ગુજરાતના સર્વાંગી વિકાસમાં અનેક ધન્યનામ વ્યક્તિઓ કે સંસ્થાઓનો ફાળો છે. રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો સમર્થ રાજકીય પુરુષોમાં ડોક્ટર જીવરાજ મહેતાથી શરુ કરીને સનત મહેતા સુધીની એક સમર્પિત રાજકીય અગ્રણીઓની પેઢી ગુજરાતને મળી છે. તેમણે અનેક રીતે ગુજરાતના લોકોને નેતૃત્વ પૂરું પાડયું છે. ગુજરાતને સાંસ્કૃતિક તેમ જ આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે શ્રીમદ રાજચંદ્રથી ભિક્ષુ અખંડાનંદ સુધીના તેજસ્વી સંતો દોરીને લઇ ગયા છે. આ રીતે જ ગુજરાતને જાહેર વહીવટમાં તેમ જ જાહેર સંસ્થાઓમાં કામકરીને અનેક લોકો ગુજરાતને આગળ લઇ આવવામાં ખુબ જ ઉપયોગી પુરવાર થયા છે. લલિતચંદ્ર દલાલ અને ડોક્ટર કુરિયનથી શરુ કરીને શ્રી પ્રવિણભાઇ કનુભાઈ લહેરી સુધીના લોકો આ કક્ષામાં આવે છે. ઉપર જણાવી તે બધી કક્ષાઓમાંથી માત્ર આચમન સમાન થોડા નામો જ અહીં લેવામાં આવે છે. બાકી તો આવા અનેક ધન્યનામ લોકો છે કે જેમનો અહીંયા તેમના યોગદાનના કારણે સમાવેશ કરી શકાય. શ્રી લહેરી સાહેબ સાથે કામ કરવાનો અનુભવ evo છે કે હંમેશા જે કામ કરતા હોઈએ તે વધારે સારી રીતે કરવાની દ્રષ્ટિ મળે. ઉત્સાહ અને માર્ગદર્શન તો સહેજ વાતમાં મળતા રહે. લહેરી સાહેબે જ્યાં પણ કામ કર્યું છે ત્યાં પોતાની આગવી છાપ ઉભી કરી છે. તેમના વ્યક્તિત્વની ખૂબી એવી છે કે વહીવટના જુદા જુદા ભાગોમાં રહેલા પડકારોને તેમણે જીલી લીધા છે અને પાર પાડ્યા છે. તેમની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં જામનગર જિલ્લાની અસાધારણ અછતની પરિસ્થિતિ દરમિયાન તેમણે જે રીતે આયોજન કર્યું તેવી જ આયોજનશક્તિ તેમણે અલગ અલગ મુખ્યમંત્રીશ્રીઓના કાર્યાલયમાં તેમ જ મુખ્ય સચિવ તરીકેની કામગીરીમાં દેખાડી છે. અનેક સારા અધિકારીઓ સદનસીબે ગુજરાતને મળ્યા છે પરંતુ રાજકીય નેતાઓ તેમ જ લોકો વચ્ચેની સાંકળ તરીકે લહેરી સાહેબે ખુબ મહત્વનું કામ કર્યું છે. આજે પણ તેઓ સદવિચાર જેવી સંસ્થા સાથે અને વિશ્વકોશ જેવી સંસ્થા સાથે સંકળાઈને પોતાનું યોગદાન અસરકારક રીતે આપી રહ્યા છે. અમારી જેવા અને ભવિષ્યમાં આવનારા અનેક સરકારી અધિકારીઓ કર્મચારીઓ માટે લહેરી સાહેબનું જીવન અને યોગદાન એક દ્રષ્ટાંતરૂપ બની રહેશે તે ચોક્કસ છે. મને ખાતરી છે કે અનેક લોકો તેમના સ્વાસ્થ્ય માટે અને તેમનું યોગદાન સતત મળતું રહે તે માટે પ્રાર્થના કરતા રહેશે.
વસંત ગઢવી
તા. ૮ એપ્રિલ ૨૦૨૫
મોબાઈલ:-૯૦૯૯૯૯૧૦૬૩.
Leave a comment