: ઈન્દુકુમાર જાનીની પાવન સ્મૃતિ:
એક ચીંથરેહાલ માણસ છેક ઈશ્વરના દરબારમાં પહોંચી ગયો. સ્વર્ગના દરવાજે જઈને ઉભો રહ્યો. તેની પૂછપરછ કરવામાં આવી. તેણે કહ્યું કે મને સ્વર્ગમાં જગ્યા મળવી જોઈએ. તેને પૂછવામાં આવ્યું કે તેણે એવું તે શું કામ કર્યું છે કે જેથી તેને સ્વર્ગમાં જગ્યા મળે? સ્વર્ગની માંગણી કરનાર વ્યક્તિએ સરસ જવાબ આપ્યો. તેણે કહ્યું કે મેં વૃક્ષો વાવ્યા છે. વૃક્ષો વાવીને તેને પાણી પાયું છે. જેટલી જરૂર હોય તે પ્રમાણે ખાતર પણ નાખ્યું છે. તેથી મને સ્વર્ગ મળવું જોઈએ. ઈશ્વરનો નિર્ણય થયો કે તેને સ્વર્ગ આપવામાં આવે. થોડા સમય પછી ત્યાં બીજો એક માણસ સ્વર્ગમાં જગા મેળવવાના દાવા સાથે આવ્યો. તેના પહેરવેશ પરથી તે કોઈ અગ્રણી નેતા જેવો લાગતો હતો. તેણે પણ કહ્યું કે મને સ્વર્ગમાં જગ્યા મેળવી જોઈએ. સ્વર્ગના દ્વારપાળે તે માટેના કારણો આપવા કહ્યું. કારણો આપતા તેણે જણાવ્યું કે દર વર્ષે તેણે વન મહોત્સવની ઉજવણી કરી છે. ઉપરાંત તે કહે છે કે વૃક્ષો વાવવાનું મને પોસાય નહિ. મારે તેટલો સમય પણ ન હોય. વન મહોત્સવ હોય ત્યારે વૃક્ષ વાવીએ. ફોટાઓ પડાવી છાપાઓમાં સમાચારો આવે એટલેથી મારુ કામ પૂરું થયેલું ગણાય. ઈશ્વરે કહ્યું કે કમ સે કમ તેણે એક સારું કામ કરવાનો ઢોંગ પણ કર્યો છે. માટે તેને એકાદ મહિના માટે સ્વર્ગ આપી શકાય. તે દરમિયાન એક ત્રીજી વ્યક્તિએ પ્રવેશ કર્યો. કફની અને પાયજામો પહેર્યા હતા. તેને જાડા ચશ્મા હતા. તેની પણ માંગણી સ્વર્ગના રહેણાંક માટેની હતી. પ્રભુએ ફરી તેને પણ પૂછ્યું. તે વૃક્ષો વાવીને તેનો ઉછેર કરેલો ખરો? પેલા વ્યક્તિએ જવાબ આપ્યો કે એ તો બહુ સામાન્ય વાત ગણાય. એ કામ તો સામાન્ય લોકોનું ગણાય. મેં તો વૃક્ષો ઉછેરવા વિશે તેમ જ જંગલોના ફાયદા વિશે લેખો લખ્યા છે. દૂરદર્શન પરથી ઇન્ટરવ્યૂ તેમ જ વાર્તાલાપો આપેલા છે. ઈશ્વરના દરબારનો એ નિર્ણય થયો કે તેને નર્કમાં મોકલવો જોઈએ. જેની પાસે જ્ઞાન છે છતાં જેની કર્મશીલતા શૂન્ય છે તે માનવ-સમાજ માટે બોજારૂપ છે. એક કૃષિને સમર્પિત વ્યક્તિનો પરિચય આપતા ઉપરની વાત ઈન્દુકુમાર જાનીએ લખી છે. ઇન્દુભાઇએ પણ ઝીણાભાઈ સાથે રહીને તેમ જ સ્વતંત્ર રીતે અનેક લોકહિતના સદ્કાર્યોના છોડ વાવ્યા છે. જતન કરીને ઉછેર્યા પણ છે. આથી ઇન્દુભાઇને ગુજરાતે ભૂલવા જેવા નથી. ખેતવિકાસ પરિષદના માધ્યમથી સમગ્ર સમાજ સાથે સમર્પણના ભાવથી જોડાયેલા ઈન્દુકુમાર જાની મજબૂત મનોબળ ધરાવતા કર્મશીલ હતા. ઇન્દુભાઇને સામાજિક કાર્યોના વિશાળ ક્ષેત્રમાં દોરી લાવવાનો યશ ઝીણાભાઈ દરજીને જાય છે. ‘નયા માર્ગ’ સામાયિકના માધ્યમથી તેમના વિચારો ગુજરાતના દૂર સુદૂરના વિસ્તારોમાં પણ પહોંચી શક્યા. આજે ‘નયામાર્ગ’ નથી. તેની ખોટ પણ સાલે તેવી છે. ઈન્દુભાઈ રૂઢિગત માળખાઓમાંથી બહાર નીકળીને