પી.પી. પંડ્યા-વાટે…ઘાટે

:પી.પી. પંડ્યા: આપણાં સમર્થ સંશોધક:

                      કેટલાક લોકો સ્વભાવગત રીતે જ કાર્યનિષ્ઠ હોય છે. તેમની કાર્યનિષ્ઠાને ભક્તિનું સ્વરૂપ ક્રમશઃ મળતું જાય છે. પોતાનું કાર્ય ઉત્તમ રીતે કરવું તે પણ એક ઉપાસના છે. આવા ગણ્યા ગાંઠ્યા લોકોમાં પુરાતત્વવિદ પી. પી. પંડ્યા (પુરુષોત્તમ પંડ્યા)નો સમાવેશ નિશ્ચિત રીતે કરી શકાય (૧૯૨૦-૧૯૬૦). ભૂતકાળમાં ગાઢ જંગલોની વચ્ચે આવેલા અજંતાના સ્થાપત્યોની શોધ કરનાર અંગ્રેજ અધિકારીને આપણે યાદ કરતા રહીએ છીએ. તેમના વિશે પણ સેમિનારોમાં ઉલ્લેખો થયા કરે છે. તેમના કાર્યનું મૂલ્ય જરૂર છે. પરંતુ પંડ્યા સાહેબ જેવા ઘર દીવડાને ઓળખીને તેમના કામને બિરદાવવામાં આપણે એક સમાજ તરીકે ઉણા ઉતરતા હોઈએ તેમ લાગે છે. આ ક્ષેત્રના દિગ્ગ્જ ગણાય તેવા ડો. એચ. ડી. સાંકળિયાને પંડ્યા સાહેબના અકાળ નિધનથી દુઃખ થયું. તેમણે પંડ્યા સાહેબના પુત્રને આશ્વાસન આપતા લખ્યું હતું કે ગુજરાતની એક અલગ રાજ્ય તરીકે રચના થાય ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં પુરાતત્વ બાબતોને લઈને એક વ્યાપક તેમજ નક્કર કામગીરી પંડ્યા સાહેબના માર્ગદર્શનમાં થશે તેવી આશા હતી. કુદરતને કદાચ એ મંજુર ન હતું. પરંતુ તેના પરિણામે ગુજરાતને થયેલું નુકશાન એ બાબત સાંકળિયા જેવા તજજ્ઞ વ્યક્તિ માટે ચિંતાનો વિષય હતો. શ્રી પંડ્યા સાહેબે રોજડીના ટીમ્બા ઉપર ઉત્ખનન કર્યા પછી વર્ષો બાદ અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સીટીના એશિયન વિભાગે રોજડીના ટીમ્બા આગળ વધારે ઉત્ખનન કર્યું ત્યારે પંડ્યા સાહેબને અંજલિ આપી હતી કે પી પી પંડ્યા એ ગુજરાતના પુરાતત્વ વિભાગ માટે પાયાનું કામ કરેલું છે. પંડ્યા સાહેબનું અવસાન થયું ત્યારે તેમની ઉંમર માત્ર ૩૯ વર્ષની હતી. ગુજરાત માટે કંઈક નક્કર કરવાની એક વિશાળ શક્યતા હતી તેનો અકાળે અંત આવ્યો. કેટલીક વખત કેટલાક લોકો કોઈક મિશન લઈને આ દુનિયામાં આવતા હોય છે. આપણે એમને સમજી શકીએ અને સમજીને વધાવી શકીએ તે પહેલા તે લોકો આ ફાની દુનિયા છોડીને નીકળી જતા હોય છે. આદિ શંકરાચાર્ય કે સ્વામી વિવેકાનંદ જેવા લોકો પ્રમાણમાં નાની ઉંમરમાં ગયા પરંતુ તેમનું ખરું મહત્વ વર્ષો પછી સ્પષ્ટ થયું અને લોકોને સમજાયું. પંડ્યા સાહેબની બાબતમાં પણ આ જ થયું છે.  તેમની સ્મૃતિને જીવંત રાખીને તેમના કાર્યને આગળ વધારવાનું નક્કર આયોજન થાય તો જ ગુજરાતે આ મહામાનવની કદર કરી ગણાય.

                 સૌરાષ્ટ્ર તથા કચ્છની પોતાની આગવી એક ઓળખ રહી છે. સોમનાથ તથા દ્વારકાને કારણે દેશભરમાં આ પ્રદેશની વિશેષ ઓળખ ઉભી થઇ છે. પરંતુ પુરાતત્વીય રીતે પણ સૌરાષ્ટ્રનું એક આગવું મહત્વ છે. તેની પ્રતીતિ માટે પંડ્યા સાહેબના ઉત્ખનનના પ્રયાસોને વિશેષ રીતે સમજીને બિરદાવવા પડશે. રાજકોટ જિલ્લામાં ખંભાલીડા ગામની બૌદ્ધ ગુફાઓ એ માત્ર ગુજરાતના જ નહિ પરંતુ સમગ્ર દેશના પુરાતત્વીય અવશેષોનો એક મહત્વનો ભાગ છે. આ સ્થાપત્યો ચોથી સદીના હોવાનું માનવામાં આવે છે. ખંભાલીડાનો આ અમૂલ્ય ખજાનો જગત સમક્ષ આવ્યો. એ પી. પી. પંડ્યા સાહેબની નિષ્ઠા તેમ જ અથાક પ્રયાસોનું પરિમાણ છે. દસથી વધારે ગુફાઓમાં બૌદ્ધ વિચારધારા સ્પષ્ટ રીતે દેખાય છે. આ સમયગાળામાં બૌદ્ધ વિચારધારાનો પ્રભાવ તેમાંથી સ્પષ્ટ થાય છે.

