જુથિકા રોય-ક્ષણના ચણીબોર

ચુપકે ચુપકે બોલ મૈના ! જુથિકા રોયની જીવનકથા:”

                    બંગાળે આ દેશને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને રવીન્દ્રનાથ ટાગોર આપ્યા છે. સત્યજિત રાય જેવા અમૂલ્ય ફિલ્મ સર્જક આપ્યા છે. આ બંગાળે જ દેશના ચરણોમાં જુથિકા રોયને ધર્યા છે. એમના કંઠનો જાદુ છેલ્લા અનેક દસકાથી વશીકરણ કરનારો રહ્યો છે. ભજનોની અનોખી ગાયકી દ્વારા તેમણે સંગીતના ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. ખળખળ વહેતા ઝરણાના કંઠ સમાન તેમનો મધુર અવાજ છેલ્લા અનેક દાયકાઓથી અનેક લોકોના દિલોદિમાગને તરોતાજા પ્રસન્નતા આપતો રહ્યો છે. ભારતના અમર કલાકારોની હરોળમાં જુથિકા રોય અમૂલ્ય હસ્તી છે. (એપ્રિલ ૨૦, ૧૯૨૦ થી ફેબ. ૫ ૨૦૧૪).

                  જુથિકાજી બંગાળી ખરા પરંતુ કેવળ બંગાળી નહિ. તેઓ તો અસીમ અને અફાટ સ્વર પ્રદેશના નિવાસી છે. ભૂગોળ તેમને પોતાના વિસ્તારમાં કેદ ન કરી શકે. મહારાષ્ટ્ર્ના નાના એવા દેહુ ગામના નિવાસી તુકારામ કહે છે: “અમારો નિવાસ એ તો ભુવન ત્રય.” આ વાત જુથિકા જેવા તમામ કલાકારો-સર્જકોને લાગુ પડે છે.જુથિકાજીની આત્મકથા ગુજરાતીમાં લાવવાનું પ્રસંશનીય કામ હીરાલક્ષ્મી ફાઉન્ડેશન(આશાપુરા ગ્રુપ)ના આર્થિક સહયોગ થકી શક્ય બન્યું છે. શ્રી રજનીકુમાર પંડ્યાની નીષ્ઠાપુર્વકની મહેનતનું તે સુંદર પરિણામ છે. ધીમંત પુરોહિત, બીરેન પાધ્યા તથા બીરેન કોઠારીનું તેમાં મહત્વનું યોગદાન  છે. જુથિકા રોય બંગાળીમાં લખાયેલી પોતાની જીવન કથામાં લખે છે કે મારી સ્મૃતિઓની વાત લખાશે તેની સ્વપ્નમાં પણ મને કલ્પના ન હતી. મેં ઘણા પ્રયત્નો પણ કર્યા હતા. અનેક લોકોને મળી હતી પરંતુ કોઈને કોઈ બહાનું ધરીને તેમણે મને નિરાશ કરી હતી. આ પુસ્તકની હસ્તપ્રત ઘણા લાંબા સમય સુધી પડી રહી અને એક સમય એવો આવ્યો કે હું પણ તેને ભૂલી ગઈ હતી પરંતુ અંતે આ કામ થયું તેનો આનંદ છે. જુથિકાજીનો આ આનંદ તો હશે જ. પરંતુ તેમને માણનારા અનેક સંગીત પ્રેમીઓ માટે પણ જુથિકા રોયની સ્મૃતિઓ વાંચવી એ ઊંડી પ્રસન્નતાની બાબત છે.

                          જુથિકા લખે છે: હાવડા જિલ્લામાં મારુ જન્મસ્થાન એ સાવ નાનું ગામ પરંતુ પોતાના વતનથી પ્યારું બીજું કયું સ્થળ હોઈ શકે છે? બાળપણની અનેક સ્મૃતિઓ મનમાં રહી છે. નાના એવા મારા આ ગામનું સૌંદર્ય ભૂલી શકાય એવું નથી. હરિયાળા મેદાનો તથા ભૂરું આકાશ આજે પણ સ્મૃતિમાં જીવંત છે. સોનેરી ઝાંઈ વાળા ખેતરો અંતરને આનંદથી ભરી દેનારા હતા. આ સમગ્ર શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે દામોદર નદી વહેતી હતી. દામોદર નદી વિખ્યાત હતી. હંમેશા આનંદ કરાવતી પરંતુ ક્યારેક ચોમાસાની ઋતુમાં એના કાંઠે રહેનારાઓને આંસુ પણ પડાવી દેતી હતી. ઉનાળામાં સૂકો ભઠ લાગતો આ નદીનો પટ ચોમાસામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતો હતો. આ દામોદર નદીના કાંઠે આવેલા આમતા ગામમાં જુથિકાનો જન્મ એપ્રિલ ૧૯૨૦માં થયો હતો. પિતા સત્યેન્દ્રનાથ સ્કૂલોના સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર હતા. પિતાજીની એક ગામથી બીજે ગામ બદલી થયા કરતી હતી. પિતાજીની સાથે જુથિકા તથા ઘરના સભ્યો વણઝારાની ટોળી હોય તે રીતે ફર્યા કરતા હતા. જુથિકાના પિતાજી સંગીતના ખુબ શોખીન હતા. શાસ્ત્રીય સંગીતની તેમની ઊંડી જાણકારી હતી. તેમના મા સ્નેહલતા મહેનતુ મહિલા હતા. માતા રામકૃષ્ણ પરમહંસ શારદામાં તેમ જ સ્વામી વિવેકાનંદને નજર સમક્ષ રાખીને પોતાનું જીવન અને જીવનક્રમ ગોઠવવાનો પ્રયાસ કરતી હતી. માતાને પણ સંગીત ખુબ ગમતું હતું. તેનો કંઠ મધુર હતો. દેવ દેવીઓની ભક્તિ ખુબ જ મધુર સ્વરે જુથિકાની માતા ગાઈ શકતા હતા. રાગ રાગીણી અને તબલા જુથિકાને તેના પિતા શીખવતા હતા. નાનપણથી જ આ તાલીમ મળવી શરૂ થઇ ગઈ હતી.

