“મહામાનવ ગાંધીજીનો સ્વસ્થ કુટુંબપ્રેમ“
વીસમી સદીના એક મહામાનવ અને સંબંધની દ્રષ્ટિએ પિતા તેમ જ સસરા પોતાના પુત્ર અને પુત્રવધૂઓને પત્ર લખે છે: ધ્યાનથી વાંચવા જેવો આ પત્ર છે. તેઓ લખે છે હું ગમે તેટલો નાખુશ હોઉ તો પણ તમારા લોકોના પત્રની રાહ જોઉં છું. મારી નાખુશી પણ તમારી તરફના મારા પ્રેમના કારણે છે. મને દર મહિને એક પત્ર લખવાનો અને તમારો એક પત્ર મેળવવાનો હક્ક છે. કેટલીક વાર મને સમય ન મળે તો પણ એક દિવસ વહેલા કે મોડા પણ હું પત્ર લખું છું.
એક બીજા પત્રમાં આ મહામાનવ લખે છે. આજે મારી પાસે પત્ર લખવા જેટલો સમય નથી. આથી ભોજન કરતાં કરતાં આ પત્ર લખાવ્યો છે. તમારો પત્ર મળવાથી મને આનંદ થયો છે. તેઓ કહે છે કે ઘણી વખત મારા જમણા હાથને વિશેષ શ્રમ પડ્યો હોય ત્યારે હું ડાબા હાથે પણ પત્ર લખું છું. કેટલીક વખત સવારના ૪:૦૦ થતાં પ્રાર્થના શરુ થાય તે પહેલા આ પત્ર લખી નાખું છું.
ઉપરના પત્ર વ્યવહારમાં પિતા તેમ જ સસરા મહાત્મા ગાંધી છે અને તેમના પુત્રો તથા પુત્રવધૂઓ પત્ર મેળવનારાઓ છે. સૌથી મોટા પુત્ર હરિલાલ ગાંધી અને તેમના પત્ની ગુલાબ બહેન. ત્યાર પછી બીજા ક્રમે પુત્ર મણિલાલ અને પુત્રવધુ સુશીલાબેન. ત્યારબાદ ત્રીજા પુત્ર રામદાસ અને પુત્રવધુ નિર્મળાબેન અને છેલ્લા પુત્ર દેવદાસ અને પુત્રવધુ લક્ષ્મીબેન. તેમના પુત્રોના લગ્ન થયા તે પહેલા પણ ગાંધીજી આ પુત્રવધૂઓનાં કુટુંબોને જાણતા હતા. ઓળખતા હતા. ગાંધીજીના ચોથા પુત્રવધુ લક્ષ્મીબેન રાજગોપાલાચાર્ય કે રાજાજીના દીકરી હતા. ગાંધીજીનું જીવન ખુબ જ પ્રવૃતિમય હતું. આથી મોટાભાગે તેમને પુત્રો તેમ જ પુત્રવધૂઓ સાથે રહેવાનો સમય મળ્યો નથી. પરંતુ આમ છતાં પત્રો દ્વારા નિયમિત સંપર્કમાં રહીને તેમનું ઘડતર કરવામાં ગાંધીજીએ હંમેશા ધ્યાન આપ્યું હતું. કેટલાક પત્રોમાં ગાંધીજીએ જીવન જીવવાની રીત અંગે ચોક્કસ સૂચનાઓ આપી છે. આ બાબતોમાં મુખ્યત્વે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ મુકવાની વાત ભારપૂર્વક કરી છે. ઉપરાંત ખોરાક અંગે પણ નિયમિતતા અને જીવનમાં પણ નિયમિત રહેવાની ઉપયોગી વાતો લખી છે. ઈશ્વર તરફ સતત શ્રદ્ધા રાખીને ગાંધીજી જીવતા હોવાથી સંતાનોને પણ તે પ્રમાણે જ સલાહ આપે છે. જાહેર નાણાંનો ખર્ચ કરવામાં ખુબ જ ધ્યાન રાખવાનો બાપુનો સ્વભાવ હતો. એક પૌત્રી નામે મનુબેન બીમાર પડ્યા અને તેને કારણે સેવાગ્રામમાં થોડા દિવસ રહેવું પડ્યું. સેવાગ્રામમાં બાપુની વ્યક્તિગત દેખભાળ નીચે દીકરીના દવાદારૂ કરવામાં આવ્યા. નાની દીકરી સ્વસ્થ થઈને ઘેર ગઈ. ગાંધીજીએ મનુબેનના પિતા સુરેન્દ્ર મશરૂવાલાને લખ્યું કે મનુબેન પર થયેલો ખર્ચ તમારી