રાણી લક્ષ્મીબાઈ-ક્ષણના ચણીબોર

:ખુબ લડી મર્દાની, વહતો ઝાંસીવાળી રાની થી:

                                    ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ એ પરાધીન દેશમાં ઉભો થયેલો વિદ્રોહનો પ્રથમ નાદ હતો. બ્રિટિશ ઇતિહાસકારો તેને માત્ર સિપાઈઓના બાળવા તરીકે ઓળખાવે છે પરંતુ આવું તરણ એ ઇતિહાસનું એકાંગી વર્ણન છે. એ વાત ખરી છે કે વ્યાપક જનસમૂહની ૧૮૫૭ના સંગ્રામમાં સામેલગીરી ન થઇ શકી. વ્યૂહરચના પણ અંગ્રેજોની વિશેષ મજબૂત રહી. આમ છતાં આ ઉજળા તથા ઐતિહાસિક સંઘર્ષને કારણે બ્રિટનના સત્તાધીશોએ ‘કંપની બહાદુર’ની જગાએ બ્રિટનની સરકારે સીધો જ વહીવટ કરવાનું નક્કી કર્યું. એક મહત્વની ઘટના એ પણ રહી કે દેશના તમામ જાતી કે ધર્મના લોકોએ એક સાથે મળીને વિદેશની સત્તાને પડકાર કર્યો. આ બાબત બ્રિટિશરોના ધ્યાનમાં તરત જ આવી. ભવિષ્યમાં તેમણે ભારતીય સમાજના વિભાજન માટે પણ યુક્તિ,પ્રયુક્તિઓ કરી. દેખીતી રીતે તો વેપાર માટે આવેલી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની એક સદીથી પૂર્ણરીતે શાસક બનીને બેઠી હતી. ૧૮૫૭ના સંગ્રામના એક ભાગ તરીકે અનેક વીરોએ સમર્પણ કર્યું હતું. તેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો સમાવેશ થતો હતો. ૧૮ જૂન અને ૧૯મી જૂન ૧૮૫૮ એ મુક્તિ સંગ્રામના મહત્વના દિવસો હતા. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ આ બંને દિવસોમાં તેમની અંતિમ લડાઈ કરી રહ્યા હતા. એક ઇતિહાસકારે લખ્યું છે કે મહારાણી જયારે યુદ્ધમાં ઉતર્યા ત્યારે શાક્ષાત વીરતાની મૂર્તિ સમાન લગતા હતા. વિકટ પરિસ્થિતિમાં પણ મહારાણી શત્રુઓ સામે આરપારની લડાઈ લડતા હતા. મહારાણીએ ઝાંસીની લડત બાદ ગ્વાલિયર સહીતના સ્થળોએ યુદ્ધને દોરતા હતા. મહારાણીની રક્ષા કરનાર સૈનિકોની ખુવારી થઇ રહી હતી. પ્રથમ દિવસની બંને પક્ષની ભારે ખુવારી પછી યુદ્ધ બંધ રહ્યું. ૧૮ જૂન ૧૯૫૮ના દિવસે યુદ્ધ ફરી શરુ થયું. ચારે બાજુથી મહારાણીની મર્યાદિત સેના પર મોટી સંખ્યા સાથે વિદેશી બળોએ હુમલો કર્યો. આજે અંગ્રેજ સેનાનીઓ તરીકે વધારે વરિષ્ઠ અધિકારીઓ સંઘર્ષમાં ઉતર્યા હતા. રાણી લક્ષ્મીબાઈ તેમના માર્ગમાં ચટ્ટાન બનીને ઉભા હતા. ઝાંસી પોતાના નિયંત્રણમાં જ છે તેવું માનનારા અંગ્રેજ સેનાપતિઓ મહારાણી અસરકારક શાસક તરીકે રહે તે સહન કરવા તૈયાર ન હતા. આથી આ લડાઈ વિશેષ ગંભીર બની હતી. અંગ્રેજોએ મહારાણીનું પ્રચંડ પરાક્રમ અને દેશી સૈનિકોનો જુસ્સો જોઈને પોતાની વ્યૂહરચના બદલી. તેમણે મહારાણીના ભૂમિદળના સૈનિકો પર ભારે હુમલો કર્યો. બ્રિટિશ સેનાપતિઓ વિશેષ કરીને યુક્તિથી કામ કરતા હતા જયારે મહારાણીના સૈનિકોને તેમના સેનાપતિઓ તરફથી અસરકારક વ્યૂહરચના મળતી ન હતી. ચારે બાજુથી ઘેરાયેલા મહારાણી લક્ષ્મીબાઈ યુદ્ધ કરતા રહ્યા. મહારાણી પુરુષ વેશમાં ઘોડા ઉપર સવાર થઈને લડતા હતા. કેટલાક અંગ્રેજી અધિકારીઓ અને સૈનિકો મહારાણીને તેઓ પુરુષના વેશમાં હોવાથી ઓળખી પણ શકતા ન