:બોરસદસત્યાગ્રહનીશતાબ્દીવંદના:

            દેશને અંગ્રેજોની સત્તામાંથી મુક્ત કરવા માટે થયેલા ત્રણ સફળ સત્યાગ્રહો એ આપણી ઉજળી તથા ઐતિહાસિક સ્મૃતિ છે. આ ત્રણ સત્યાગ્રહ ગુજરાતની ભૂમિ પર થયા તેથી તેનું આપણાં માટે વિશેષ મહત્વ છે. નવજીવન ટ્રસ્ટ તરફથી એક સારી પહેલ કરવામાં આવી. આ ત્રણેય સત્યાગ્રહો પર અલગ અલગ વ્યાખ્યાનોનું આયોજન ૨૦૨૫માં કરવામાં આવ્યું. અનેક યુવાનો સુધી આપણાં આ સંઘર્ષના ઉજળા ઇતિહાસને લઇ જવાનો આ એક સ્તુત્ય પ્રયાસ હતો. આ ત્રણ સત્યાગ્રહોમાં ખેડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ તેમ જ બારડોલી સત્યાગ્રહનો સમાવેશ થાય છે. ખેડા સત્યાગ્રહની દોરવણી જો કે સ્વયં મહાત્મા ગાંધીએ આપી હતી એ હકીકત છે. પરંતુ તેને સફળતાપૂર્વક ભૂમિગત કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો ફાળો મહત્વનો હતો. બોરસદ સત્યાગ્રહ તો સંપૂર્ણ પણે સરદાર સાહેબના નેતૃત્વમાં થયો હતો. બોરસદ સત્યાગ્રહનું મંડાણ કરવાનો નિર્ણય પણ વલ્લભભાઈનો હતો. ગાંધીજી તે સમયે જેલમાં હતા. પુરા દેશમાં જેનો પ્રભાવ ઉભો થયો તે બારડોલી સત્યાગ્રહ પણ વલ્લભભાઈના નેતૃત્વમાં થયો અને વલ્લભભાઈ પટેલ દેશના વિશાળ ફલક ઉપર ‘સરદાર’ તરીકે પ્રસ્થાપિત થયા. લાંબા વિચારના અંતે વલ્લભભાઈએ ગાંધીજી સાથે રહીને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવાનું નક્કી કર્યું. અમદાવાદના એક સફળ બેરિસ્ટર મહાત્મા ગાંધીના જમણા હાથ સમાન બન્યા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીના અનેક આયોજન તેમણે સંભાળ્યા તથા લક્ષાંક પ્રમાણે સફળ કર્યા. દેશને સ્વતંત્રતા મળી ત્યારબાદ પણ મહાત્મા ગાંધીના આદર્શોના પગલે ચાલીને મજબૂત ભારતનું નિર્માણ કર્યું. હરિવંશરાય બચ્ચને સરદાર સાહેબ માટે લખેલા શબ્દો સંપૂર્ણ રીતે સરદાર પટેલની ઉજળી છબીને ઉજાગર કરે છે. કવિ હરિવંશરાય લખે છે:

યહી પ્રસિદ્ધ લોહકા

પુરુષ પ્રબલ, યહી પ્રસિદ્ધ

શક્તિ કી શીલા અટલ,

હિલા ઇસે સકા કભી ન

શત્રુ દલ, પટેલ પર સ્વદેશ કો

ગુમાન હૈ. પટેલ દેશ કા

નિગેહબાન હૈ.

