સતત વિચરણ કરતા રહેવું એ કદાચ માનવી માત્રને મળેલી કુદરતી પ્રેરણા છે. માનવને મળેલા અમૂલ્ય આશીર્વાદ છે તથા શક્તિ પણ છે. જીવનની ગતિ એ જ જીવનમાં સ્થિરતા લાવે છે. જે લોકો ગતિ કરતા નથી તેવા લોકો જીવનમાં પ્રગતિ પણ કરી શકતા નથી. ‘ચરૈવેતિ-ચરૈવેતિ’ એ શાસ્ત્રોની વાત યુગોથી માનવીના મનમાં ઉતરી છે. સ્થિર થઇ છે. આકાશના વિશાળ ચંદરવા નીચે સતત વિહાર કરતા મનુષ્યો સતત વિકસતા રહ્યા છે. તેઓ ખરા કર્મવાદી છે. કર્મના બળે તેઓ જીવનના અજાણ્યા તથા આકરા માર્ગો પણ ઓળંગી જાય છે. આ કર્મવાદીઓને આળસ કરવાનું ક્યાં પાલવે છે? કવિ દુલા ભાયા કાગે લખ્યું છે:
આભના થાંભલાં રોજ ઉભા રહે,
વાયુનો વીંઝણો રોજ હાલે.
ઉદયને અસ્તના દોરડા ઉપરે
નટ બની રોજ રવિરાજ મહાલે.
ભાગતી ભાગતી પડી જતી પડી જતી
રાત નવ સૂર્યને હાથ આવે
કર્મવાદી બધા કર્મ કરતા રહે
એયને ઊંઘવું કેમ ફાવે?
આપણે જયારે ગુજરાત તથા ગુજરાતીઓના સંદર્ભમાં વાત કરીએ ત્યારે તેમને વિશ્વ-પ્રવાસીઓ કે વિશ્વ નિવાસીઓ તરીકેની ઓળખ મળેલી છે. તેમાં તથ્ય પણ છે. પરંતુ આમ જુઓ તો સ્મૃતિમાં હોય તેનાથી યે પૂર્વકાળથી મનુષ્યોનું વિવિધ કારણોસર સ્થળાંતર થતું રહ્યું છે. આવું સ્થળાંતર કેટલીક વખત સ્થાનિક માહોલને કારણે થતી અકળામણને કારણે થાય છે. કંઈક નવું પામવાની કે મેળવવાની મહેચ્છાથી પણ નિરંતર સ્થળાંતર થતા રહે છે. પોતાની રાજ્યસત્તાનો વિસ્તાર ફેલાવવા થતાં આક્રમણો પણ કેટલીક વખત લાંબાગાળાના સ્થળાંતરમાં પરિણમે છે. સ્થળાંતરથી જગતમાં અનેક પ્રદેશોનું શોષણ થયું છે. બીજી તરફ જે તે સ્થળના વિકાસમાં પણ આવી માનવ હેરફેર કારણભૂત બની છે. ઓસ્ટ્રેલિયાનું નામ આજે વિશ્વમાં મહત્વના સ્થાને રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓએ બહારથી આવતા અનેક જૂથ જોયા છે. તેમને સ્થાયી થતા પણ જોયા છે. આ બધા જૂથોમાં સ્વાભાવિક રીતે જ ભારત તેમ જ ગુજરાતનો સમાવેશ થાય છે. ગુજરાત માટે તો આજે ઓસ્ટ્રેલિયા એ ઇંગ્લેન્ડ તથા USA ને સમાંતર ઘરેલુ નામ બન્યું છે. ગુજરાતીઓના ઓસ્ટ્રેલિયાના આવાગમનની અસર સર્વત્ર જોવા મળે છે. આથી જ થોડા વર્ષો પહેલા સિંગાપોરથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં એક સુખદ આશ્ચર્ય થયું. ફ્લાઈટમાં તો સ્વાભાવિક રીતે જ મોટા ભાગના ગુજરાતીઓ હતા. કારણે કે ફ્લાઇટ અમદાવાદ જતી હતી. પરંતુ જયારે એરક્રાફ્ટની Public Address System પરથી કહેવામાં આવ્યું કે “આપનું આ ફલાઇટમાં સ્વાગત છે.” ત્યારે અમદાવાદ આવતા પહેલા જ ગુર્જર ભૂમિની નાની લહેરખી સ્પર્શી ગઈ હોય તેવો મીઠો અનુભવ થયો.
