મોહનમાંથી મહાત્મા બનવાની મક્કમ તથા મજબૂત પ્રક્રિયા

:મોહનમાંથી મહાત્મા બનવાની મક્કમ તથા મજબૂત પ્રક્રિયા:

                                  મહાત્મા ગાંધીના વિષયમાં હંમેશા દેશના કે વિશ્વના જુદા જુદા ફોરમ પર ચર્ચા થતી રહે છે. કોઈ એક વ્યક્તિએ સત્તાના કોઈ સ્થાન પર રહ્યા સિવાય દુનિયાભરના લોકો પર પોતાનો પ્રભાવ વિસ્તાર્યો હોય તેવું ભાગ્યે જ બન્યું છે. એક મહત્વની વાત એ પણ છે કે મોટા ભાગના મહાપુરુષોના જીવનમાં કોઈને કોઈ ચમત્કારીક ઘટનાઓ બની હોય છે. તેમના જીવનમાં કોઈને કોઈ પ્રકારની અસામાન્યતા જોવા મળે છે. તે વિશે લખાય છે. તેમના અનેક અનુયાયીઓ આ વિશે વાતો પણ કરતા હોય છે. ગાંધીજીના જીવનમાં આવી કોઈ ઘટના કે ચમત્કારીક બનાવ બન્યો નથી. તેમનું બાળપણ કે તરુણ અવસ્થા એક સામાન્ય માનવી જેવી જ રહી છે. પોતાની કોઈ સિદ્ધિની તેમણે કદી વાત કરી નથી. આથી ઉલ્ટું પોતાના જીવનનું દોષ દર્શન તેમણે ખુલ્લી રીતે કરાવ્યું છે. આથી જ ગાંધીજી આ બાબતમાં અન્ય લોકોથી જુદા પડે છે. એક સામાન્ય માણસ પોતાના કર્મબળથી સત્યનું શરણ લઇ જાહેર જીવનમાં અસાધારણ ઊંચાઈ પ્રાપ્ત કરે તેવા મહામાનવમાં ગાંધીજીનો જોટો મળે તેવો નથી. વિશ્વના મોટા ગજાના વૈજ્ઞાનિક આલબર્ટ આઈન્સ્ટાઈનનું વિધાન જરૂર યાદ આવે. આઈન્સ્ટાઈનના મતે હાડચામનો આવો મનુષ્ય સદેહે વિચરણ કરતો હશે તેમ માનવું પણ ભવિષ્યમાં મુશ્કેલ થશે.

