કોઈ અભ્યાસુ અધ્યાપક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બને તો એ ચોક્કસ મહત્વની વાત ગણાય. અધ્યાપક તરીકે તે વ્યક્તિએ પાયામાં રહીને કામ કર્યું હોય છે. પાયામાં રહીને કામ કર્યું હોય તે નાની મોટી શૈક્ષણિક આંટીઘૂંટીઓથી સુપેરે પરિચિત હોય. અધ્યાપકથી કુલપતિ સુધીની આવી સુદીર્ઘ યાત્રાઓના પ્રસંગો ઓછા હોય તો પણ તેનું મહત્વ ઓછું થતું નથી. પ્રોફેસર ડો. બળવંત જાની એક એવા સફળ અધ્યાપક છે જેમણે યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર બનવાનું સન્માન મેળવ્યું. તેમની પાત્રતા પ્રમાણે સૌને આ પસંદગી યોગ્ય પણ લાગી. ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે તેમણે યશસ્વી કામગીરી કરી. આજે પણ તેઓએ સાહિત્યના અનેક પ્રદેશોમાં ઊંડું ખેડાણ કરેલું છે. ખાસ કરીને લોક સાહિત્ય તેમજ ચારણી સાહિત્યમાં તેમનું જે યોગદાન છે તે અનેક રીતે નોંધપાત્ર છે. લોકસાહિત્ય તથા ચારણી સાહિત્ય સમાજજીવન પોષણ કરે તેવા મૂલ્યવાન છે. બળવંતભાઈને આ સાહિત્યની અને આ સાહિત્યના સર્જકોના જીવન અને કવનમાં ઊંડી સૂઝ છે. ઊંડો તેમ જ તલસ્પર્શી અભ્યાસ છે. આ સર્જકોની મુલવણી કરવાની તેમની તેજ દ્રષ્ટિ છે તેમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. આ બંને સાહિત્ય સાથે સંકળાયેલો એક વિશાળ તથા વ્યાપક લોકસમૂહ છે. બળવંતભાઈના કાર્યથી આ લોકસમૂહ લાભાન્વિત તથા ગૌરવાન્વિત થયો છે. ‘ચારણી સાહિત્યમંથન’ નામે પ્રસિદ્ધ થતો આ ગ્રંથ જાનીસાહેબની સમાજને તથા સાહિત્યને એક વિશેષ ભેટ છે.
ચારણી સાહિત્ય આપણા દેશના સમગ્ર સાહિત્યની શોભા વધારે તેવું તેજસ્વી તેમ જ સત્વશીલ છે. તેના સર્જકોના જીવન ઉજળા હતા. તેથી તેમના સર્જનો પણ ઉજળા અને સમાજ જીવનને પોશાક હતા. તેની વિષય સામગ્રી તથા પ્રસ્તુતિ તેને અલગ અને અન્ય સાહિત્યથી જુદું પાડે છે. ઝવેરચંદ મેઘાણીએ ચારણો અને ચારણી સાહિત્ય વિશે વિગતવાર મીમાંસા કરી છે. ગુજરાતીની વર્નાક્યુલર સોસાયટીમાં ૧૯૪૨માં મેઘાણી ભાઈએ ચારણી સાહિત્ય પર એક ખુબ જ વિધ્વતાપૂર્ણ પ્રવચન કર્યું હતું જેનું દસ્તાવેજીકરણ પણ થયું છે. ચારણી સાહિત્યનું ચારણો ઉપરાંત બીજી ઘણી જ્ઞાતિઓ તરફથી સર્જન થયું છે. ચારણી સાહિત્યની અભિવ્યક્તિ સામાન્ય રીતે કાવ્યશાસ્ત્રના બંધારણમાં થાય છે. આમ જોવા જઈએ તો આ સાહિત્ય તેની પ્રસ્તુતિ સમયે સોળે કળાએ ખીલી ઉઠે છે. મહા મહોપાધ્યાય કેકા શાસ્ત્રી વખતોવખત કહેતા હતા કે ચારણી સાહિત્યની