              બોરસદ સત્યાગ્રહની અનેક નાની મોટી ઘટનાઓ મણિબહેન પટેલે  કાળજીપૂર્વક નોંધી છે. મણિબહેન લખે છે: “બોરસદના સત્યાગ્રહ પછી બાપુને સૌ ગુજરાતના સૂબા તરીકે ઓળખવા લાગ્યા” મણિબહેન પટેલના આ વિધાનથી બોરસદ સત્યાગ્રહની સફળતા તેમ જ મહત્વ બાબત વિશેષ સ્પષ્ટતા થાય છે. 2024ના વર્ષમાં બોરસદ સત્યાગ્રહની શતાબ્દી વંદના અનેક લોકોએ કરી હશે. બોરસદ સત્યાગ્રહ શરુ કરવા પાછળ પણ ઘણાં મહત્વના તેમ જ રસપ્રદ કારણો હતા. સરકાર પોતાને કરવાના કાર્ય માટે ગરીબ જનતા પર કરનો બોઝ નાખે તે પ્રથમ દ્રષ્ટિએ જ અન્યાયી તથા અતાર્કિક વાત હતી. પ્રશ્ન કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગેનો હતો. બોરસદ તાલુકામાં બહારવટિયાનો ત્રાસ હતો. આ બાબતમાં બ્રિટિશ સરકારના અધિકારીઓ માનતા હતા કે સ્થાનિક લોકો બહારવટિયાઓને છાવરે છે અને તેને કારણે બહારવટિયાઓને આશરો મળે છે. ઉત્તેજન પણ મળે છે. જો કે આ એક ધારણા હતી. બ્રિટિશ સરકારના તંત્ર પાસે તે માટેના કોઈ ચોક્કસ આધાર કે પુરાવા ન હતા. બહારવટિયાને નિયંત્રણમાં લેવાની જવાબદારી સ્વાભાવિક રીતે જ સરકારની હતી. તેમ છતાં આ વ્યવસ્થાનો ભાર તેમણે લોકો ઉપર નાખવાની કોશિષ કરી. બહારવટિયાઓને અંકુશમાં લેવા માટે વધારાની પોલીસ ગામડાઓમાં મુકવાનું સરકારના અધિકારીઓએ નક્કી કર્યું. વધારાની પોલીસના પગાર વગેરેનો જે ખર્ચ થાય તે આ ગામડાઓના લોકો પાસેથી વસુલ કરવાનો સરકારે એકતરફી નિર્ણય કર્યો આ બંને નિર્ણયથી ભારે નારાજગી થઇ. એક તો બહારવટિયાઓને આશ્રય આપવાનો જે આરોપ લોકો ઉપર હતો તેના સમર્થનમાં કોઈ પુરાવા સરકારના અધિકારીઓ પાસે ન હતા. ઉલ્ટા જે લોકોએ બહારવટિયાઓની બાતમી પોલીસને આપી હતી તેમાંથી બાવીસ લોકોની કરપીણ હત્યા બહારવટિયાઓ એ કરી હતી. એક પણ સરકારી માણસને બહારવટિયા તરફથી કોઈ નુકસાન પહોંચાડવામાં આવ્યું  ન હતું. બીજો મોટો અસંતોષ લોકોને એ હતો કે ગામડાઓમાં વધારાની પોલીસ મુકવા માટેનો તમામ ખર્ચ ગામડાઓના તમામ લોકો પાસેથી વસુલ કરવાનો નિર્ણય થયો હતો. તેમાં મહિલાઓ તેમ જ વૃદ્ધ લોકોનો પણ સમાવેશ થતો હતો. ‘હૈડિયા વેરા’ તરીકે આ વેરો જાણીતો થયો. આ ગામડાઓના લોકોની જે નબળી આર્થિક સ્થિતિ હતી તેમાં આવો દંડ એ તેમના માટે મોટા ભારણ સમાન હતો.બોરસદ તાલુકાના આ ગામડાના લોકોએ વલ્લભભાઈને સરકારના આવા અન્યાયી નિર્ણયની ફરિયાદ કરી. સરદાર સાહેબે પૂછપરછ કરી કે લોકો સંઘર્ષ કરવા માટે તેમ જ તકલીફો વેઠવા માટે તૈયાર છે કે કેમ? તેના જવાબમાં લોકોએ એક જ અવાજે જણાવ્યું કે તેઓ સંઘર્ષ કરશે તથા તે માટે ભોગવવી પડે તે હાડમારી પણ ભોગવશે. આ ફરિયાદ ઉપરથી ખરેખર પરિસ્થિતિ શું છે તે શોધી કાઢવા માટે ગુજરાત પ્રાંતિક સમિતિએ મોહનલાલ પંડ્યા અને રવિશંકર મહારાજને વિગતવાર તપાસ કરીને અહેવાલ રજુ કરવા માટે જણાવ્યું. બ્રિટિશ સરકારના અધિકારીઓ કહેતા હતા કે ગામ લોકો બહારવટિયાઓને છાવરે છે એટલા માટે તેમના પર વેરો નાખવો જોઈએ. વાસ્તવિક રીતે તપાસ કર્યા સિવાય આ નિર્ણય ઉતાવળે લેવાયો હોય તેવું પણ સ્પષ્ટ રીતે દેખાતું હતું. આ નિર્ણય લેવાયો તેના મૂળ દસ્તાવેજો પણ સરદાર સાહેબે મેળવ્યા અને તેનો અભ્યાસ કર્યો. આ દસ્તાવેજો પરથી પણ એક મહત્વની વાત પ્રકાશમાં આવી. આ મુજબ આવો અન્યાયી વેરો નાખવો જોઈએ નહિ તેવી સલાહ સરકારને એક ઉચ્ચ ભારતીય અધિકારીએ આપી હતી. પરંતુ સકારે તે સલાહને પણ અવગણી હતી. વેરો દેખીતી રીતે જ અન્યાયી હતો. દરેક વ્યક્તિને આ વેરો ભરવો પડે જેમાં વૃદ્ધ અને મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. કાયદો વ્યવસ્થા જાળવવાની જે મુખ્ય જવાબદારી સરકારની છે તે જવાબદારી અદા કરવા માટે પણ લોકો પાસેથી વેરો ઉઘરાવવાની આ યોજના તે એક અસાધારણ નિર્ણય હતો તથા લોકહિત વિરોધી નીતિ હતી. ઉપરાંત બોરસદ તાલુકાના ગામડાઓ પર બહારવટિયાઓને છાવરવા માટે નાખવામાં આવેલું આ મિથ્યા કલંક હતું. આથી ખરેખર ગામડાઓની સ્થિતિ કેવી છે તે જાણવા માટે રવિશંકર મહારાજ અને મોહનલાલ પંડ્યાને મોકલવાનું નક્કી કરવામાં આવ્યું.  તેઓ બંને આ વિસ્તારના ભોમિયા સમાન હતા. તેઓની લોકસંપર્કની કડી મજબૂત હતી. અહીં આ વાત નોંધપાત્ર છે. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં જે સંઘર્ષ શરુ કરવાનો નિર્ણય થતો હતો તે પૂરતા અભ્યાસના આધારે જ નક્કી કરવામાં આવતો હતો. અમદાવાદમાં મિલ મજૂરોના વળતર બાબત સત્યાગ્રહ કરવાની એક વિચારણા થઇ હતી. ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા ત્યારબાદ અનસૂયા સારાભાઈના નિમંત્રણથી ગાંધીજી આ લડતમાં જોડાયા. મજૂરોના મહેનતાણાનાં તથા તેમને શિફ્ટમાં કામ કરવાનું મળે તે મહત્વની માંગણીઓ હતી. ગાંધીજીએ અનસુયાબહેનની વાત સ્વીકારી. આ સાથે જ તેમણે મિલ મજૂરોને કેટલું મહેનતાણુ ચૂકવવું જોઈએ તે બાબત પણ વિચારણામાં લીધી. તેને માટે એક તજજ્ઞોની સમિતિ બનાવી અને ત્યારબાદ ઉચિત માંગણીઓ સાથે સત્યાગ્રહ શરુ કર્યો. અહીં સરદાર પટેલે પણ ગાંધીની આ પદ્ધતિ જ અપનાવી. સરદાર વલ્લભભાઈ પટેલની સૂચનાથી રવિશંકર મહારાજ તથા મોહનલાલ પંડ્યાએ વ્યાપક જનસંપર્ક કર્યા પછી અહેવાલ રજુ કર્યો. આ અહેવાલ વાસ્તવિક ઉપરાંત ઠોસ હકીકતોના આધારે તૈયાર થયો હતો. લોકને અન્યાયકર્તા એક કાયદા અંગે તેમાં વિગત રજુ થઇ. અહેવાલ મુજબ Criminal Tribes Act ની જોગવાઈ મુજબ સવાર અને સાંજ બંને સમયે આ વિસ્તારની દરેક વ્યક્તિને પોલીસ સ્ટેશન હાજરી પુરાવવી પડતી હતી. એક દિવસ હાજરી કોઈ કારણસર ભરાવી શકે નહિ તો જેલમાં જવું પડતું હતું. જામીનની વ્યવસ્થા  મોટા ભાગના લોકો કરી શકતા ન હતા. આથી જેલવાસ લાંબાગાળાનો થઇ જતો હતો. આવી અકળાવનારી સ્થિતિને કારણે બાબર દેવા નામનો માણસ અકળાઈને જેલમાંથી ભાગી છૂટ્યો. નાની મોટી ચોરીઓ કરતા કરતા મોટો બહારવટિયો થઇ ગયો. થોડા સમય પછી એક નાના ચોરમાંથી મોટો બહારવટિયો થયો. પોતાની ટીમ તેણે ઉભી કરી. વધારે લૂંટફાટ કરતો પણ થયો. દરેક વ્યક્તિને ગુનેગાર માનીને દિવસમાં બે વખત હાજરી પુરાવવી પડે તે સદંતર અન્યાયી વ્યવસ્થા હતી. આ પ્રથા અમાનવીય હતી. માનવીની ગરિમા ન રહે તેવી કઠોર હતી. આ વિશે રવિશંકર મહારાજે ‘માણસાઈના દિવા’ની કથામાં વિગતે ઉલ્લેખ કર્યો છે. સરકારના આવા અન્યાયી કાયદાને કારણે ઘણાં લોકો ગમે તે રીતે પકડમાં આવી જતા હતા. જેલ જવાની અકળામણ તથા કુટુંબના આર્થિક વ્યવહારોની જવાબદારીને કારણે જેલમાંથી નાસી