સમષ્ટિનો વિચાર કરનારા હતા. સુરતમાં સરકારી કામની ફરજ બજાવતો હતો ત્યારે નિરંતર મુસાફરી કરનાર ઈન્દુભાઈ ગુજરાત કવીન કે ગુજરાત મેલમાં અનેક વખત મળી જતા હતા. જનસામાન્યના પ્રશ્નો બાબત વાતચીત કે ચર્ચા થતી હતી. કેટલીક બાબતોમાં વિચારભેદ હોય તો પણ સ્વસ્થ ચિત્તે વાતો કરવાનું ગમતું હતું. ઈન્દુભાઈ જેવા કેટલાક સમર્પિત લોકો ગુજરાતે નજરે જોયા છે. વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ તેમણે વિચારપૂર્વક સંસ્થાઓ કે વ્યવસ્થાઓ ઉભી કરી છે. જેનો લાભ રાજ્યના અનેક લોકોને થયો છે. ઇન્દુભાઇની વાતચીતમાં ઝીણાભાઈ દરજીનો તો ઉલ્લેખ આવે જ પરંતુ ગુજરાતના બીજા ઘણાં કર્મઠ માનવીઓ વિશે તથા તેમના વિચારો વિશે ઈન્દુભાઈ વાતો કરતા હતા. આથી તેમનું પુસ્તક “વહાલો મારો દેશ, વહાલાં એના માનવી” ડંકેશભાઈએ મોકલાવ્યું ત્યારે તે જોઈને આનંદ થયો.(પ્રકાશન: ગુર્જર સાહિત્ય ભવન, સંપાદક:ડંકેશ ઓઝા) ગઈકાલના જ આવા પરગજુ વૃત્તિ ધરાવતા લોકો તેમના કાળમાં લાભ-હાનિનો વિચાર કર્યા સિવાય લોકહિતાર્થે જીવન જીવી ગયા હતા. આથી તેમનું સ્મરણ એ આપણી મૂડી છે. તેઓ અનેક લોકોને સતત મળતા રહેતા હતા. આથી આવા કેટલાક વ્યક્તિઓ વિશે તેમણે લખ્યું છે. દરેક વ્યક્તિની પોતાની આગવી પ્રતિભા હોય છે. તે બાબત આ સંક્ષિપ્ત વ્યક્તિચિત્રોનું પુસ્તક જોતા સ્પષ્ટ થાય છે. તે સાથે જ જે તે વ્યક્તિના જીવનકાર્યથી સમાજને થતા લાભ બાબત પણ મહત્વની જાણકારી મળે છે. પુસ્તકની દરેક કથાનો સંદેશ જીવનમાં ખરેખર કંઈક કરી છૂટનાર માનવીઓને પ્રમાણવાનો તેમ જ તેમને બિરદાવવાનો છે. આવા પાત્રો વિશે જો યોગ્ય રીતે લખાશે નહિ તો તેઓ વિસ્મૃત થઇ જશે. આવા પાત્રોની વાતો રસપ્રદ રીતે આપણા શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે તો તેની પ્રેરણા કિશોરો તેમ જ તરુણોમાં એક વિચારબીજનું સિંચન કરી શકે. આવા એક વ્યક્તિ ડો. વિઠ્ઠલભાઈ જીવરાજભાઈ પટેલ નૂતન પ્રયોગો કરીને ખેતી કરતા હતા. તેમની વાત ઇન્દુભાઇએ લખી છે. ખેતી એમના માટે વ્યવસાય નહિ પણ ધર્મ હતો. જીવડા ન થાય એવા બોર ઉછેરીને બતાવ્યા. તેમના પિતા જીવરાજભાઈને ખેતીના પંડિતનો એવોર્ડ પણ મળ્યો. આવા બીજા પાત્રો વિશે પણ ઇન્દુભાઇએ સરળ ભાષામાં લખ્યું છે. ઇન્દુભાઇના લખાણના માધ્યમથી નટવરલાલ પ્ર. બુચ સ્મૃતિમાં આવ્યા. તેમની રમૂજ વૃત્તિ ગજબની હતી. મનુભાઈ પંચોળી ‘દર્શક’ની તબિયત એકવાર નરમ હતી. કોઈ બુચભાઈને દર્શકની તબિયત વિશે પૂછે તો કહે કે વાંધો નથી. સરકારના વહીવટ કરતા વધુ ઝડપે તબિયત સુધરતી જાય છે ! ઇન્દુભાઇની ‘જમાત’માં ભળી શકે તેવા લોકો ઓછા થતા જાય છે ત્યારે આવા કર્મશીલ માનવીઓનો પરિચય કરાવતું પુસ્તક નોંધપાત્ર છે. પ્રેરણા આપે તેવા આ લોકો આપણી ઉજળી ધરોહર સમાન છે.
વસંત ગઢવી
તા. ૧૧ જુલાઈ ૨૦૨૫
Leave a comment