“આપણાં ગુજરાતના લુઇ બ્રેઇલ: ડો. નીલકંઠરાય છત્રપતિ:
ડો. નીલકંઠરાય છત્રપતીને ગુજરાતે આદર સાથે યાદ કરવા જોઈએ. ડો. નીલકંઠરાય છત્રપતિ એટલે ગુજરાતના લુઇ બ્રેઇલ. તેમનું નામ નીલકંઠરાય હતું. નીલકંઠરાય દિવ્યાંગ હતા. આંખોએ જોવાની શક્તિ ગુમાવી હતી. વર્ષો પહેલા તબીબી શિક્ષણ મેળવ્યા પછી કોઈ વ્યક્તિ આંખો ગુમાવે તો હતોત્સાહ થાય તે સ્વાભાવિક છે. જીવનની આવી આકરી ક્ષણોમાં નીલકંઠરાય મક્કમ મનોબળથી સ્વસ્થ રહ્યા. એટલું જ નહિ પરંતુ જીવનમાં પોતાની જેવા અન્ય લોકો માટે ઘણું કરતા ગયા. તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની મદદથી ગુજરાતના અંધજનોની મોટી સેવા કરી હતી. આજે પણ ભારતમાં મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુ લોકો વસે છે. ઉપરાંત નાની મોટી શારીરિક ખોડ-ખાંપણ ધરાવતા દિવ્યાંગો તો જુદા. સમગ્ર વિશ્વમાં જેમને જોવાની શક્તિ મર્યાદિત હોય અથવા બિલકુલ ન હોય (Visibly Impaired ) તેવા લોકોની વિશાળ સંખ્યા છે. આથી આપણાં દેશમાં પણ આવી ક્ષતિ ભોગવતા લોકોની સંખ્યા મોટી છે. આંખોના રોગની સારવાર માટે જોઈએ તેવી સુવિધાઓનો એકંદરે અભાવ છે. શહેરોમાં આ સ્થિતિમાં સુધારો થયો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ આવી સુવિધા પર્યાપ્ત માત્રામાં નથી. આંખોના રોગ સંબંધેની કેટલીક ભ્રામક માન્યતાઓને કારણે પણ અનેક કિસ્સાઓમાં સમયસર સારવાર શરુ કરવામાં આવતી નથી. જયારથી ગુજરાત સકારે શાળામાં આરોગ્ય પરીક્ષણ શરુ કર્યું ત્યારથી નાના બાળકોમાં તેમ જ કિશોરોમાં પણ આંખોની એક અથવા બીજી સમસ્યા ધ્યાનમાં આવી છે. છેલ્લા દાયકામાં બાળકો-કિશોરોનો Screen Time વધ્યો છે. મોબાઈલ તેમ જ Computer નો ઉપયોગ વધતા તેમ થયું સ્વાભાવિક છે. તેના કારણે પણ વાંચવાના ચશ્મા પ્રમાણમાં નાની ઉંમરથી આવી જાય છે. આંખના રોગની સારવાર માટેની સભાનતા વિકસિત દેશોમાં વિશેષ હતી. પશ્ચિમના દેશોમાં તેમણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો તથા વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવી. લુઇ બ્રેઇલ ત્રણ વર્ષની ઉંમરે અંધ થયા. ત્યાર બાદ શિષ્યવૃત્તિ મેળવીને તેઓ ફ્રાંસની રોયલ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયા અને અનેક પ્રકારની હુન્નરકળા શીખીને બ્રેઇલ લિપિની શોધ કરી જે આજે પણ વિશ્વભરના લોકો માટે કલ્યાણકારી પુરવાર થઇ છે. જાડા કાગળ ઉપર ઉપસાવેલી ટપકાની વિવિધતા તથા સમૂહ રચનાથી બનતી સ્પેશિયલ લિપિને બ્રેઇલ લિપિ કહે છે. અંધવ્યક્તિ પોતાની આંગળીના ટેરવાના આધારે મૂળાક્ષરની ભાષા સમજી શકે છે. વિશ્વ વિખ્યાત અમેરિકન લેખિકા અને કર્મશીલ હેલન કેલરે તેનો ઉપયોગ કરીને મોટી સેવા કરી. હેલન કેલરની પહેલા પણ ગુજરાતમાં નીલકંઠરાયે આ ક્ષેત્રમાં સેવા આપી હતી. તેમની છત્રપતિ અટક ગાયકવાડે તેના પૂર્વજોને આપેલા સન્માન ઉપરથી થઇ હતી. નીલકંઠરાય અમદાવાદમાં જન્મ્યા હતા. બ્રિટિશ શાસન અને તેના કેટલાક અધિકારીઓ હિન્દુસ્તાનના વિકાસ માટે પ્રગતિશીલ દ્રષ્ટિકોણ ધરાવતા હતા. ૧૮૫૭માં મુંબઈ, કલકત્તા અને મદ્રાસમાં યુનિવર્સીટીઓની સ્થાપના તેમણે કરી હતી. આથી મુંબઈ યુનિવર્સીટીની મેટ્રિકની ડિગ્રી લીધા બાદ નીલકંઠરાય ગ્રાન્ડ મેડિકલ કોલેજમાં