શિક્ષણનો વિસ્તાર-સંસ્કૃતિ

:શિક્ષણનો વિસ્તાર અને આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ:

             ગાંધીનગરનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ શિક્ષણ વિભાગની એક મહત્વની ઓફિસ છે. ઓફિસ અદ્યતન તથા સુવિધાપૂર્ણ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ શરૂઆતમાં Command એન્ડ Control  Center તરીકે જાણીતું હતું. પરંતુ વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ ખુબ જ સુયોગ્ય નામકરણ છે. રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ગુણવત્તા લાવવા માટેનું આ કેન્દ્ર છે. શિક્ષણની સુધારાના માટેના અનેક વિચારપૂર્વકના આયોજન અહીં નિયમિત રીતે થતા રહે છે. રાજ્યભરમાં કામ કરતા શિક્ષકોની સજ્જતા માટેના તાલીમ કાર્યક્રમો પણ અહીં થતા રહે છે. આવા એક તાલીમના આયોજનના ભાગ તરીકે વાર્તાલાપ રેકોર્ડ કરાવવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં જવાનું થયું. મહત્વની વાત એ છે કે ત્યાં જઈને શિક્ષણની આપણી પ્રાચીન પદ્ધતિ વિશે વાત કરવાનો ઉપક્રમ થયો. શિક્ષણના આજના કે ભૂતકાળના પ્રશ્ન સાથે સંકળાયેલી આ મહત્વની વાત છે. આપણાં દેશમાં સદીઓ પહેલા પણ શિક્ષણની એક ચોક્કસ પ્રથા વિકસી હતી. શિક્ષણ પ્રાપ્ત કરનારાઓની સંખ્યા ઓછી હતી. પરંતુ તે સમયના શિક્ષણની વ્યવસ્થા તેમ જ ગુણવત્તા અંગે ઘણાં લખાણો તેમ જ પ્રમાણો ઉપલબ્ધ થયા છે. શિક્ષણની આપણી પ્રાચીન વ્યવસ્થાની વિગતો વાગોળવી ગમે તેવી છે. તેમાંથી કેટલીક બાબતો આજે પણ માર્ગદર્શક બને તેવી છે.

           શિક્ષણ વિશે આપણે અનેક પ્રયોગો કર્યા છે. કેટલાક પ્રયોગો થોડા સમય પછી ચાલુ રાખીને તેમાં ફેરફાર કર્યો છે, તો કેટલાકને પાછા પડતા મુક્યા છે. એટલે અંતે એવી સ્થિતિ ઉભી થઇ છે કે આ સમગ્ર વિષયને લઈને આપણે સ્વતંત્રતા મેળવ્યા પછી ‘ટ્રાયલ એન્ડ એરર’ પદ્ધતિ પ્રમાણે કામ કર્યું છે. તેનો હેતુ અલબત્ત સાંપ્રત પ્રથાને વધારે અસરકારક બનાવવા માટેનો હતો. જો કે આવા ફેરફારો વિશેષ પ્રમાણમાં થાય ત્યારે શિક્ષણ પદ્ધતિમાં સ્થિરતા લાવવી મુશ્કેલ બની હોય એમ પણ બન્યું છે. એવું પણ લાગે છે કે આપણે આ ફેરફારો કરીએ તે પહેલા, આપણી જ પ્રાચીન પદ્ધતિઓ તરફ જોઈએ તેટલું ધ્યાન આપ્યું નથી. ઈસવીસન પૂર્વેથી આપણી તક્ષશિલા કે નાલંદા વિદ્યાપીઠોમાં પણ શિક્ષણની ગુણવત્તાનું ઊંચું ધોરણ હતું. ચીની પ્રવાસીઓ હુઆનસંગ ફાહિયાન કે ઈતસંગની પ્રવાસનોંધોમાંથી તેની વિગતો મળે છે. આમ જોવા જઈએ તો કોઈ પણ સમાજની ઉત્ક્રાંતિને શિક્ષણ સાથે સંબંધ છે. શિક્ષણમાં ફેરફાર થાય તો સમાજમાં ફેરફાર થાય. શિક્ષણમાં ફેરફાર થાય તો જીવનમાં ફેરફાર થાય. શિક્ષણમાં ફેરફાર થાય તો જ માણસમાં ફેરફાર થાય. આ એક જ ક્ષેત્ર એવું છે કે જ્યાં માણસને ઘડવાનું કામ થાય છે. મનુભાઈ પંચોલી-આપણા દર્શક દાદાએ શિક્ષકો સાથેના એક સંવાદમાં મજાની તથા અર્થપૂર્ણ વાત કરી હતી. દર્શક કહે છે કે મેડમ મોન્ટેસરીને કોઈએ એક વખત કહ્યું કે “મેડમ, ઇઝરાયેલે ડંખ ન મારે તેવી મધમાખીની શોધ કરી છે.” મેડમ મોન્ટેસરીનો વિચારપૂર્વક જવાબ હતો કે સારી વાત છે પણ મારે અને તમારે એટલે કે શિક્ષકોએ ડંખ ન મારે એવા માણસો તૈયાર કરવાના છે. નાના એવા આ જવાબમાં મેડમ મોન્ટેસરીએ કેટલી મોટી તથા મહત્વની વાત કરી તેનું આશ્ચર્ય તથા અહોભાવ થાય છે. યુદ્ધ જેવી વસ્તુઓ માણસના મનમાંથી જન્મે છે. દ્વેષ માણસના મનમાંથી જન્મે છે. ક્રોધ માણસના મનમાંથી જન્મે છે. એ માણસના દિલોદિમાગની સુધારણા કરવાનું કામ શિક્ષકો કરે છે. આથી શિક્ષકો વર્ગખંડોના માધ્યમથી દેશનું ભાવિ તૈયાર કરે છે. ‘catch them young ‘ એ વાત આપણે સાંભળી છે. કુમળા માનસમાં સ્વસ્થ જીવનની વાત રોપીને જ વિશ્વશાંતિ તરફ જઈ શકાશે. શિક્ષણથી બાળક, કિશોર તેમ જ તરુણનું ઘડતર સારી રીતે થાય તો જ સ્વસ્થ સમાજની રચના થઇ શકે છે. આપણે ત્યાં ગ્રામદક્ષિણામૂર્તિ કે શિશુ વિહાર જેવી શાળાઓ શરૂ થઇ ત્યાં માનવ ઘડતરનું મહત્વનું કામ કરવામાં આવ્યું. દૂરસુદૂરના વિસ્તારમાં બેસીને ડોલરરાય માંકડે પણ આવું જ કાર્ય કર્યું. શિક્ષણનું મહત્વ સમજીને શિક્ષણ સાથે જોડાયેલા લોકોને જ્યાં સુધી આપણે જોઈતું સન્માન નહિ આપીએ તો પરિસ્થિતિમાં સુધારો થવો મુશ્કેલ છે. દુનિયાભરના લોકો સામે આ પડકાર છે. બાળકોના મનમાં ઉભી થતી ગુનાહિત વૃત્તિના ઘણાં ગંભીર પરિણામો જોવા મળી રહ્યા છે. વિદ્યાના ક્ષેત્રમાં આપણી પ્રાચીન પરંપરાને ધ્યાનમાં લઈને MIT , સ્ટેનફર્ડ કે હાર્વર્ડ જેવી શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ એ જ આપણી દિશા હોવી જરૂરી છે.

