બાળમજૂરોની દયનિય સ્થિતિ-વાટે…ઘાટે

બાળમજૂરોની દયનિય સ્થિતિ: આપણી સામાજિક જવાબદારી:

વહ આતા-

દો ટૂક કલેજે કે કરતા

પછતાતા પથ પર આતા.

પેટ-પીઠ દોનો મિલકર હૈ એક

ચલરહા લકુટીયા ટેક,

મુઠ્ઠીભર દાનેકો-ભૂખ મિટાને કો

મુંહફટી-પુરાની ઝોલી કો ફૈલતા-

વહ આતા…દો ટૂક કલેજે કે કરતા.

                              જીવનની નિરંતર તથા ઝડપી ગતિને કારણે નજર સામે જ જોઈ શકાય તેવી ઘટનાઓ આપણુ વિશેષ ધ્યાન ખેંચતી નથી. ધ્યાન જાય તો પણ તે તરફ અવગણના કરીએ છીએ. કેટલીકવાર કદાચ ઘૃણા નહિ તો કંટાળાનો ભાવ પણ મનમાં થાય છે. પરંતુ શાળાએ જવાના સમયે આ બાળક કે કિશોર આપણી ગાડીનો આગળનો ગ્લાસ સાફ કરવા કેમ આજીજી કરે છે? તેની જરૂરિયાત શી છે? આ બાબતનો વિચાર સામાન્ય રીતે આપણે કરતા નથી. આથી ઉપરની સચોટ કાવ્ય-પંક્તિઓમાં કવિ સૂર્યકાન્ત ત્રિપાઠી ‘નિરાલા’એ આ ભિક્ષુક સમાજ તરફ ફરી આપણું ધ્યાન દોર્યું છે. દુર્ભાગ્યે બાળક તે કથાનો મહત્વનો ભાગ છે. ‘નિરાલા’ (૧૮૯૬-૧૯૬૧) એ આપણી રાષ્ટ્રભાષા હિન્દીના ગણમાન્ય કવિ છે. ‘ભિક્ષુક’ એ તેમની જાણીતી કાવ્યરચના છે. આ કાવ્યમાં ભિખારીની ભૂખ, તે જે લાચારી અનુભવે છે તેની વેદના અને સમાજની ઉદાસીનતાના ચિત્રનું એક ચિંતાજનક દર્શન કરાવે છે. આ વિષયમાં કામ કરનારા થયા નથી તેમ ન કહી શકાય. સરકાર ઉપરાંત અનેક વ્યક્તિઓ-સામાજિક સંસ્થાઓ ભિક્ષુકો અને તેમાંય ખાસ કરીને બાળમજૂરોની સમસ્યા ઉકેલવા માટે પ્રયાસો કરે છે. એમ જરૂર લાગે છે કે બાળમજૂરી અટકાવવાની વાતની અગ્રતા કદાચ ટોચના સ્થાને નથી. આ બાબતમાં એક સુખદ અપવાદ કૈલાશ સત્યાર્થી(જન્મ:-૧૧ જાન્યુઆરી ૧૯૫૪-વિદિશા. M .P) ગણી શકાય. કૈલાશ સત્યાર્થીને નોબેલ પારિતોષિકથી બાળમજૂરોની બાબતમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યું હતું. કૈલાશ સત્યાર્થીએ ઓસ્લો(નોર્વે)માં આ સર્વશ્રેષ્ઠ સન્માન સ્વીકારતા કહ્યું કે તેમણે એક બલકે જૂત્તાની મરામત તથા પોલિશ કરતો જોયો. તે શા માટે શાળાએ જતો નથી? આ વાતનો સ્પષ્ટ જવાબ તેમને ન મળ્યો. આમ છતાં તેઓ સ્પષ્ટરીતે એ સમજી શક્યા કે કુટુંબના ભરણપોષણ માટે મજૂરી કરવી કે ભીખ માંગવી તે બાળકની અનિવાર્ય જરૂરિયાત છે. આવા અનેક બાળકોના આર્થિક-સામાજિક પ્રશ્નોને વાચા આપવા કૈલાશ સત્યાર્થીએ બચપન બચાવો આંદોલન-BBA  -શરૂ કર્યું. એક લાખથી વધારે બાળકોને તેમના સંગઠને મદદ કરી. તેમણે વિશ્વના લોકોનું ધ્યાન દોરવા Global March against Child Labour નું આયોજન કર્યું. ILO એ પણ તેની નોંધ લીધી. ભારત સરકારે પણ બાળમજૂરી નાબૂદ કરવા કેટલીક આકર્ષક યોજનાઓ શરુ કરી. એ પણ યોગાનુયોગ છે કે ૨૦૧૪નું Nobel Peace Prize કૈલાશ સત્યાર્થી તેમ જ મલાલા યુસુફઝાઈને સંયુક્ત રીતે મળ્યું હતું. કેટલાક વ્યવસાયોમાં બાળકોની ઉત્પાદન ક્ષમતા વિશેષ હોય છે. તેથી તેઓ તેમાં વિશેષ મજૂરી કામ મેળવે છે. ખેતી ઉપરાંત આવા વ્યવસાયોમાં ફટાકડા બનાવતા ઉદ્યોગો તેમ જ કાર્પેટ ઇન્ડસ્ટ્રીમાં બાળમજુરોનું વિશેષ પ્રમાણ છે. સિવાકાસી(તમિલનાડુ)નો ફટાકડા ઉદ્યોગ તે સંદર્ભમાં યાદ આવે છે. બાળકોને અહીં મજૂરી કરવા જવાનું અનિચ્છાએ પણ આવશ્યક છે. તેની પીડા સમગ્ર સમાજ સુધી પહોંચતી હશે કે કેમ તે સમજાવું મુશ્કેલ છે. સરકારની તો આ વિષયમાં ફરજ છે જ. પરંતુ સામાજિક સંવેદનશીલતાની પણ અહીં એટલી જ ઉપયોગીતા છે. જનાબ અબ્બાસ દાનાનો એક શેર યાદ આવે છે:

ભૂખ હી ઉન્હેં લે ગઈ

કારખાનો કી તરફ, ઘર સે તો

બચ્ચે નિકલે થે ઈસ્કુલ જાને કે લિએ.

              મજબુરીની આ વાત જ કવિ ‘નિરાલા’એ કરી છે. આ ભિખારીની દયનિય સ્થિતિનું થોડું વધારે ચિત્રણ નિરાલાજીએ કર્યું છે. ભિક્ષુકની સાથે બે નાના બાળકો પણ છે. બાળકોનો એક મોટો વર્ગ ભીખ માંગવા માટે મજબુર છે.

સાથ દો બચ્ચે ભી હૈ

સદા હાથ ફૈલાયે, બાંયે સે

વે ચલતે હુએ પેટ કો મલતે,

ઔર દાહિના દયા-દ્રષ્ટિ પાને કી

ઔર બઢાએ.

                   એક હાથથી બાળકો ખાલી પેટને ધીમેથી મસળે છે. બીજા હાથથી ફેલાવીને તે રસ્તે આવતા જતાની કૃપાદ્રષ્ટિ મેળવવાનો પ્રયાસ કરે છે. કોઈનું ધ્યાન જાય તો કશુંક મળવાની આશા છે. એ જ તેમની રોજગારી છે. જીવનની આ અનિશ્ચિતતાઓ તેમ જ અભાવ બાળમાનસના ઘડતર ઉપર ઊંડી અસર કરે તે સ્વાભાવિક છે. આવા બાળકોની સંખ્યા દેશની કુલ વસ્તીના પ્રમાણમાં ગણો તો ઓછી લાગે. આમ છતાં જે આંકડાઓ અધિકૃત રીતે ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે મળે છે તે પણ ઓછા કે નગણ્ય નથી. ૨૦૧૧ની વસતી ગણતરીમાં 4.3 Million બાળમજૂરોની સંખ્યા ગણવામાં આવી હતી. આ ગણતરીને પણ ૧૫ વર્ષનો સમય થયો છે. આ સંખ્યા આજે ઘણી વધારે હોય તેમ ચોક્કસ લાગે છે. કોરોના પછી આફ્રિકા તથા એશિયામાં બાળમજૂરોની સંખ્યામાં વૃદ્ધિ થયાના પણ સમાચારો મળ્યા છે. ILO તથા UNICEF તરફથી ૨૦૨૦માં જે બાળમજૂરોની સંખ્યા દર્શાવવામાં આવી છે તે સમગ્ર દુનિયામાં 8.4 Million ની સંખ્યા દર્શાવે છે. આથી આ પ્રશ્નનો વ્યાપક ઉકેલ એ સમગ્ર વિશ્વ માટે પડકારનો વિષય છે. શેરીઓમાં અર્ધનગ્ન સ્થિતિમાં ભીખ માંગતા બાળકોની દયનિય સ્થિતિ અકળાવનારી છે. NHRC ના જણાવ્યા અનુસાર આશરે ૩ લાખ બાળકોને ચોક્કસ ગુનાહિત કાર્યો કરનારી ગેંગ તરફથી આ વ્યવસાયમાં ધકેલવામાં આવે છે. બાળકોનું  અપહરણ એ પણ આ સમગ્ર ડિઝાઇનનો ભાગ હોવાની પુરી સંભાવના છે. ‘નિરાલા’ના કાવ્યની અંતિમ પંક્તિઓ વિશેષ દર્દસભર છે.

ભૂખ સે સુખ ઓઠ જબ

જાતે, દાતા-ભાગ્ય વિધાતા સે

ક્યાં પાતે? પતલો પર કુત્તે

ઝપટતે હૈ પહલે, વે પીછે લોટ

ખાતે….દો ટૂક કલેજે કે કરતા.

          જેમના જીવનમાં કદી દિવાળીનો પ્રકાશ પહોંચતો નથી તે ભિક્ષુક બાળકોની સ્થિતિ એક સામાજિક સમસ્યા છે.

વસંત ગઢવી

તા. ૨૫ માર્ચ ૨૦૨૫                 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