વાર્તા કથનની કળા-સંસ્કૃતિ

વાર્તા કથનની કળા: આપણી વિસરાતી વિરાસત

આજે વાર્તા કહેવાની કળા ઘણી ઓછી થઈ છે. શાળાઓમાં પણ વાર્તાકથનની પ્રથા ઘટતી ગઈ છે. શિક્ષકો પોતે મોટાભાગે આ બાબતમાં રસ લેતા નથી અથવા તો અન્ય કામગીરીના બોજાને કારણે કે શિક્ષકોની ઘટના કારણે તેઓ આ બાબત પર ધ્યાન આપી શકતા નથી. આ કારણસર વિદ્યાર્થીઓનો રસ પણ વાર્તાકથનમાં કેળવાતો  નથી. આ રીતે જ હાલરડાં ગાવાની એક સારી પ્રથા હતી તે પણ હવે નામશેષ થતી જાય છે. Digital Media ના વિવિધ પ્રકારોથી હાલરડાં પણ સાંભળી શકાતા હશે. બાળકો તથા માતા-પિતાને પણ આ સાધનનો ઉપયોગ હાથવગો તેમ જ સરળ થયો છે. છતાં વાર્તા કહેવાની કે હાલરડાં ગાવાની પ્રક્રિયાનો એક અનોખો આનંદ હતો તે બાબતનો સાર્વત્રિક સ્વીકાર થાય છે. બંને પ્રક્રિયામાં કહેનાર કે ગાનારનો સ્નેહ પણ સાંભળનાર તરફ વહેતો હતો. એક સલામતી તથા કાળજી સાથેની હૂંફનો અનુભવ થતો હતો. શિવાજીના હાલરડા જેવી રચનાઓ આજે પણ ખુબ જ લોકપ્રિય રહી છે. જીવંત રહી છે. આથી આ સમગ્ર પ્રક્રિયા અનેક પેઢીઓ સુધી વિશેષ જીવંત રહી. બીજા વિશ્વયુદ્ધની ભીષણતાના કેન્દ્ર સમાન હિટલરના યાતના કેમ્પમાં એક તેર ચૌદ વર્ષની દીકરી કેમ્પમાં રહેલા થોડા બાળકોને વાર્તા કહેતી. આ નરકાગાર જેવા સ્થળમાં પણ બાળકો વાર્તા સાંભળીને ઊંડી ખુશાલી અનુભવતા હતા. આ વાતનું સુંદર ચિત્ર આજ કેમ્પમાં રહેતા તેમ જ સદનસીબે જીવતા રહેલા એક યુરોપના લેખકે લખ્યું છે. કેટલાક માધ્યમોમાં થોડા વર્ષો પહેલા વ્યાપક પ્રસિદ્ધિ પણ પામ્યું હતું. પોતાનું વક્તવ્ય પ્રભાવી રીતે કહેવું તેવી શક્તિ વાળા લોકો ઓછા છે. વાત કહેવાની કળા પરથી માણસની પરખ થાય છે. લોકસાહિત્યમાં એક દુહો છે.

હંસ તરતો પરખીએ

પાણી નદી વહંત

સોનુ કસીને પરખીએ

માણસ વાત કહંત.