છૂટતા હતા. કોઈ મોટા બહારવટિયાની ટીમમાં ભળી જતા હતા. આ રીતે આ એક વિષચક્ર સમાન વ્યવસ્થા હતી જેમાં અનેક લોકો ફસાઈ જતા હતા. ફસાયા પછી બહાર નીકળવાનો માર્ગ કપરો હતો. આ બાબત પણ બહારવટા માટે જવાબદાર હતી. તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યું. લોકો પોલીસને સહયોગ આપતા નથી તે બાબત પણ વાસ્તવિક નથી તેવું તપાસમાં જણાયું. નોંધણાં ગામના લોકોએ જણાવ્યું કે તેમણે પોલીસ પાર્ટીને લઇ જઈને બાબર દેવા અને તેના સાથીઓ જ્યાં બેઠા હતા તે ખેતરની બાજુમાં ઉભા રાખીને પોલીસને જણાવ્યું કે અહીંયા બહારવટિયા બેઠા છે હવે તમે એમને જઈને પકડી શકો છો. પોલીસ પાર્ટીના માણસોએ કહ્યું કે અમારી પાસે ઓછા માણસો છે એટલે અમે જઈ શકીશું નહિ. એટલું જ નહિ પણ ગામ લોકોને પાકી શંકા પડી કે પોલીસે આ બહારવટિયાઓની ટોળીને ચેતવણી આપીને ભગાડી દીધા. પોલીસને આવો રસ શા માટે હતો તેનો પણ એક સ્પષ્ટ જવાબ લોકો તરફથી મળ્યો. લોકોએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે લુંટમાંથી સરકારી તંત્રને પણ ભાગ મળતો હતો એટલે આખી કામગીરી એ ભાગ બટાઇથી થતી હતી અને તેનો ભોગ લોકોને બનવું પડતું હતું. જે સામાન્ય લોકો બાતમી આપતા હતા તેમના નામ તંત્રના માણસો તરફથી લૂંટારૂઓને આપવામાં આવતા હતા અને આથી 20થી વધારે બાતમીદાર લોકોના ઘાતકી રીતે બહારવટિયાઓએ ખૂન કર્યા. તેમ પણ અહેવાલમાં જણાવ્યું. જ્યાં પોલીસ મુકવામાં આવી હતી ત્યાં પોલીસનો ગામલોકો ઉપર ત્રાસ હતો. કોઈ એક ખેડૂત કે મજુર ઘાસ વાઢીને જતો હોય તો તેમાંથી પોલીસના લોકો કોઈ પણ નાણાંકીય ચુકવણી કરાવ્યા સિવાય ઘાસ લઇ લેતા હતા. શાકભાજીવાળા શાકભાજીનું વેચાણ કરવા જતા હોય તો ગામના રક્ષણ માટે મુકાયેલા તંત્રના માણસો તેમની પાસેથી શાકભાજી પણ મફતમાં લઇ લેતા હતા. પ્રજાનો મોટો ભાગ ઘણો નિર્દોષ છે તે તપાસ અહેવાલમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું. ગાંધીજી તે સમયે જેલમાં હતા પરંતુ વલ્લભભાઈએ સમગ્ર લડતનું નેતૃત્વ કર્યું. લડત શરુ કરતા પહેલા તેમણે લોકોની એક વિશાળ સભામાં લડત બાબત સમજૂતી આપી. એક વાર વેરો ન ભરાવો તેનો નિર્ણય થયા બાદ કોઈ વેરો ભરવાની વ્યક્તિગત રીતે સંમતિ ન આપે તે માટે વલ્લભભાઈએ તેમને ચેતવણી આપી. સરકાર જપ્તી કરશે તેને સહન કરવાની તૈયારી રાખવા માટે તેમણે લોકોને સાવધ કર્યા. વલ્લભભાઈ આ લડતમાં વિશાળ માનવ સમુદાયને જોડી શક્યા તે પણ લડતની સફળતાનું એક મહત્વનું કારણ હતું. લોકોએ વલ્લભભાઈની વાતને ઉત્સાહી પ્રતિસાદ આપ્યો. ત્યાર બાદ આ લડત શરુ કરવામાં આવી. સરકારે જપ્તીનો આકરો દોર ચલાવ્યો. ગામ લોકોને વેરો ભરવા માટે ધાકધમકી આપી. પરંતુ લોકો મક્કમ રહ્યા. દરબાર ગોપાલદાસ, રવિશંકર મહારાજ તથા મોહનલાલ પંડ્યાએ સ્થાનિક પરિસ્થિતિ સંભાળી લીધી. લડતે વેગ પકડ્યો. ગામડાઓના લોકો મક્કમ રહ્યા. મહારાજની તથા મોહનલાલ પંડ્યાની સલાહ પ્રમાણે તેમણે દ્રઢતાથી લડતને આગળ વધારી. પરિણામ સુખદ આવ્યું. લગભગ દોઢ માસ ચાલેલી આ લડતના પરિણામે સરકારે આ વેરો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો. લોકોની દ્રઢતા તથા સરદાર વલ્લભભાઈની કુશળતાનો આ વિજય હતો.

