કામદારોની સ્થિતિ અને ગુજરાત મોડેલ-ક્ષણના ચણીબોર

:કામદારોની સ્થિતિ અને ગુજરાત મોડેલ:

પહેલી મેના દિવસે પુરા વિશ્વમાં કામદાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કામદારોના કામના કલાકો તેમજ તેમને મળતા મહેનતાણા જેવા પ્રશ્નો તરફ વિશ્વના અનેક લોકોનું ધ્યાન જાય છે. વર્ષોથી મજૂરોના પ્રશ્નો અંગે ચિંતા કરવામાં આવી છે. મજૂરોના પ્રશ્નોનો ઉકેલ કરવા પ્રયાસો પણ થયા છે. પરંતુ આજે પણ પરિસ્થિતિમાં ઘણા બધા પડકારો યથાવત છે. કામના સ્થળે મજૂરોની અપૂરતી સલામતીની બાબત પણ આજકાલ વિશેષ ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા જ ઉત્તર ગુજરાતના ડીસામાં એક ફેક્ટરીમાં આગ લાગી. કેટલાક મજૂરોએ તેમના જીવ ગુમાવ્યા. કેટલાક ગંભીર રીતે દાઝી ગયા. આ બનાવ બન્યો ત્યારે વિશેષ તપાસ કરતા ખબર પડી કે ખરેખર તો ફેક્ટરી ચલાવવા માટેની કોઈ પરવાનગી આ યુનિટ હોલ્ડરને આપવામાં આવી ન હતી. આગના સમાચારો પણ મીડિયામાં વ્યાપક રીતે પ્રસિદ્ધ થયા. રાજ્ય સરકારે સહાનુભૂતિ દાખવીને તાત્કાલિક  અસરગ્રસ્તો માટે રાહત પણ જાહેર કરી. આમ છતાં પ્રશ્ન એ છે કે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રોમાં આ પ્રકારે ગંભીર પ્રશ્નો વખતોવખત ઉભા થાય છે. આથી ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને તેની કોઈ મજબૂત Preventive વ્યવસ્થા આપણે ઉભી કરી શક્યા નથી. થોડા વર્ષો પહેલા ફિફા વર્લ્ડ કપ માટેનું વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમયમર્યાદામાં ઉભુ કરવા માટે ભારત, બાંગલાદેશ, પાકિસ્તાન, નેપાળ વગેરે દેશોના અનેક મજૂરો કામ કરતા હતા. નિર્ધારિત સમયમર્યાદામાં વિશાળ બાંધકામો પુરા કરવા માટે મજૂરોની સુવિધાઓ તથા સલામતીની બાબત સાથે સમાધાન થયું હોય તેવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. અહીં પણ કેટલાક મજૂરોના કામની સાઈટ પર મૃત્યુ થતા તે અંગે કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ વિગતો મેળવવાની કોશિશ કરી. ઉહાપોહ પણ થયો. જે તે દેશોના હાઈ કમિશનોએ પણ માહિતી મેળવવા માટે કોશિશ કરી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરતી એજન્સીએ જે મૃત્યુની સંખ્યા જાહેર કરી તેનાથી વિશેષ લોકોને તેમનો જીવ ગુમાવવો પડ્યો હતો. સાઈટ ઉપર જે પ્રાથમિક વ્યવસ્થાઓ ઉભી કરવાની થાય તેમાં પણ ઘણી કચાશ હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આવું એક નિરાશા જનક ચિત્ર ઉભુ થયું તે માટે ઘણી સંસ્થાઓએ એ તેમ જ સંબંધિત સરકારોએ મજૂરોને ન્યાય મળે તે માટે પ્રયાસો કર્યા. આમ છતાં કાયદાની છટકબારીઓને કારણે મજૂરોને પૂરો ન્યાય કે યોગ્ય વળતર મળી શક્યા નહિ. ભોપાલ ગેસ ટ્રેજેડીના કેટલાક અસરગ્રસ્તોને હજુ પણ સંપૂર્ણ વળતર મળ્યું નથી. તેમના કેસો જુદી જુદી ન્યાયિક સંસ્થાઓ પાસે પડતર છે. ભોપાલ ગેસ દુર્ઘટનામાં જે લાંબા ગાળાના નુકસાન થયા છે તે પુરવાર કરવા માટેના જરૂરી આધારો તેમ જ દસ્તાવેજોની પણ ઉણપ રહી છે. અનેક સ્થળોએ મજૂરોના રક્ષણ માટે જે કાયદાઓ કરવામાં આવે છે તેનું વાસ્તવિક અમલીકરણ કરવામાં આવે છે કે કેમ તેની ખરાઈ કરવા પણ કોઈ ચોક્કસ વ્યવસ્થા અસરકારક નથી તેવી લાગણી છે. ઘણા વર્ષો પહેલા જયારે યુવાન બેરિસ્ટર ગાંધી સાઉથ આફ્રિકામાંથી ભારત પાછા ફર્યા ત્યારે તેમણે શરૂઆતના વર્ષોમાં કેટલાક સંઘર્ષોમાં ભાગ લીધો તેમાં મજૂરો માટેના પ્રશ્નોમાં પણ તેઓ ઊંડા ઉતાર્યા. તેથી અમદાવાદમાં એક યાદગાર કામ થયું. મજૂરોના લાંબાગાળાના હિત માટે એક સ્થાયી વ્યવસ્થા થઇ જે આજે પણ અસ્તિત્વમાં છે. અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર ગણાતું હતું. આથી અનેક લોકોને ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રોજગારી મળતી હતી. અનેક મજૂરો પોતાનું તથા કુટુંબનું ભરણપોષણ કાપડ ઉદ્યોગની મિલોમાં મજૂરી કરતા હતા. અમદાવાદ ટેક્સ્ટાઇલ મિલ મજૂરો અંગે જે તે સમયની સ્થિતિ ધ્યાનથી જોઈએ તો તેમાંથી એ બાબત સ્પષ્ટ થાય છે કે મજૂરોને કામના વળતર તથા કામના કલાકો બાબત ભારે અસંતોષ હતો. આ સ્થિતિમાં બદલાવ લાવવામાં અનસુયાબેન સારાભાઈ એક મજબૂત માધ્યમ બન્યા. પોતે ઉદ્યોગપતિની પુત્રી અને ઉદ્યોગપતિની બહેન હોવા છતાં તેમની સંવેદશીલતા મજૂરોની વ્યાજબી માંગણીઓ તરફ રહી. તેમને લાગ્યું કે સંઘર્ષ કદાચ મોટો થશે અને પોતે તેનાથી ટેવાયેલા નથી એટલે તેમણે ગાંધીજીને વિનંતી કરી અને ગાંધી આ સંઘર્ષમાં જોડાયા. મજૂરોને ન્યાય તો મળ્યો જ ઉપરાંત મજુર મહાજન જેવી સંઘ જેવી વિશ્વવિખ્યાત સંસ્થા ગુજરાતના અમદાવાદમાં સો વર્ષ પહેલા ઉભી થઇ અને આજે પણ કામ કરે છે. આથી એ સ્પષ્ટ થાય છે કે મજૂરોના પ્રશ્નને લઈને નિષ્ઠાપૂર્વક રજૂઆત કરનાર અને તે પ્રશ્નોને સ્થાયી રીતે ઉકેલવા માટે મજબૂત સંસ્થાકીય વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે. ઉપરાંત મજૂરોના હિતના કાયદાઓના અમલીકરણ પર દેખરેખ રાખવા અસરકારક તંત્રની જરૂર છે. આથી એક પછી એક આવા પ્રશ્નો ઉભા થતા જાય ત્યારે તેના ન્યાયિક ઉકેલમાં સરળતા થાય.કામના સ્થળે અપૂરતી સુવિધાઓ તેમજ સલામતીના આગોતરા પગલાં ભરવામાં નિષ્ક્રિયતા એ અણગમતી છતાં મહદંશે વાસ્તવિક સ્થિતિ છે. દુર્ઘટના થાય ત્યારે તાત્કાલિક રાહત આપવામાં સ્થાનિક તંત્ર અને સરકાર મદદરૂપ બને છે એ તો સ્પષ્ટ છે પરંતુ અનસુયાબેન જેવી નિસ્બત રાખીને લાંબા ગાળા માટે આ પ્રશ્નનો નિકાલ કરવા માટે સંતોષકારક વ્યવસ્થા થતી નથી જે કાયદાઓ હેઠળ મજૂરોને રક્ષણ મળે છે તેનો પણ પૂરતો અમલ થતો નથી તેવા સમાચાર વારંવાર પ્રસિદ્ધ થતા રહે છે. મજૂરોની આ સ્થિતિમાં બાળ મજુરોની સ્થિતિ વિશેષ વિકટ છે. બાળ મજૂરોની સંખ્યા અંગે પણ જે વિગતો પ્રસિદ્ધ થઇ છે તે પ્રમાણે કોરોના પછી આફ્રિકા અને એશિયાના ઘણા દેશોમાં બાળમજૂરોની સંખ્યા વધી છે. મજૂરીકામ કરતી બહેનોના આર્થિક હિતોના રક્ષણ માટે અનસુયાબહેની પ્રેરણા લઈને ઇલાબહેન ભટ્ટે ‘સેવા’ સંસ્થાની શરૂઆત કરી. આજે પણ ‘સેવા’ વિકસી છે અને અસરકારક બની છે. અંતે તો ગાંધીજી, શેઠ અંબાલાલભાઈ તથા સમર્પિત અનસુયાબહેન જેવા લોકોના જીવનથી પ્રેરણા લઈને મજૂરોના પ્રશ્નો તરફ ન્યાય તથા માનવતાની નજરે ફરી જોવું પડશે. મે માસમાં આવતા વિશ્વ કામદાર દિવસનો આ સંદેશ છે.

વસંત ગઢવી

તા. ૨૬ એપ્રિલ ૨૦૨૫   

Leave a comment

Blog at WordPress.com.

Up ↑