                ગાંધીજીના આ ઘડતરમાં સ્વાભાવિક રીતે જ તેમના કુટુંબ તથા કુટુંબની પરંપરાઓની પણ મોટી અસર રહી છે. કુટુંબના સંસ્કાર બાળકના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. બાળમાનસનું ઘડતર કરવામાં કુટુંબની પરંપરાઓ ઊંડી અસર કરતા હોય છે. ગાંધીજીના દાદા ઉત્તમચંદ ગાંધીને લોકો ઓતા ગાંધી તરીકે ઓળખાવતા હતા. તેમની પ્રતિભા ઘણી મોટી હતી. પોરબંદરના રાજવી વિક્માતજી તેમની કુશાગ્ર બુદ્ધિ તથા પ્રામાણિકતાને ખુબ આદર સાથે જોતા હતા. રાજ્યના નાના મોટા પ્રશ્નોને ઉકેલવામાં ઓતા ગાંધીનો મોટો ફાળો હતો. યોગાનુયોગ પોરબંદરના રાણા સાહેબનું અવસાન થયું. તેમના વારસદાર પુખ્ત વયના થાય ત્યાં સુધી મહારાણીના હાથમાં રાજ્યના શાસનની ધુરા આવી. મહારાણી કામકાજમાં કાબેલ હતા પરંતુ કાચા કાનના હતા. મહારાણીનું શાસન આવ્યા પછી રાણીને પસંદ એવી કેટલીક દાસીઓએ પોતાનું મહત્વ સ્થાપિત કરવા માટે માટે રાજ્યના હિતમાં ન હોય તેવી પ્રવૃત્તિઓ શરુ કરી. રાણા સાહેબના સમયથી રાજ્યના નાણાકીય વ્યવહાર સંભાળતો ખીમો કોઠારી ચોક્સાઈથી કામ કરનારો હતો. તે રાજ્યના હિતને જોનારો હતો. રાજ્યના નાણાંનો વ્યય કોઈ બિનજરૂરી કામ માટે ન થાય તે માટે તે સચેત હતો. કોઈને અપ્રિય લાગે તો પણ તે પોતાની સાચી વાતને વળગી રહેતો હતો. આથી રાણીસાહેબની આસપાસ રહેતી દાસીઓએ કેટલાક બિનજરૂરી ખર્ચાઓ કરવા માટે કારભારી ખીમા કોઠારી પાસે પૈસા માંગવાનું શરુ કર્યું. મહારાણીનું શાસન અને પોતે રાણીમાં નજીક છે તેથી કોઠારી ના પાડી શકશે નહિ તેવી તેમની ધારણા હતી. જો કે ખીમો કોઠારી રાજ્યને વફાદાર હતો. રાજ્યના હિતને અનુકૂળ ન હોય તેવી વાત એ સ્વીકારે તેમ ન હતું આથી ખીમાએ રાણીસાહેબની માનીતી દાસીઓને બિનજરૂરી ઉડાવગીરી માટે નાણાં આપવાની ના પાડી. દાસીઓએ મીઠું મરચું ભભરાવીને રાણી સાહેબને ખીમા કોઠારી વિરુદ્ધ ફરિયાદ કરવા માંડી. રાણીસાહેબ કાચા કાનના હતા. તેમણે આ વાતો સાંભળીને તેમજ તેની ખરાઈ કર્યા સિવાય ખીમા કોઠારીની ધરપકડ કરવા હુકમ કર્યો. ખીમો ગભરાઈને ઓતા ગાંધીના બંગલે ગયો. તેણે પુરી વાત ઓતા ગાંધીને સમજાવી. ઓતા ગાંધી ન્યાયપ્રિય હતા. તેમને રાણીસાહેબનો આ નિર્ણય ઉતાવળીયો તેમજ અન્યાયી લાગ્યો. ઓતા ગાંધી એક સ્વસ્થ તેમ જ પરિપક્વ વહીવટદાર હતા. આ રીતે એક પક્ષને સાંભળ્યા સિવાય તેની સામે આવું ઉગ્ર પગલું ભરવામાં આવે તે વાત તેઓ સ્વીકારી શક્યા નહિ. તેમણે ખીમાને સાંત્વના આપી તથા પોતાના બંગલે જ રહેવા કહ્યું. સ્વાભાવિક રીતે જ રાજ્યના સૈનિકો દીવાન સાહેબના બંગલેથી કોઈની ધરપકડ કેવી રીતે કરી શકે? રાણીસાહેબના ધ્યાને આ વાત આવતા તેમનો અહમ ઘવાયો. પોતે જેની ધરપકડ કરવાનો આદેશ આપેલો છે તેને રાજ્યનો કોઈ પણ વ્યક્તિ કેવી રીતે આશ્રય આપી શકે? એક સ્વકેન્દ્રી તેમ જ અહંકારપૂર્ણ શાસન ચલાવતા શાસકનું આવું વલણ અનેક જગાએ જોવા મળેલું છે. આથી રાણીસાહેબે ઓતા ગાંધીને રાજમહેલમાં આવવા જણાવ્યું. પુરી સ્વસ્થતા સાથે ઓતા ગાંધી રાજમહેલમાં આવ્યા. રાણીસાહેબ ગુસ્સામાં હતા. ઓતા ગાંધીને તેમણે કહ્યું કે તમે ભલે દીવાન હો પરંતુ રાજ્યના નોકર છો. તાત્કાલિક ખીમા કોઠારીને સોંપી દેવા માટે સત્તાવાહી અવાજે થોડા ગુસ્સા સાથે જણાવ્યું. સ્વસ્થતા જેના વ્યક્તિત્વના એક અંગ સમાન હતી તેવા ઓતા ગાંધીએ આદર સાથે રાણીસાહેબને જવાબ આપ્યો. “ખીમાને નહિ સોંપી શકાય કારણકે તેની ધરપકડનો નિર્ણય ઉતાવળો તથા એકપક્ષીય છે.” મહેલમાં હાજર રહેનારા સૌ દંગ થઇ ગયા. રાણીસાહેબને મોઢામોઢ કોઈ વ્યક્તિ આવો સ્પષ્ટ જવાબ આપી શકે તે એક અસામાન્ય બાબત હતી. જો કે મહારાણીને સત્તાના અભિમાનને કારણે સાચું સમજાવવું મુશ્કેલ હતું. આથી રાણીસાહેબે કહ્યું કે રાજ્યના સૈનિકોને દીવાનના ઘેર મોકલો. કોઈ પ્રતિકાર થાય તો રાજ્યની તાકાત અને બળપ્રયોગ કરીને ખીમાને કેદ કરો. પુરા શહેરમાં સન્નાટો છવાઈ ગયો. કેટલાક ડાહ્યા અને અનુભવી માણસોએ મહારાણી સાહેબને સમજાવવા કોશિશ કરી. આ લોકો સમજતા હતા કે ઓતા ગાંધીની એક રાજ્યના દીવાન તરીકે બહુ મોટી છાપ હતી. રાજ્યના નાગરિકોને આ દિવાનની ન્યાયપ્રિયતા તેમ જ વિચક્ષણતાના અનેક પ્રસંગો જોવા મળ્યા હતા. પરંતુ રાણી સાહેબ ટસના મસ ન થયા. એક વિકટ સ્થિતિ ઉભી થઇ. ઓતા ગાંધીએ પોતાના છ પુત્રોને બોલાવી આખી વાત સમજાવી. શિબી રાજાની કથા સંભળાવી. સત્ય માટે મરી ફીટવાની તૈયારી રાખવા જણાવ્યું. આવા વિકટ સંઘર્ષની વાત રાજકોટ પોલિટિકલ એજન્ટ પાસે પહોંચી. બ્રિટિશ અધિકારીઓને પરિસ્થિતિ વણસી જશે તેનો અંદાજ આવ્યો. રાજ્યનો હુકમ પણ અન્યાયી લાગ્યો. રાજકોથી તાત્કાલિક સંદેશો મોકલીને રાજ્યનો આ નિર્ણય રદ કરવા સલાહ આપી. બ્રિટિશ સત્તાધીશોની ‘સલાહ’ એ મોટા ભાગના દેશી રજવાડાઓ માટે ‘આદેશ’ જ હતો. નિર્ણય રદ થયો. ખીમા કોઠારીને મુક્ત કરવામાં આવ્યો.

