ. ખેડૂતોની આર્થિક સ્થિતિ તેના કારણે વધારે નબળી થઇ. ઉપરાંત પ્રથમ વિશ્વયુઘ્ધના કારણે ભારે ભાવ વધારો પણ થયો હતો. વસ્તુઓની અછત હતી. પ્લેગની મહામારી પણ અનેક લોકોને સતાવતી હતી. આથી જે મહેસુલ ભરવાની જવાબદારી ખેડૂતો પર આવે તે તેઓ ભરી શકે તેમ ન હતા. સામી બાજુ સરકારી અધિકારીઓનું વલણ જુદું હતું. કમોસમી વરસાદ થવાથી જે લીલોતરી દેખાતી હતી તે અધિકારીઓના ધ્યાનમાં હતી. આથી તેઓ માનતા કે ખેડૂતોનું વર્ષ ખરેખર ખરાબ નથી. આ માન્યતા ભ્રામક હતી. અનાજનો પાક બગડ્યો હતો તે સ્પષ્ટ રીતે જોઈ શકાય તેમ હતું. મોહનલાલ પંડ્યા જેવા સક્રિય આગેવાને વિસ હજારથી વધારે ખેડૂતોની અરજીઓ સરકારને કરાવી. સરકારે તેને પણ ગંભીરતાથી લીધી નહિ. ખેતીનો પાક નિષ્ફળ ગયો હોવાથી મહેસુલ માફી કરવી જોઈએ તેવી માંગણી બ્રિટિશ અમલદારોના બહેરા કાને અથડાતી હતી. આસ્થિતિમાં ખેડૂતોએ મહેસુલ ન ભરીને સત્યાગ્રહ કરવો તેવો ગાંધીજીનો નિર્ણય યુવાન બેરિસ્ટર વલ્લભભાઈને સાહસપૂર્ણ તથા સમયસરનો લાગ્યો. સરદાર પટેલને ખેડૂતોના પ્રશ્નોની ઊંડી સૂઝ હતી.આથી ખેડા સત્યાગ્રહમાં ગાંધીજીની દોરવણી હેઠળ સરદાર સાહેબે પાયાનું કાર્ય કર્યું. તેઓ સ્થાનિક સ્તરે લડતને દોરાતા રહ્યાં. લોકોની માંગણીમાં તથ્ય હતું. સરદાર પટેલની વાણીમાં વીરતા અને દ્રઢતાનો જવલ્લે જ જોવા મળે તેવો સુયોગ હતો. જૂન-૨૦૧૮માં કલેક્ટરે લોકોની માંગણી સ્વીકારીને મહેસુલ ભરવામાંથી છૂટછાટો આપી. સરદાર સાહેબનું ગાંધી સાથેનું જોડાણ મજબૂત થયું. રાજમોહન ગાંધીએ લખ્યું છે તેમ એક સંત અને બીજા વીરનો મેળાપ એ દેશના ભવિષ્ય માટે મોટી આશાઓ લઈને આવતો હતો. ખેડા સત્યાગ્રહ ઐતિહાસિક છે. આ સત્યાગ્રહ પછી દેશની નજર વીર વલ્લભભાઈ તરફ ગઈ. એક મજબૂત નેતૃત્વનો ઉદય થયો. વલ્લભભાઈએ તમામ અંગત મહેચ્છાઓ કોરાણે મૂકી દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું.