                 બોરસદના સત્યાગ્રહની આ લડત ગણતરીના દિવસોમાં જ પુરી થઇ. વલ્લભભાઈના નેતૃત્વમાં દેશભરના લોકોનો વિશ્વાસ વધ્યો. લડતની મહત્વની વાત એ હતી કે તેમાં બધા જ લોકો જોડાયા. સમાચારો પ્રસિદ્ધ થવાના સંજોગો તે દિવસોમાં નહિવત હતા. આમ છતાં બ્રિટિશ ગવર્નરના ધ્યાનમાં આ વાત આવી પછી સત્વરે તેમણે એક ઉચ્ચ અધિકારીને તપાસ માટે મોકલ્યા. તેમણે લોકોને સાંભળ્યાં. લોકોએ પણ પોતાના પ્રતિનિધિ મારફત તપાસ કરવા આવેલા અધિકારીને ચોખ્ખા શબ્દોમાં પોતાની વીતક કથા સંભળાવી. ત્યારબાદ અધિકારીએ અહેવાલ ગવર્નર સાહેબને રજુ કર્યો. આ વાસ્તવિક અહેવાલ રજુ થયો તેના બીજા દિવસે જ બ્રિટિશ ગવર્નરે હૈડિયાવેરો નાબૂદ કર્યો.