             ઓતા ગાંધીની પોરબંદરની આ ઘટના બાદ વર્ષો વીતી ગયા. ફરી આપણી સ્મૃતિમાં ૧૯૩૦નું વર્ષ અને ગાંધીજીનો દાંડીકૂચ કરવાનો નિર્ણય યાદ આવે છે. ભારતને આઝાદી પ્રાપ્ત થાય તેને હજુ વર્ષો લાગશે તેમ ૧૯૩૦માં લાગતું હતું. આમ છતાં ઓતા ગાંધીના પૌત્ર મોહનદાસે સાબરમતી નદીની સાક્ષીએ પ્રતિજ્ઞા કરી કે તેઓ કાગડા-કુતરાના મોતે મરશે પરંતુ આઝાદી મળે તે પહેલા સાબરમતી આશ્રમમાં પગ નહિ મૂકે. ગાંધીના આ ટંકારમાં ઓતા ગાંધીનો ન્યાય માટે મરીમટવાના નિર્ણયનો પડઘો પડતો હોય તેમ લાગ્યા વિના રહે નહિ. એક સામાન્ય બેરિસ્ટર મોહનદાસનું મહાત્મા થવું એ વાત સમજવા માટે ગાંધીજીના કુટુંબનો આ ઉજળો ઇતિહાસ પણ ધ્યાનમાં આવે તેવો છે. ઓતા ગાંધીના પુત્ર કબા ગાંધી એટલે કે કરમચંદ ગાંધી પણ પોતાના પિતા જેવા જ પ્રભાવશાળી હતા. રાજકોટમાં દીવાન તરીકેની તેમની કામગીરી રાજ્યના નાગરિકોએ અનુભવી તથા તેમાં જ રાજ્યનું હિત સર્વોચ્ચ સ્થાને છે તેની સંપૂર્ણ પ્રતીતિ રાજકોટના નાગરિકને થઇ હતી. સત્યને પકડીને ગમે તેવી કપરી કસોટીમાં પણ સત્યનો હાથ ન છોડવાની આ શિક્ષા ગાંધીજીને વારસામાં મળી હતી. આ શક્તિને તેમણે અનેક કાર્યો તથા પ્રયોગો કરીને વિકસાવી હતી. મજબૂત કરી હતી. આથી મોહનદાસ ગાંધી મહાત્મા ગાંધી થઇ શક્યા તેના મૂળમાં અનેક કારણો હશે. આ કારણોમાં એક મહત્વનું કારણ એ બાપુના ઉજળા કૌટુંબિક વારસાનું પણ છે.

           ગાંધીજીની પ્રતિભાને પૂર્ણતઃ ખીલતી જોવા માટે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ સમજવો જરૂરી છે. દક્ષિણ આફ્રિકામાં સત્યના માર્ગે ચાલીને બેરિસ્ટર ગાંધીએ સંઘર્ષ કર્યો અને તેની સ્વીકૃતિ પણ થઇ. પોતે જે સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકામાં કર્યો તેનું જ એક વિસ્તૃત સ્વરૂપ હિન્દુસ્તાનની સ્વાતંત્ર્ય માટેની લડાઈમાં જોવા મળ્યું. દક્ષિણ આફ્રિકાના આ ઐતિહાસિક સંઘર્ષનું ગાંધીજીના ઘડતરમાં મહત્વનું સ્થાન હતું. ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ એ પુસ્તક મહાત્મા ગાંધીએ જાતે લખ્યું. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ નવજીવન ટ્રસ્ટે ૧૯૨૪માં કરી. આ રીતે આ પુસ્તકના પ્રકાશનને સો વર્ષનો સમય ૨૦૨૪માં પૂરો થાય છે. આ પુસ્તક તથા આ લડતનું એક વિશેષ મહત્વ છે. હિન્દુસ્તાનની મુક્તિ માટેનો જે મહાસંગ્રામ લડવામાં આવ્યો તેનું મોડેલ દક્ષિણ આફ્રિકાની આ લડતમાં જોઈ શકાય છે. આ મોડેલનોજ મહદઅંશે બાપુએ હિન્દુસ્તાનમાં અમલ કર્યો. ગાંધીજીના ઘડતરનો આ સમય હતો. જીવનના પાછળના વર્ષોમાં બાપુએ જે સંઘર્ષ કર્યો તેમાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ વિશે તેઓ અવારનવાર વાત કરતા હતા. આ ઇતિહાસ પોતે જ લખે તેવી ગાંધીજીની ઈચ્છા હતી. દક્ષિણ આફ્રિકાની લડાઈથી એ વાત પ્રસ્થાપિત થઇ  કે વિજય મેળવવા માટે આપણાં આયોજનને જતનપૂર્વક વળગી રહેવું જોઈએ. દાંડીકૂચ શરુ કરવાની હતી ત્યારે પણ બાપુએ પોતે કરેલા કૂચના નિર્ણયને મક્કમતાથી વળગી રહ્યા. મોતીલાલ નહેરુ સહિતના અનેક તત્કાલીન કોંગ્રેસના અગ્રણીઓને આ કૂચનો કોઈ મહત્વનો ફાયદો દેખાતો ન હતો. પરંતુ લોકોની નાડ પારખવામાં નિષ્ણાત મહાત્મા પોતાના વિચાર પ્રમાણે આગળ વધ્યા. ગાંધીજીનું મૂલ્યાંકન વાસ્તવિક હતું. આથી દાંડીકૂચથી જે જાગૃતિનો દેશભરમાં ઝુવાળ ઉભો થયો તે હવે ભવ્ય ઇતિહાસ બની ગયો છે. તેમના દ્વારા જ થયેલા આફ્રિકાના ઐતિહાસિક સત્યાગ્રહની વિગતો તેમણે આલેખી છે તે રસપ્રદ છે. બાપુના લખાણોમાં જે સહજ તથા સ્વાભાવિક છે તેવી તટસ્થતા તેમજ હેતુલક્ષિતા પુસ્તકના દરેક લખાણમાં જોવા મળે છે. આઠ વર્ષ સુધી અવિરત ચાલેલા આ સંઘર્ષના અંતે દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓએ રાહત અનુભવી હતી. દક્ષિણ આફ્રિકા સાથે બાપુનો અભિન્ન સંબંધ બંધાયો હતો. આથી જ એકવીસ વર્ષના લાંબા સમયગાળા પછી મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકા છોડતા હતા ત્યારે તેમને આ વસમી વિદાય લાગી હતી. મહાત્મા ગાંધી ૧૮૯૩માં માત્ર ચોવીસ વર્ષની ઉંમરે દક્ષિણ આફ્રિકા ગયા અને એક નૂતન ઇતિહાસનું નિર્માણ તેમના બે દાયકાના ત્યાંના રોકાણ દરમિયાન થયું. સત્યાગ્રહની આ લડાઈના જુદા જુદા તબક્કા આવ્યા. ૧૯૦૬થી ૧૯૧૪ સુધીના લડતના તબક્કાઓનું છેવટનું પરિણામ ૧૯૧૪માં આવ્યું. સત્યાગ્રહની સમાપ્તિ બાદ બાપુ કસ્તુરબા તથા મિત્ર કેલનબેક સાથે દક્ષિણ આફ્રિકાથી ઇંગ્લેન્ડ જવા નીકળ્યા. બાપુ દેશમાં પાછા આવ્યા ત્યાર બાદ પણ તેમનો આફ્રિકા સાથેનો સંબંધ તથા સંપર્ક ચાલુ રહ્યા. અનેક પ્રસંગોએ તેમણે આફ્રિકાની લડતના પ્રસંગોની વાત ભારતમાં આવ્યા પછી કરી હતી.