પ્રસ્તુતિમાં જે નાદ બ્રહ્મનું તેમ જ અનોખા આરોહ તથા અવરોહનું દર્શન થાય છે તે પ્રભાવી હોય છે. બ્રહ્માનંદ સ્વામીના સુપ્રસિદ્ધ છંદો આજે પણ સૌરાષ્ટ્રના પ્રચલિત રાસની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. શોર્ય, વીરતા, ભક્તિ તથા ઉદારતાના અનેક ગુણોનું ગાન ચારણી સાહિત્યમાં ભરપૂર છે. ચારણી સાહિત્યમાં સંપ્રદાયિક્તાને કોઈ સ્થાન નથી. નાતી કે જાતિનો કોઈ છોછ અહીંયા નથી. જગતના નાથની અને જગદંબાની અખંડ ઉપાસના આ સાહિત્યનો એક મહત્વનો ભાગ છે. આથી બળવંતભાઈની સાહિત્યયાત્રા થકી સમાજને ઉત્તમ સામગ્રી મળી છે. આ સાહિત્યનો એક મહત્વનો ભાગ એ દુહાઓ છે. દુહો એ ચારણી સાહિત્યનો પ્રાણ છે. છેલ્લા ૫૦૦ વર્ષથી પણ વધારે સમયથી દુહાઓ આપણને ઉત્તમ વાત અને સંદેશ સહજ રીતે અને થોડા શબ્દોમાં કહી જાય છે. દુહાના રસાળ પ્રદેશમાં ડૂબકી મારી તેમણે તથા ડો. અંબાદાન રોહડિયા એ દુહા પરના એક દળદાર ગ્રંથનું સંપાદન કર્યું છે. ઇશારદાસજી, આશાજી રોહડિયા, માંડણ વરસડા તથા હરદાસ મીસણ વિશે બળવંતભાઈએ ખુબ ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે. આ બધું ગ્રંથસ્થ થયું છે. તદુપરાંત વખત બલંદ એ આપણી એક સર્વકાલીન શ્રેષ્ઠ રચના છે. કવિ શ્રી ફૂલ વરસડાની આ એક અદભુત કૃતિ છે. ભાવનગરના રાજવી વખતસિંહજીની સમગ્ર જીવનકથાને તેમાં વણી લેવામાં આવી છે. વખત બલંદનું સાહિત્યિક મૂલ્ય છે તેમ જ ઐતિહાસિક મૂલ્ય પણ છે. બળવંતભાઇએ ‘વખત બલંદ’ પર કામ કરીને ઉત્તમ ગ્રંથની ભેટ સમાજને આપી છે. મેઘાણીએ ચારણી બારમાસી અંગે સંશોધન કરીને લખ્યું છે. સ્વાભાવિક રીતે જ મેઘાણીભાઇના જીવનનો અકાળે અસ્ત થયો. આથી આ વિષયમાં બળવંતભાઇએ મહત્વની પરિપૂર્તિ કરીને પ્રકૃતિના અનેક કાવ્યો બહાર લાવ્યા છે. બળવંતભાઇએ આ બધી રચનાઓ કાળજીપૂર્વક મેળવીને રજુ કરી છે તે તેમના વણથાક્યા પ્રયાસોથી થયું છે. સમગ્ર સમાજ જેમની ઉપાસના કરે છે તેવી આઈ પ્રશસ્તિ પણ ઐતિહાસિક છે. આઈ ખોડિયાર એ લોક સમસ્તની માતા છે. બહોળા લોકસમૂહ માટે આઈ ખોડિયાર એ આસ્થાનું કેન્દ્ર છે. આઈ શેણબાઈની કથા એક લોકકથા જેવી છે. જો કે સમગ્ર ઘટના અંગે તથા તેમાં વણી લેવાયેલા પ્રસંગો અંગે એકવાક્યતા નથી. આમ છતાં આઈ શેણબાઈના દૈવત્ય અંગે કોઈ ભિન્ન મત નથી. આ સમગ્ર ઘટનાને બળવંતભાઇએ જે રીતે રજુ કરી છે તે એક અલગ દ્રષ્ટિ પુરી પાડે છે. ચુડાસમા રાજવંશ અંગે પણ બળવંતભાઇએ ખુબ સારી સામગ્રી એકત્રિત કરી છે અને તે વિશે આપણને માહિતગાર