“બોરસદના સત્યાગ્રહ પછી બાપુને સૌ ગુજરાતના સૂબા તરીકે ઓળખવા લાગ્યા” મણિબહેન પટેલના આ વિધાનથી બોરસદ સત્યાગ્રહની સફળતા તેમ જ મહત્વ બાબત વિશેષ સ્પષ્ટતા થાય છે. ૨૦૨૪ના વર્ષમાં બોરસદ સત્યાગ્રહની શતાબ્દી વંદના કરીને આ સંઘર્ષની સ્મૃતિઓને આપણે વાગોળી હતી. બોરસદ તાલુકામાં બહારવટિયાનો ત્રાસ હતો. આ બાબતમાં બ્રિટિશ સરકારના અધિકારીઓ માનતા હતા કે સ્થાનિક લોકો બહારવટિયાઓને છાવરે છે અને તેને કારણે બહારવટિયાઓને આશરો મળે છે. ઉત્તેજન પણ મળે છે. આથી બહારવટિયાઓને અંકુશમાં લેવા માટે વધારાની પોલીસ ગામડાઓમાં મુકવાનું સરકારના અધિકારીઓએ નક્કી કર્યું. વધારાની પોલીસના પગાર વગેરેનો જે ખર્ચ થાય તે આ ગામડાઓના લોકો પાસેથી વસુલ કરવાનો સરકારે એકતરફી નિર્ણય કર્યો આ બંને નિર્ણયથી ભારે નારાજગી થઇ. એક તો બહારવટિયાઓને આશ્રય આપવાનો જે આરોપ હતો તેના સમર્થનમાં કોઈ પુરાવા સરકારના અધિકારીઓ પાસે ન હતા. ઉલ્ટા જે લોકોએ બહારવટિયાઓની બાતમી પોલીસને આપી હતી તેમાંથી બાવીસ લોકોની કરપીણ હત્યા બહારવટિયાઓ એ કરી હતી. એક પણ સરકારી માણસને બહારવટિયા તરફથી કોઈ નુકસાન પહોંચાડવામાં આવ્યું ન હતું. બીજો મોટો અસંતોષ લોકોને એ હતો કે ગામડાઓમાં વધારાની પોલીસ મુકવા માટેનો તમામ ખર્ચ ગામડાઓના તમામ લોકો પાસેથી વસુલ કરવાનો નિર્ણય થયો હતો. તેમાં મહિલાઓ તેમ જ દિવ્યાંગ લોકોનો પણ સમાવેશ થતો હતો. ‘હૈડિયા વેરા’ તરીકે આ વેરો જાણીતો થયો. આ ગામડાઓના લોકોની જે નબળી આર્થિક સ્થિતિ હતી તેમાં આવો દંડ એ તેમના માટે મોટા ભારણ સમાન હતો.બોરસદ તાલુકાના આ ગામડાના લોકોએ વલ્લભભાઈને સરકારના આવા અન્યાયી નિર્ણયની ફરિયાદ કરી. આ ફરિયાદ ઉપરથી ખરેખર પરિસ્થિતિ શું છે તે શોધી કાઢવા માટે ગુજરાત પ્રાંતિક સમિતિએ મોહનલાલ પંડ્યા અને રવિશંકર મહારાજને વિગતવાર તપાસ કરીને અહેવાલ રજુ કરવા માટે જણાવ્યું. બ્રિટિશ સરકારના અધિકારીઓ કહેતા હતા કે ગામ લોકો બહારવટિયાઓને છાવરે છે એટલા માટે તેમના પર વેરો નાખવો જોઈએ. વાસ્તવિક રીતે તપાસ કર્યા સિવાય આ નિર્ણય ઉતાવળે લેવાયો હતો. દરેક વ્યક્તિને આ વેરો ભરવો પડે જેમાં વૃદ્ધ અને મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. ગરીબીમાં જીવતા લોકો માટે આ કમરતોડ બોઝ હતો. કાયદો વ્યવસ્થા જાળવવાની જે મુખ્ય જવાબદારી સરકારની છે તે જવાબદારી અદા કરવા માટે પણ લોકો પાસેથી વેરો ઉઘરાવવાની આ યોજના લોકહિત વિરોધી હતી. ઉપરાંત બોરસદ તાલુકાના ગામડાઓ પર બહારવટિયાઓને છાવરવા માટે નાખવામાં આવેલું આ મિથ્યા કલંક હતું. સરદાર વલ્લભભાઈ પટેલની સૂચનાથી રવિશંકર મહારાજ તથા મોહનલાલ પંડ્યાએ વ્યાપક જનસંપર્ક કર્યા પછી અહેવાલ રજુ કર્યો. આ અહેવાલ વાસ્તવિક ઉપરાંત ઠોસ હકીકતોના આધારે તૈયાર થયો હતો. લોકને અન્યાયકર્તા એક કાયદા અંગે તેમાં વિગત રજુ થઇ. અહેવાલ મુજબ Criminal Tribes Act ની