વિશ્વના વિવિધ દેશો માટે પણ સ્થળાંતર કરવાની બાબત જાણીતી છે. આ બાબત ઘણી પ્રાચીન પણ છે. ચીની પ્રવાસીઓ હુઆન સંગ, ફાહિયાન કે ઈતસિંગની નોંધો આ બાબતનું એક મહત્વનું ઉદાહરણ છે. એ વાતનો અંદાજ આવે છે કે ઇસવીસનની ચોથી કે પાંચમી સદીમાં આપણે ત્યાં બૃહદ ભારતમાં તક્ષશિલા તેમ જ નાલંદા વિદ્યાપીઠો ચાલતી હતી. તેમાં પણ દેશ ઉપરાંત વિદેશના અનેક વિદ્યાર્થીઓ આવતા હતા. જયારે પ્રવાસ કરવો દુષ્કર હતો ત્યારે પણ તેઓ લાંબા કે ટૂંકાગાળાના સ્થળાંતરો કરતા હતા. ઇતિહાસ ઘડતરની પ્રક્રિયાનો આ એક મહત્વનો ભાગ હતો. આ રીતે જ આફ્રિકાના વિવિધ ભાગોમાં હિન્દુસ્તાનના અનેક લોકો મુખ્યત્વે રોજી-રોટી રળવા જતા હતા. આફ્રિકાના વાણિજ્યના વિકાસમાં પણ તેમનો હિસ્સો રહ્યો છે. તદઉપરાંત મુખ્યત્વે ત્યાં મજૂરોની જરૂરિયાત હતી તે ધ્યાનમાં લઈને અનેક હિન્દી લોકો મજૂરી માટે જતા હતા. તેઓ કુલી તરીકે તેમ જ કોન્ટ્રાક્ટરથી ગયેલા હોવાથી ગિરમીટિયા ગણાતા હતા. ઓસ્ટ્રેલિયામાં પણ ઔદ્યોગિક ક્રાંતિના શરૂઆતના વર્ષોમાં ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ તથા આર્યલેન્ડથી અમુક લોકોને આર્થિક રોજી રોટી મળી રહે તેવા કારણોસર ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હતા. જે વિગતોનો ઉલ્લેખ બહેન જેલમે તેના લખાણમાં કર્યો છે. આ રીતે જોઈએ તો જગતના તમામ દેશો-પ્રદેશો વચ્ચે અનાયાસે જ વહેતી માનવ વણઝાર એક હકીકત છે. આપણા સમગ્ર વૈશ્વિક ઉત્થાનના એક સહજ ભાગ જેવી આ વાત લાગે છે.
ઇતિહાસ તરફ દ્રષ્ટિકોણ કરીએ તો અલગ અલગ પ્રદેશો હોય કે સંજોગો હોય પણ એ સર્વેમાં મનુષ્યનું વલણ લગભગ સમાન હોય છે. અમેરિકા જેવા વિશાળકાય દેશમાં પણ ગોરા લોકોનો પ્રવેશ થયો ત્યારે ત્યાંના સ્થાનિક લોકો સાથે તેમનો સંઘર્ષ થયો. મોટા ભાગે આવા સંઘર્ષો વધુ મેળવવાની ભૂખ (Greed )માંથી ઉભા થાય છે. બહારથી આવનારા લોકોને નવા પ્રદેશમાં લોકો અને કુદરતી સંશાધનો પર કબ્જો કરવાની નેમ હોય છે. સ્થાનિક લોકો અથવા આદિમ જૂથો આવા સત્તા પરસ્ત વલણનો ભોગ બને છે. નવા લોકો નવા રોગ લઈને પણ આવે છે. તેનો ભોગ નછૂટકે સ્થાનિકો બને છે. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ઓસ્ટ્રેલિયામાં પણ આવું જ થયું. ઓસ્ટેલિયાના મૂળ રહેવાસીઓ અણધાર્યા તથા અજાણ્યા રોગચાળાનો ભોગ બનવા લાગ્યા. પોતાની જ માતૃભૂમિમાં રહેવું તે તેમના માટે સંતાપમય થઇ ગયું. તેઓ ભાગીને શહેરો તરફ તો ગયા પરંતુ મજૂરી કામ મેળવવા માટે તેઓ આશ્રિત જેવા થઇ ગયા. માનવજીવનની આ કરુણતા છે. ભૂખના દુઃખને કારણે સંઘર્ષની શરૂઆત થાય છે. પરંતુ આ લડાઈ અસમાન પક્ષો વચ્ચેની છે. એકલ દોકલ કે છુટા છવાયા જૂથો શસ્ત્રબધ્ધ તથા કેળવાયેલા લડવૈયાઓના જૂથ સામે સશસ્ત્ર સંઘર્ષમાં ટકી શકતા નથી. કેટલાયે આદિમ જૂથો કે જે તે પ્રદેશના મૂળનિવાસીઓ તથા તેમની બોલી બંને ક્રમશઃ નામશેષ થતા જાય છે. ‘જીવો જીવસ્ય જીવનમ’ જેવી આ કડવી વાસ્તવિકતા છે. આ બધી હકીકતો પણ આ પુસ્તકના માધ્યમથી ફરી પ્રકાશમાં આવે છે. જયારે લોકોને જાગૃત કરીને કોઈ પ્રતિભાશાળી આગેવાન અન્યાય સામે સંઘર્ષ માટે દોરવાની આપે ત્યારે પરિસ્થિતિ વળાંક લે છે. અહીં સ્મૃતિમાં એ વાત સહેજે આવે કે ગાંધીજીએ સમગ્ર દેશને જાગૃત કર્યો ત્યારે જ બ્રિટિશ સત્તાધીશોએ સ્થિતિ નિયંત્રણમાં રહે તેવી લાગી નહિ. અહીં પણ બહોળા શસ્ત્રો તથા તાલીમબદ્ધ સૈનિકો સામે ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓને ભોગવવાનું જ આવે છે. આવા સંજોગોમાં શારીરિક શોષણનો પણ ક્રમ ચાલતો રહે છે. અંતે જો કે વિશ્વના અન્ય ભાગોમાં બને છે તેમ અહીં પણ મૂળ નિવાસીઓએ સંઘર્ષ કર્યો. સંઘર્ષમાં અનેક વિરગાથાઓ હોય છે. જેલમબહેનના લખાણમાં તેવી વીરતાની વાતો પર સારો એવો પ્રકાશ પાડવામાં આવ્યો છે. સરવાળે તો ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓ સાથે જ ઇંગ્લેન્ડના લોકો રહેતા થયા. આ સમગ્ર પ્રક્રિયા સરળ ન હતી. હોઈ શકે પણ નહિ. અનેક ચઢાવ તથા ઉતાર પછી ૧૯મી સદીમાં સ્થિતિ થાળે પડી હોય તેમ લાગવા માંડ્યું. ઓસ્ટ્રેલિયા દેશનું એક સમવાય માળખું વીસમી સદીના પ્રારંભે થયું જે લોકો સત્તામાં રહે તે લોકો પોતાની સામે કોઈ પડકાર ઉભો ન થાય તે માટે સાવચેત રહે છે. બીજા લોકો તેમનાથી હંમેશા ઉતરતા ક્રમે રહે તેવી પણ તેમની પાક્કી ગણતરી હોય છે. અહીં પણ આ સ્થિતિનું જ નિર્માણ અંગ્રેજોએ કર્યું. શ્વેત રંગનો દબદબો ચાલુ જ રહ્યો. આ બધું હોવા છતાં કાળદેવતાનો ક્રમ કોઈ કાળા માથાના માનવી નિર્ધારી શકતા નથી. ‘વ્હાઇટ ઓસ્ટ્રેલિયાનું’ સ્વપ્ન હતું તેમાં દેશની જરૂરિયાતના કારણે સ્કિલ માઈગ્રેશનનું મહત્વ મને-કમને સ્વીકારવાની શરૂઆત થઇ. આ સમગ્ર પ્રક્રિયા આજના ઓસ્ટ્રેલિયાને સમજવામાં ઉપયોગી થાય તેવી છે. બહેન જેલમના રસપ્રદ આલેખનને કારણે આ સમગ્ર કથા ભાતીગળ તથા રોચક બની છે.
ઓસ્ટ્રેલિયામાં જે સાંપ્રત સ્થિતિ છે તે ક્રમશઃ વિકસી છે જેનો અંદાજ જેલમના આલેખનમાંથી મળે છે. આપણાં દેશ સાથેનો પણ એક વિશિષ્ટ સંબંધ ઓસ્ટ્રેલિયા સાથે છે. ભારતીયો સાથેનો તેમનો નાતો અંદાજે ચાર હાજર વર્ષ જૂનો છે તેમ માનવામાં આવે છે. ‘વ્હાઇટ ઓન્લી પોલિસી’ નબળી પડતા ભારત સહિતના અન્ય દેશના લોકો ઓસ્ટ્રેલિયા તરફ મોટી સંખ્યામાં આવવાના શરુ થયા. લગભગ ૧૯૫૯થી ગુજરાતીઓએ ઓસ્ટ્રેલિયા પ્રવેશની શરૂઆત કરી અને આજે તે દેશમાં જવાની કે રહેવાની વાત જાણે કે ગુજરાતીઓ માટે સહજ અને સરળ બની છે. કચ્છ તથા બનાસકાંઠાના અનેક લોકો મુંબઈમાં વસીને સમૃદ્ધ થયા. એ જ રીતે કચ્છીઓએ આફ્રિકામાં પોતાનું વર્ચસ્વ ઉભું કર્યું. આ રીતે જ આધુનિક ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓની બહોળી ઉપસ્થિતિ આજે તો ઉડીને આંખે વળગે તેવી છે. શરૂઆતના વર્ષોમાં ગયેલા ગુજરાતના લોકોએ જે ઓસ્ટ્રેલિયા જોયું હતું તે આજના વિકસિત ઓસ્ટ્રેલિયા જેવું ન હતું. કેટલીક મૂળભૂત સુવિધાઓનો પણ ત્યાં અભાવ હતો. આ બધાની વચ્ચે પણ ત્યાંના રહેવાસીઓનો મૈત્રીભાવ ઉષ્માપૂર્ણ હતો તે વાતની સગર્વ નોંધ લેવી જોઈએ. આ બાબતની સાથે સાથે ગુજરાતીઓની adaptability ને પણ વખાણવી જોઈએ. આ સંદર્ભમાં સેંકડો વર્ષ પહેલા ગુજરાતમાં પારસીઓ આવ્યા તેનો ઉલ્લેખ કરવો ગમે છે. દૂધમાં સાકર ભળે તેમ પારસીઓ આપણામાં ભળી ગયા. આપણાં થઈને રહ્યા. આ રીતે જ ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયાના વિકાસની ગાથામાં પણ ભાગીદાર બનવા લાગ્યા. બંને પક્ષો માટે આ win win situation હતી. આજે વિશ્વના કેટલાક ભાગોમાં અને વિશેષ કરીને યુરોપના બહારથી સ્થળાંતર કરીને આવતા લોકોના કારણે કેટલાક પ્રશ્નો ઉભા થયા છે. વિશ્વ માટે આ ચિંતાનો વિષય પણ છે. તેની સામે ગુજરાતીઓ-ભારતીયોના ઓસ્ટ્રેલિયા નિવાસને વિશેષ મૈત્રીપૂર્ણ ગણવો જોઈએ. નવા દેશમાં વસવાટ કર્યા પછી પણ મૂળ સાથેનો સંબંધ જાળવી રાખવાના અનેક નોંધપાત્ર પ્રયાસ થયા. Indian Australian Cultural Society એ આવો જ એક સુંદર ઉપક્રમ છે. હિન્દી ફિલ્મો જોયા સિવાય તો કેમ ચાલે? આથી તે માટેની વ્યવસ્થા પણ ભારતીયોએ કરી. આવો ઉપક્રમ શરુ કર્યા પછી ‘કટી પતંગ’ નામની જાણીતી ફિલ્મથી શરૂઆત થઇ. આ વાત પણ એકદમ પ્રતીકાત્મક લાગે છે. વતન ઝુરાપો એ માનવીના મનમાં રહેલી એક અમૂર્ત ભાવના છે. જયારે આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે તે પ્રગટી જાય છે. દેશની-વતનની કંઈ કેટલી વાતો યાદ આવતી હશે? કાબુલીવાલા તો સ્મૃતિમાં આવે જ પરંતુ જગજીસિંહ-ચિત્રાસિંહના મીઠા સૂરોમાં ગવાયેલી આ પંક્તિઓ પણ યાદ આવે:
હમ તો હૈ પરદેશ મેં
દેશ મેં નિકલા હોગા ચાંદ.
