શીલવંત સાધુને વારે વારે નમીએ, પાનબાઈ

શીલવંત સાધુને વારે વારે નમીએ, પાનબાઈ !”

                નિષ્કુળાનંદ સ્વામીએ માર્મિક પંક્તિઓ લખી છે:

વેશ લીધો વૈરાગનો

દેશ રહી ગયો દુરજી,

ઉપર વેશ અચ્છો બન્યો,

માંહી મોહ ભરપૂર જી.

                   જેમણે વૈરાગનો વેશ લીધો છે અને ભગવા ધારણ કર્યા છે તેઓ સમાજ માટે આદરપાત્ર બને છે. તેના મૂળમાં આવા વેશ કે ભેખ લેનારાઓના ત્યાગની ભાવના પડી છે. તેમની અનાસક્તિની વાત તેમાં છુપાયેલી છે. આ સ્થિતિને જોઈને નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જો ભીતર મોહ કે આસક્તિ જીવંત રહેલા હોય તો ઉપર ઉપરના વેશથી કોઈ ખરા અર્થમાં સાધુ થઇ શકતા નથી. આ કસોટીની દ્રષ્ટિથી જોઈએ તો SGVPના સંતો ખરા ઉતરે છે. તેના મૂળમાં જોઈએ તો આ સંતોની જીવનસાધના તથા મહારાજની કૃપા છે. બધા સંતોને આપણે ઓળખતા ન હોઈએ તે સ્વાભાવિક છે. માધવપ્રિય સ્વામી તેમ જ બાલસ્વામી જેમને આપણે સારી રીતે જાણીએ છીએ તેઓ આવા સંતોનું પ્રતિનિધિત્વ કરે છે. આ બંને સાધુઓને આપણે ઘણાં વર્ષોથી જોઈએ છીએ. જુદી જુદી પરિસ્થિતિમાં પણ તેમની સમતા જોયા પછી એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી કે તેમણે ભગવા ઉજાળ્યા છે. ભગવા વસ્ત્રોનું ગૌરવ તથા ગરિમા આકરા સમયમાં પણ જીવની જેમ સાચવ્યા છે. દેશ વિદેશમાં વસતા અનેક ગુજરાતીઓને આ બંને સાધુઓ માટે આદર તથા ગૌરવનો ભાવ છે. માધવપ્રિય સ્વામીના નિરંતર વિચરણને કારણે હરિભક્તોનો એક વિશાળ સમૂહ આ સંસ્થામાં તથા તેના કાર્યોમાં શ્રદ્ધા ધરાવતો થયો છે.

            ગુજરાતે અનેક ક્ષેત્રોમાં હરણફાળ ભરી છે. આવા તમામ ક્ષેત્રોમાં તેને દોરનારા મજબૂત અગ્રજો મળ્યા છે. ગુજરાત તેના ઔદ્યોગિક તથા વ્યાપારિક વિકાસના મહારથીઓ માટે જાણીતું છે. આ સાથે જ ગુજરાત તેના ઉત્તમ વિદ્યારત્નો માટે પણ સુવિખ્યાત છે. સોનામાં સુગંધ ભળે તેમ ઉપરના બંને ક્ષેત્રોના વ્યક્તિવિશેષો ઉપરાંત સમાજને દોરવણી આપી શકે તેવા સમર્થ સંતો પણ આ ગાંધીની ભૂમિએ સમાજને આપ્યા છે. આ બધા સ્વનામધન્ય સાધુ-સંતોએ સમાજને સંસ્કાર તથા સૌજન્યના મજબૂત ધાગાઓમાં બાંધવાનો આકરો પ્રયાસ પુરી નિષ્ઠા સાથે કર્યો છે. આ તમામ સંતોના જીવનમાં સાદગી અને સરળતા છે. દોર-દમામ કે ઢોંગને તેમના જીવનમાં સહેજ પણ સ્થાન નથી. પરંતુ તેમના વિચારોની ઉન્નતિ આભને અડે તેવી ઉજળી છે. તેમણે જે કાર્યો હાથ પર લીધા તેમને દિપાવ્યા છે. ભિક્ષુ અખંડાનંદજીએ શિષ્ટ તથા જીવન ના ઉત્તમ રસોનું પોષણ કરે તેવું વાંચન ઘેર ઘેર પરવડે તેવી કિંમતે મળે તે માટે સંસ્થાગત વ્યવસ્થા ઉભી કરી. આજે પણ તે કાર્યરત છે. સંત શ્રી મોટાએ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ખૂટતા રૂમ બાંધવા માટે ઝોળી ફેરવીને નાણાં એકઠા કર્યા. પૂજ્ય મોટાએ તો ગુજરાતી ભાષામાં “વિશ્વકોશ”નું નિર્માણ થાય તે માટે પણ ગુજરાત યુનિવર્સિટીને માતબર રકમની સખાવત કરી. સંતોની આવી ઉજળી પરંપરાના જ્વલંત મણકા સમાન સાધુ એટલે માધવપ્રિય સ્વામી છે. ગુજરાતના અનેક સમાજના તથા અનેક પરંપરાના લોકોનો આદર આ સંતે સહજ રીતે પ્રાપ્ત કર્યો છે. આ સંસ્થાના સંતોના વિકાસના મૂળમાં શાસ્ત્રી ધર્મજીવનદાસજી છે. પૂજ્ય ધર્મજીવનદાસજી સ્વામીના સચોટ ભાવિદર્શનના કારણે રાજકોટ ગુરુકુળનું નિર્માણ થયું. આ રીતે જ એસજીવીપી સંસ્થાનું નિર્માણ થયું તથા જુદા જુદા ક્ષેત્રોમાં નિરંતર વિકાસ થયો. વડતાલ ગાદી સાથે શ્રદ્ધાથી જોડાયેલી એસજીવીપી સંસ્થા અમદાવાદની એક ઓળખ સમાન બની છે. એસજીવીપીને પોતાના જ્ઞાન તથા સૂઝથી દોરનાર માધવપ્રિયસ્વામીને જયારે પ્રતિષ્ઠિત ગણાતી “વેદાંતવિદ્યામાર્તન્ડ”ની પદવી મળી ત્યારે ફરી ગુજરાતની આ ઉજળી સંતપરંપરાનું સન્માન થયું હોય તેવી લાગણી અનેક લોકોના મનમાં સહેજે થઇ હતી. અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં વિશાળ માનવસમાજે માધવપ્રિયદાસજીનું ઉચિત સન્માન પણ કર્યું. એક વિવેકી અને વિદ્વાન સાધુને સાધુવાદ આપવાનો આ ઉજળો અવસર હતો. સાધુતાનું આ સહજ સન્માન હતું. તેનું કારણ સ્પષ્ટ છે. આજના વિકટ યુગ અને સંજોગોમાં પણ કેટલાક સાધુ-સંતો સંસ્કારની દિપશીખાને સંકોરતા બેઠા છે. સંતોની ઉજળી પરંપરામાં રહેલા શ્રદ્ધા તથા આદરને સમાજના આવા સંતો ટકાવી રાખે છે. શ્રદ્ધાના એ તાંતણાને મજબૂત પણ કરે છે. સંતો લોકહિતકારી છે. બ્રહ્માનંદ સ્વામીના શબ્દો આ સંદર્ભમાં યાદ આવે છે.