હતા. ૧૯મી જૂનના દિવસે ફરી નિર્ણાયક યુદ્ધ શરુ થયું. અંગ્રેજી સૈનિકોએ યુદ્ધનો અંત લાવવા માટે વિશેષ પ્રયાસો કર્યા. મહારાણીના ભૂમિદળ સામે અંગ્રેજ સૈન્યની સંખ્યા તથા લડવાની રીત વધારે સુઆયોજિત હતી. સેનાએ મહારાણીને લગભગ ચારે તરફથી ઘેરી લીધા હતા. રાની લક્ષ્મીબાઈ તેમ છતાં સતત યુદ્ધમાં પ્રવૃત્ત રહ્યા હતા. તેમની સ્ફૂર્તિ સહેજ પણ ઓછી થઇ હોય તેવું લાગતું ન હતું. એક સમયે મહારાણીને સલાહ આપવામાં આવી કે તેમણે સલામત રીતે બહાર નીકળી જવું. મહારાણીએ પ્રયાસ શરુ કર્યો. અંગ્રેજોની ટુકડી એ ફરી ભારે ગોળીબાર શરુ કર્યો. દુર્ભાગ્યે એક ગોળી મહારાણીને વાગી. ઘોડો પણ ઘાયલ થયો એટલે તીવ્રતાથી દોડી શકતો ન હતો. અંગ્રેજ સૈનિકો સંખ્યામાં વધારે હતા. મહારાણીનો સાત આઠ વર્ષનો પુત્ર દામોદરરાવ રામચંદ્ર રાવની સાથે ઘોડા પાર બેઠો હતો. રાની લક્ષ્મીબાઈએ આ બધા વચ્ચે પોતાના વીર સાથીઓને કહ્યું કે મારુ મૃત્યુ થાય તો પણ મારુ શરીર અંગ્રેજોના હાથમાં ના આવે તેમ કરવું. તમે આ વાતનું પાલન કરશો તો એ સાચી ભક્તિ ગણાશે. થોડા વિશ્વાસપાત્ર સેવકોની સાથે યુદ્ધ કરતા કરતા મહારાણી બહાર નીકળવાનો પ્રયાસ કરતા હતા. પોતાની બંને સેવિકાઓમાંથી એક સેવિકાને પણ અંગ્રેજોની ગોળી વાગી અને તેની કરુણ ચીસ મહારાણીને વ્યથિત કરી ગઈ. છતાં પણ ઘાયલ સિંહણની જેમ તલવાર ચલાવતી રહી. ઘાત પ્રતિઘાત થયા. મહારાણી સખત રીતે ઘવાયેલા હતા. આવી ગંભીર અવસ્થામાં સૈનિકો જેમ તેમ કરીને મહારાણીને એક ઝૂંપડામાં લઇ ગયા. પાણી પીવડાવવામાં આવ્યું. ગંગાજળ આપવામાં આવ્યું. અસહ્ય વેદના હતી. પોતાના દત્તક પુત્ર દામોદરને તેમણે જોયો અને મહારાણી ૧૯મી જૂન રાત્રીના સમયે આ ફાની દુનિયા છોડીને પરલોકમાં પ્રસ્થાન કર્યું. મહારાણીના મૃત્યુ બાબત અલગ અલગ ઇતિહાસકારોએ થોડી અલગ અલગ વિગતો લખી છે. પરંતુ મહારાણી યુદ્ધની વચ્ચે જ આ દુનિયા છોડી ગયા તે નિશ્ચિત છે. કોઈ લેખકે મહારાણીની તુલના ફ્રાન્સની મહાન વીરાંગના જોન ઓફ આર્ક સાથે કરી છે. ઝાંસીની રાણીએ ઘાયલ થયા પછી પણ વખતો વખત સરદારોને કહ્યું કે આપણી પાસે કબજામાં જે ખજાનો છે તે આપણા સૈનિકોની વચ્ચે સત્વરે વહેંચી દેવો. આભૂષણ હોય તો પણ વહેંચી દેવા. જે જમાનામાં સ્ત્રીઓ ઘરની બહાર પણ નીકળતી ન હતી તે યુગમાં ચોક્કસ વ્યૂહરચના અને વીરતા સાથે રાણી લડ્યા. ‘મેરી ઝાંસી નહિ દૂંગી’નો પ્રચંડ ઘોષ દિશાઓમાં ગુંજી રહ્યો. બુંદેલખંડના વીરોના મહાન પ્રેરણાસ્ત્રોત સમાન રાણી લક્ષ્મીબાઇને કવિયિત્રી સુભદ્રાકુમારી ચૌહાણે તેમની અમર કાવ્ય રચનામાં બિરદાવ્યા છે:

જાઓ રાની યાદ રખેંગે

હમ કૃતજ્ઞ ભારતવાસી

યહ તેરા બલિદાન જગાએગા

સ્વતંત્રતા અવિનાશી

તેરા સ્મારક તુંહી હોગી

તું ખુદ અમિટ નિશાની થી

ખુબ લડી મર્દાની વહ તો

ઝાંસી વાલી રાની થી.

અભી ઉંમર કુછ તેઇસ,

કીથ, મનુ જ નહિ અવતારી થી,

ખુબ લડી મર્દાની વહ તો

ઝાંસી વાલી રાની થી.

વસંત ગઢવી

તા. ૩ જુલાઈ ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