                     સામાન્ય રીતે વિદેશમાં રોજીરોટી કમાવા કે નાનો મોટો વેપાર કરનારો વર્ગ સત્તા સામે પ્રતિકાર કરવાનો માર્ગ વિચારતો નથી. પરિણામે તેમની ઘણી માનહાની થતી રહે છે. અન્યાય પણ થાય છે. આ સ્થિતિનો ગાંધીજીએ જાતે અનુભવ કર્યો. આ પછી તેમણે સમગ્ર કોમને સંઘર્ષ કરવા પ્રેરણા આપી. દક્ષિણ આફ્રિકાના આ સત્યાગ્રહની લડત ૧૯૦૬માં શરુ થઇ. સમગ્ર લડત દરમિયાન હિંદના આફ્રિકામાં રહેતા લોકોએ પારાવાર અગવડો ભોગવી. નાણાંકીય નુકસાની પણ વેઠવી પડી. સામાન્ય રીતે અન્યાય સામે પ્રતિકાર કરવાની આ હિન્દવાસીઓની માનસિકતા ન હતી. હિન્દુસ્તાનના જુદા જુદા ભાગમાંથી ગયેલા અને મોટાભાગે વિશેષ શ્રમ કરવાની જરૂર હોય તેવા કામો કરતા આ લોકોમાં પણ અનેક વિવિધતા હતી. આથી તેમને લડતમાં જોડવાનું સરળ ન હતું. ગાંધીજીના નેતૃત્વમાં આ સૌ લોકોનો વિશ્વાસ બંધાયો અને ટકી રહ્યો તે પણ આ લડતનું એક મહત્વનું પાસુ હતું. સંઘર્ષ જુદી જુદી બાબતોમાં હિંદીઓને થતા અન્યાય સામે લડવા માટે હતો. અન્યાયી અથવા ભેદભાવભરી નીતિ સામે આ લડત માંડવામાં આવી હતી. એક મહત્વની બાબતમાં અહીંના હિન્દવાસીઓનો વિજય એ હિંદીઓ વચ્ચેના લગ્ન સંબંધેનો હતો. જે લગ્ન હિન્દુસ્તાનમાં કાયદેસર ગણાય તે દક્ષિણ આફ્રિકામાં પણ કાયદેસર ગણાય તે વાતનો સ્વીકાર કરવામાં આવ્યો. ગિરમીટિયાએ અહીં સ્વતંત્ર રીતે રહેવું હોય તો દર વર્ષે ત્રણ પાઉન્ડનો વેરો ભરવાનો રહેતો હતો તે કાયદો પણ રદ કરવામાં આવ્યો. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના વહીવટી વડા જનરલ સ્મટ્સ તરફથી મહાત્મા ગાંધીને એક પત્ર લખવામાં આવ્યો. આ પત્રમાં જનરલ સ્મટસે સ્પષ્ટતા કરી કે જે હયાત કાનુનો છે તેનો અમલ ન્યાયના ધોરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. લડતના અંતથી અંગ્રેજ અમલદારોને રાહત થઇ. જો કે અનેક હિંદીઓનાં મનમાં જનરલ સ્મટ્સ તેમજ તેના ભાવિ વલણ અંગે અસંતોષ હતો. શરતો સ્વીકાર્યા બાદ જનરલ સ્મટ્સ ફરી જશે તેવી ભીતિ પણ હતી. ગાંધીજીની લોકોને સમજાવવાની શક્તિ તેમજ અગાધ ધીરજ અહીં કામ આવ્યા. તેમણે લોકોને સમજાવ્યા કે સત્યાગ્રહીએ ખાસ તથા ચોક્કસ કારણ ન હોય ત્યાં સુધી સામા પક્ષના વચનોમાં વિશ્વાસ રાખવો જોઈએ. સત્ય તેમજ નીડરતાને સાથે રાખીને ચાલતા લોકો માટે આ રસ્તો યોગ્ય છે તેમ બાપુ સૌને સમજાવી શક્યા. સાથે રાખી શક્યા. વિજયમાં પણ ગરિમા જાળવવાની આ ગાંધી નીતિ હતી.