                    સંત પરમ હિતકારી

                  જગતમાં સંત પરમ હિતકારી

                  બ્રહ્માનંદ કહે સંત કી સોબત

                  મિલત હૈ પ્રગટ મુરારી

           જગતમાં સંત  પરમ હિતકારી

                           લોક કલ્યાણ માટે શાસ્ત્રી ધર્મજીવનદાસજીએ ૭૫ વર્ષ પહેલા કેળવણી માટેનો યજ્ઞ પ્રગટાવ્યો. કઈ મોટી મુડીના સથવારે સાધુએ આ વિદ્યાદાનનું કામ ઉપાડ્યું હશે? શેઠ શામળશા હૂંડી સ્વીકારશે તેવી નરસિંહે અનુભવીને ગાયેલી શ્રદ્ધાને કારણે જ આ કામો થયા હશે. ગુરુકુળનું નિર્માણ રાજકોટમાં થયું. રાજકોટ ગુરુકુળ એ આ મહાન સંતનું સમાજને અમૂલ્ય પ્રદાન છે. માધવપ્રિયસ્વામી કે બાલસ્વામી જેવા સંતોનું ઘડતર અહીં જ થયું છે. એ બાબત પણ અહીં નોંધપાત્ર છે કે સાડા સાત દાયકા પહેલા કોઈ સાધુને શિક્ષણ સંસ્થાનું નિર્માણ કરવાની ઈચ્છા થાય છે. આ બાબત પણ સામાન્ય નથી. આર્થિક રીતે સામાન્ય લોકોના બાળકોને પણ અહીં પરવડે તેવી સુચારુ  વ્યવસ્થા છે. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હોય તેને જ સવલત મળે તેવો કોઈ વિચાર અહીં દૂર દૂર સુધી પણ આ સંસ્થાએ કર્યો નથી. સાંપ્રદાયિક કટ્ટરતા આ સંતોને બાંધી શકી નથી. સર્વસમાવેશક્તાનું આ જીવંત ઉદાહરણ છે. કિશોર વયે જ સન્યસ્ત ભણી વળેલા માધવપ્રિયસ્વામી આ ઐતિહાસિક સંસ્થાની ઓળખ સમાન બન્યા છે.