કરવાનો અસરકારક પ્રયાસ કર્યો છે. આ રીતે વાળા વંશના રાજપુતાના ઇતિહાસ વિશે પણ તથ્ય આધારિત માહિતીઓ બળવંતભાઇએ આપી છે. બળવંતભાઇએ ચારણોની અસ્મિતા બાબતમાં પણ ઘણી બધી બાબતો લખી છે. તેમાં ઐતિહાસિક તથ્યો છે. ચારણી છંદ વિમર્શ છંદોના પ્રદેશને સમજવા માટે આપણને દોરી જાય છે. ચારણી છંદો-કથાઓને સર્વગ્રાહી રીતે સમાવવાનો પ્રયાસ અઘરો છે. પરંતુ ‘ગાગરમાં સાગર’ જેવું આ કામ બળવંતભાઈની અનુભવી દ્રષ્ટિએ કરેલું છે. ચારણી સાહિત્યના સંશોધન અને સંપાદનમાં અનેક પુણ્ય શ્લોક લોકોનો ફાળો છે. ઝવેરચંદ મેઘાણીનું નામ તથા કાર્ય તેમાં અગ્રેસર છે. પરંતુ કોઈ એક વ્યક્તિ વિશાળ સાગર જેવા સાહિત્યનું સંપૂર્ણ સંપાદન કરી શકે નહિ. મેઘાણી એ પોતે પણ લખ્યું હતું કે ભાવનગરના રાજ્યકવિ પિંગળશીભાઈ નરેલા તેમ જ ઠારણ ભાઈ મહેડુ જેવા સમર્થ સર્જકો પાસે લોકોએ જવું જોઈએ. વણલખાયેલી અનેક માર્મિક વાતોનો ખજાનો તેમની પાસેથી મેળવવાની તક મેઘાણીએ જોઈ હતી. આ દિશામાં જયમલ્લ પરમાર અને ઊર્મિ નવરચના એ પણ ઘણો સારો પ્રયાસ કર્યો છે. સાહિત્યના વિવિધ સ્વરૂપોનું સંપાદન ‘ઊર્મિ-નવરચના’માં થયું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોલરરાય માંકડે આ વિષયમાં ખુબ દ્રષ્ટિ સંપન્ન કામ કર્યું. તેમણે ચારણી સાહિત્યની હસ્તપ્રતો એકત્રિત કરવા માટે યુનિવર્સિટી તરફથી એક આયોજિત પ્રયાસ કર્યો. આવા સાહિત્યની હસ્તપ્રતો ગામડે ગામડે જઈને મેળવવામાં આવે તેમ નક્કી થયું. આ કામ માટે માંકડ સાહેબે રતુદાન ભાઈ રોહડિયા તેમ જ કવિ શ્રી દાદની સેવાનો પણ ઉપયોગ કર્યો. એક પ્રશ્ન કદાચ કોઈના મનમાં થાય કે શા માટે આ સાહિત્યનું જતન કરવું જોઈએ. આ વાતનો ઉત્તર મેઘાણીએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના પોતાના પ્રવચનમાં આપ્યો છે તેમણે કહ્યું છે કે ચારણી સાહિત્ય એ પુરાતન સાહિત્ય તો છે જ પરંતુ દરેક યુગ માટે તેનું સાંપ્રત મહત્વ પણ છે. લોકજીવનને પોષણકર્તા તેવું આ સાહિત્ય છે. દેશની લાંબા ગાળાની પરાધીનતા પછી પણ સાહિત્ય સાથેનું આપણું અનુસંધાન ઓછું ન થયું તે આ સાહિત્યની સમૃદ્ધિની નિશાની છે તેમ કહેવું યોગ્ય ગણાશે. સમાજ ચારણને દેવીપુત્ર કહે છે. એક વિવેકસભર મિત્ર પુરુષ તરીકે તથા ધર્મપુરુષ તરીકે એ પોતાના ગુણોને જાળવે તો તે સમાજમાં વંદનીય પણ બને છે. સત્ય ઉચ્ચારવાની ચારણ કવિની હિંમત અસાધારણ હતી. ચારણ કવિની આવી સત્યપ્રિયતાની વાતો બળવંતભાઇએ કાળજીથી પ્રસ્તુત કરી છે.