અપની રાત કે છત પે
કિતના તન્હા હોગા ચાંદ
આપણાં કેટકેટલા લોકોએ ઓસ્ટ્રેલિયામાં રહીને તે દેશના લોકો માટે નાની મોટી પ્રવૃતિઓ કરી છે તે વાત આશ્ચર્ય તથા ગૌરવ થાય તેવી છે. જે ધરતીમાં આપણાં દાણા-પાણી લખાયા હોય તેનું સ્થાન આપણાં દિલમાં રહે તે સ્વાભાવિક છે અને આમ પણ દેશ-દેશ વચ્ચેના આ સીમાડા તો આપણી દ્રષ્ટિ મર્યાદાને કારણે ઉભા થયેલા છે. બાકી તો સમગ્ર સજીવ સૃષ્ટિ એ કુદરતના વિશાળ કેનવાસ પર શોભાયમાન છે. કવિ બાલમુકુન્દ દવે યાદ આવે :
આપણે તે દેશ કેવા?
આપણે વિદેશ કેવા?
આપણે પ્રવાસી પારાવારના.
આ સંદર્ભમાં વાત કરીએ તો પ્રવીણભાઈ ઘેલાણી જેવા Self Made વ્યક્તિ અંતિમ વિદાય થઇ હોય તેવા લોકોના કુટુંબ જોડે દરેક કામમાં ખભેખભા મિલાવીને ઉભા રહે છે. વિદેશની ધરતી પર આથી મોટો સધિયારો બીજો કયો હોઈ શકે? અલ્લાદીન રહેમતુલ્લા જેવા ગ્રંથપાલે મહત્વના પ્રકાશનો પણ કર્યા. તેમનું આ નિમિત્તે સન્માન પણ થયું. દર્શક મહેતાએ રમતગમતના ક્ષેત્રમાં બહારથી આવેલા અનેક વિદ્યાર્થીઓને મદદરૂપ થયા. ઈશ્વર દેસાઈએ દિવ્યાંગ લોકો માટે નિસ્વાર્થ ભાવે મોટું કામ કર્યું. ગુજરાતી ભાષા સાથેનો બાળકોનો સંબંધ અંકબંધ રહે તે માટે પણ કેટકેટલું કામ થાય છે. કેટલીક ધાર્મિક સંસ્થાઓ પણ આવું કામ નિયમિત રીતે કરે છે. તહેવારોની ઉજવણી પણ આવી સંસ્થાઓના માધ્યમથી મોટા પાયે થાય છે. દેશની સંસ્કૃતિ-પરંપરા સાથે તેમનો સંબંધ લીલોછમ્મ રહ્યો છે. આ વાત સામાન્ય નથી. મોટા ભાગના આપણાં લોકોએ અહીં આવીને સામાન્ય કામથી કારકિર્દીની નાની શરૂઆત કરી હતી. હૈયાની હામ અને બાવડાના બળે તેઓએ અજાણી-અદીઠી ધરતી પર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. આ માટે આ બધાએ સંકુચિતતા છોડીને વિશાળ તથા ઉદાર દ્રષ્ટિ અપનાવી છે. બહેન જેલમે આવી ઘટનાઓનું આલેખન કરીને સમગ્ર કથનને વિશેષ જીવંત કર્યું છે.
ટૂંકા કે લાંબા ગાળાનું સ્થળાંતર એ વિશ્વભરમાં નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આપણા દેશના લોકોને આ વાત વધારે તીવ્રતાથી તથા વેદનાથી સમજવાનું થયું છે. એ વેદના સહન કરનાર પેઢીઓ તો ગઈ પરંતુ દેશના વિભાજનની વ્યથા મુખ્યત્વે મોટા પાયે થયેલા સ્થળાંતરથી ઉભી થઇ હતી. સાંપ્રત સમયમાં પણ નાના-મોટા સંઘર્ષો સતત ચાલતા રહે છે. દેશ-દેશ વચ્ચેના આ સંઘર્ષ અનેક સામાન્ય લોકોના જીવન ખારા ઝેર જેવા બનાવે છે. તેઓ વખાના માર્યા એક સ્થળેથી બીજા સ્થળે પોતાના મુકામ બદલાતા રહે છે. આવા દુઃસ્વપ્ન સમાન અનુભવો વચ્ચે સ્થળાંતરની ઉજળી બાજુનું દર્શન એ ઓસ્ટ્રેલિયાની જેલમે લખેલી કથામાં જોવા મળે છે. કાળા વાદળોમાં પણ રૂપેરી છાંય જેવું આ સોહામણું ચિત્ર છે. તેમાં જાતિઓની કે પેઢીઓની વ્યથા તો છે જ. સંઘર્ષ તથા શોષણના બિહામણાં ચિત્રો પણ છે. આ બધા વચ્ચે ‘વો સુબહ કભી તો આયેગી’ વાળી પંક્તિ પ્રમાણે અહીં ઉષાની લાલિમાનું મંગલ દર્શન પણ થાય છે.