                 માધવપ્રિય સ્વામીને પોતાના આદર સન્માનમાં આસક્તિ નથી. જે કઈ સિદ્ધિ મળી છે તે હરિનારાયણ દેવની કૃપા થકી જ શક્ય બન્યું છે તેવું તેમણે વખતોવખત કહ્યું છે. “મહારાજ ! તમને ગમતું થાજો” એવી સંતોક્તિનું અહીં ઠોસ પ્રમાણ મળે છે. ઉપરાંત માધવપ્રિયસ્વામીએ ધર્મ સહિતના જીવનના તમામ ક્ષેત્રોમાં સંઘર્ષ નહિ પરંતુ સંવાદનું મહત્વનું સ્થાન છે તેમ કહી પોતાની ગુરુ પરંપરાને ઉજળી કરી છે. સાધુતા શીલ, સૌજન્ય તથા સહનશીલતાથી દીપી ઉઠે છે તેનું અહીં દર્શન થાય છે. તુલસીદાસજીએ લખ્યું તે ગુણોનું દર્શન આ સાધુના જીવનમાં થાય છે.

                  સીલ ગહની, સબકી સહની,

                    કહની હીય મુખ રામ.

               તુલસી રહીએ એહી રહની

                સંત જનન કે કામ.

            સરકારની સેવા અને સંતોના સ્નેહના કારણે એસજીવીપી સંસ્થા સાથે લગભગ તેના પ્રારંભથી જોડાવાની મને તક મળી છે. તેનો સતત વિકાસ એ પણ એક અદ્વિતીય ઘટના છે. કુદરતી સંકટોના સમયે આ સંસ્થા સરકારી તંત્ર સાથે ખભેખભા મેળવીને અસરગ્રસ્ત લોકોને સહાય કરવા હંમેશા ઉભી રહી છે. સમાજને વ્યાપક રીતે ઉપયોગી થાય તેવા કાર્યો આ સંસ્થા સતત કરતી રહે છે. પ્રમાણમાં રાજ્યના અંતરિયાળ વિસ્તારના કન્યા ગુરુકુળની સ્થાપના કરીને જરૂરિયાત ધરાવતી દીકરીઓ માટેનો પ્રવિત્ર જ્ઞાનયજ્ઞ પણ આ સંસ્થાના પ્રયાસોથી શરુ થયો છે. આરોગ્યની સુવિધાઓ પુરી પાડવા SGVP સંકુલમાં State of the art Hospital જેવી સુસજ્જ વ્યવસ્થા કાર્યરત છે. કપરા કોરોના-કાળમાં અનેક લોકોને આ વ્યવસ્થા ઉપકારક થઇ છે તેના આપણે સાક્ષી છીએ. આરોગ્ય સેવાઓમાં એક મહત્ત્વી પૂર્તિ આ સંસ્થાએ કરી છે.                    

                                 માધવપ્રિય સ્વામીનો સ્વાધ્યાય યજ્ઞ નિરંતર ચાલતો રહે છે. આ યજ્ઞની પ્રસાદી સ્વરૂપે ઉત્તમ પુસ્તકો ગુજરાતને મળ્યા છે. લેખન તથા પ્રવાસ એ સ્વામીના જીવનના અભિન્ન અંગો છે. સતત વિચારતા તથા વિકસતા આ સાધુએ સગવડ-અગવડ વેઠીને તથા સંપ્રદાયની મર્યાદાઓ જાળવીને પણ ૩૩ દેશોમાં વિદેશયાત્રાઓ કરી છે. મૂળ સાથેનો નાતો જાળવીને તેઓ ખરા અર્થમાં ગગનગામી થયા છે. ધર્મો-સંપ્રદાયો વચ્ચે વિસંવાદ દૂર કરીને સંયોજકની ભૂમિકા ઉભી કરવામાં તેઓ સક્રિય રહ્યા છે. માધવપ્રિય સ્વમીના કેટલાક લખાણોમાંથી પસાર થવાની તક મળી છે. દરેક પ્રસંગે તેમાં નવીનતા સાથે જ અર્થસભરતા જોવા મળી છે. સ્વામી સતત લખતા રહ્યા છે. તેમનો બહોળા હરિભક્તો સાથેનો સંવાદ યજ્ઞ પણ સાતત્યપૂર્ણ રહ્યો છે. શાસ્ત્રોએ કહ્યું છે: “સ્વાધ્યાય પ્રવચનાભ્યાં મા પ્રમાદીત્વયં” આ વાતને માધવપ્રિય સ્વામી વાસ્તવિક જીવનમાં જીવી રહ્યા છે. કાશીની અનેક વિદ્વાનોની સભામાં સ્વામીનું સન્માન થયું. એ તેમના આવા નિરંતર સ્વાધ્યાયનું પરિણામ છે. સંતોની ઉજળી જ્ઞાનપરંપરાનું આ સન્માન છે. માધવપ્રિય સ્વામીના જ્ઞાનને નમન કરવામાં આપણું સૌનું ગૌરવ છે. ગંગાસતી પણ વર્ષો પહેલા આ વાત જ આપણને સમજાવીને ગયા છે. શીલવંત સાધુને નમન કરે એ સ્વસ્થ સમાજનો ભાગ છે. તેમ જરૂર કહી શકાય.

વસંત ગઢવી

તા. ૨૨ જુલાઈ ૨૦૨૫ 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