                દક્ષિણ આફ્રિકાની આ લડતમાં મહિલા શક્તિનું જોડાવું એ બહુ મહત્વની તથા પ્રભાવી ઘટના બની. કસ્તુરબા પણ આ લડતમાં સામેલ થઈને સૌને દોરવણી આપે તેવી બાપુની ઈચ્છા હતી. ગાંધીજીને ખબર હતી કે કસ્તુરબા તથા અન્ય મહિલાઓ લડતમાં જોડાશે તો તેમણે જેલમાં પણ જવું પડશે. આ સંદર્ભમાં એક વાર બાપુ કસ્તુરબાને કહે છે:

           “તમે જાણ્યું કે હવે તમે મારા પરણેતર સ્ત્રી રહ્યા નથી.” કસ્તુરબા થોડું અકળાઈને બોલ્યા: “એવું કોણે કહ્યું ? તમે રોજ નવા નવા નુક્તા શોધી કાઢો છો” ગાંધીજી હસતા હસતા કહે છે જનરલ સ્મટ્સનું આ ફરમાન છે. સરકારના કહેવા મુજબ આપણાં લગ્ન કોર્ટમાં નોંધાયેલા નથી. આથી તે લગ્ન કાયદેસર ન ગણાય. બાપુએ યુક્તિપૂર્વક પૂછ્યું: “હવે તમે બહેનો શું કરશો?” વાતને વધારે સ્પષ્ટ કરતા ગાંધીજી કહે છે કે તમે બહેનો પણ તમારા હક્ક માટે લડો. જેલમાં જવાની પણ તૈયારી રાખવી પડશે. સ્ત્રીઓ જેલમાં જાય તે વાત તે સમયથી ઘણી આગળ હતી. ગળે ઉતરે તેમ ન હતી. બાપુએ કસ્તુરબાને સતી સીતાની આકરી કસોટી યાદ કરાવી. સ્વેચ્છાએ જેલમાં જવા પણ સૂચન કર્યું. કસ્તુરબાને નિર્ણય કરવામાં વિલંબ ન થયો. લડતમાં સામેલ થઇ જેલમાં જવા નીર્ધાર કર્યો. જેમ બુદ્ધે સંઘમાં સ્ત્રીઓને સામેલ કરવાની છૂટ આપી તેવી જ આ ક્રાંતિકારી પહેલ વીસમી સદીના પ્રારંભકાળે હતી. “હું લડતમાં ભાગ લેવા તથા જેલ જવા તૈયાર છું.” કસ્તુરબાએ દ્રઢતા સાથે જણાવ્યું. કસ્તુરબાની પોતાની આ પહેલથી લડતને નવું બળ મળ્યું. જો કે પડકારો વિકટ હતા. તે સમયમાં સ્ત્રીઓ માટે જેલમાં જવું એ અનેક પ્રકારની મુશ્કેલીઓ સાથેનું હતું. છતાં બા તૈયાર થયા અને સમગ્ર લડતને નૂતન શક્તિ મળી. ભવિષ્યમાં બાપુ હિન્દુસ્તાનના મુક્તિ સંગ્રામમાં સ્ત્રીઓને મોટાપાયે જોડાવાના હતા તેના જાણે કે બીજ અહીંથી નંખાયા હતા. મહિલાઓના મોટા વર્ગને સંઘર્ષમાં સક્રિય કરીએ તો શક્તિ અનેકગણી વધે છે તે વાત બાપુએ સ્થાપિત કરી. ભવિષ્યમાં હિન્દુસ્તાનમાં તેનું જ પુનરાવર્તન થયું.

               ગાંધીજીની પદ્ધતિમાં જે સંઘર્ષ હતો તે વ્યવસ્થા સામેનો હતો. આથી તેમાં કોઈ વ્યક્તિગત કડવાશ ઉભી ન થાય તેનો પણ ખ્યાલ રાખવાની આ ગાંધી-નીતિ હતી. આથી અનેક યુરોપના લોકો પણ મહાત્મા ગાંધીની લડતમાં તેમની સાથે રહ્યા. તેમજ સમગ્ર લડત દરમિયાન ગાંધીજીને ગોરી ચામડી ધરાવતા લોકોની પણ ભારે સહાનુભૂતિ મળી. મિસ સ્લેશિન તેમાના એક હતા. રાત-દિવસ જોયા વગર કામ કરનાર સ્લેશિનની અસાધારણ મદદ ગાંધીજીને મળી. ગાંધીજી જેલમાં ગયા ત્યારે સમગ્ર કારોબાર તેમણે સાચવ્યો. બેરિસ્ટર ગાંધી સ્લેશીનને વધારે પગાર આપવા માંગતા હતા. પગારમાં વધારો કરવાની વાતનો તેણે સ્પષ્ટ ઇન્કાર કર્યો. કોઈ ગોરા દક્ષિણ આફ્રિકામાં હિંદીઓનાં કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરતા ન હતા. મિસ સ્લેશિન જાણી જોઈને હિંદીઓનાં ડબ્બામાં જ બેસવાનું પસંદ કરતા હતા. બ્રિટિશ ગાર્ડ સાથે માથાકૂટો પણ કરે. ગાંધીજીને તેમનો મોટો આધાર રહ્યો. આવા અન્ય લોકો પણ ગાંધીજીના વિચારોના આકર્ષણથી તેમની તરફ વળ્યાં. ફાધર એન્ડ્રુઝ તથા મિસ સ્લેડ(મીરાબહેન) જેવા લોકો આજીવન ગાંધી સાથે ઉભા રહ્યાં.

