નારીસંતોનું ભાતીગળ આભ-ક્ષણના ચણીબોર

જી રે લાખા, દુધે ભરી છે

તલાવડીને, મોતીડે બાંધી છે

પાળ, સુગરા હશે તે ભરી ભરી પીશે

 ને નુગરા થાશે નિરાશ.

               સૌરાષ્ટ્રના નારીસંતોમાં એક અગ્રણી નામ તે સતી લોયણનું છે. ઉપરની પંક્તિઓ સતી લોયણે લખી છે. થોડા શબ્દોમાં જીવનનું વ્યવહારુ જ્ઞાન સતીએ આપી દીધું છે. જગતમાં અનેક કિંમતી પદાર્થો રહેલા છે. જેઓ સમજુ, વિવેકી તેમ જ સદગુરુના આશીર્વાદ પામેલા હશે તેઓ આ અમૂલ્ય ચીજોનો લ્હાવો લઇ શકશે. બાકીના લોકો આ અમૃતપાન કરવા ભાગ્યશાળી થશે નહિ કારણ કે સુગરા હશે તેને ગુરુએ દ્રષ્ટિનું પ્રદાન કરેલું છે. જીવનમાં અમૂલ્ય ચીજો મેળવવા અંતે તો દ્રષ્ટિ તથા ગુરુકૃપા જ જોઈએ. જેવી જેની દ્રષ્ટિ હશે તેવું જ તે પામશે.

વસુધા અને વિદ્યા વિશે

વિવિધ રસોનો વાસ,

આંબો ચૂસે મિષ્ટ રસ

લિએ આંબલી ખટાશ

                  કવિ દલપતરામની આ પંક્તિઓ સતી લોયણની અભિવ્યક્તિનું સમર્થન કરતી હોય તેમ લાગ્યા કરે. લોયણ જેવા નારીસંતોએ આપણાં તળ સાહિત્યને ઉજળું કર્યું છે. નારી સંતોનું સાહિત્ય આપણાં અમૂલ્ય સાહિત્યનો મહત્વનો હિસ્સો છે. આપણાં સાહિત્યનું એ ગુરુશિખર છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.

                        આપણાં આ દરેક નારીસંતનુ યોગદાન મહત્વનું છે. આમ છતાં તેમના કેટલાક સંતો તેમના યોગદાન થકી વિશેષ ખ્યાતિ પામ્યા છે. તેમના એક લલદે કે લલ્લેશ્વરી કાશ્મીરમાં મહિલા સંત તરીકે વ્યાપક સ્વીકૃતિ પામ્યા હતા. જન્મ શ્રીનગર નજીકમાં  થયો હતો. ૧૪મી સદીમાં તેમનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. લલ્લાદેને માતાપિતા પાસેથી જ્ઞાન તથા ભક્તિના સંસ્કાર મળ્યા હતા. તે જમાનામાં સ્ત્રીઓ માટેના શિક્ષણની કોઈ વ્યવસ્થા ન હતી. આમ છતાં, લલ્લાદેના માતા-પિતાએ પોતાની પુત્રી માટે શિક્ષણની ખાસ વ્યવસ્થા કરી હતી. લગ્ન પછીનું લલ્લાદેનું જીવન દુષ્કર હતું. અનેક પ્રકારે સાંસારિક કષ્ટો તેઓ ભોગવતા હતા. આ બધા પ્રતિકૂળ સંજોગો વચ્ચે લલ્લાદે પોતાની મસ્તીમાં રહી પ્રભુભક્તિ કરતા હતા. તેઓના જીવનનો અસલી આનંદ તેમને ભીતરથી પ્રાપ્ત થતો હતો. બહારના જગતથી તેમની અંતરની શાંતિ ડહોળાતી ન હતી. અંદરની યાત્રા એ જ તેમના જીવનનો વૈભવ હતો. એ ગુરુકૃપાથી મળેલો ખજાનો હતો. લલ્લાદે કહે છે:

તું તારામાં ઉતર

બહારથી પાછી ફર

એ બોધ બન્યો મારા

જીવનનો વળાંક બસ

ત્યારથી ફરી રહી છું વિના લિબાસ.

                      અંતરની સમૃદ્ધિને બહારના લિબાસ કે દેખાવ સાથે કોઈ લેવા દેવા નથી તે વાતનું જીવંત ઉદાહરણ લલ્લાદે છે. આવા અનેક નારીસંતોના જીવનનું તથા કવનનું દર્શન કાલિન્દીબહેન પરીખે તેમના સુંદર પુસ્તક ‘ભારતીય નારીસંતોનું કાવ્યાકાશ’ના માધ્યમથી કરાવ્યું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે તેનું પ્રકાશન કર્યું છે. પુસ્તકની સુંદર તથા અર્થસભર પ્રસ્તાવના કવિ દલપત પઢિયારે લખી છે. દલપતભાઈનું એ વિધાન ઉચિત છે કે નારીસંતો વિશે ભારતીય ફલકને આવરી લેતા પુસ્તકની ખોટ દેખાય છે. કાલિન્દીબહેન તેમના સર્જન થકી આ ખોટને પૂરવાનો અસરકારક પ્રયાસ કર્યો છે. આથી આ સ્તુત્ય પ્રયાસ વધાવવા જેવો છે. દેશના વિભિન્ન ભાગોના નારીસંતોના સર્જન જોઈએ તો તેમાં મૂળ વિચારોનું ઐક્ય જોવા મળે છે. નારીસંતો જગતના અનેક મહારથી પુરુષોને અધ્યાત્મના સાચા માર્ગે દોરી ગયા હતા. જાતિ તેમ જ કુળના બંધનોને મૂળમાંથી ફગાવી દીધા હતાં. ગંગાસતી કહે છે:

