ગાંધીજીનો આફ્રિકા પ્રવેશ-વાટે…ઘાટે

:ગાંધીજીનો આફ્રિકા પ્રવેશ: મોહનમાંથી મહાત્મા બનવાની અઘરી યાત્રા:

           નવયુવાન બેરિસ્ટર ગાંધી ઘણી બધી આશા અને અરમાનો સાથે આફ્રિકા પહોંચ્યા. તેઓ ત્યાં અબ્દુલાશેઠના આમંત્રણથી ગયા હતા. અબ્દુલાશેઠના ગુંચવાયેલા કેસનો ઉકેલ કરવાની તેમની જવાબદારી હતી. ટ્રેન મારફત ગાંધીજી ચાલ્સ ટાઉન પહોંચ્યા. ત્યાંથી જોહાનિસબર્ગ જવાનું હતું. તે માટે તેમણે એક બગીમાં મુસાફરી કરવાની હતી. આ બગી કે ઘોડાગાડીમાં ગોરા સાહેબો બેઠા હતા. ઘોડાગાડીવાળાને આ કાળા માનવીને બગીની અંદર બેસાડવાનું પરવડે તેવું ન હતું. અનુભવોથી ઘડાયેલા ઘોડાગાડીવાળાને બરાબર સમજ હતી કે બગીમાં અંદરની જગા વિશેષ સવલત મળે તેવી હતી. આથી ત્યાં તો ગોરા સાહેબો જ બેસી શકે તેવી વણલખી પ્રથા તે જાણતો હતો. બગીમાં અંદર જગા હોય તો પણ એક કાળો માનવી ગોરા સાથે કેવી રીતે બેસાડી શકાય? આથી તેણે ગાંધીને ઘોડાગાડી ચલાવનાર પાસે ખુલ્લી જગામાં બેસાડ્યા. ગાંધી સ્વમાની હતા પરંતુ પ્રવર્તમાન સ્થિતિને કારણે તેમણે આટલી બાબત મનેકમને પણ સ્વીકારી લીધી.થોડા સમય પછી અંદર બેઠેલા એક ગોરા મુસાફરને બહાર આવવાનું મન થયું. તેને સિગરેટ પીવી હતી આથી તેણે ડ્રાયવરની પાસેની ખુલ્લી જગામાં ગાંધી બેઠા હતા ત્યાં બેસવાનો નિર્ણય કર્યો. તેમણે ગાંધીને કહ્યું કે ડ્રાયવરની સીટ છે તેની નીચે થોડી જગ્યા છે ત્યાં ગાંધીએ બેસી જવું. એ ગંદી તેમ જ સાંકડી જગ્યામાં બેસવાની ગાંધીએ મક્કમતાથી ના પડી. એમણે કહ્યું કે તમારા અને ગાડીવાળાના પગ જ્યાં મુકવામાં આવે છે તે જગ્યા ઉપર બેસવાનું મને મંજુર નથી. પેલા ગોરાએ ગાંધીને ભાંડ્યા અને શારીરિક રીતે પણ મારઝૂડ કરી. ગાંધી એકના બે ના થયા. આવા અમાનવીય તેમ જ પાશવતાભર્યા વલણ સામે બેરિસ્ટર ગાંધીનો આ નામ પાડ્યા વગરનો સત્યાગ્રહ હતો. બગીની અંદર બેઠેલા ગોરા મુસાફરો આ ઘટના જોતા હતા. તેમને  થયું કે એક તરફ પશુબળ છે અને બીજી તરફ આત્મસન્માન ધરાવતો અને નૈતિક હિંમતવાળો એક માણસ છે. આથી તેમણે જે મારઝૂડ કરતો હતો તે ગોરા મુસાફરને કહ્યું કે આ પ્રકારનો ઝગડો કરવો યોગ્ય નથી. ઉપરાંત અંદર બેઠેલા ગોરા મુસાફરોએ કહ્યું કે તેને બગીની અંદર બેસાડવામાં અમને વાંધો નથી. એક અજાણ્યા પ્રદેશમાં પણ મક્કમ મનોબળ તથા આત્મસન્માનને કારણે ગાંધીને કેટલાક મિત્રો અનાયાસે મળ્યા. આ લોકોએ કોઈપણ પ્રકારના સ્વાર્થ સિવાય ગાંધીની સાચી વાતને સ્વીકારીને પોતાના સાથી ગોરાને પણ અન્યાય કરતો રોક્યો. આ બાબત બેરિસ્ટર ગાંધીના ધ્યાનમાં રહી. મુસાફરીનો આ કડવો અનુભવ તેણે પોતાના હીન્દથી આવેલા અને આફ્રિકામાં સ્થાયી થયેલા યજમાનોને કહ્યો. જો કે તેમને આ વાતથી કોઈ નવાઈ ન લાગી. તેમણે કયું કે આવું તો અમારે ત્યાં વખતો વખત બને છે. હવે અમને આવા અપમાન સહન કરવા તે કોઠે પડી ગયા છે. પણ સ્વમાની