જોગવાઈ મુજબ સવાર અને સાંજ બંને સમયે આ વિસ્તારની દરેક વ્યક્તિને પોલીસ સ્ટેશન હાજરી પુરાવવી પડતી હતી. એક દિવસ હાજરી કોઈ કારણસર ભરાવી શકે નહિ તો જેલમાં જવું પડતું હતું. જામીનની વ્યવસ્થા મોટા ભાગના લોકો કરી શકતા ન હતા. આથી જેલવાસ લાંબાગાળાનો થઇ જતો હતો. આવી અકળાવનારી સ્થિતિને કારણે બાબર દેવા નામનો માણસ અકળાઈને જેલમાંથી ભાગી છૂટ્યો. નાની મોટી ચોરીઓ કરતા કરતા મોટો બહારવટિયો થઇ ગયો. થોડા સમય પછી એક નાના ચોરમાંથી મોટો બહારવટિયો થયો. પોતાની ટીમ તેણે ઉભી કરી. વધારે લૂંટફાટ કરતો પણ થયો. દરેક વ્યક્તિને ગુનેગાર માનીને દિવસમાં બે વખત હાજરી પુરાવવી પડે તે સદંતર અન્યાયી વ્યવસ્થા હતી. આ બાબત પણ બહારવટા માટે જવાબદાર હતી. લોકોનો પ્રશ્ન ખુબ વાજબી હતો. લોકોમાં હૈડિયા વેરો સામે આક્રોશ પણ હતો. ગાંધીજી જેલમાં હતા. સત્યાગ્રહ શરુ કરવા અંગે તેમ જ તેના સુચારુ સંચાલન માટેના તમામ નિર્ણય વલ્લભભાઈએ કરવાના થતા હતા. સરદાર સાહેબે પુરી સ્વસ્થતા સાથે લોકોની ભોગ આપવાની તૈયારીની સમીક્ષા કરી. આ પછી રવિશંકર મહારાજ તથા દરબાર ગોપાલદાસ જેવા સાથીઓને આ સત્યાગ્રહમાં જોડી લડત શરુ કરવાનો નિર્ણય કર્યો. માત્ર પાંચથી છ સપ્તાહમાં જ બ્રિટિશ સત્તાધીશોએ આ અન્યાયી વેરો દૂર કર્યો. વલ્લભભાઈએ વિજયને પણ પુરી ગરિમા સાથે આવકાર્યો. તેમણે લોકોને કડવાશ ભૂલી જવા અનુરોધ કર્યો. વિજય બાદ વિશાળ સભાને સંબોધન કરતા વલ્લભભાઈએ જણાવ્યું કે ભવિષ્યમાં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ચાલતા મહાસંગ્રામમાં આપણે જોડાઈને ગાંધીજીના હાથ મજબૂત કરીએ.
બોરસદ સત્યાગ્રહની સફળતાએ વલ્લભભાઈ ગુજરાતના સૂબા તરીકે ઓળખવા લાગ્યા. મહાદેવ દેસાઈએ લખ્યું કે સરદારની હાજરી સિવાય સત્યાગ્રહની લડતનો આવો અસરકારક અંત આવ્યો ન હોત. બારડોલીનો સત્યાગ્રહ શરુ કરવા પાછળનું કારણ પણ બ્રિટિશ સરકારના અન્યાયી નિર્ણયને કારણે થયું હતું. બારડોલીના ગામો પર સરકારે એક સાથે ત્રીસ ટકાનો મહેસુલ વધારો જાહેર કર્યો હતો. બારડોલી તાલુકાના લગભગ ૯૦,૦૦૦ ખેડૂતો તેનાથી પ્રભાવિત થતા હતા. આટલો મોટો વધારો કરવા પાછળના યોગ્ય કારણો પણ સરકારે આપ્યા ન હતા. લોકોએ વલ્લભભાઈને લડત શરુ કરવા તથા તેનું નેતૃત્વ લેવા વિનંતીઓ કરવા માંડી. સરદાર સાહેબે કહ્યું કે લોકો તૈયાર હોય તો જ તેઓ લડતની આગેવાની સ્વીકારી શકે. તેમણે કિસાનોના મોવડીઓને કહ્યું કે સંઘર્ષના કારણે જે હાડમારીઓ ભોગવવાની આવશે તે સહન કરવાની લોકોની પુરી તૈયારી હોય તો જ લડત શરુ કરી શકાય. કાર્યકરોની ટુકડીઓને ગામેગામ ફરીને લોકોને આ વાત સમજાવી. લડતનો જુસ્સો ઝડપથી ઉભો થઇ રહ્યો હતો. ૧૯૨૮ના માર્ચની ૧૨મી તારીખે બારડોલીના ખેડૂતોની પરિષદ મળી. સૌએ એકી અવાજે લડત શરુ કરવા ઠરાવ કર્યો. વલ્લભભાઈને તેમાં દોરવણી આપવા તમામ લોકોએ વિનંતી કરી. લોકલાગણીના જુવાળની ખરાઈ કરીને