                  ટેક્નોલોજીનો એક નવો દોર ત્રણેક દાયકા પહેલા શરુ થયો. ડિજિટલ ટેક્નોલોજીના અનેક ફાયદાઓ પણ છે. દુનિયાભરનો વિશાળ જ્ઞાન ખજાનો આંગળીના વેઢા પર ઉપલબ્ધ થયો છે. તેના અનેક ફાયદાઓ થયા છે. આમ છતાં છેલ્લા થોડા વર્ષોથી ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગમાં થતો અતિરેક એ કિશોરો તથા તરુણો માટે વિશેષ સમસ્યા બની છે. ‘ડિજિટલ ડીટોક્સ’ માટે પ્રયાસો કરવાના આયોજન કરવા પડે છે. આથી તેના ઉપયોગમાં પ્રમાણભાન એ આપણા માટે એક નવો પડકાર છે. ટેક્નોલોજીના પોઝિટિવ અને નેગેટિવ બંને પરિણામો જોવા મળ્યા છે. ટેક્નોલોજી સારી કે ગમે તેટલી ઉપયોગી હોય તો પણ જો એની દિશા ખોટી હોય તો તેના કારણે યુવાનોમાં સમસ્યાઓ વધે છે. શિક્ષકોની તાલીમને અગ્રતા આપવાનો પણ એક હાથવગો ઉપાય છે. શાળાઓ તેમ જ શિક્ષકોને આપવામાં આવતી સુવિધાઓ વધારવી પડશે. મોટા પ્રમાણમાં રહેલી મહત્વની ખાલી જગાઓ ભરતી પડશે. વહીવટી સેવાઓમાં ઘણાં વર્ષો વીત્યા અને ઘણી બધી ચૂંટણી પણ કરવાનું થયું. આ અંગે ખાતરીપૂર્વક કહી શકું છું કે ચૂંટણી પ્રક્રિયાનો આધારસ્થંભ શિક્ષકો છે. એ લોકો જે કમિટમેન્ટ તથા કાળજીથી કામ કરે છે તેમાં તેમની શક્તિનું દર્શન થાય છે. શિક્ષણની ગુણવત્તા સુધાર્યા સિવાય સમાજની ગુણવત્તા સુધારવી મુશ્કેલ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને જીવજોયના સયુંકત પ્રયાસોનું સ્વાગત છે.

વસંત ગઢવી

તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