             વલ્લભભાઈએ વિજયોત્સવ મનાવવા જે વિશાળ જનસભા બોરસદમાં મળી તેમાં મહત્વની વાતો કરી. લોકોને તેમણે બિરદાવ્યા. આ લડતની સફળતા પછી જે કાર્ય પૂર્ણ થયું છે તે નાનું છતાં મહત્વનું છે. તેમ પણ કહ્યું. હવે પછી દેશમાં શરુ થનારા અન્ય સંઘર્ષો માટે પણ તૈયાર રહેવા તેમણે લોકોને સમજાવ્યા. સરદાર સાહેબે બ્રિટિશ ગવર્નરનો પણ આ ત્વરિત નિર્ણય લેવા માટે આભાર માન્યો. ઉપરાંત વલ્લભભાઈએ આ લડતના વિજય સરકારી બાદ તંત્રના લોકો સામે કડવાશ કે નફરતનો ભાવ ન રાખવા પણ લોકોને ભારપૂર્વક જણાવ્યું. સરદાર પટેલની આ ગરિમા તથા દીર્ઘદ્રષ્ટિ એ તેમના વ્યક્તિત્વના ઉમદા સ્વરૂપને સ્પષ્ટ કરે છે. બોરસદ સત્યાગ્રહ પછી થોડા વર્ષોમાં જ બારડોલી સત્યાગ્રહ થયો. આથી મહાન બારડોલી સત્યાગ્રહ માટેનો સંપૂર્ણ આત્મવિશ્વાસ ખેડા તથા બોરસદ સત્યાગ્રહમાંથી પ્રગટ્યો તેમ ચોક્કસ કહી શકાય. વલ્લભભાઈના નેતૃત્વમાં આ ઐતિહાસિક સંઘર્ષ થયો. તેની સફળતા પછી વલ્લભભાઈ સમગ્ર દેશના સરદાર બની ગયા હતા તે જાણીતી વાત છે. બોરસદ સત્યાગ્રહની ઘટનાઓ રોમાંચકારી છે. ગામડાઓની શક્તિ જાગૃત કરવાના ઉત્તમ પ્રયાસનો આ એક પ્રેરણાદાયક પ્રસંગ છે. આપણાં યુવાનો સુધી આ સત્યાગ્રહની વિગતો પહોંચાડવામાં જેવી છે. સરદાર સાહેબના સબળ નેતૃત્વને કારણે લડતમાં વિજય થયો તે વાત મહાદેવભાઈ દેસાઈએ જાહેરમાં મૂકી. તેમણે સરદારનું ઉભરતું નેતૃત્વ પુરા દેશને માર્ગદર્શન પૂરું પડશે તેમ પણ સ્પષ્ટ ભવિષ્યવાણી કરી. ગાંધીજીએ આ સત્યાગ્રહના આયોજન તેમ જ પરિણામની ખુબ જ પ્રશંસા કરી હતી. ગાંધીજી હંમેશા વિજયની ક્ષણોમાં સમગ્ર સફળતાનો યશ પોતાના સાથીઓને આપતા હતા. અહીં પણ તેમણે વલ્લભભાઈના નેતૃત્વની પ્રશંસા કરી અને વિજયનો સંપૂર્ણ યશ વલ્લભભાઈ તથા તેમના સાથીઓને આપ્યો. આ સત્યાગ્રહને ગયા વર્ષે જ સો વર્ષ પુરા થયા છે ત્યારે તેની પુનઃ સ્મૃતિ થાય તે સ્વાભાવિક છે.

વસંત ગઢવી

તા. ૪ ઓગસ્ટ 2025

Leave a comment

Blog at WordPress.com.

Up ↑