                 ‘સત્યના પ્રયોગો’ની જેમ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ મહાત્મા ગાંધીએ જાતે લખ્યો એ મહત્વની વાત છે. આ સમગ્ર લડતની વિચારણા, સ્વરૂપ તથા અમલમાં ગાંધીજી કેન્દ્રસ્થાને રહ્યા છે. જયારે આ ઇતિહાસ લખાયો ત્યારે ‘નવજીવન’માં શ્રેણીબઘ્ધ રીતે પ્રકાશિત થતો રહ્યો હતો. આ ઇતિહાસ ઘણો જ રસપ્રદ છે. અનેક ઘટનાઓથી ભરપૂર છે. આમ છતાં તે જોઈએ તેટલો પ્રસિદ્ધિને વર્યો નથી. આ પુસ્તક લખવામાં પણ ગાંધીજીને પૂનાની યરવડા જેલનો જેલવાસ સહાયરૂપ થયો. યરવડા જેલમાં ગાંધીજી જયારે સજા ભોગવતા હતા ત્યારે તેમણે આ ઇતિહાસ લખાવ્યો. અહીં તેમને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા સુસજ્જ લહિયા મળ્યા હતા. ગાંધીજી બોલતા ગયા અને ઇન્દુલાલ લખતા ગયા. ઇતિહાસના 30 પ્રકરણો આ રીતે લખાયા. ગાંધીજી આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે: “જેલમાં મારી પાસે આધારો માટે પુસ્તક ન હતા…જો કે આધાર વિના લખેલી વસ્તુ છે તો પણ તેમાં એક પણ હકીકત બરાબર નથી અથવા અતિશયોક્તિવાળી છે એમ કોઈ ન સમજે તેવી વિનંતી છે.” એક સંતુલિત લખાણ થાય તેવી બાપુની શૈલી હતી. આ બાબત તેમના દરેક લખાણોમાં પણ જોઈ શકાય છે. આફ્રિકામાં રોજીરોટી રળવા ગયેલા હિંદીઓની સ્થિતિનો વાસ્તવિક ચિતાર આ પુસ્તકમાંથી મળે છે.

                          દુનિયાભરમાં લોકોના સ્થળાંતર કે MIGRATIONની એક પધ્ધતિ સદીઓથી રહેલી છે. લોકોને પોતાના પ્રદેશમાં રોજી રોટીની પૂરતી સુવિધા ન મળે ત્યારે તેઓ સ્થળાંતર કરે છે. આજે પણ આ સ્થિતિ જોવા મળે છે. આપણાં દેશનો એક મોટો વર્ગ ગામડાઓમાંથી મોટા શહેરો તરફ રોજીરોટી મેળવવા સ્થળાંતર કરે છે. સમગ્ર દેશના અનેક યુવાનો અમેરિકા તેમજ યુરોપના કેટલાક દેશો તથા ઓસ્ટ્રેલિયામાં લાંબા ગાળા માટે અથવા કાયમી ધોરણે સ્થાયી થવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. કાનૂની નથી તેવા રસ્તે પણ લોકો બહાર જવા તત્પર છે. આ રીતે જ દક્ષિણ આફ્રિકાના ગોરા શાસકોની મજૂરોની જરૂરિયાતને પહોંચી વળવા માટે અનેક હિંદીઓ 19મી સદીમાં આફ્રિકામાં ગયા. અંગ્રેજોએ તેમના શાસનને વિસ્તૃત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મજૂરોને કામ આપવાનું શરુ કર્યું. અંગ્રેજોને આ મજૂરીના કાર્ય માટે દક્ષિણ આફ્રિકાના સ્થાનિક ‘કાળા લોકો’ કામ લાગે તેમ ન હતા. હબસી તરીકે ઓળખાતા આ લોકો સખત મજૂરી કરવા ટેવાયેલા ન હતા. તેની સામે હિંદીઓ સખત કામ કરી શકતા હતા. આથી હીન્દથી મજૂરોને લાવવાનું તેમણે વિચાર્યું. આફ્રિકાની જેમ હિન્દુસ્તાન પર પણ બ્રિટિશરો રાજ્ય કરતા હતા. આથી દક્ષિણ આફ્રિકાના ગોરા શાસકોનું કાર્ય સરળ થયું. આથી હિંદના મજૂરોને સાઉથ આફ્રિકામાં લાવવા માટે એક Agreement  તૈયાર થયું. 1860થી આ મજૂરો લાવવાની પ્રથા શરુ થઇ. હિન્દુસ્તાનના મજૂરોને એગ્રીમેન્ટ પર આફ્રિકામાં લાવવામાં આવતા હોવાથી એગ્રીમેન્ટથી આવેલા લોકો તરીકે તેઓ ઓળખાવા લાગ્યા. ક્રમશઃ વાતચીતની ભાષામાં એગ્રીમેન્ટ શબ્દનું અપભ્રંશ ગિરમીટ થયું. આથી આફ્રિકામાં આવતા હિન્દી મજૂરો ગિરમીટિયા તરીકે ઓળખાવા લાગ્યા. આમ કરારથી લાવવામાં આવતા મજૂરોને કોઈ કાનૂની રક્ષણ ન હતું. કરાર મુજબના વર્ષો માટે તેઓ મજૂરી કરવા બંધાયેલા હતા. શોષણનો ભોગ બનતા આ હિંદીઓ આર્થિક મજબૂરીને કારણે મને કમને પણ આફ્રિકા જતા હતા. ગાંધીજી પહેલા કોઈએ વતનથી દૂર રોજી રળવા આવેલા આ મજૂરોના હક્કો કે સ્વાભિમાન બાબતમાં વાત કરી ન હતી. આથી ગાંધીજીએ કરેલું આ પરિવર્તન એ માનવ અધિકાર માટેની મૂળભૂત વાત હતી.

