આચમનનો આનંદ

:આચમનનો આનંદ:

                         ભારતની સાંસ્કૃતિક-લોકસાંસ્કૃતિક અસ્મિતાનું આચમન કરાવવાનો પ્રશસ્ય પુરુષાર્થ છેલ્લા દોઢ દાયકાથી ‘કચ્છમિત્ર’, ‘ફૂલછાબ’, ‘નવગુજરાત સમય’ અને ‘ગાંધીનગર સમાચાર’ જેવા જાણીતા અખબારોના માધ્યમથી વી.એસ.ગઢવીએ આરંભ્યો છે. હવે તેમાંથી ચયન કરેલા લેખોનું પ્રકાશન માંડવીની વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ(VRTI ) દ્વારા ‘આચમન’ ગ્રંથ રૂપે થઇ રહ્યું છે, એ સમાચાર આનંદદાયી અને આવકાર્ય છે. પૂજ્ય મોરારીબાપુના આશીર્વાદથી આ પુસ્તકની ગરિમા વધી છે.

                  શ્રી વી. એસ. ગઢવીએ આઈ.એ.એસ. અધિકારી તરીકે વિવિધ વિભાગોમાં બજાવેલી ફરજ અને મેળવેલી યશસ્વી સફળતાને કારણે સૌ કોઈ તેમના નામથી અને કામથી સુપેરે પરિચિત છે. નિવૃત્તિ બાદ દેશના સુપ્રતિષ્ઠિત અદાણી ફાઉન્ડેશન સાથે જોડાઈને તેઓ લોકહિતના કામોના અમલીકરણમાં યોગદાન આપી રહ્યા છે. ઝાલાવાડની પાવન ધરાનું આ પાણીદાર મોતી વિરલ અને વિશિષ્ટ છે, જેનું ગૌરવ માતા-પિતા, ચારણ સમાજ કે સૌરાષ્ટ્ર જ નહિ પણ સમગ્ર ગુજરાત લઇ શકે તેમ છે.

            સત્ય, શક્તિ અને સરસ્વતીની એકનિષ્ઠભાવે આરાધના કરનાર પિતાશ્રી શક્તિદાનજી તરફથી સુશાસનના અને માતા તરફથી માનવતાપૂર્ણ ભક્તિના તેમજ પૂજ્ય આઇશ્રી સોનલ માતાજી તરફથી સન્માર્ગે ચાલવાના આશીર્વાદ મળ્યા હોય તો શ્રી વી.એસ.ગઢવી જેવું વ્યક્તિત્વ પ્રગટે એ વાત સ્વાભાવિક છે. સરકારી સેવા તથા ત્યાર પછીના પણ ઘણાં વર્ષોની તેમની વ્યાવસાયિક કામગીરીમાં કામના લાંબા કલાકો તેમ જ રજા લેવાની ઓછી ટેવનું નિરીક્ષણ અમે સૌ અંતરંગ વર્તુળના મિત્રોએ કર્યું છે. તેઓ આ રીતે કામ કરી શક્યા તે માટે તેમના જીવનસાથી સુભદ્રાબહેન સામતભાઇ વરસડા તેમજ ચી. નેહલ તથા અલયનો ઉદાર સહયોગ રહ્યો છે તે નિઃશંક છે. ભાવનગરમાં ચારણ બોર્ડિંગમાં રહ્યા એ દરમિયાન કવિ શ્રી દુલા કાગ, લીંબડીના રાજકવિ શંકરદાનજી મેરૂભા તથા રવિશંકર મહારાજ અને અન્ય મહાનુભાવોને રૂબરૂ સાંભળ્યા અને વિદ્યાપ્રીતિ સાથે સાહિત્યપ્રીતિ પણ વિકસી. યુવાવયે સંઘના સ્વયંસેવક બન્યા. વિવિધ વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવતી વખતે શાસકો, લોકસેવકો, વિવિધ સંપ્રદાયના સંતો, કેળવણીકારો અને બૃહદસમુદાયના નિકટથી સંપર્કમાં આવ્યા. ચાર-પાંચ દાયકાની આ અનુભવયાત્રાનું નિરૂપણ તેમના લખાણોમાં થયું છે.

               ‘આચમન’માં કુલ છપ્પન લેખ સમાવિષ્ટ છે, જેમાં અપાર વિષયવૈવિધ્ય છે, જેને ચાર વિભાગમાં વર્ગીકૃત કરી શકાય તેમ છે.

