પ્રવીણ ગઢવી-વાટે…ઘાટે

:છેવાડાના માનવીઓના હામી: પ્રવીણ ગઢવી:

                      છેવાડાના અને વંચિતોની ખેવના રાખનારા સાહિત્યકાર પ્રવીણ ગઢવી અચાનક જ આ જગતમાંથી Exit કરી ગયા. હજુ તો થોડા દિવસો પહેલા જ પ્રવિણભાઈને મળવા જવાની ઈચ્છા થઇ. હંમેશની જેમ તેમને મળીને અનેક વાતો થઇ. તેઓની કેટલીક ચોક્કસ માન્યતાઓ હતી. આ માન્યતાઓ ઉપરછલ્લી કે ડગુ મગુ થાય તેવી ન હતી. ઊંડી તેમ જ મજબૂત હતી.દેખાવ કરવાની વાત તો તેમાં સહેજ પણ ન હતી. જીવનના અનુભવો તથા અનુભૂતિને આધારે ક્રમશઃ ઘડાયેલી આ માન્યતાઓ હતી. તેમાં વિચાર કેન્દ્રમાં હતો. ખુલ્લી આંખે સમાજને જોવાની તેમની ટેવ હતી. તેના પરિણામે જે પ્રતીતિ થાય તેની પ્રસ્તુતિ તેઓ બેરોકટોક કરતા હતા. સમાજમાં ચાલતા ઢોંગ સામે મક્કમ તથા ઊંડા આક્રોશનો ભાવ હતો. જાણી જોઈને કેટલીક બાબતો અંગે વાત કરવા કે ન કરવાનો ‘સગવડિયા ધર્મ’ સમાજમાં જોવા મળે છે તેની સામે પ્રવિણભાઈને અણગમાનો ભાવ હતો. ઘણી વણકહેલી વાતો કદાચ એમના મનમાં હતી. પોતે જે કરે છે તે એક સમર્પિત ભાવેથી કરે છે આથી તેમાં કેટલા લોકો સહમત કે અસહમત છે તેની ચિંતા તેમને સહેજ પણ ન હતી. સમર્પણનો આ ઊંડો ભાવ જે તેમના સમગ્ર વ્યવહારમાં હતો તે જન્મના આધારે કે અન્ય કોઈ પણ રીતે સમાજના કેટલાક વર્ગ સામે દેખાતા અન્યાયી વલણ સામેના સંઘર્ષનો હતો. કોઈ સાથ ન આપે તો ‘એકલો જાને રે’ એ તેમનો જીવનમંત્ર હતો. આ કારણે તેઓ હંમેશા સક્રિય રહ્યા. આમ પણ સમાજના છેવાડાના માનવીઓના વાસ્તવિક પ્રશ્નો જે દિલથી સમજ્યા હોય તેઓ નિષ્ક્રિયતાનો અંચળો ઓઢીને બેસી ન શકે તે જ સ્વાભાવિક છે. અંતરમાં પ્રગટેલો અગ્નિ આવા લોકોને દોડતા રાખે છે. પ્રવીણભાઈ એ સમાજના વણબોલાયેલા કે દબાયેલા અવાજોના પ્રતિનિધિ હતા.