દાખલ થયા અને ૧૮૭૮માં મેડિસિન એન્ડ સર્જરીની ડિગ્રી પ્રાપ્ત કરી. ૧૮૮૦થી તેમણે અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં પોતાની તબીબી પ્રેક્ટિસ શરુ કરી. બીજે મેડિકલ કોલેજમાં અધ્યાપન કાર્ય પણ કર્યું. ડો. અશોક ઠાકરે ડો. નીલકંઠરાય છત્રપતિ ઉપર એક સુંદર પુસ્તિકા પણ પ્રગટ કરી છે. ડો. નીલકંઠરાયનું સૌથી મહત્વનું કાર્ય તે વૈજ્ઞાનિક પદ્ધતિની મદદથી અંધજનોની સેવા છે. ૧૭૫ વર્ષ પહેલા ઉદાર હાથે સખાવત કરીને શિક્ષણ તેમ જ આરોગ્યના ક્ષેત્રમાં કામ કરનાર અમદાવાદના હરકોર શેઠાણીને યાદ કરવા જોઈએ. હરકોર શેઠાણી નામના ધનિક તથા પ્રગતિશીલ મહિલાએ ૧૮૫૦માં કન્યાશાળાની સ્થાપના કરી. ૧૮૫૬માં તેમણે સિવિલ હોસ્પિટલની સ્થાપના કરી. શરૂઆતમાં ત્યાં આંખના દર્દીઓની સારવાર શરુ થઇ. આંખના દર્દીઓ માટે આ બાબત એક મોટી રાહતનો વિષય હતો. આંખની સારવાર માટેના સ્થળો ગુજરાતમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા ઓછા હતા. આ માટે સૌપ્રથમ બ્રિટિશ ડોક્ટર વાયલીએ સેવાઓ આપી. અમદાવાદના શેઠિયાઓ અને સમાજ સુધારકોએ મેડિકલ વિજ્ઞાનનું મહત્વ સમજીને ૧૮૭૧માં નાના પાયા પર મેડિકલ સ્કૂલ શરુ કરી. ૧૮૧૯માં એક ખ્રિસ્તી પરિવાર જીજીભાઈનું વિસ હજાર રૂપિયાનું દાન પ્રાપ્ત થતા મેડિકલ કોલેજ શરુ કરી. તેનું બીજે મેડિકલ સ્કૂલ નામ આપવામાં આવ્યું. ડો. છત્રપતિ તેમાં એનોટોમી અને ફિઝિયોલોજીના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા અને મોતિયો ઉતારવા માટે નિષ્ણાત ગણાતા હતા. પોતે અંધ થયા પછી પશ્ચિમના અનેક નિષ્ણાત ડોક્ટર પાસે તેમણે માહિતી મેળવી અને ઇંદ્રિયોની સમસ્યા વિશે સમજ્યા અને તેના નિરાકરણ માટે પણ પ્રયાસ કર્યા. આ બાબત લોકો સુધી પહોંચાડવા માટે બુદ્ધિ પ્રકાશમાં લેખો લખવા પણ શરુ કર્યા. તેમણે કહ્યું કે શેઠિયાઓ જે દાન આપે છે તે મોટા ભાગે મંદિર બાંધવા માટે આપે છે પરંતુ તેમણે હુન્નર શાળા બાંધવા માટે દાન આપવું જોઈએ જેમાં આ પ્રકારના આંધળા અને બહેરા તથા અપંગ લોકોને રોજગારી માટેની વ્યવસ્થા કરી શકાય. ડો. છત્રપતીએ બ્રેઇલ લિપિનો સંપૂર્ણ અભ્યાસ કરી તેના આધારે ગુજરાતી તથા દેવનાગરી લિપિ આધારિત શૈલી ગુજરાતી, હિન્દી અને મરાઠી ત્રણે ભાષા સમજતા લોકોને ઉપયોગી થાય તેવી વિકસાવી હતી. તે માટે આપણે ડો. નીલકંઠરાયના ઋણી છીએ. તે વખતે જેનું ચલણ હતું તેવા સામાયિક ‘બુદ્ધિપ્રકાશ’માં તેમણે ‘અંદ્યશિક્ષણ: હિંદના બ્રેઇલ અક્ષર’ નામનો અભ્યાસુ લેખ પ્રકાશિત કર્યો. ગુજરાતી ભાષામાં બ્રેઇલ લિપિ વિશેનું આ પ્રથમ લખાણ હતું. મુંબઈમાં બ્લાઇન્ડ રિલીફ ઓપરેશન્સની પણ તેમણે સ્થાપના કરી હતી. ગુજરાતી ભાષામાં બ્રેઇલ લિપિ વિશે લખનાર સૌપ્રથમ ડો. નીલકંઠરાય છત્રપતિ હતા. તેમની ખ્યાતિ સમગ્ર મુંબઈમાં હતી. તેઓ ૧૯૦૨માં મુંબઈમાં વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ શરુ થઇ ત્યારે તેના તરીકે કામ કરી વર્ષો સુધી સેવા આપી. ડો નીલકંઠરાયનું અવસાન સપ્ટેમ્બર ૧૯૨૨માં થયું. ડો. છત્રપતિની ખ્યાતિ તેમણે આપેલી અમૂલ્ય સેવાઓને કારણે વિસ્તરી હતી. તેમનું સંઘર્ષ તથા સેવામય જીવન પ્રેરણાદાયી છે.
વસંત ગઢવી
તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૫
Leave a comment