ચીતારે અજબ મિલાવટ કરી-વાટે…ઘાટે

:ચીતારે અજબ મિલાવટ કરી: ચીતારે રંગ પ્યાલીઓ ભરી !:

કલા તીર્થ ટ્રસ્ટ સુરતની ઓળખાણ હવે ગુજરાતને આપવાની જરૂર નથી. માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશ અને દેશ બહારના અનેક સ્થળોએ કલા તીર્થ ટ્રસ્ટ પોતાના પ્રકાશનો મારફત પહોંચ્યું છે. આવા તમામ પ્રકાશનો નિયમિત રીતે કરવામાં આવે છે. કલાના વિવિધ ક્ષેત્રોને ઉત્તમ ફોટોગ્રાફ સાથે તેમાં સમાવવામાં આવ્યા છે. કલા તીર્થ ટ્રસ્ટના પ્રણેતા ભાઈ રમણીકભાઇ ઝાપડિયા એટલે આમ તો ભાલ અને ઝાલાવાડના પાણીની અછતના પ્રદેશના માનવી પરંતુ તેમણે જાણકારી, જ્ઞાન અને કળાનો પાણીદાર પ્રવાહ વહાવ્યો છે. સાહિત્યનો આપણો વારસો  સમૃદ્ધ છે. આ વારસાની સમૃદ્ધિ જળવાય તેમ જ ભાષાનું તથા પરંપરાની મહત્વની વિગતો અનેક લોકો સુધી પહોંચી શકે તે માટે પણ કલાતીર્થનો પ્રયાસ સમયસરનો છે. રમણીકભાઇ છેલ્લા બે દાયકાથી આપણા કલાકારો અને આપણા કારીગરો તેમ જ આપણા ચિત્રકારો માટે આધાર બનવાનો પ્રયાસ કરે છે. કલાકારો રહેશે તો જ કલા જીવશે તે વાત કલાતીર્થ ટ્રસ્ટ બરાબર સમજે છે. તેથી તેનો સધિયારો અને હૂંફ કલાકારોને મળે છે. ૨૦૧૬થી તેમણે વિશિષ્ટ કહી શકાય તેવા પ્રકાશનો પણ શરુ કર્યા. ૬૦થી વધારે પ્રકાશનો આજે આપણી નજર સામે છે. એક એક પ્રકાશનની પોતાની આગવી પ્રતિભા છે. ભગવત ગોમંડળનું કામ ગુજરાતે જોયું અને એ રીતે જ વિશ્વકોશનું કામ પણ જોયું. આ સારસ્વત ધારામાં જ રમણિકભાઈનું આ કામ પણ ઇતિહાસમાં પોતાની એક અલગ છાપ ઉભું કરી જાય છે. આપણું સાહિત્ય આપણી નવી પેઢીઓ સુધી કેવી રીતે પહોંચાડી શકાય તેની એક મૂંઝવણ અનેક લોકો અનુભવે છે. તે અંગે વાતો કરે છે. સેમિનારો થાય છે. પણ કોણ કરે એ પ્રશ્ન ત્યાંનો ત્યાં રહે છે. આવું કામ થતું નથી તેનું દોષારોપણ આપણે ટીકાઓના સ્વરૂપે કરતા રહીએ છીએ. આપણે જ ડગલું ભરીએ તેવી વૃત્તિ ઓછી જોવા મળે છે. કવિ ઉશનસે કહ્યું છે તેમ ‘કોઈકે તો કરવું જોઈએ’ એ આપણો સ્થાયી ભાવ છે. ઉશનસે લખ્યું છે:

કોઈક જણે તો કરવું

પડશે ભાઈ ! એક જણે તો

કરવું પડશે ભાઈ ! કશુંયે ના

કરવાની કેવી આ તામસ હરીફાઈ.

