પુષ્પાબહેન મહેતા-ક્ષણના ચણીબોર

જુનવાણી તથા જર્જરિત સમાજનું કલેવર બદલવાનો જીવનભરનો પુરુષાર્થ: પુષ્પાબહેન મહેતા:

                                        પુષ્પાબેન મહેતાનો જન્મ ૧૯૦૫માં થયો. જીવનકાળ ૧૯૮૮ સુધીનો રહ્યો. સ્ત્રીઓના સામાજિક ન્યાય તથા આર્થિક વિકાસ માટે જીવનભર સંઘર્ષ કરનાર પુષ્પાબેન મહેતા એક નિસ્વાર્થ સામાજિક અગ્રણી હતા. ગુજરાતની અનેક અગ્રણી બહેનોનું જે તેજસ્વી વર્તુળ છે તેનો એક ભાગ હતા. હરકોર શેઠાણી, સુલોચના બેન, મૃદુલાબેન સારાભાઈ તેમ જ અનસુયાબેન સારાભાઈ, ઇલાબેન ભટ્ટ, હંસાબેન મહેતા તેમ જ  વિનોદિની નીલકંઠ જેવા અગ્રણીઓએ ગુજરાતની ઉજ્વળ નારીશક્તિના પ્રતિનિધિઓ છે. યુનિવર્સિટીના શિક્ષણને કારણે તેમનો વિકાસ પણ ઘણો થયો. તેઓ પ્રગતિશીલ મહિલાઓ હતી. જુનવાણી સમાજનું કલેવર બદલવાની તેમની મહેચ્છા હતી. પુષ્પાબેનનું ઘડતર જો કે બીજી મહિલાઓથી અલગ રીતે થયેલું હતું. ગીરના જંગલોની વચ્ચે તેમનો જન્મ અને ઉછેર થયો હતો. તેમના પિતા હરપ્રસાદ દેસાઈ પોલીસ ખાતામાં અધિકારી હતા. ગિરનાર અને ડાલામથ્થા સિંહોના સાનિધ્યમાં તેમના જીવનમાં સ્વાભાવિક રીતે જ નિર્ભયતા આવી હતી. બાળપણથી જ તેઓ ખડતલ બહાદુર અને નીડર હતા. ખરેખર તો પુષ્પાબહેને હજારો બહેનોને અન્યાય સામે માથા ઉચકવા માટે પ્રેરણા આપી હતી. પગભર થવા તથા નીડર બનવા હિંમત આપી હતી. જીવનભર આ જેહાદ તેમણે ચલાવી હતી. ૧૯૨૩માં તેમના પિતાનું અવસાન થયું. ૧૯૨૯માં તેમણે પોતાની માતાએ ગુમાવ્યા. ૧૯૩૦માં તેમના પતિ જનાર્દન રાયનું અવસાન થયું અને ૨૬ વર્ષની વયે તેઓ વિધવા થયા. જીવતર ઉપર જાણે કે વ્રજઘાત થયો. આમ છતાં હિંમત ન હારતા એસએનડીટી યુનિવર્સીટીમાંથી પદવી હાંસલ કરી અને અમદાવાદની મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાયા. આ વર્ષે તેમના જીવનમાં એક પલટો આવ્યો. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ અને તેમના પત્ની સમાજ સુધારક સરલા દેવીના પુત્રી મૃદુલા સારાભાઈ સાથે તેમને મેળાપ થયો. આ મેળાપનું એક સુભગ પરિણામ આવ્યું. ૨૪ એપ્રિલ ૧૯૩૪ના રોજ મૃદુલાબેનની પ્રેરણાથી જ્યોતિ સંઘની સ્થાપના કરવામાં આવી. ગાંધીજીના આ સંસ્થાને આશીર્વાદ હતા. મૃદુલાબેનનો ઉછેર પણ સાવ અલગ રીતે થયો હતો. કહેવાથી ધાર્મિક કે સાંપ્રદાયિક વાતોના બંધનમાં તેઓ ન હતા. મૃદુલાબેનનો હેતુ ચીલાચાલુ તથા રૂઢિચુસ્ત સમાજમાંથી એક નૂતન સમાજનું નિર્માણ કરવાનો હતો. મૃદુલાબેનને મળ્યા પછી પુષ્પાબેને શિક્ષિકાની નોકરી છોડી તેમ જ મૃદુલાબેનના આગ્રહથી જ્યોતિસંઘમાં જોડાયા. ગાંધી યુગની બે મહાન નારીઓનું મિલન થયું. બંનેનું ટીમવર્ક પણ ખુબ સારું હતું. જ્યોતિસંઘમાં આવતી સ્ત્રીઓને અંગ્રેજી ભાષાનું જ્ઞાન, અર્થશાસ્ત્ર અને આરોગ્ય શાસ્ત્ર શીખવવામાં આવતું હતું. આ સંસ્થામાંથી તૈયાર થયેલી બહેનોએ લખ્યું કે અમારું આત્મબળ વધારવામાં આ સંસ્થાએ અને પુષ્પાબેને ખુબ મોટું કામ કર્યું છે. વિકટ પરિસ્થિતિમાં પણ માર્ગ શોધવાનું શીખવ્યું છે. ભોગીલાલ ગાંધી નાનાભાઈ ભટ્ટ દાદા સાહેબ માવળંકર જેવા લોકો વખતોવખત જયોતિસંઘની મુલાકાત લેતા હતા. પ્રવચન આપતા હતા અને માર્ગદર્શન પણ આપતા હતા. ગાંધીજીના આશીર્વાદથી શરુ થયેલી આ સંસ્થા કોઈપણ પ્રકારની સંકુચિતતા સ્વીકારતી ન હતી. સંસ્થા ગાંધીવાદી ન હતી. પરંતુ ગાંધીજીના ઉત્તમ વિચારોને અમલમાં મૂકનારી હતી. તેમણે મહિલાઓને મારઝૂડ, દ્વિ પત્નીનો રિવાજ, શકમંદ મૃત્યુ, સ્ત્રીઓ પર થતા અત્યાચાર અને લોહીના વેપાર જેવી જંગલી બાબતો સામે જંગ માંડવાનું શીખવ્યું હતું. પુષ્પાબેન પોતે પણ પ્રસંગ આવે ત્યારે શારીરિક સંઘર્ષ કરવા પણ સક્ષમ હતા. ૧૯૩૬માં જયારે ગાંધીજીએ ગુજરાતી સાહિત્ય પરિષદના  પ્રમુખ થયા ત્યારે તેમણે જ્યોતિસંઘ વિશે ખુબ સારી વાત કરી. ગાંધીએ કહ્યું કે સ્ત્રીઓ  વિશે જે સાહિત્ય લખાય છે તેમાં સ્ત્રીઓના શારીરિક વર્ણન વિશે વધારે લખાય છે તેનું મને આશ્ચર્ય છે પરંતુ જયોતિસંઘની મહિલાઓ આ બાબતથી દૂર છે. તેઓ શારીરિક દેખાવોની હરીફાઈમાંથી બહાર નીકળી છે. વિકાસ ગ્રહ ૧૯૩૭માં શરુ કરવામાં આવ્યું.આ ઉપરાંત જે સ્ત્રી સંસ્થાઓ વિકસાવવામાં આવી તેમાં હળવદ, વઢવાણ, રાજકોટ, જૂનગાઢ, જામનગર અને પ્રભાસ પાટણમાં પણ સંસ્થાઓનો વિકાસ થયો. પુષ્પાબેન કહેતા મારી સંસ્થાઓ એ જ મારું સ્મારક છે. મારા ફોટા ક્યાંય મુકવા નહિ કે કોઈ સ્મારક પણ કરવું નહિ. સૌરાષ્ટ્રનું રાજ્ય સ્થાપવા તથા તેનું બંધારણ ઘડવા ૧૯૪૮માં સભા મળી. પુષ્પાબેનને અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. આરઝી હકુમતના સેનાની તરીકે પણ તેમણે નિર્વાસિતોના પુનઃવસવાટ માટે ખુબ પ્રયાસ કર્યા. માલધારીઓના ઉત્કર્ષ માટે યોજનાઓ ઘડી. ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ તેઓ નિમાયા. પુષ્પાબેન બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. કોઈપણ પરિવર્તન માટે તેઓ રાહ જોતા ન હતા. કીર્તિ કે સામાજિક દરજ્જો ભોગવવા માટે સહેજ પણ ઈચ્છા નહોતી. સમગ્ર રાષ્ટ્રમાં તેઓ જાણીતા હતા. પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, સરોજિની નાયડુ, દાદા સાહેબ માવળંકર જેવા દેશના નેતાઓએ તેમની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. જીવનના અંત સમયે ૧૯૨૨માં જન્મેલી તેમની પુત્રી જે એમડી ગાયનેક થઇ હતી. તેનું અવસાન અકાળે થયું તેનું ઊંડું દુઃખ પુષ્પાબેનને થયું. જીવનના છેલ્લા વર્ષોમાં પક્ષપાતનો હુમલો થયો. તેમનું અવસાન બીજી એપ્રિલ ૧૯૮૮ના રોજ થયું.

