:ભલે ભલે ભાઈ ! ભલે ભલે, રમતી કરો ભવાઈ ! :
ફિલ્મ તથા ટેલિવિઝન જગતની આધુનિક ઝાકઝમાળ વચ્ચે જયારે આપણાં ભવાઇના વેશનું સ્મરણ થાય છે ત્યારે અનેક સુખદ સ્મૃતિઓના સંભારણા થાય છે. આધુનિકતાનું સ્વાગત છે. આ બાબતની સાથે જ આપણી પોતાની સંપદા સમાન ભવાઈને આધુનિક યુગમાં જાળવવા તથા સમય અનુસાર વિકસાવવા વિશેષ પ્રયાસ થવા જોઈએ તેમ લાગે છે. ભવાઇના વિવિધ વેશો એ આપણી વિરાસત છે. ભવાઈ વેશની સાથે જ અચૂક રીતે જેમની સ્મૃતિ થાય તે અસાઈતનું નામ તથા તેમનું યોગદાન છે. ભવાઈની રચના તેમજ સ્વરૂપ ભાતીગળ છે. અસાઈતના જીવન વિશે કેટલીક માહિતી જે ઉપલબ્ધ છે તે માહિતી કે કથા પણ ખુબ જ રસપ્રદ છે. આ મુજબ ૧૪મી સદીના પૂર્વાર્ધમાં અલાઉદ્દીન ખીલજીની સત્તા ગુજરાતમાં ચાલતી હતી. આ સમયે ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર ગામે બ્રાહ્મણ ગોત્રમાં અસાઈતનો જન્મ થયો હતો. તેમની શાખ ઠાકર હતી. અસાઈતના પિતા વિદ્વાન કથાકાર હતા. અસાઈત અનેક ગુણો ધરાવતા હતા. અનેક પ્રકારની કલાઓ તેમને વરેલી હતી. તેઓ કવિ હતા. સારા ગાયક હતા. નૃત્ય કલામાં પણ પ્રવીણ હતા. તેઓના પુરોહિતો ગામે ગામ રહેતા હતા. અસાઈતના એક પુરોહિત હેમા પટેલ હતા. પટેલ જાણીતા હતા તેમ જ આર્થિક રીતે પણ સધ્ધર હતા. હેમા પટેલને એક પુત્રી હતી. પુત્રી સ્વરૂપવાન હતી. પુત્રીનું નામ ગંગા હતું. તે સમયે રાજ્યના એક સુબાનો ઊંઝામાં મુકામ થયો. મધ્યકાલીન ગુજરાતમાં સૂબાઓ તેમની સત્તાને કારણે પ્રભાવી હતા. સુબાના એક નોકરે ગંગાને જોઈ. સુબાના માણસે સ્વરૂપવાન ગંગાને જોઈને તેની સુંદરતા વિશે સુબાને વાત કરી. ત્યારપછી તો સામાન્ય રીતે આ કાળમાં બનતું હતું તેમ સુબાના હુકુમથી ગંગાને પકડીને સુબાના બંગલે લાવવામાં આવી. હેમા પટેલનું પિતૃહ્રદય દ્રવી ઉઠ્યું. આ હળાહળ અન્યાયનો ઉકેલ શું છે તેનો તેઓ વિચાર કરવા લાગ્યા. હેમા પટેલ મૂંઝાયા ત્યારે તેમને પોતાના મિત્ર અસાઈત ઠાકર યાદ આવ્યા. તેઓ સત્વરે સિદ્ધપુર જઈને તેમને મળ્યા અને વાત કરી. હેમા પટેલ ઊંઝા પાછા આવ્યા. પોતાના મિત્ર કોઈક રીતે મદદ કરશે તેવો તેમનો આત્મવિશ્વાસ હતો. તેમ થયું પણ ખરું. સુબાના રહેઠાણે જઈને અસાઈતે કહ્યું કે તેઓ ઉત્તમ ગાયકી ધરાવે છે. ઉપરાંત તેમણે વિનંતી કરી કે જો સુબાનો હુકમ હોય તો તેઓ તેમની સમક્ષ સંગીત પીરસવા માંગે છે. સુબાએ રાજી થઈને મહેફિલ ગોઠવવા આજ્ઞા આપી. અસાઈત ઈશ્વરદત્ત ગાયન કલા ધરાવતા હતા. તેમણે જે પ્રસ્તુતિ કરી તેનાથી સૂબો પ્રભાવિત થઇ ગયો. પ્રસન્ન થઈને જે ઈચ્છા હોય તે માંગવાનું તેણે અસાઈતને કહ્યું. અસાઈતે રજૂઆત કરી કે આપના માણસો ગંગાને પકડી ગયા છે. ગંગા મારી દીકરી છે. તેને મુક્ત કરો એવી મારી માંગણી છે. સુબાના માણસોએ વાંધો લીધો. તેમણે કહ્યું કે ગંગા તો પાટીદારની દીકરી છે જયારે અસાઈત તો બ્રાહ્મણ છે. સૂબો કસાયેલો વહીવટદાર હતો. તે સમયના સમાજના ઊંડા જ્ઞાતિપ્રથાના દુષણોનો તેમ જ તે અંગે સમાજની સખ્તાઈનો તેને પૂરો અંદાજ હતો. આથી સુબાએ કહ્યું કે અસાઈતે ગંગા સાથે બેસીને ભોજન કરવું. અસાઈતે રાજી ખુશીથી આ વાત સ્વીકારી અને ગંગા સાથે ભોજન કર્યું. અસાઈતના રૂઢિચુસ્ત સમાજે અસાઈતના આ પગલાંને માન્ય ન રાખ્યું. આથી જ્ઞાતિએ અસાઈતને જ્ઞાતિમાંથી બહાર મુક્યા. તેની સાથેના તમામ વ્યવહારો તોડી નાખ્યા. અસાઈત પાસે કુટુંબનું ભરણ પોષણ થઇ શકે તેવી કોઈ વ્યવસ્થા રહી નહિ. હેમા પટેલે આ સ્થિતિ સમજીને ખેતીની જમીન કાઢીને અસાઈતને ખેડવા માટે આપી. અસાઈત ઊંઝા આવીને વસ્યા. અસાઈતે તેની ઈશ્વરદત્ત કળાનો વિશેષ વિકાસ કર્યો. ભવાઇના વિભિન્ન સ્વરૂપો વિકસાવવા તેણે પોતાની સૂઝના કારણે પ્રયાસ કર્યો. લોકભવાઈનું એક સ્વરૂપ વિકસતું ગયું. લોકભવાઈનું આ સ્વરૂપ મજબૂત હતું. લોકભોગ્ય તેમ જ લોકોમાં સ્વીકાર્ય હતું. તેથી આ પરંપરા ચાલુ રહી અને સતત વિકસતી રહી. મનોરંજનના અનેક માધ્યમો હવે ઉપલબ્ધ થતાં આ પરંપરા નબળી પડી છે. ભવાઇના મૂળ સ્વરૂપનો ખ્યાલ આપવા માટે જયમલ્લ પરમારે આ વિદ્યાના જાણકાર લોકોને આગ્રહ કરીને ‘ઉર્મિનવરચના’ માસિકમાં લેખો લખાવ્યા. આ લેખોના સંગ્રહનું સુંદર આયોજન ભાઈ રાજુલ દવેએ કર્યું. પ્રવિંણ પ્રકાશન રાજકોટ તરફથી ‘આપણું લોકનૃત્ય ભવાઈ’ એ પુસ્તક પણ પ્રગટ થયું. ગુજરાતનું પરંપરાથી ચાલ્યું આવતું નાટ્ય સ્વરૂપ એ ભવાઈ છે. ચૌદમી સદીથી ઓગણીસમી સદી જેટલા કાળના વિશાળ પટ પર તેની જાહોજલાલી રહી. ગામના લોકોની ઈચ્છા, આર્થિક સધ્ધરતા વગેરે બાબતોને ધ્યાનમાં લઇ ભવાઈ કરનારા જૂથના લોકો ત્યાં રહેતા. રસોઈ માટે સીધુ સામાન પણ ગામલોકો જ આપતા હતા. આ ટોળી જાય ત્યારે પણ સ્નેહથી વિદાય આપવામાં આવતી અને બીજા વર્ષ માટેનું નિમંત્રણ પણ અપાતું હતું. ગામના યજમાનોના લગ્ન પ્રસંગોમાં પણ આ ટોળીના સભ્યોને ભેટ સોગાદ મળતા હતા. ભવાઈ એ લોકનાટ્યનું એક ભાતીગળ સ્વરૂપ છે. જે તે સમયના લોકજીવનને કેન્દ્રમાં રાખીને જ સંવાદોની રચના થતી હતી. આથી લોકોનું તે સાથેનું જોડાણ સહજતાથી તેમ જ સત્વરે થઇ જતું હતું. તેમાં આવતા ગીતો, નાના પદો કે સાખીઓ પણ લોકો ઝીલતા હતા. ભવાઈમાં લોકરંજક લોકવાદ્યોનો ઉપયોગ થતો હતો. તેમાં મુખ્યત્વે ભૂંગળ, પાવો ઢોલક, તબલા, વાંસળી, મંજીરા જેવા નાના તથા સહેજે ઉપલબ્ધ થાય તેવા સંગીતના સાધનોનો પ્રયોગ થતો હતો. પાંચસો વર્ષ સુધી લોક મનોરંજનના ક્ષેત્રમાં ભવાઈનો દબદબો રહ્યો. આથી ‘ઊર્મિ-નવરચના’માં પ્રસિદ્ધ થયેલા માહિતી સભર લેખો આકર્ષક છે.
વસંત ગઢવી
તા. ૧૨ જૂન ૨૦૨૫
Leave a comment