સંવેદક સર્જક: ઝવેરચંદ મેઘાણી:
યુવાન ઝવેરચંદ મેઘાણી ૧૯૨૮ના વર્ષમાં થોડા સમય ભાવનગરમાં રહે છે. ભાડે લીધેલા નાના મકાનમાં તેમનું રહેણાંક હતું. મકાનમાલિક મકાનના કેટલાક ભાગમાં નવું ચણતર કરાવતા હતા. થોડા શ્રમજીવી લોકો-વિશેષ કરીને મહિલાઓ-આકરી મજૂરીનું કામ કરતા હતા. કપરું કામ હતું. વળતરથી માંડ માંડ પેટ ભરાતું હતું. આમ છતાં આવું કપરું કામ કરતા કરતા પણ આ બહેનો સમૂહમાં ગાન કરતી હતી. કોઈ બહેન ગીત ગવરાવતી હતી. બાકીના તેને ઝીલતા હતા. ચણતરના સામાનને તાલ તથા સ્વર સાથે આ બહેનો સામગ્રીને રસતી હતી. ‘એકરસ કરતી હતી’. મેઘાણી નોંધ કરે છે કે ગીત ગવરાવતી હતી તે બહેન વયસ્ક હતી. કાળું અને ફાટેલું ઓઢણું તેણે ઓઢ્યું હતું. કૃષકાય દેહને ઢાંકવા આ જિર્ણશિર્ણ ઓઢણું મથામણ કરતુ હતું. આ બહેનની મૂડી અનામતમાં એકમાત્ર કંઠ હતો. ગીતને ઝીલનારી બહેનો પણ લગભગ સમાન હતી. પેટ ભરવાની મથામણ કરતી આ મજૂરણ બહેનો આનંદ-ઉલ્લાસ ક્યાંથી મેળવે? મનોરંજનનું કોઈ સાધન તેમને સ્વપ્નમાં પણ ઉપલબ્ધ ન હતું. આ સ્થિતિમાં પણ સમૂહમાં ગીત ગાઈને મજૂરીકામનો આકરો તાપ ઉતારતી હતી. લોકસાહિત્ય એ સમૂહ ઉલ્લાસની અવિરત ધારા છે. તેની અહીં પ્રતીતિ થાય છે. રાસ કે ગરબામાં આ રીતે જ સમૂહનો ઉલ્લાસ પ્રગટ થતો રહે છે.
રાજકોટના કોનોટ હોલ અંગેના મેઘાણીના બાલ્યકાળના સંભારણા પ્રદેશની જે તે સમયની પરિસ્થિતિનું આબેહૂબ દર્શન કરાવે છે. રાજકોટમાં પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે ઘરના મોટા સભ્યો સાથે તેઓને કોનોટ હોલમાં જવાનું થતું હતું. કોનોટ હોલ આજે પણ રાજકોટ શહેરની શોભા સમાન છે. હાલમાં તે અરવિંદ મણિયાર હોલ તરીકે જાણીતો છે. કોનોટ હોલમાં અનેક રાજવીઓની ભવ્ય તસવીરો તેઓ જોતા હતા. આ હોલમાં જ દબદબાભર્યા રાજદરબારો ભરાતા હતા. રાજવીઓ તેમના શસ્ત્રોથી વિશેષ પ્રભાવી લાગતા હતા. મુંબઈના ગવર્નર અહીં આવે ત્યારે જે મોટો સમારંભ થતો તેની સ્મૃતિ પણ બાળક ઝવેરચંદના મનમાં રહી. આવી સવારીઓને જોવા શાળાના શિક્ષકો બાળકોને લઇ જતા હતા. ક્યારેક આ સવારી માણવાના આનંદ સાથે મીઠાઈનો નાનો ટુકડો પણ બાળકોને મળી જતો હતો. ગવર્નરની ગાડી ખેંચતા મજબૂત બાંધાના સૈનિકોને યુનિફોર્મમાં જોવાનો આનંદ બાળકોને મળતો હતો. બાળકોની નિરીક્ષણ શક્તિ સચોટ હોય છે. મેઘાણી લખે છે કે આ સવારી અને કોનોટ હોલના દરબારની એક બાબત મારા મનમાં લાંબા ગાળાની છાપ ઉભી કરી ગઈ છે. હોલમાં ગવર્નર સાહેબની સામે દબદબાભર્યા રાજવીઓ બેસતા હતા. જયારે બાળક મેઘાણીએ તેમના કેટલાક ઠાકોર સાહેબોને મોટા ચિત્રમાં જોયા ત્યારે તેમનો દબદબો કે પ્રભાવ જુદા હતા. ગૌરવશાળી હતા. તેઓ જયારે ગવર્નર સાહેબ સામે બેસતા ત્યારે તેમનો મોભો જાણે કે ઓછો થતો હતો. એક મોટા શાસક તરીકે બ્રિટિશ ગવર્નર અને બ્રિટિશ સત્તા સામે ઝંખવાણા પડી જતા રાજવીઓનું ચિત્ર બાળ માનસમાં અંકિત થઇ જતું હતું. કોઈ રાજવીની શાનદાર બગી પણ ગવર્નરના સમારંભમાં મોડી આવે તો એજન્સી પોલીસનો સામાન્ય સિપાઈ પણ જ્યુબિલી બાગના દરવાજા પર રોકી દેતો હતો. બાળક ઝવેરચંદના પિતા એજન્સી પોલીસમાં કામ કરતા હતા. આથી બાળકને એજન્સી પોલીસનું પણ ગુમાન થતું હતું. એક પરાધીન દેશની હાલતનું પણ એક ચિત્ર અહીં આ વાતમાં જોવા મળે છે. ગોરી હકુમતના પ્રભાવમાં વંશપરંપરાગત રીતે પ્રભાવી અને અસરકારક રહેલા રાજવીઓ પણ જાણે ઓશિયાળા થઇ ગયા હોય તેમ બાળકને લાગતું હતું. રાજવીઓ બ્રિટિશ હાકેમની ઈચ્છાને આધીન રહીને જ સુખચેનથી રાજ્યનો વહીવટ કરી શકતા હતા. આ બ્રિટિશ સત્તાના પ્રભાવની વાત કવિ શંકરદાનજી દેથા(રાજ્યકવિ, લીંબડી)એ એક દોહામાં માર્મિક રીતે રજુ કરી છે. કવિ રાજવીઓને કહે છે કે બ્રિટિશ સત્તાધીશોની કૃપા હશે ત્યાં સુધી જ મોજ વિલાસ ભોગવી શકશો.