ઉપરના દુહામાં કહ્યું છે તેવી અસરકારક શૈલીમાં વાત માંડવાની શક્તિ હોય તેવા લોકોની સ્મૃતિ કરીએ તો સૌથી પહેલા પોરબંદર જિલ્લાના નાના ગામ છાત્રાવાના ઘેડ પંથકના દિગ્ગજ અગ્રણી મેઘાણંદ બાપાનું નામ યાદ આવે છે. મેઘાણંદ બાપાની વાર્તા કહેવાની શૈલી વિશે લખાયું છે. તેમના વ્યક્તિત્વના પ્રભાવ વિશે પણ મહા મહોપાધ્યાય કેકા શાસ્ત્રી પાસેથી વાતો સાંભળી છે. નિવૃત્ત સનદી અધિકારી શંભુ પ્રસાદ હરપ્રસાદ દેસાઈએ પણ મેઘાણંદ બાપાની વાર્તા કલાની અસરકારકતા ઉપર લખ્યું છે. વર્ષો પહેલા મુંબઈમાં મળેલી એક સભામાં મેઘાણંદ બાપાને કમા મુનશીએ નિરક્ષર સાક્ષર તરીકે બિરદાવ્યા હતા આવી વાર્તાઓમાં માનવજીવનના ઉમદા સંસ્કારોનું દર્શન થતું હતું. એ રીતે જ સનાળીના ગગુભાઈ લીલા તથા કાનજીભાઈ લીલા પણ સાહિત્યની તેમજ વાર્તાની અભિવ્યક્તિમાં શિરમોર સમાન હતા. અનેક કાઠીયાવાડી રાજવીઓ તેમના આગમનની અને તેમની વાર્તા સાંભળવા ઉત્સુક રહેતા હતા. કાઠી ડાયરાની શોભા સમાન સનાળીના આ સુપ્રસિદ્ધ કલામર્મજ્ઞો અને વાહકો હતા. ભગત બાપુ કહેતા કે ભાવનગરના પિંગળશી પાતાભાઈ નરેલાની વાર્તા કથનની શૈલી અસાધારણ હતી. ઝવેરચંદ મેઘાણીને સ્નેહ તેમ જ સાહિત્ય બંને પિંગળશીબાપુ તેમ જ પાટણાના રાજ્યકવિ ઠારણબાપુ તરફથી મળ્યા હતા. થોડા સમય પહેલા કાનજી ભુટા બારોટ આપણી વચ્ચેથી ગયા. તેઓ પણ વાર્તા કલામાં વ્યાપક લોકપ્રિયતા ધરાવતા હતા. પ્રસારભારતીમાં તેમની વાર્તાઓનું રેકોર્ડિંગ એ અમૂલ્ય ખજાના સમાન છે. જીવનની રોજ-બ-રોજની ઘટનાઓમાંથી રોચક તથા સામાન્ય માણસને સમજાય તેવું વાર્તાકથન એ કાનજીબાપાના આકર્ષક વ્યક્તિત્વનો ભાગ હતો. ઉપરાંત દરબાર પુંજાવાળા લોક સાહિત્ય પરિવારના અનેક કાર્યક્રમોમાં પોતાની ઉમદા વાર્તા કળાનો પરિચય કરાવતા હતા. ઉર્મી નવરચનાના જુના અંકોમાં આ બધી વિગતો શ્રી જયમલ્લ પરમારે વ્યવસ્થિત રીતે અને અધિકૃત રીતે નોંધી છે. રેડિયો નાટિકાનું અને એ માધ્યમથી વાત કલાત્મક રીતે રજુ કરવાની એક નવી રીત શ્રી હેમુભાઈ ગઢવીએ વિકસાવી અને તે પણ ખૂબ જ પ્રસિદ્ધિ ને પામી. આ બધા નામોમાં એક ઉજળું નામ એ વઢવાણના શ્રી બચુભાઈ ગઢવીનું છે. બચુભાઈનું નામ લેતા જ વાર્તા કળાના એક દિગ્ગજ વ્યક્તિત્વનું સ્મરણ થાય છે. પોતાની મસ્તીમાં રહેતા બચુભાઈ ને સાંભળવા અનેક લોકો ઉત્સુક રહેતા હતા. તેમની વાર્તાઓમાં નવે રસોનો સમાવેશ થતો હતો. આમ છતાં વીરરસની અભિવ્યક્તિમાં બચુભાઈના વ્યક્તિત્વનો અને  વિધ્વતાનો એક જુદો જ પ્રભાવ હતો. વીરરસની પ્રસ્તુતિની વાત કરીએ ત્યારે ભાઈ ઇસરદાનની પણ અચૂક સ્મૃતિ થાય. આપણી વચ્ચેથી ઇસરદાનભાઈએ અણધારી અને અકાળે વિદાય લીધી. ઇસરદાનની વિદાય મનમાં ઊંડો ખેદ પ્રગટાવીને ગઈ. વીરરસની પ્રસ્તુતિમાં ઇસરદાનની શક્તિ અસાધારણ હતી. બચુભાઈનો વિચાર કરતા અનેક ધન્યનામોની સ્મૃતિ વંદના કરવાનો પણ અવસર મળ્યો. બચુભાઈની વાર્તાઓ સાંભળવા માટે અનેક કાર્યક્રમોમાં બહોળા સમુદાયમાં લોકો હાજર રહેતા હતા. એક વખત ભાવનગર બોર્ડિંગમાં ભગત બાપુ પોતાની સારવારના કામ માટે રોકાયેલા હતા તે વખતે યોગાનુયોગ ત્યાં બચુભાઈનું આવવાનું થયું. બાપુએ બચુભાઈને વાર્તા સંભળાવવા કહ્યું. બચુભાઈ એ ખૂબ રાજી થઈને સરસ વાર્તા સંભળાવી. બચુભાઈના સમગ્ર કથન દરમિયાન ભગત બાપુના મુખ પરની પ્રસન્નતા ત્યાં બેઠેલા સૌને પણ જોવા મળી. વાર્તા પૂરી થઈ ત્યારે ભગત બાપુએ બચુભાઈને પ્રશંસાના શબ્દોમાં દ્વારા બિરદાવ્યા અને તેમને ઉત્સાહિત કર્યા. બચુભાઈ ઉપર એક નાનું પરંતુ મહત્વનું દસ્તાવેજીકરણ કરવાનું કામ ચરજ નેટવર્ક કરે છે. તે વધાવી લેવા જેવી બાબત છે. ચરજ નેટવર્ક તરફથીઅગાઉ પણ નારાયણ સ્વામીનું સુંદર દસ્તાવેજીકરણ કર્યું હતું તે યાદ આવે છે બચુભાઈ પરનું આ દસ્તાવેજીકરણ સાહિત્યમાં રસ ધરાવતા અનેક લોકોને આવનારા વર્ષો સુધી ઉપયોગી થશે તે ચોક્કસ છે. આ બધી કલાઓ તેમ જ તેના વાહકો એ આપણી ઉજળી ધરોહર સમાન છે. પેઢી દર પેઢી સંસ્કારસિંચન કરવાનો એક નીવડેલો ઉપાય એ વાર્તાકથન છે. આ કળા ભાવિ પેઢીઓમાં જળવાઈ રહે તથા તેનું પોષણ થાય તે જોવાની આપણી સામુહિક જવાબદારી છે.

વસંત ગઢવી

૩૧ માર્ચ ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