              પ્રથમ વિભાગમાં ચારણી સાહિત્ય અને શિષ્ટ સાહિત્યના સર્જકોની વાત છે, જેમાં ચારણી સાહિત્યના મૂર્ઘન્ય ભક્તકવિ સાંયાજી ઝૂલા, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, પદ્મશ્રી દુલા કાગ, (ભગતબાપુ), નિરંજન વર્મા, ભાવનગરના રાજકવિ પિંગળશી નરેલા, લીંબડીના રાજકવિ શંકરદાન દેથા, કવિશ્રી પિંગળશી લીલા, દાન અલગારી અને કવિશ્રી બાપુભાઈ ગઢવી સમાવિષ્ટ છે. તો શિષ્ટ સાહિત્યના મહાકવિ નાનાલાલ, સવાયા ગુજરાતી કાકાસાહેબ કાલેલકર, ગદ્યકાર સ્વામી આનંદ, કવિ મીનપિયાસી, વિશ્વકોશના પ્રણેતા ધીરુભાઈ ઠાકર, ગઝલકાર રુસ્વા મઝલૂમી, નવલકથાકાર-ચિંતક ‘દર્શક’, રાષ્ટ્રીય શાયર મેઘાણી અને જયમલ્લ પરમારની સાહિત્યસાધનાની વાત છે.

                   સમર્થ સમાજસેવકોમાંથી રાષ્ટ્રપિતા ગાંધીજી, ભૂદાનના પ્રણેતા વિનોબાજી, મૂકસેવક રવિશંકર મહારાજ, આર્યસમાજના પ્રણેતા મહર્ષિ દયાનંદ સરસ્વતી, યુવાનેતા જયપ્રકાશ નારાયણ, દાદા ધર્માધિકારી, સમાજસેવાવ્રતી કેદાનનાથજી, ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર, આશ્રમશાળાના પ્રણેતા નાનાભાઈ ભટ્ટ, ગોંડલના મહારાજા ભગવતસિંહજી અને છત્રપતિ શિવાજીના બહુમૂલ્ય પ્રદાનની વિગતો સંક્ષેપમાં પણ ‘ગાગરમાં સાગર’ની રીતે આલેખી છે.

               ‘આચમન’માં લોકસાહિત્ય અને સંતસાહિત્યના સમર્થ સર્જકો-વાહકોની વાત કરતાં ગંગાસતી, પાનભાઈ અને કહળસંગ, ચારણઆઈ પરંપરા ઉજાળનારાં આઇશ્રી સોનલ અને આઇશ્રી જીવામા તેમ જ વિશ્વવિખ્યાત લોકગાયક હેમુભાઈ ગઢવી અને લાખાભાઇ ગઢવી સંદર્ભે સાધાર વાત કરી છે. તો વંચિતોની વેદનાને વાચા આપનારા સનત મહેતા, લીલાધર ગડા તેમજ ‘અમુલ’ના પ્રણેતા ડો. વર્ગીસ કુરિયન અને ત્રિભુવનદાસ પટેલના ભવ્ય પુરુષાર્થની વિગતે માહિતી આપી છે. મોરબી-મચ્છુની જળહોનારત, ભુજનો ધરતીકંપ કે સૌરાષ્ટ્રની જળસમસ્યાની વાત કરતી વખતે મહેકી ઉઠતી માનવતાની સ્વાનુભવજન્ય વાતોને તેમણે આલેખી છે. ચાર-પાંચ દાયકાથી સરકારી કાર્યવાહી સાથે સંકળાયેલા વસંતભાઈ પ્રજા અને શાસકની વાત તટસ્થરૂપે રજુ કરીને સત્યનો મહિમા દર્શાવ્યો છે. એ રીતે સાંપ્રત સમયે પણ તેમણે પોતાનો ચારણધર્મ પ્રગટાવ્યો છે, જે આવકાર્ય અને અનુકરણીય છે. મેઘાણી અને મુકુંદરાય પરાશર્યએ કંડારેલી કેડીએ ચાલીને વસંતભાઈએ પ્રાસંગિક મહત્વ ધરાવતા ઉજળા ચરિત્રોના જીવનના ‘આચમન’ રૂપે છપ્પન ભાતની વાનગીનો વિશિષ્ટ થાળ તૈયાર કર્યો છે, તેને આવકારતા શ્રી વી.એસ. ગઢવીના કાર્યને સાનંદ વધાવીને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું.

ડો. અંબાદાન રોહડિયા

Leave a comment

Blog at WordPress.com.

Up ↑