                    થોડા સમય પહેલા જ તેમને મળવાનું થયું હતું તેની પુનઃ સ્મૃતિ થઇ. સાહિત્યનું સર્જન કરીને તેને પ્રકાશિત કરવું એ સામાન્ય વાત નથી. પ્રવીણભાઈ તેમ કરી શકતા હતા કારણ કે તેમનું અધ્યયન સતત તેમજ ઊંડાણપૂર્વકનું હતું. સાહિત્ય ક્ષેત્રમાં તેમનું નામ મોટું હતું. ગુજરાતના લગભગ તમામ સુવિખ્યાત સામયિકોમાં તેમના લેખો નિયમિત છપાતા હતા. તેમના સાહિત્યનો સ્ત્રોત એ તેમનું commitment  હતું. તેઓ વર્ષોથી મારા એક સાથી અધિકારી હતા. મળવું ગમે તેવા સ્નેહાળ મિત્ર હતા. અનેક વખત સરકારી કામકાજ દરમિયાન પણ તેમને મળવાનું થતું હતું. જયારે જયારે મળીએ ત્યારે એક સંવેદનશીલ અધિકારી કેવા હોય તેના જીવંત ઉદાહરણ સમાન તેમનું વ્યક્તિત્વ હતું. પ્રવીણભાઈના સાહિત્ય સર્જનમાં પણ વંચિતોની વેદનાને વાચા આપવાનો એક સાતત્યપૂર્ણ પ્રયાસ હતો. આમ જોઈએ તો પ્રવીણભાઈ દરેક પ્રકારના સાહિત્યમાં રસ ધરાવતા હતા. તેમનામાં તે અંગેની ઊંડી સૂઝ પણ હતી. તેમના પિતા ખેતસીંહજી મીસણ સાહિત્યના ક્ષેત્રમાં મોટું નામ હતું. ખેતસીંહજી પોતાના સમાજના અગ્રણીઓ સાથે તેમ જ સમાજના સર્જકો સાથે જોડાયેલા હતા. ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાં જે મોટા ગજાના સાહિત્યકારો થયા તે અંગે તેમને પૂરતી જાણકારી હતી. તેમના ઘણાં સાહિત્યકારો સાથે તેમને સંબંધ હતો. સંપર્ક પણ હતો. ખેતસીંહજી જીવ્યા ત્યાં સુધી સાહિત્યની સેવા કરતા રહ્યા. ખેતસીંહજીનું સાહિત્યમાં યોગદાન એ ભૂલી શકાય તેવું નથી. તેમનું પુસ્તકાલય સમૃદ્ધ હતું. પ્રવીણભાઈના મોટાભાઈ બનેસિંહજી પણ કેળવણીના ક્ષેત્રમાં મોટું નામ ગણાય છે. સમાજના છેવાડાના તેમ જ તરછોડાયેલા અથવા ઉપેક્ષિત રહેલા વર્ગ તરફ પ્રવિણભાઈની વિશેષ લાગણી હતી. તેમનું તે તરફ વિશેષ ખેંચાણ હતું તેમ કહેવું યોગ્ય ગણાશે. દલિત સાહિત્ય અકાદમીને તેમના નેતૃત્વનો લાભ મળ્યો છે. આ સંસ્થાનો વિકાસ એ પ્રવિણભાઈની પ્રથમ અગ્રતા હતી. મારો પોતાનો અનુભવ છે કે દલિત સાહિત્યના ક્ષેત્રમાં રાજ્ય કક્ષાના સાહિત્યકારો અને કેટલાક રાષ્ટ્રીય કક્ષાના સાહિત્યકારો પણ પ્રવીણભાઈના યોગદાનથી પ્રભાવિત હતા. પ્રવીણભાઈના માનમાં જ્યારે ગાંધીનગરમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તેઓએ જે વિભાગમાં કામ કર્યું હતું એ દરેક વિભાગના અનેક અધિકારીઓ હાજર હતા. સામાન્ય રીતે આવું ઓછું બનતું હોય છે. પ્રવીણભાઈના સાથી કર્મચારીઓ પ્રવીણભાઈના સ્નેહાળ વર્તન અંગે વાત કરતા હતા. સમાજ કલ્યાણ વિભાગ કે જ્યાં તેમણે સારો એવો સમય કામ કર્યું હતું તેના નિવૃત્ત અધિકારીઓનું મંડળ અને તેના સભ્યો પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત રીતે તેમણે પ્રવીણભાઈના ઉત્તમ યોગદાનને યાદ કરીને તેમનું સ્મૃતિને વંદના કરી હતી. અમરેલી જિલ્લાના લાઠીમાં તેમણે મહેનત કરીને ઉભું કરેલું કવિ કલાપીનું સ્મારક એ પ્રવિણભાઈની દીર્ઘકાળ સુધી ટકી રહે તેવું મોહક સ્મૃતિ મંદિર છે. કોઈ વહીવટી અધિકારી પહેલ કરીને આવું સ્મારક દિગ્ગજ કવિની સ્મૃતિમાં કરે તે જવલ્લેજ બને તેવી ઘટના છે. તેમણે અમરેલી જિલ્લાના કલેક્ટર તરીકે નોંધપાત્ર કામગીરી કરી જિલ્લાના તમામ વંચિત લોકોને તેમને મળવાપાત્ર લાભો મળે તે માટે તેમણે જિલ્લા વહીવટી તંત્રને સક્રિય કર્યું. આજના સમય ગાળામાં પ્રવીણભાઈ જેવું સરળ અને નિખાલસ વ્યક્તિત્વ જોઈએ ત્યારે માનવીય ગુણોમાં આપણી શ્રદ્ધા જાગે છે. તેઓને પક્ષીઓના નિરીક્ષણમાં પણ રસ હતો. ઘણી વખત શનિવાર કે રવિવારના દિવસે સવારે ગાંધીનગરના પુનિત વનમાં ગળામાં કેમેરો ભરાવીને પક્ષીઓનું નિરીક્ષણ કરતા પ્રવિણભાઈને જોયા છે. આ રીતે કુદરત સાથે તેઓ જોડાયેલા હતા. પ્રવીણભાઈ અચાનક ગયા અને તેનો આઘાત તેમના ઘરના સભ્યોને લાગે તે સ્વાભાવિક છે પરંતુ સમાજને પણ પ્રવિણભાઈની ખોટ પડી છે. ઉત્તર ગુજરાતના એક નાના છતાં ઐતિહાસિક ગામ મોઢેરાથી ગાંધીનગર સુધીની એમની સફર યાદગાર અને ભાતીગળ રહી છે. સાહિત્યકારોનો દેહ રહે કે ન રહે પરંતુ તેમણે સર્જેલું સાહિત્ય ચિરંજીવી હોય છે. તે રીતે પ્રવિણભાઈનું સાહિત્ય પણ ચિરંજીવી રહેશે. પ્રવીણભાઈ હંમેશા આપણી સ્મૃતિમાં રહેશે.

વસંત ગઢવી

તા. ૨ સપ્ટેમ્બર ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