            પુષ્પાબેન મહેતાના કાર્યો થકી આપણાં સમાજને મહિલાઓના સામર્થ્ય અંગે ફરી પ્રતીતિ થઇ. પુષ્પાબહેને ગુજરાતના નાના મોટા નગરોમાં પણ મહિલાઓ માટેના વિકાસગ્રહોની સ્થાપના કરી. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ વિકાસગૃહનો ઘણો વિકાસ થયો. હરિઈચ્છાબહેન જેવા સમર્પિત અગ્રણી ત્યાં ધૂણી ધખાવીને લાંબા વર્ષો સુધી રહ્યા. આ રીતે સંસ્થાઓની તેમ જ સમર્પિત કાર્યકર્તાઓની એક સાંકળ રચવાનું ભગીરથ કામ તેમણે કર્યું. ગુજરાતમાં હમણાં જ પુરી થયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં લગભગ ૪૦૦૦ જેટલા ગામોમાં મહિલાઓ સરપંચ તરીકે ચૂંટાયા છે. મહિલાઓ સામાજિક ક્ષેત્રમાં આગળ આવે તો વહીવટમાં પણ એક ગુણવત્તાયુક્ત પરિવર્તન આવશે તેવી આશા સ્વાભાવિક રીતે જ રહે છે. અનેક ક્ષેત્રોમાં મહિલાઓનું પદાર્પણ એ સામાજિક પ્રગતિનો મહત્વનો માપદંડ છે. ગુજરાતના નારીરત્નોએ પોતાના યોગદાનથી ઇતિહાસમાં અદકેરું સ્થાન મેળવ્યું છે.

વસંત ગઢવી

તા. ૩ જુલાઈ ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