જાતિપાતી છોડીને અજાતી

થવું ને કાઢવો વરણ વિકાર.

જાતિપાતી નહિ હરિના દેશમાં

એમ માની રહેવું નિર્માન રે.

                   ગુજરાતમાં સદ્ભાગ્યે નારીસંતો ઉપર કેટલાક નોંધપાત્ર કામો થયા છે તેનું અભ્યાસુ તારણ ડો. બળવંત જાનીએ આ પુસ્તકમાં નોંધ્યું છે. આ વિષયમાં કાર્ય કરનારા ડો. નલિની મડગાંવકર, ડો. નૂતન જાની, ડો. ઉર્વશી પંડ્યા તેમ જ ગુજરાત વિદ્યાપીઠના જાણીતા સર્જક ડો. ઉષા ઉપાધ્યાયને પણ તેમના યોગદાન માટે યાદ કરવા જેવા છે. ડો. નાથાલાલ ગોહિલ તેમ જ ડો. નિરંજન રાજ્યગુરુની અવિરત સાધના તો આ વિષયમાં છે જ.

                        કર્ણાટકના સંત-કવયિત્રી અક્કા મહાદેવી પણ એક ઝળહળતા નક્ષત્ર સમાન છે. આ નારીસંતોએ સામાજિક બંધનો સામે અસરકારક પ્રતિકાર કર્યો હતો. મહિલાઓ માટે વિશેષ બંધનકર્તા હોય તેવી કુટુંબવ્યવસ્થા સામે તેમનો ખુલ્લો આક્રોશ હતો. અક્કા મહાદેવી આવા એક સંત-કવયિત્રી હતાં. સાંસારિક બંધનો સામે તેમણે કલ્યાણમાર્ગનો કપરો છતાં ઉત્તમ રસ્તો લીધો હતો. તેઓ લખે છે:

કોઈ પણ જઈ શકે નહિ

ન જઈ શકે ન જઈ શકે કલ્યાણ

લોભ અને વાસનાને વિખેર્યા વિના

તમે જઈ શકો નહિ કલ્યાણના માર્ગે.

જો તમે શુદ્ધ ન હો તો

જો તમે દેહની સભાનતાને ફેંકી

શકો નહિ તો તમે જઈ શકો નહિ

કલ્યાણના માર્ગે.

                             રાજસ્થાનના સંત ભુરીબાઈને મૌનનું ગુરુશિખર માનવામાં આવે છે. વિક્રમ સંવત ૧૮૯૨ની આસપાસ તેમનો જીવનકાળ છે. આ જગતમાં જાણે તેઓ મૌનનો મહિમા ગાવા તથા સમજાવવા આવ્યા હતાં. નાથદ્વારામાં તેમનો આશ્રમ છે.

                            સંત ભુરીબાઈ (અલખ) લખે છે:

બોલના કા કહીએ રે ભાઈ

બોલત બોલત તત્વ નસાઈ

બોલત બોલત બઢે વિકારા

બિન બોલે કા કરઈ બિચારા.

                  તેઓ મૌનના ગુણને ગાતા કહે છે:

ચૂપ સાધન ચૂપ સાધ્ય

ચુપમાં ચૂપ સમાય

ચૂપ સમજાઈરી સમજ હૈ

સમજે ચૂપ હો જાય.

                    પોરબંદર જિલ્લાના મોઢવાડા ગામમાં સંતોમાં રત્ન ગણાય તેવા સંત વીરબાઈમાં હતાં. માતાની સાથે ઘરકામ કરતા જ ભજન ગાતા જાય. તેમની ભજનવાણી સરળ હતી.

હાં રે ગુરુજી ! કહો ભજનવાણી

કેમ કરીએ ! અમને મળિયા

અંતરજામી રે હાં….

હાં રે તમે લેવાય તો રામનામ લેજો

એ જી દેવાય તો ટુકડો દેજો

હીરો પડ્યો છે મેદાનમાં તમે

લેવાય તો રામ લેજો.

         કાલિન્દી બહેનના આ સર્જનથી નારીસંતોના વ્યાપક તથા ઝળહળા આકાશનું દર્શન થાય છે.

વસંત ગઢવી

તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