                દક્ષિણ આફ્રિકાની આ પુર્વભુમિકામાં બેરિસ્ટર ગાંધીનું આગમન 1893માં થયું. ગાંધીજી સામે દક્ષિણ આફ્રિકાના રહેણાંક દરમિયાન અનેક પ્રશ્નો આવ્યા. આ દરેક પડકારને પુરી સ્વસ્થતા સાથે સમજીને તેના સમાધાનનો પ્રયાસ કર્યો. ત્યાં રહેનારા હિંદીઓનાં મનમાં એક નવા આત્મવિશ્વાસનો જન્મ થયો. ગાંધી સામે ઉભા થયેલા પડકાર અલગ અલગ પ્રકારના હતા. યુવાન બેરિસ્ટર નાતાલ પ્રદેશના મુખ્ય નગર ડર્બનની અદાલતમાં કેસ લડવા ઉપસ્થિત થયા. ગાંધીજીએ તે સમયે તેમનો સામાન્ય હિન્દુસ્તાની પોશાક પહેર્યો હતો. તેઓ કાઠિયાવાડની પાઘડી બાંધીને અદાલતમાં હાજર થયા. ન્યાયધીશે યુવાન બેરિસ્ટરને પાઘડી ઉતારીને અદાલતમાં હાજર થવા કહ્યું. બેરિસ્ટર ગાંધીએ પાઘડી ઉતારવાની સ્પષ્ટ ના પાડી. આ અન્યાયી પ્રથા સામે તેઓ અદાલતનું સ્થળ છોડીને ચાલી ગયા. વિકટ સ્થિતિમાં દ્રઢ મનોબળને પ્રદર્શિત કરવાનો આ પ્રથમ પ્રસંગ દક્ષિણ આફ્રિકમાં થયો. સમગ્ર વિશ્વને દોરી શકે તેવા વ્યક્તિત્વની એક આછી ઝલક અહીં જોવામાં આવી. પરંતુ વાત અહીંથી અટકી ન હતી. નાતાલથી ટ્રાન્સવાલ પરગણાના મુખ્ય શહેર પ્રિટોરિયા જવા માટે રેલવેમાં નીકળ્યા. પ્રથમ વર્ગની ટિકિટ હોવા છતાં એક કાળો માણસ ગોરા નાગરિક સાથે પ્રવાસ કરી શકે નહિ તે અન્યાયી પ્રથા હતી. મોટા ભાગના લોકો તેનાથી ટેવાઈ પણ ગયા હતા. આથી યુવાન બેરિસ્ટર ગાંધી પ્રથમ વર્ગની ટિકિટ હોવા છતાં ગોરા મુસાફર સાથે એક જ કમ્પાર્ટમેન્ટમાં પ્રવાસ કેવી રીતે કરી શકે? બેરિસ્ટર ગાંધીને પીટરમેરિત્સબર્ગના સ્ટેશને ધક્કો મારીને પ્લેટફોર્મ પર ઉતારી દેવાયા. તેમના સામાનને પણ પ્લેટફોર્મ પર ફંગોળી દેવામાં આવ્યો. જગતભરમાં આજે પણ પ્રસિદ્ધ એવા આ બનાવથી એક વકીલ પડ્યો પરંતુ એક સત્યાગ્રહી ઉભો થયો. જો કે બેરિસ્ટર ગાંધી મૂળભૂત રીતે તેમના જાણીતા અસીલ દાદા અબ્દુલાની પેઢી માટે કેસ લડવા આફ્રિકા ગયા હતા. એકાદ વર્ષમાં જ હિન્દુસ્તાન પાછા જવાની તેમની ગણતરી હતી. પરંતુ નિયતિનું નિર્ધારણ અલગ હતું. સ્થાનિક હિંદીઓની જરૂરિયાત તથા તેમની લાગણીને ધ્યાનમાં રાખી ગાંધીજી આફ્રિકામાં વધારે સમય રહ્યા. 1896માં નવયુવાન ગાંધી આફ્રિકા ફરી જવાના નિર્ણય સાથે હિન્દુસ્તાન આવે છે. દક્ષિણ આફ્રિકાની સ્થિતિથી તેમણે દેશમાં સૌને વાકેફ કરવાનું કાર્ય કર્યું. ગાંધીજીએ હિંદીઓને આફ્રિકામાં થતાં અન્યાય અંગે પુસ્તિકા પ્રકાશિત કરી. દસેક હજાર નકલો છપાવીને તમામ જાણીતા અખબારો તેમજ અગ્રણીઓને મોકલી આપી. જો કે દક્ષિણ આફ્રિકાના ગોરા લોકોને બેરિસ્ટર ગાંધી માટે તેમના સત્યકથનને કારણે તિરસ્કાર થયો. આ ગુસ્સાનો સામનો ગાંધીજીએ ફરી દક્ષિણ આફ્રિકામાં જતા કરવો પડ્યો. તેમના પર જીવલેણ હુમલો પણ થયો. આવા હુમલા બાદ પણ ગાંધી સ્વસ્થ રહ્યા. તેમની સાથે જેમણે આવો વર્તાવ કર્યો છે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પણ તેમણે તૈયારી બતાવી નહિ. ગાંધીજીના આ વલણથી અનેક સમજદાર ગોરા લોકોના મનમાં ગાંધીજી માટે એક આદરનો ભાવ થયો.