અકબર સામે મોટા ભાગના રાજાઓએ શરણાગતિ સ્વીકારી લડવાનું બંધ કર્યું હતું. રાજવીઓને તેમાં તેમની સલામતીનું દર્શન થયું હોય તેમ માનવાને કારણ છે. આ બધા માહોલ વચ્ચે મહારાણા પ્રતાપ અલગ પડતા હતા. તેઓ તમામ મુશ્કેલીઓ ભોગવીને પણ અકબરના શરણે ગયા ન હતા. મહારાણા પ્રતાપની આ અસાધારણ વીરતા કવિ દુરશાજી આઢાના ધ્યાન બહાર કેમ રહે? પરંતુ જયારે તેઓ પ્રતાપ પ્રત્યેની પોતાની લાગણી શહેનશાહ અકબર સામે નિર્ભયતાથી કરે છે ત્યારે તેમાં ચારણ કવિની નિર્ભયતા અને ખુમારીનું દર્શન થાય છે. દુરશાજી કહે છે:
અકબર ઘોર અંધાર
ઊંઘાણા હિન્દૂ અવર
તેમાં જાગે જગદાધાર
પહોરે રાણ પ્રતાપસી.
જેમની ગણના રાજસ્થાનના શ્રેષ્ઠ કવિઓમાં થઇ શકે તેવા કવિ દુરશાજી આઢાએ અકબરની સમક્ષ મહારાણા પ્રતાપની જે પ્રશંસાની રચનાઓ કહી તે પણ એક અજોડ ઘટના છે. અન્યાય સામે ચારણ ઉભો રહ્યો છે તેની એક મોટી નિશાની એ ૧૫૮૬ની રાજસ્થાનના આઉવાના ઐતિહાસિક ધરણાની ઘટના છે. ચારણ જો પોતાની માત્ર જીભની કરામતથી વીરતાના ઢોલ પીટીને મુશ્કેલ સંજોગોમાં અળગો રહ્યો હોત તો પણ તેનું નામ આટલું સ્વીકૃત થાત નહિ પરંતુ આઠમી સદીથી શરુ કરીને ૧૫મી સદી સુધીમાં રાજપુતાનાના સુવર્ણ કાળમાં ચારણ રાજપૂતની જોડાજોડ રણભૂમિમાં પણ ઉભો રહ્યો છે. ચારણ સાહિત્યની રચના ચારણો ઉપરાંત અન્ય કોમના લોકોએ પણ કરી છે. આ બધી જાતિઓમાં બળવંતભાઈ ઉલ્લેખ કર્યો છે તે રીતે બારોટ મીર ઢાઢી તૂરી લંગા એમ જ અન્ય કેટલીક જ્ઞાતિઓના લોકોનો સમાવેશ થાય છે. ડિંગળી શૈલીમાં પ્રભાવક રીતે આ સાહિત્યની પ્રસ્તુતિ થાય છે. આ તમામ લોકોના સહયોગથી સાહિત્યની સમૃદ્ધિ વધી છે.
બળવંતભાઈનું વ્યક્તિત્વ સર્વતોમુખી છે. અનેક ક્ષેત્રોમાં તેમનું ઠોસ પ્રદાન છે. ભારતીય સાહિત્ય પરિષદના અનેક સંશોધન-સંપાદનના કામમાં તેઓ મજબૂત બળ પૂરું પાડે છે. પૂજ્ય મોરારીબાપુના સ્નેહના કારણે કાગધામ(મજાદર)ના વાર્ષિક કાર્યક્રમની સમગ્ર સાહિત્યિક વ્યવસ્થાનો ભાગ તેઓ સંભાળે છે. મજાદરના ‘કાગના ફળિયે કાગની વાતું’નો કાર્યક્રમ દિવસે દિવસે વિશેષ લોકપ્રિય બનતો જાય છે. આ ઉપરાંત બળવંતભાઇએ ‘લોકગુર્જરી’ ત્રિમાસિકનું માળખું મજબૂત કરવામાં તેઓએ પાયાનું કામ કર્યું છે. બળવંતભાઈ તથા ઉર્મિલાબહેનના ગ્રહસ્થ જીવનની મહેકનો અનુભવ અનેક લોકોને છે. ‘ચારણી સાહિત્ય મંથન’ પુસ્તકનો લાભ અનેક સાહિત્ય રસિકો સુધી પહોંચશે તેવી શ્રદ્ધા છે.
વસંત ગઢવી
તા. ૨૩ જુલાઈ ૨૦૨૫
Leave a comment