વલ્લભભાઈએ બારડોલી સત્યાગ્રહનું રણશિંગુ ફુક્યું. બારડોલીના સત્યાગ્રહ સામે બ્રિટિશ સરકારે છુટા હાથે દમનનો કોરડો વીંઝવાનું શરુ કર્યું. મહેસુલ ન ભરવા માટે ખેડૂતોની જમીનો જપ્ત કરી. જો કે ત્યારબાદ પાણીના મુલ્યે તે જમીનો વેચવા સરકારે કાર્યવાહી શરુ કરી પરંતુ ગામના કે આસપાસના વિસ્તારના કોઈ લોકો તે જમીન ખરીદવા તૈયાર ન થયા. સમગ્ર પ્રક્રિયામાં વલ્લભભાઈએ જે જોશીલી જબાનમાં લોકોને ઉદબોધન કર્યા તે પણ એક સીમાચિહ્ન સમાન હતા. ગુજરાતી ભાષાની એક અનોખી શૈલીમાં સરદાર સાહેબે ભાષણો કર્યા. બારડોલી સત્યાગ્રહમાં સરદાર સાહેબે પોતાના પ્રભાવી ભાષણો દ્વારા બહેનોને પણ જાગૃત કરી.બહેનોનું સત્યાગ્રહમાં સક્રિય યોગદાન એ તે જમાનામાં નોંધપાત્ર બાબત હતી. લોકજુવાળ ઉભો થતો ગયો. બ્રિટિશ અધિકારીઓની સમસ્યાઓ વધી. લડતને નિયંત્રણમાં રાખવાનું કામ તેમને માટે આકરું થતું ગયું. ગાંધીજીએ બારડોલીના આ સત્યાગ્રહની લડત વલ્લભભાઈના નેતૃત્વમાં લડાય છે તે વાત એકથી વધારે વખત સ્પષ્ટ કરી. વલ્લભભાઈની ભાષાએ બારડોલીના ગામડાઓ બેઠા કર્યા. સરકારનું દમન વામણું પુરવાર થયું. વલ્લભભાઈના નેતૃત્વમાં આ ઐતિહાસિક સંઘર્ષ સફળતાને વર્યો. બ્રિટિશ સરકારે લોકલાગણીને સ્વીકારીને મહેસુલ વધારાની બાબત અંગે સાનુકૂળ નિર્ણય કર્યો.
સરદાર સાહેબના અસરકારક તથા પ્રભાવી નેતૃત્વના દર્શન દરેક સત્યાગ્રહમાં થયા હતા. તેઓ એક સંગઠન કરનાર તેમ જ તેને દોરનાર એવા દુર્લભ નેતા હતા. લોકોને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવાની પ્રેરણા આપી શકે તેવા સમર્થ હતા. તેમની સંગઠન શક્તિ તેમણે કરેલા દરેક કાર્યમાં દેખાય છે. અંગ્રેજોના ગયા પછી અનેક રજવાડાઓમાં વિભાજીત ભારતને તેમણે કુનેહથી એક સૂત્રમાં પરોવ્યું. આ એક ઐતિહાસિક સિદ્ધિ હતી. તેમણે દોરવણી આપી હોય તેવા દરેક સત્યાગ્રહમાં તેમણે સમગ્ર લોકસમૂહને જોડ્યો હતો. મહિલાઓને પણ જાગૃત કરી હતી. આમ જનમાનસમાં નિર્ભયતા ઉભી કરીને તેને ટકાવી રાખવાનો સરદાર સાહેબનો પ્રયાસ હતો. જે સફળ થયો હતો. તેમની બળુકી ભાષાએ લોકોમાં આત્મવિશ્વાસ તથા નિર્ભયતાનો સંચાર કર્યો હતો. ગાંધીજીના ઘણા કાર્યોનો બોજ તેમણે ચુપચાપ વહન કર્યો હતો. તેઓ દેશની તમામ મહત્વની લડતોના સેનાપતિ અને પક્ષના લોખંડી વ્યવસ્થાપક હતા. તેમનામાં સંઘર્ષ શક્તિ તેમ જ સર્જનશક્તિનો જવલ્લે જ જોવા મળે તેવો સુયોગ હતો. કર્મ એ જ તેમની મહત્વાકાંક્ષા હતી. ગુજરાત તથા દેશમાં થયેલા તમામ સત્યાગ્રહોમાં સરદાર સાહેબની શક્તિનું જગતને દર્શન થયું હતું. સરદાર સાહેબ માટે કવિ હરિવંશરાય બચ્ચને લખેલા શબ્દો ખુબ ઉચિત છે.
યહી પ્રસિદ્ધ લોહ કા પુરુષ પ્રબલ
યહી પ્રસિદ્ધ શક્તિ કી શીલા અટલ
હિલા ઇસે સકા કભી ન શત્રુ દલ
પટેલ પર સ્વદેશ કો ગુમાન હૈ.
વસંત ગઢવી
તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫
Leave a comment