પાર્થિવ વર્ગ પતંગ ઇવ
કરી લો મોજ વિલાસ.
કૃપા દોર બ્રિટિશકો
તૂટ્યે ખેલ ખલાસ.
સર્જક, સંશોધક અને કવિ મેઘાણીમાં ઋજુતાના ગુણ ભારોભાર હતા. કોઈને પણ પોતાના કારણે તકલીફનો અનુભવ કરવો પડે તે આ શાયરને મંજુર ન હતું. સંવેદનશીલતા તેમનામાં બાળપણથી જ હતી. તેમના વ્યક્તિત્વ સાથે જ કેટલાક સંસ્કાર લોહીમાં ઘુંટાયા છે. હાઈસ્કૂલના શિક્ષણ માટે બહારગામ જવું પડે. પિતાની નોકરી હોય તે અંતરિયાળ વિસ્તારમાં તો હાઈસ્કૂલ હોય નહિ. વેકેશનમાં બાળક ઘેર આવે. થોડા દિવસો તો પ્રકૃતિના ખોળામાં રહીને બાળપણનો ખરો આનંદ લૂંટી શકે. અહીંથી જ મેઘાણીને આ ભવ્ય અને ભાતીગળ કુદરતી સૃષ્ટિનો પરિચય થયો. વેકેશન પૂરું થતાં ફરી ભણવા માટે શહેરમાં જવાનું થાય. એજન્સીમાં ફોઝદાર તરીકે રહેલા પિતાને થાય કે બાળકને મિત્રો સાથે દૂધપાકનું ભાવતું ભોજન કરાવવું જોઈએ. એજન્સી પોલીસના એક બે માણસો આસપાસના ગામડાઓ તથા માલધારીઓના નેસમાં જઈને દૂધ ભેગું કરે. દૂધપાકનો સ્વાદ માણવાનો હતો ત્યારે જ કિશોર ઝવેરચંદના કાને એક એજન્સી પોલીસના માણસના શબ્દો કાને પડ્યા. તે માણસ જુસ્સાભેર કહેતો હતો કે નેસડાઓમાં જઈજઈને દૂધ ભેગું કર્યું છે. નેસવાસીઓના બાળકોને પીવા જેટલું પણ દૂધ રહેવા દીધું નથી. બસ, આ શબ્દોની અસર બાળકના મનમાં ખિન્નતાના તથા વેદનાના ભાવ પ્રગટાવી જાય છે. સૌ બાળકોના દૂધપાકના કટોરાઓ ખલાસ થતા જાય છે અને ફરી પીરસાતા રહે છે. કિશોર ઝવેરચંદના કટોરામાંથી એક બુંદ પણ ઓછું થતું નથી. દૂધ વિના આકુળ વ્યાકુળ થનારા બાળકો તરફની સહાનુભૂતિ આ કિશોરના વિચાર-વર્તનને પ્રભાવિત કરે છે. દૂધપાકનો એક ઘૂંટ પણ સંવેદનશીલ કિશોરના ગળે ઉતરતો નથી. બાળપણથી જ સંવેદનશીલતાના આવા સંસ્કાર મેઘાણીના વ્યક્તિત્વનું સર્જન કરે છે. આજ લાગણીનો પડઘો તેના જીવનમાં તથા સર્જનમાં પડઘાતો રહે છે. આવા સર્જકો ઓછા મળે છે જેમનું હૈયું હંમેશા સ્નેહ તથા કરુણાના ધબકાર કરતું રહે છે.
વસંત ગઢવી
તા. ૮ સપ્ટેમ્બર ૨૦૨૫
Leave a comment