બેરિસ્ટર આ બાબત સહન કરી લેવા તૈયાર ન હતા. ત્યાંથી ગાંધીજીએ પ્રિટોરિયા જવાનું હતું. સ્થાનિક લોકોએ ગાંધીજીને કહ્યું કે કાલે તમારે પ્રિટોરિયા જવાનું છે. તેમાં પણ પ્રથમ વર્ગની ટિકિટ લઈને જવામાં મુશ્કેલી થઇ શકે. મોટા ભાગે પ્રથમ વર્ગની ટિકિટ તમને આપશે નહિ અને આપ્યા પછી મુસાફરી કરતા હશો તે દરમિયાન અપમાન થવાનો સંભવ રહેશે. ગાંધી રેલવે સ્ટેશન પહોંચ્યા. સ્ટેશન માસ્ટર એક હોલેન્ડ નિવાસી હતો. તેણે ગાંધીને કહ્યું કે મને ટિકિટ આપવામાં કોઈ મુશ્કેલી નથી. પરંતુ તમારી મુસાફરી કદાચ સલામત રહેશે નહિ. કારણકે મારો અનુભવ છે કે બ્રિટનના ગોરા મુસાફરો એક કાળા માણસને ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટ્માં મુસાફરી કરતા જોશે તો તેને સહન કરી લેશે નહિ. આમ છતાં એ કર્મચારીએ ગાંધીજીને જણાવ્યું કે હું પ્રથમ વર્ગની ટિકિટ આપું છું અને મારી શુભેચ્છાઓ પાઠવું છું. ગાડી ચાલી. બેરિસ્ટર ગાંધીના કમ્પાર્ટમેન્ટમાં કેટલાક બ્રિટિશ મુસાફરો પણ પ્રવાસ કરતા હતા. થોડો સમય પસાર થયા બાદ ગાર્ડ તપાસ કરવા માટે આવ્યો. કેટલાક ગોરા મુસાફરો સાથે કાળા મુસાફરને બેઠેલો જોઈને તેનો ગુસ્સો પ્રગટ થયો. તેણે અપમાનજનક રીતે ગાંધીને ત્રીજા વર્ગમાં ચાલી જવા કહ્યું. ગાંધીએ કહ્યું કે મારી પાસે પ્રથમ વર્ગની ટિકિટ છે. હું શા માટે ત્રીજા વર્ગના ડબ્બામાં જાઉં? ગાર્ડ સાહેબનો રોષ ભભૂકી ઉઠે તે પહેલા તે પ્રથમ વર્ગના કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા ગોરા નાગરિકોએ ગાર્ડ તથા મુસાફર વચ્ચેનો સંવાદ સાંભળીને વચ્ચે પાડવાનો પ્રયાસ કર્યો. તેમણે ગાર્ડને કહ્યું કે અમને વાંધો નથી તો તને (ગાર્ડને) શી તકલીફ છે? ગાર્ડ બડબડયો કે તમારી મરજી હોય તો ભલે આ કાળા માનવી સાથે મુસાફરી કરો. ગોરા લોકોએ ગાંધીને વિવેક સાથે કહ્યું કે તેઓ તેમની મુસાફરી આ વર્ગમાં જ ચાલુ રાખી શકે છે. બેરિસ્ટર ગાંધીએ આ સૌજન્ય માટે સાથી મુસાફરોનો આભાર માન્યો. પ્રિટોરિયા સ્ટેશન આવતા ગાંધી નીચે ઉતર્યા. ૧૮૯૩ના વર્ષની આ વાત છે. સ્ટેશન પર કોઈ તેમને લેવા આવ્યા ન હતા. હવે આ અજાણ્યા શહેરમાં ક્યાં જવું તેનો નિર્ણય ગાંધીએ કરવાનો હતો. ગાંધી અનુભવોથી ઘડાતા હતા.નજીકની હોટેલમાં કોઈની સલાહ પરથી જવાનું નક્કી કર્યું. હોટેલના અમેરિકન મલિક જોન્સ્ટને કહ્યું કે તે ગોરા-કાળાના ભેદભાવને માનતો નથી. આથી તેને ગાંધીજીને પોતાની હોટેલમાં રહેવાની સવલત આપી. આમ છતાં એણે સ્પષ્ટતા કરી કે તેની રેસ્ટોરન્ટના ગ્રાહકો ગોરા છે. આથી તે ગાંધીને રેસ્ટોરન્ટમાં લઇ જઈ શકશે નહિ. અલબત્ત, ગાંધીના હોટેલના રૂમમાં ખાવાનું મોકલી આપશે. આફ્રિકાના પોતાના રોકાણ દરમિયાન આવે પ્રશ્નો આવ્યા જ કરશે તેની પ્રતીતિ બેરિસ્ટર ગાંધીને થવા લાગી હતી.

વસંત ગઢવી

તા. 30 જૂન ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