                અલબત્ત નાના-મોટા પ્રયાસો સરકાર અને સ્વાયત્ત સંસ્થાઓ પણ કરે છે. પરંતુ જે ધગશથી રમણીકભાઇ આ કામ કરે છે તે અહોભાવ જન્માવે તેવું છે. આશ્ચર્ય પણ થાય છે અને મનમાં એક ઊંડા આદરની લાગણી થાય છે. કશું થાય નહિ એવી માનસિક સ્થિતિની સામે રમણિકભાઈએ કરીએં દેખાડ્યું છે. અનેક કામો થયા છે. કચ્છની કે ઉત્તર ગુજરાતની એક એક વાવ કે જેની થોડી ઘણી પણ જાળવણી થઇ છે તેનું દસ્તાવેજીકરણ કરીએ તો તેમાંથી આપણા ભાતીગળ કલા વારસાનું દર્શન થાય છે. રામસિંહજી રાઠોડે રામ રાંધ લખીને ભગવાન રામનું ચારિત્ર્ય અને રામાયણની કલાત્મક બાબતો આપણા સુધી લાવી દીધી. રામાયણની આવી કલાત્મક અભિવ્યક્તિ અંગે રામસિંહજી રાઠોડ જેવા દીર્ઘ દ્રષ્ટા લોકો જ લખી શકે. ૧૯મી સદીમાં થયેલા તેરા(કચ્છ)ના ભીંત ચિત્રો પરથી આ પ્રમાણે એક કલાત્મક સર્જન થયું. અનેક લોકોએ તેને વધાવ્યું. ઉપરાંત આપણા ખારવાઓની કથાઓ કે આપણા સીદીઓની કથાઓ એ બધા ગુજરાત જેના માટે ગૌરવ અનુભવી શકે તેવી બાબતો છે. રામરાંધ અંગ્રેજીમાં લખાયું અને રામસિંહજી જેવા સમર્થ વ્યક્તિને કારણે અનેક લોકો માટે પ્રેરણાદાયક બન્યું. કલાતીર્થ ટ્રસ્ટના માધ્યમથી આવા અનેક પ્રકારના કામો થયા તેમાં કુમાર શતાબ્દી વર્ષ ૨૦૨૪માં આવ્યું. કુમાર એ આપણી સાંસ્કૃતિક ધરોહર સાચવીને ઉભું છે. તેની શતાબ્દીના વર્ષને આવકાર્યા વગર ગુજરાતી સાહિત્ય મર્મજ્ઞો કેવી રીતે રહી શકે? કોઈની રાહ જોવા સિવાય રમણીકભાઇએ ‘કુમાર’ની શતાબ્દી પ્રસંગે પાંચ ગ્રંથો પ્રકાશિત કર્યા. કુમારને નવજીવન પ્રાપ્ત થયું. ભાઈ નિસર્ગ આહીરે પ્રાણ રેડીને આ કામ પૂરું કર્યું. પંચામૃતના માધ્યમથી કુમારની સો વર્ષની યાત્રાના ઉજળા ભાગો અનેક ગ્રંથાલયોમાં પહોંચી શક્યા. ગુજરાતના સંતોમાં જેમની આગવી પ્રતિભા છે તેવા સંતવર્ય માધવપ્રિયદાસજીએ અંતરના ઉમળકા સાથે રમણીકભાઇ આ સારસ્વત પ્રયાસને બિરદાવ્યો. કેટલાક પુણ્યશ્લોક લોકો કે જેમણે જીવનભર કલાના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે તેમને પણ આ એક સુંદર કાર્યક્રમના માધ્યમથી વધાવવામાં આવ્યા. સંશોધનના જુદા જુદા વિષયોમાં લેખો લખનારા કે પેપર રજુ કરનારા જ્ઞાનપિપાસુ યુવાધનને શાબાશીના સુર સાથે વધાવવામાં આવ્યા. આ સાથે જ જે લોકોએ સંસ્કૃતિનું સંવર્ધન કર્યું છે તેવા ૧૦ મહાનુભાવોનું SGVP ના રળીયામણા સંકુલમાં સન્માન થયું. સંશોધન લેખ લખ્યા છે તેવા લોકોની ક્ષમતા વધારવા માટે પણ કલાતીર્થ તરફથી સુરેખ આયોજન થયું છે. તેની વિગતો રજુ કરવામાં આવી. તમામ ગ્રંથોને ડિજિટલ પ્લેટફોર્મ પર મુકવાની વાતને પણ સૌએ વધાવી લીધી. નવી પેઢીને જોડવાનું આ કામ છે. આપણી સમૃદ્ધ બાબતોને ટકાવી રાખવાનો પ્રયાસ છે તેની નોંધ લેવી અનિવાર્ય છે. આ સાથે જ ગ્રામ્ય કારીગરોની પીડા જાણી-સમજીને તેને હળવી કરવાનો પ્રયાસ પણ કલાતીર્થ ટ્રસ્ટ નિષ્ઠાપૂર્વક કર્યો છે. કોરોનાના કપરા કાળમાં આવી મૂંગી છતાં મજબૂત મદદ કલાતીર્થ ટ્રસ્ટે કરી છે. એક વિશ્વવિદ્યાલયને શોભે તેવું આ કામ કરનાર સંસ્થાને સમાજે વિશેષ બિરદાવવી જોઈએ. હૂંફ પુરી પાડીને તેને ગતિમાં રાખવી જોઈએ. જે સમાજ પોતાની પ્રાચીન ઉત્તમ ધરોહરનું જતન કરે છે તે સમાજ સ્વસ્થ ગણાય છે. રમણીકભાઇ ભાતીગળ કામ પરથી કવિ જયંત પાઠકની સુંદર પંક્તિઓ યાદ આવે છે:

ચીતારે અજબ મિલાવટ કરી !

ચીતારે રંગપ્યાલીઓ ભરી !

વસંત ગઢવી

તા. ૩૧ જુલાઈ ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