                પંડ્યા સાહેબ આવા એક સમર્પિત અધિકારી હતા. તેમની સરકારી સેવા એ નોકરી ન હતી. જાત સાથેના એક ઉમદા કમિટમેન્ટમાંથી થતી સેવા એ ભક્તિની કક્ષામાં મૂકી શકાય તેવી અવિરત નિષ્ઠા હતી. તેઓ જયારે રાજકોટમાં હોય ત્યારે કચેરી શરુ થાય તે પહેલા પોતાની કચેરીમાં પહોંચી જતા હતા અને કામ શરુ કરતા હતા. બપોરે લંચ માટે ઓફિસનો કોઈ સાથી ઘેરથી ટિફિન લઈને આવતો હતો. પરંતુ સાંજે એ ભરેલું જ ટિફિન ઘેર પાછું જતું હતું. ઘરના સભ્યો સાહેબનો સાથી જે ટિફિન લઈને જતો હતો તેને સ્વાભાવિક રીતે પુછતા હતા કે સાહેબે કેમ લંચ કર્યું નથી. તે કહેતો કે સાહેબ કામમાં વ્યસ્ત હતા. બે થી ત્રણ વખત તેમને યાદ પણ કરાવ્યું. પરંતુ તેઓ સતત કામ કરતા રહ્યા અને તેથી ભોજન કરી શક્યા નહિ. ડોક્ટર પ્રવીણ દરજીએ લખ્યું છે તેમ તેઓ ખરેખર પુરાતત્વ વિભાગમાં નોકરી કરતા ન હતા પરંતુ પુરાતત્વની તેમની લગની સમાંતર લગ્ન જીવનની હરોળમાં મૂકી શકાય તેવી હતી. ૧૯૫૮માં પુરાતત્વવિદ પંડ્યા સાહેબ દ્વારા શોધવામાં આવેલ બૌદ્ધ ગુફા એ અનેક લોકોના-ઇતિહાસકારો તેમજ શિક્ષણવિદોના ધ્યાન પર આવી. આજે તો તેને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે. આમ છતાં સામાન્ય અનુભવ એવો છે કે આપણી વ્યવસ્થાના માધ્યમથી આપણે આપણા ગૌરવશાળી સ્થાપત્યોની યથાયોગ્ય જાળવણી કરવામાં ઉણા ઉતર્યા છીએ. અનેક મહત્વના પુરાતત્વીય સ્થળોની આસપાસ ગેરકાયદેસર દબાણો પણ જોવામાં આવે છે. પંડ્યા સાહેબના પરિવારે જયાબેન ફાઉન્ડેશનની સ્થાપના કરીને ખંભાલીડાની ગુફાઓ તેમજ અન્ય મહત્વના સ્થળોની જાણકારી તેમજ તે સ્થળોના પ્રચાર-પ્રસાર માટે પણ કામગીરી શરુ કરી છે. પંડ્યા સાહેબના સુપુત્રોએ પોતાના માતાના નામે આ ફાઉન્ડેશન ઉભુ કર્યું છે. સરકારના કામમાં સ્વેચ્છાએ જોડાવાનો આ પ્રકારનો કોઈ એકલ દોકલ કુટુંબનો પ્રયાસ જવેલ્લે જ જોવા મળે તેવો છે. પુરાતત્વવિદ પંડ્યા સાહેબના સંસ્કાર તેમજ તેમની નિષ્ઠાના સદગુણો તેમના પુત્રોમાં ઉતર્યા હોય તો જ આવો ઉમદા વિચાર આવે તે નિશ્ચિત છે. એક પ્રકારના Missionary Spirit થી પંડ્યા સાહેબે રાજ્યમાં તથા દેશમાં સ્થાપત્યનો વારસો જાળવવા તેમજ તેમનું નિદર્શન કરવા સરકાર સાથે અર્થસભર પત્રવ્યવહાર કરતા રહ્યા. આમ જુઓ તો સૌરાષ્ટ્રમાં તમામ ઉત્ખનનો તેમજ સંશોધનના કાર્યોમાં પંડ્યા સાહેબનો સિંહફાળો છે. કાર્ય કરવાની સરકારી પદ્ધતિઓની અનેક મર્યાદાઓ વચ્ચે પણ કામ આગળ ધપાવવાની ઝંખના એ વિષય પરત્વેના સમર્પણનો ઉત્તમ નમૂનો છે. મર્યાદિત જીવનકાળમાં તેઓ અમર્યાદિત યોગદાન આપીને ગયા.

વસંત ગઢવી

તા. ૨૬ એપ્રિલ ૨૦૨૫ 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