પાસેથી લેવો જોઈએ તેમ માનું છું. મનુ થોડા દિવસ સેવાગ્રામ આશ્રમમાં રહી હતી. આથી આ પ્રકારે હું વાત કરું છું. તેનો કોઈ અલગ હિસાબ મેં રાખ્યો નથી. આથી તમને યોગ્ય લાગે તેટલી રકમ આશ્રમમાં મોકલી આપશો. જે લોકો કમાતા હોય તેઓ આશ્રમના પૈસા પર નભે એ મને ઠીક લાગતું નથી. જાહેર સંસ્થાઓ ચલાવવામાં આટલી ચોકસાઈ તથા પારદર્શિતા એ આજે વિશેષ પ્રેરણાદાયક બની શકે તેમ છે. ગાંધીજીના પત્રોમાં લાગણીવેડા નથી પરંતુ ચિંતન છે. વાત્સલ્ય છે. સામાન્ય રીતે વડીલો જે ચર્ચા પુત્ર કે પુત્રવધુ સાથે કરવાનું ટાળે છે તેવા વિષયોમાં પણ ગાંધીજીએ નિખાલસપણે પોતાના પત્રોમાં વાત કરી છે. ગાંધીજીના પત્રોમાં એક બીજી બાબત પણ ધ્યાન ખેંચે તેવી છે. સામાન્ય રીતે એમના પત્રો ટૂંકા રહેતા હતા. ટૂંકામાં ઘણો સાર આપી દેવાની એમની લખાણની શૈલી હતી. શબ્દોનો વ્યવહાર પણ આ મહાત્માએ કરકસરથી કર્યો હતો. ગાંધીજીના પત્રોમાં રમૂજ અને વિનોદ પણ હંમેશા રહેતા હતા. આથી સંતાનોને તો એક ધૂની અને તોફાનની છાંટવાળા આનંદી ડોસાનું જ દર્શન થતું હતું. આ ઉપરાંત મહાત્મા લખે છે કે ઘણા ખરા માં-બાપ જે ભૂલ કરતાં હોય છે તે ભૂલ કદાચ તેમણે પણ કરી છે. તેઓ કહે છે કે મારે તમને સાંભળવા જોઈતા હતા ત્યારે હું બોલતો રહ્યો. મારે જયારે ધીરજ રાખવાની હતી ત્યારે હું ગુસ્સો કરતો રહ્યો. આ દોષ માટે હું તમારી ક્ષમા માંગુ છું. ગાંધીજીના ત્રીજા પુત્ર રામદાસનો જન્મ પણ ડર્બનમાં શહેરમાં થયો હતો. ઉપરાંત નાના પુત્ર દેવદાસનો જન્મ પણ ડર્બનમાં થયો હતો. તે વખતે કોઈ દાયણ ન મળવાથી બંનેની પ્રસુતિ વખતે ગાંધીજીએ પ્રસુતિ સંબંધેના નાના-મોટા કામ કાળજીથી કર્યા હતા. બીમાર કે અશક્ત લોકોની સેવા સુશ્રુષા કરવાની ગાંધીજીની આવડત હતી. કુટુંબના સભ્યોને પણ તેનો લાભ મળ્યો હતો. સતત સામાજિક અને પ્રવૃત્તિઓની વચ્ચે પણ ગાંધીજીનો કુટુંબ પ્રેમ લીલોછમ્મ રહ્યો હતો. તેમની સતત સંભાળ તેઓ લેતા હતા. કોઈ સમયે પોતે ન જઈ શકે તો કોઈને મોકલીને પણ બાપુ તેમના સંતાનોની કાળજી રાખતા હતા. ગાંધીજીના પત્રોમાં કોઈ ગુપ્તતા નથી. એક ખુલ્લા તથા વાત્સલ્યભર્યા શબ્દોનો આ ખજાનો છે. જરૂર હોય ત્યાં સ્પષ્ટ રીતે ચીમકી કે ઠપકો પણ છે. મોટા પુત્ર હરિલાલ સાથે ગાંધીજીના સંબંધો દુર્ભાગ્યે સારા ન રહ્યા. જો કે હરિલાલના પત્ની ગુલાબબહેનના અવસાન પછી તેના ચારે બાળકોને ઉછેરવાની પૂર્ણ જવાબદારી ગાંધીજી તથા કસ્તુરબાએ લીધી હતી. બાપુ પોતાને પણ હરિલાલના આ વ્યવહાર માટે દોષિત માને છે. સદીના શ્રેષ્ઠ પુરુષના જીવનમાંથી વાત્સલ્યભર્યા કુટુંબપ્રેમનું પણ સ્પષ્ટ દર્શન થાય છે.
વસંત ગઢવી
તા. ૨૨ જુલાઈ ૨૦૨૫
Leave a comment