               કોઈક ઘટના માણસના જીવનમાં એક ચિરકાળ ટકી રહે તેવી અસર ઉભી કરતી હોય છે. જુથિકાજી કહે છે કે તેમના જીવનનું મોટું સદ્ભાગ્ય એ મહાત્મા ગાંધીને ગીતો સંભળાવવાનું થયું તે હતું. કલકત્તામાં બાપુ હતા. આઝાદીની ઉષા પ્રગટી ત્યારબાદના થોડા દિવસો હતા. બાપુ સતત શ્રમ કરતા હતા. આમ છતાં જુથિકા અને તેમની માતા મોટી ભીડ વચ્ચે બાપુને મળવા ગયા. જુથિકા આવ્યા છે તે જાણીને મનુબેન ગાંધી તેમને તરત જ બાપુ પાસે લઇ ગયા. બાપુ ખુબ પ્રસન્ન થયા. બાપુએ ભજનો સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. ‘ઘૂંઘટ કા પટ ખોલ(કબીર)’  તથા પાયોજી મૈને રામરતન ધન પાયો(મીરા) વગેરે ભજનો સંભળાવ્યા. બાપુના ચહેરા પરની પ્રસન્નતા જોવાનો અદભુત લ્હાવો મળ્યો. કલકત્તા તેમ જ નોઆખલીની અપ્રિય ઘટનાઓથી વ્યથિત થયેલા મહાત્મા ગાંધીને મીરા-કબીરના શબ્દો તથા જુથિકાના સ્વરથી ઊંડી રાહતનો અનુભવ થયો.

               જુથિકા સ્મરણો તાજા કરતા કહે છે કે એકવાર સર્કસની પાર્ટી અમારા ઘર પાસેથી નીકળી. કોઈ ગાડીમાં વાઘનું પાંજરું કોઈ ગાડીમાં સિંહનું પાંજરું. પણ સૌથી છેલ્લી ગાડીમાં બેન્ડ પાર્ટી સરસ મજાના સૂરો રેલાવતી જતી હતી. તેઓ એક ગામનો પ્રોગામ પૂરો કરીને બીજે ગામ જતા હતા. અમારા ઘરના વરંડામાં ઉભા રહીને આ દ્રશ્ય હું જોતી હતી. જોત જોતામાં સંગીતના સૂરોના આકર્ષણથી હું પાર્ટી સાથે જોડાઈ ગઇ અને ચાલવાનું શરુ કર્યું. કેટલું ચાલી અને કઈ દિશામાં જઈ રહ્યા છીએ તેનું કંઈ ભાન ન રહ્યું. બેન્ડના સૂરોમાં સંપૂર્ણપણે ખોવાઈ ગઇ હતી. અચાનક એક અવાજ આવ્યો. ચમકીને પાછું વળીને જોયું. ઘેરથી અંબિકાને પાગલની જેમ દોડીને આવતા જોઈ. અંબિકાને જોઈને મને અચાનક ભાન આવ્યું તથા હું દોડીને તેને વળગી પડી. સંગીતના સૂરો સાથેનું જુથિકાનું આ અનુસંધાન તે તેમની સંગીતના ક્ષેત્રની ઊંચી ઉડાનનું ખરું રહસ્ય છે. હિન્દી તેમ જ બંગાળી ફિલ્મોના ગીતો ઉપરાંત-રવીન્દ્રસંગીતમાં પણ તેમનું મોટું યોગદાન રહ્યું. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે AIR  પરથી ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી સહિતના અનેક લોકોએ જુથિકાના ભજનો માણ્યા હતા.

વસંત ગઢવી

તા.  ૩ જુલાઈ ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