                     આફ્રિકાના સત્યાગ્રહનું પુસ્તક પ્રસિદ્ધ થયા પછી સો વર્ષ બાદ આ પુસ્તક વાંચવું ગમે તેવું છે. અનેક સાંપ્રત સમસ્યાઓને આ લડતની સ્થિતિ સાથે જોડી શકાય છે. આ ઉપરાંત સત્યાગ્રહનો ઇતિહાસ એક સદી પછી જોઈએ તો પણ જગતના અનેક ખૂણાઓમાં અન્યાયી પ્રથાઓ આજે પણ હયાત જોવા મળે છે. વિશ્વના અનેક દેશોમાં રોજી રળવા માટે જતાં મજૂરોના શોષણનો પ્રશ્ન હજુ આજે પણ વિકરાળ થઈને ઉભો છે. અન્યાયી વ્યવસ્થાઓને કારણે જગતની વિશાળ જનસંખ્યા પાસે સંપત્તિનો નાનો હિસ્સો છે. સંપત્તિ અને સત્તાના કેન્દ્રીકરણની વાતો સતત ચર્ચામાં રહે છે. આમ છતાં ગાંધીજીએ બતાવેલા માર્ગે ચાલીને દરેકને પેટ પૂરતું ભોજન મળી રહે તેવી વ્યવસ્થા આપણે કરી શક્યા નથી. જગતમાં આજના સમયમાં લડાતા યુદ્ધોમાં અગણિત લોકોએ જાન ગુમાવ્યા છે. શસ્ત્રો પાછળની ગાંડી દોડમાં વિવેક જળવાતો નથી. ગાંધી જેવા નેતૃત્વની સતત ઉણપ વરતાયા કરે છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની શતાબ્દીના સમયે અનેક લોકોએ આ ઐતિહાસિક લડતની વિગતો યાદ કરી હશે. સ્વતંત્રતા નજીકના ભવિષ્યમાં જ પ્રાપ્ત થશે તેવા આશાવાદના સમયે મેઘાણીએ અર્થસભર શબ્દોમાં ગાયું હતું. તેમાં ગાંધીના મનનો ભાવ વણાયેલો જોવા મળે છે. આઝાદીના વિજયના ઉન્માદને નિયંત્રણમાં રાખવા કવિએ ચેતવણી ઉચ્ચારી હતી. કવિ સ્પષ્ટ હતા કે સમગ્ર સમાજ જેમાં સ્વસ્થ અને ભયરહિત હોય તેવો સમય મુક્તિ મળતા જ આવી જશે તેમ માનવું વધારે પડતું છે. આથી મેઘાણી કહે છે:

દૂરે દૂરે તથાપી,

વિજય ગજવવાનું હજુ દૂર થાણું,

હું તો તોયે ન માનું

સકળ ભયહરા મુક્તિનું વાય વ્હાણું.

                   હિન્દુતાનમાં જે મુક્તિનો સંગ્રામ થયો તેનું જ એક સ્વરૂપ દક્ષિણ આફ્રિકાના ઐતિહાસિક સત્યાગ્રહમાં સ્પષ્ટ થાય છે. આશ્રમ જીવનનો પ્રયોગ પણ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં વિચાર્યો તેમજ વિકસાવ્યો હતો. ટોલ્સટોય આશ્રમ એ આશ્રમ જીવનમાં રહેવાના પ્રયોગો હતા. આ બાબતના અનુભવો લઈને ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના પોતાના હિન્દ ગમન પછી સત્વરે કરી. દક્ષિણ આફ્રિકાનો અનુભવ અહીં ઉપયોગી થયો. ગાંધીજીનું જીવન ‘સત્યના પ્રયોગો’ જેમ સતત પ્રયોગાત્મક રહ્યું. એક સામાન્ય માનવી પણ દેશને દોરવણી આપવાની  ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે તેનું નિદર્શન ગાંધીજીએ પોતાના જીવન દ્વારા આપ્યું. ગાંધીજીનું બાળપણથી થયેલું ઘડતર અને આફ્રિકાના સત્યાગ્રહની પ્રક્રિયાના માધ્યમથી મોહનમાંથી મહાત્મા બનવાની સમગ્ર ઘડતરની પ્રક્રિયા સમજી શકાય છે.

વસંત ગઢવી

તા. ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