આવા સુદીર્ઘ ઇતિહાસનું આલેખન ઘણીવાર શુષ્ક બની જતું હોય છે. આપણો એ અનુભવ રહ્યો કે મોરબીમાં ૧૯૭૯માં થયેલી ડેમમાં ભંગાણ પડવાની દુર્ઘટનાએ મોટાપાયે વિનાશ કર્યો. તે પછી મોરબીમાં પુનઃવસન માટે પણ એક અસાધારણ કહી શકાય તેવો પ્રયાસ થયો. સરકારી દસ્તાવેજોમાં તેનો કડીબદ્ધ ઇતિહાસ મળે છે. પરંતુ હાર્વર્ડ યુનિવર્સીટીના ઉત્પલ સાંડેસરા અને ટોમ વુટને લખેલી વિગતો એક રસપ્રદ દસ્તાવેજ સમાન બની છે. (No one had a tongue to speak ) અહીં પણ જેલમના પ્રવાહી લખાણોમાં કયાંયે શુષ્ક્તા દેખાતી નથી. કથનના કે ઘટનાના સારાસારનું વિવેકભાન રાખીને કહેવાયેલી આ કથા મારા જેવા અનેક ભાવકોને નિરાશ નહિ કરે તેની મને ઠોસ પ્રતીતિ છે. ‘લે મિઝરેબલ’ નો કથાસાર કહો તો ગમે તેવી રુક્ષતા વચ્ચે પણ માનવતાના ઝરણા વહેતા રહે છે. તેની અહીં પુનઃઅનુભુતી થાય છે. બહારથી આવેલા લોકોને સહેજે મદદરૂપ થવાની ભાવના અહીંના મૂળ નિવાસીઓ બતાવે છે તે માનવજાતમાં આપણી શ્રદ્ધાને પુનઃમજબૂત કરે છે. ‘બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી સાગર મોઝારે ઝુકાવનારા’ આપણા અનેક ભારતીયોને રંગ દેવાનું મન આ લેખોમાંથી પસાર થતાં થાય તો તે સ્વાભાવિક છે.
આવું રસપ્રદ કથાનક માત્ર ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થનાર લોકો માટે નથી. આપણાં સૌ યુવાનો સુધી ઇતિહાસનો આ ઉજળો ભાગ પહોંચે તો તેમના વ્યક્તિત્વ ઘડતરમાં જરૂર મદદરૂપ થશે. આપણી માતૃભાષા સાથે જોડાયેલા આપણા ઓસ્ટ્રેલિયાના મિત્રો માટે તો આ લખાણ હર્યા ભર્યા રસથાળ સમાન બની રહેશે. ‘ફાર્બસ ગુજરાતી સભા’ની તો પોતાની જ અનોખી પ્રતિષ્ઠા છે. તેઓ આવા ઉત્તમ લેખો પ્રકાશિત કરે તે તેમની ઉજ્વળ યાત્રાનો એક અભિન્ન ભાગ છે. તેના પરથી પુસ્તક પ્રકાશનનો નિર્ણય આવકાર તેમ જ અભિનંદનને પાત્ર છે. જેલમ સાથે વ્યક્તિગત રીતે કેટલીક જૂની સુખદ સ્મૃતિઓ સંકળાયેલી છે. જેલમ વિશે વાત કરતાં જ તરલાબહેન હાથી અને ભુજના ગૌરવ સમાન માતૃછાયા વિદ્યાલયની મીઠી સ્મૃતિ થાય. જેનું ઘડતર આવા સમર્પિત વ્યક્તિઓ કે સંસ્થાના માધ્યમથી થયું હોય તેવા જ લોકો જેલમ જેવું આંખને ઠારે તેવું કામ કરી શકે. સાંઈ મકરંદ દવેના શબ્દો યાદ આવે છે. જેલમને રંગ દેવા માટે આ શબ્દો ઉચિત લાગે છે:
તારા આનંદના દીવાથી
ચેતવે તું કોઈના આનંદનો દીવો,
ઓ રે ! ઓ ! બંધવા (કે બહેના)
ઝાઝી ખમાયું તને, ઝાઝી વધાયું તને,
જીવો ભાઈ ! જીવો.
વસંત ગઢવી
તા. ૮ ઓગસ્ટ ૨૦૨૫
ગાંધીનગર
Leave a comment